દેશભરમાં લાખો લોકો ઊમટી પડ્યા છે – બંધારણની કલમો જાહેરમાં વાંચે છે, રાષ્ટ્રગીત ગાય છે અને ત્રિરંગો લહેરાવે છે. તે છતાં સરકારના સમર્થકો એમની ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા છે. કહે છે કે સરકારના વિરોધીઓને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ કે પાકિસ્તાનથી ભારત આવતા હિન્દુ શરણાર્થી માટે અનુકંપા નથી; એ શરણાર્થીને ભારતીય નાગરિકત્વથી વંચિત રાખવા માગે છે. અમે ખરા માનવાધિકારના રક્ષક છીએ, આ બધા ‘સેક્યુલર’ લોકો દંભી છે. આવે વખતે કટાક્ષની કોઈ જરૂર નથી લાગતી.
નાગરિકતાના નવા કાયદાના વિરોધીઓને પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનની હિન્દુ, શીખ, પારસી, જૈન, બૌદ્ધ કે ખ્રિસ્તી પ્રજા તરફ કોઈ નફરત, તિરસ્કાર કે દ્વેષ નથી; પણ એ સૌ સાચી માનવતામાં માને છે. એમનું દિલ પ્રત્યેક વ્યક્તિ, જેણે ક્યાં ય પણ સતામણી સહી હોય, એમને માટે ખુલ્લું છે. અને એનો અર્થ એમ કે એ દેશની મુસ્લિમ પ્રજાને પણ સ્વીકારવા એ તૈયાર છે. એવો દાવો કરવો કે આ ત્રણ દેશની મુસ્લિમ પ્રજા સુખેથી રહે છે અને ત્યાંની લઘુમતી કોમો પર જુલમ કરે છે, એ સાવ વાહિયાત વાત છે. એવો દાવો કરવાવાળા કાં તો પોતાની અજ્ઞાનતા દર્શાવે છે અથવા નિર્લજ્જપણે ભાવનાશૂન્યતા બતાવે છે, કારણ કે એ ત્રણ દેશમાં એવા ઘણા મુસ્લિમ છે, જે ત્યાંની સરકારનો વિરોધ કરે છે અને એ માટે એમણે ઘણું સહ્યું છે.
CAA કાયદામાં ઘણા બીજા વાંધાજનક મુદ્દા છે દાખલા તરીકે તેનો રાષ્ટ્રીય નાગરિક યાદી જોડેનો સંબંધ. એને કારણે ઘણા ભારતીય નાગરિક વ્યથિત અને નારાજ થયા છે, કારણ કે જે મુસ્લિમ નાગરિક પાસે સરખા દસ્તાવેજ નહીં હોય, તો એમને પોતાનું નાગરિકત્વ પુરવાર કરવું પુષ્કળ અઘરું પડશે. લાંબીચોડી પ્રક્રિયા વગર એમનાથી પોતાનું ભારતીયપણું પુરવાર નહીં કરાય અને એમને સીધેસીધા કૅમ્પમાં લઈ જવાશે. આને લીધે ભેદભાવ વધશે અને આ એક ઘોર અન્યાય છે. સી.એ.એ. ધારા મુજબ કેટલાક શરણાર્થીને આપમેળે નાગરિકત્વ મળશે. આમ, એક પ્રકારના વ્યક્તિત્વને વધારે મહત્ત્વ આપી અને બીજાં બધાં પાસાંઓની ઉપેક્ષા કરી, આ કાયદાનો પાયો જ આધારહીન અને નબળો બન્યો છે – અથવા બનાવાયો છે.
આપણે જન્મીએ તે વખતે આપણે નથી હોતા હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી; નથી હોતા ગુજરાતી કે પંજાબી; ને નથી હોતા સવર્ણ કે દલિત. આ બધી લાક્ષણિકતાઓ કે વિશિષ્ટતાઓ માનવસર્જિત છે અને એ આપણે ગ્રહણ કરીએ છીએ વડીલો ને સમાજ દ્વારા, અને બીજા લોકો આપણને ચોકઠામાં બેસાડી દે છે. બાલ્યાવસ્થામાં આપણે તો હોઈએ છીએ ભોળા, નિખાલસ અને નથી હોતી આપણને આવા બધા વિભાજક વિચારોની કોઈ ગતાગમ. ભાષા, ધર્મ, જાતિ-આ બધી લાક્ષણિકતાઓ આપણે શીખીએ છીએ પછીથી – અનુકરણ કરીને, ગોખીને, મનમાં ઠસાવાય એ રીતે. અને સમય જતાં આવી વિચારસરણીઓ દૃઢ થતી જાય છે અને કેટલાક એ માટે મારવા અને મરવા તૈયાર થઈ જાય છે.
સેતાનિક વર્સીસ નવલકથામાં સલમાન રુશ્દીએ લખ્યું છે :
“સવાલ : શ્રદ્ધાનો વિપરીત શબ્દ શું?
ના, અવિશ્વાસ નહીં – એ તો ખૂબ અંતિમ શબ્દ છે, વિવાદ બંધ કરી દે છે – અવિશ્વાસ પણ એક પ્રકારની શ્રદ્ધા જ થઈ.
વિપરીત શબ્દ છે શંકા : પોતાનો વિચાર વ્યક્ત કરવો એટલે અસંમત થવું – તાબે ન થવું – વિરોધ કરવો.”
શ્રદ્ધાનો વિપરીત શબ્દ છે તર્કસંગતતા.
પેલી મહિલા કે જેને ભણવા જવું છે કે નોકરીએ લાગવું છે; પેલો પુરુષ, જેને પ્રેમ છે બીજા પુરુષ જોડે, સ્ત્રીમાં જેને રસ નથી; એ પ્રજા, જે જુદા પ્રકારનાં કપડાં પહેરે છે, જુદી વાનગીઓ બનાવે છે અને બહુમતી પ્રજા કરતાં જુદી દેખાય છે; પેલું કુટુંબ જે જુદી ભાષા બોલે છે અને ‘રાષ્ટ્રભાષા’ નથી સમજતું; અજ્ઞેયવાદી લેખક જેને પરમાત્માના અસ્તિત્વ વિષે શંકા છે; આ સૌ કોઈ બહુમતથી અસંમત છે. પણ ભારતની નવી સાંકડી વ્યાખ્યા પ્રમાણે આમાંથી કોઈને નાગરિકતાનો હક નહીં મળે, જો એ ત્રણ પાડોશી દેશમાં ધાર્મિક દૃષ્ટિએ લઘુમતીમાં ન ગણાય.
માની લો કે પાકિસ્તાની પ્રાધ્યાપક જૂનેદ હાફિઝ, જેમને ધર્મનિંદાના વાહિયાત આક્ષેપને કારણે ફાંસીની સજા અપાઈ છે, એ કોઈ રીતે ભારત આવે અને આશ્રય માગે, તો એમને આ નવા કાયદાનો લાભ નહીં મળે, કારણ કે સરકારની વ્યાખ્યા મુજબ તે મુસ્લિમ ગણાય. બાંગ્લાદેશી લેખિકા બોનયા અહમદ અમેરિકન નાગરિક છે, એટલે આ તો કાલ્પનિક દાખલો છે, પણ ૨૦૧૫માં એમની નજર સમક્ષ એમના પતિ અભિજિત રાયની હત્યા થઈ હતી, કારણ કે એ દંપતી ધર્મવિરોધી પુસ્તકો લખતાં અને છાપતાં હતાં. બોનયા પર પણ તલવારથી હુમલો થયો હતો. પણ બોનયા તો છે નાસ્તિક, બુદ્ધિજીવી અને એમનું નામ મુસ્લિમ છે – એટલે એમને પણ આ કાયદા હેઠળ લાભ નહીં મળે. હું ઘણા બાંગ્લાદેશી ચિત્રકાર, કલાકાર, લેખક અને પત્રકારને ઓળખું છું. જેમણે ધર્મવિરોધ કર્યો છે, જેમના જીવ જોખમમાં છે, પણ એમના નામ મુસ્લિમ છે અને સી.એ.એ. એમને મદદપૂર્વક નહીં થાય.
તદુપરાંત પાકિસ્તાનની શિયા કે અહમદી પ્રજા કે આ ત્રણે દેશની સમલૈંગિક પ્રજાને પણ સી.એ.એ. લાગુ નહીં થાય, જો એ વ્યક્તિઓ મુસ્લિમ હોય અથવા જેમની ગણના મુસ્લિમ પ્રજામાં થાય. શ્રી લંકાના તમિળ શરણાર્થીને પણ ફાયદો નહીં મળે અને મ્યાનમારની રોહિંગ્યા પ્રજાને પણ નહીં – વિચાર કરી જુઓ, આ નવો કાયદો રચાયો છે એ પ્રજા માટે કે જે પ્રજા પર ધાર્મિક કારણસર અત્યાચાર થાય છે; રોહિંગ્યા પર અત્યાચારનું કારણ છે એમનો ધર્મ. અને મ્યાનમારમાં તેઓ લઘુમતીમાં છે. પણ મોટા ભાગના રોહિંગ્યા રહ્યા મુસ્લિમ, એટલે ભારતનો દરવાજો એમને માટે બંધ. વળી, બીજો એક પ્રશ્ન છે – પર્યાવરણીય કટોકટી કારણે વીસ-ત્રીસ વર્ષ પછી દુનિયાભરમાં દરિયાનો વિસ્તાર વધવાનો અને એને કારણે બાંગ્લાદેશથી કદાચ લાખો શરણાર્થી સરહદ ઓળંગી ભારત આવશે – ત્યારે ભારત સરકાર શું કરશે? બધી હોડીઓ પાછી મોકલશે? આવનારી પ્રજાના દસ્તાવેજ માગશે? એમના ધર્મ વિશે સવાલ પૂછશે?
સી.એ.એ. મૂળભૂત પાયો જ અસ્થિર છે અને ભેદભાવ પ્રસરાવે છે. અને હાસ્યાસ્પદ તો એ વાત છે કે આ કાયદો બાંગ્લાદેશ સાથે તકરાર શરૂ કરે છે. ભારતની પાડોશમાં બાંગ્લાદેશ એક માત્ર દેશ છે, જેની જોડે મોદી – સરકારે અત્યાર સુધી તો સંબંધો બગાડ્યા નથી.
એક સીધો અને સરળ ઉપાય છે – જો સરકારને ખરેખર ત્રાસિત અને પીડિત શરણાર્થીને મદદ કરવી હોય, તો પ્રત્યેક શરણાર્થીને – સર્વમુક્તિ, એટલે કે amnesty આપી દેવી. પછી એ નહીં જોવા બેસવાનું કે એમનો ધર્મ કયો અને કયા દેશથી એ આવ્યા. જો એ વ્યક્તિના માનવાધિકારનો ભંગ થયો હોય, જો એ પોતાને દેશ રહે, તો એમના જીવને જોખમે હોય, તો ભારતના દરવાજા એમને માટે ખુલ્લા રહેવા જોઈએ.
એ વાત ખરી કે ભારતે યુ.એન.ના શરણાર્થી કન્વેન્શનમાં નથી કરી સહી, નથી આપ્યું સમર્થન – પણ ૨૦૧૪ સુધી ભારતે એ આંતરરાષ્ટ્રીય માપદંડનું ઉલ્લંઘન પણ નથી કર્યું. તિબેટ, અફઘાન, મ્યાનમારની ચીની, રોહિંગ્યા અને કાચીન પ્રજા, શ્રીલંકાના તમિળ અને પૂર્વ પાકિસ્તાની (જે પછી બન્યા બાંગ્લાદેશી) – આ સર્વેને મોકળા મને અને ઉદારચિત્તે ભારતે આશ્રય આપ્યો છે, જે “અતિથિ દેવોભવઃ” સિદ્ધાંતનું ઉદાહરણ છે અને ભારત માટે એક ગૌરવની વાત છે. પણ પાછલાં પાંચ વર્ષમાં એ આદર્શથી ભારત ખૂબ દૂર જવા માંડ્યું છે; દેશ સંકોચાતો ગયો છે, વામણો થયો છે અને એટલા જ માટે ભારતનાં શહેરોમાં શેરીઓમાં અને ગલીઓમાં લાખો લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે.
E-mail : salil.tripathi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 03-04