હવે પછીનું ટૂંક સમયનું જીવન આંકડામય જવાની શક્યતા છે. કારણ છેલ્લા 7 અઠવાડિયાથી કુવેતનું આંશિક બંધ થવું, સત્તાવાર લોકડાઉનનું હાલમાં ચોથું અઠવાડિયું હોવું અને સાંજનાં 5 થી સવારનાં 4 વાગ્યા સુધીના સજ્જડ કર્ફ્યુંનાં ત્રણ અઠવાડિયા પછી, તકેદારીનાં આકરા અમલ માટે કુવેતમાં ગીચ, મધ્યમવર્ગીય અને મજૂરવર્ગની બહુમતી વસતી ધરાવતા ત્રણ વિસ્તારોમાં 24 કલાકનો જડબેસલાક કર્ફુયુ લાદ્યા પછી પણ કરોનાનાં દરદીઓનો આજનો આંકડો વધીને 855 થયો છે, જે શરૂઆતનાં 16 કેસનાં 53 ગણું વધવું કે વકરવું કહી શકાય.
આમ છતાં, આ આંકડો કુવેત માટે ધરપત અનુભવવાનો છે કારણ ગયા અઠવાડિયે દુનિયાભરમાંથી કુવેતની પ્રજાને દેશમાં પાછા લાવવા ઉપરાંત જીવન જરૂરિયાતનાં ક્ષેત્રમાં સતત કાર્યરત મજૂર-વર્ગને ઘરે ઘરે ફરીને, શોધી, વીણીને ફરજિયાત હેલ્થ ચેક-અપ કરાવ્યા પછીનો આંકડો ઘણો ઊંચો જવાની સંભાવના હતી, જે ધારણાં પૂરેપૂરી સાચી કે ખોટી ના પડી. એ રીતે સ્વાસ્થ્ય ખાતું અને સરકારની વ્યૂહ-રચનાનું કડક પાલન હોવા છતાં છેલ્લાં એક અઠવાડિયાથી કુવેતમાં રોજે વધી રહેલાં દરદીઓની સંખ્યા વધી હોવા છતાં હાલમાં અન્ય અરબ દેશોનાં પ્રમાણમાં કુવેતમાં અસરગ્રસ્ત લોકોનો આંક સૌથી નીચો છે, જેમાં આજ સુધી માત્ર 1 મૃત્યુને બાદ કરતાં સાજા થઇને ઘરે જનારાની સંખ્યા 111 છે.
આ રીતે બધું જ ચાલ્યા કરે તો અસરગ્રસ્તોનાં આંકડાની બાબતમાં કુવેતનું પ્રમાણ સૌથી તળિયે હોવું હાલનાં સંજોગોમાં અંકુશ કે નિયંત્રણ ના કહી શકાય તો પણ કાબૂમાં તો છે જ. એ સિવાય જે બધે જ બને છે તેવા કાનૂનભંગ કરવાનાં, સોશિયલ મીડિયાથી ગપગોળા ફેલાવવાનાં, જાણીજોઇને ચેપ લગાડવાનાં, સૂચનાનું ઉલ્લંઘન કરીને ધંધો ચલાવવાના, મેડિકલ સ્ટાફનું અપમાન કરવાનાં અને ક્વોરેન્ટાઇનમાંથી ભાગી જવાના થોડાંક કિસ્સાઓને બાદ કરતાં 42 લાખની વસતી ધરાવતો આ નાનકડો દેશ અત્યારે ડાહ્યો થઇને કહ્યામાં છે. આમ તો અહીંની 36 ટકા મૂળ કુવેતી પ્રજા આદતોમાં સુરત, અમદાવાદ અને રાજકોટનું કોમ્બીનેશન કહી શકાય તેવી છે, અને બાકીનાં 64 ટકા પરદેશીઓમાં દુનિયાની 140 રાષ્ટ્રની પ્રજા સાથેનું અહીંનું બહુસંસ્કૃતિક વાતાવરણ કુવેતમાં ચાલતો કાયમી મેળો છે, જે હાલમાં કાયદો અને વ્યવસ્થા પાળવામાં સૌ પ્રથમ ખુદને અને પછી દેશ તેમ જ દુનિયાને સહકાર આપી રહ્યું છે. જેને આપણી ભાષામાં દશેરાનાં દિવસે ઘોડું દોડ્યું કહેવાય.
એક બાજુ, કોરોના મામલે આપણે આંકડો સ્થિર થવા કે ઘટવાની રાહ જોઇ રહ્યા છીએ, ત્યાં જ બીજી બાજુ રોજગાર માટે કુવેતમાં રહેતાં પાકિસ્તાન, ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાલ, ફિલીપીન્સ અને અખાતનાં અન્ય દેશોનાં મજૂરવર્ગને વાયરસથી પણ વધારે ચિંતા આવકના આંકડાની છે, જે પર તેમનું અહીંનું અને દેશમાં પરિવારનું ગુજરાન ચાલે છે. કુવેતની મૂળ પ્રજા સદ્ધર છે અને સરકારને ખોળે છે પરંતું એક પણ દિનારનો કર લીધા વગર રોજગારી અને કમાણીની તક આપનાર કુવેતી સરકાર માટે બાકીની 64 ટકા પ્રજાની જાહેર સલામતી, સ્વાસ્થ્ય અને અહીં રહેવાની અધિકૃત પરવાનગી સિવાયની કાયદેસર જવાબદારી મર્યાદિત હોવાને કારણે રોજીની અવેજીમાં પણ રોટી મળી રહેવાનું અહીંનાં મજૂરવર્ગના ભાગમાં નથી.
વળી, સદભાવનાથી ચાલતા રાહતકાર્યોમાં અહીંના અને બહારનાં વચ્ચેનો ભેદભાવ કોરોનાએ મટાડ્યો કે વધાર્યો તે સમજવું મુશ્કેલ છે. પણ ભારતનું સદ્દકાર્ય જેમ જરૂરતમંદ સુધી પહોંચી જાય તે ત્વરાથી અહીંનો જરૂરતમંદ પણ સદ્દકાર્ય સુધી પહોંચી નથી શકતો, જેમાં માનવીય સંવેદના સિવાય હાલમાં સંદેશાવ્યવહાર, વાહનવ્યવહાર અને સ્થાનિક સંપર્કો જેવા વ્યવહારુ કારણો પણ પાર વગરનાં છે. પણ સૌથી શરમજનક કારણ અહીંનાં ભારતીય સમાજની મેળાડાઓ અને ઉજવણીઓ કરવા સિવાયની સામાજિક નિસબતનો અભાવ છે. એ રીતે કુવેતમાં વસીને તગડી આવક, મજબૂત વળતર, સારો પગાર અને લોહીની કમાણી કરનારા અહીંનાં ચાર વર્ગમાંથી કોરોના-મુક્ત હોવા છતાં પણ અસરગ્રસ્ત હોય તો તે ખાનગી ધંધાઓમાં નોકરી કરનારો આપણો અહીં વસતો મધ્યમ અને મજૂરવર્ગ છે.
એ પછીનાં સ્તરે જે સુધરેલો વર્ગ છે જેમાં અહીંની સરકારી અને જાહેર સંસ્થાઓનાં કમર્ચારીઓને બાદ કરતાં ખાનગી ઉદ્યોગમાં તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીએ તેમનાં ધંધાને થયેલું નુકસાન જોતાં સૌથી પહેલું તો કમર્ચારીઓનો પગાર ચાલુ રાખીને બદલામાં ફરજિયાત વાર્ષિક રજાઓ કાપી લીધી છે. ત્યાર બાદ લોકડાઉનની મુદ્દત લંબાતા પગારમાંથી 10-30 % થી લઇને ઊંચા પગારો પર 50 % સુધીનો કાપ અમલી કરી દીધો છે અને હજી આપત્તિકાલ લંબાયો તો અર્થતંત્રનાં આંકડાઓની ઓટથી જે અસર થવાની સંભાવના છે તે કોરોનાગ્રસ્ત આંકડાઓને ઘોળીને પી જશે. એવામાં ચિંતા કે ચિંતનમાંનું કશું પણ કરવાને બદલે આ પરિસ્થિતિનો ભોગ બનેલા મજૂરવર્ગમાંનાં વિજ્યાબહેન શું કરશે? છેલ્લાં 22 વરસથી લેબર વિઝા પર કુવેતમાં રહીને ઘરકામ કરીને અહીંનું અને આંધ્ર પ્રદેશમાં પરિવારનું ઘર ચલાવતા વિજ્યાબહેનનો દીકરો હજી ફેબ્રુઆરીમાં પહેલી જ વાર કુવેત આવ્યો, એ નોકરી કરીને હજી વિજ્યાબહેનનો ભાર ઘટાડે તે પહેલાં જ કોરોના શરૂ થયો અને તે બે મહિનાથી બેકાર બેઠો છે, જેમાં છતી નોકરીએ બેકાર થનારા તેમનાં પરિવારનાં બીજા 4 જણા પણ છેલ્લાં દોઢ મહિનાથી ઘરે બેઠા છે. કુવેતમાં જે સૌથી મોંધું છે તે ઘરનાં તોતિંગ ભાડા અને ખાધાખર્ચ જે પૂરતી આવક ના હોવા છતાં જાવક તો ચાલું જ રાખે છે. છતાં, વિજ્યાબહેન હસી શકે છે અને મનનાં કોઇ ખૂણામાં ચિંતા હોવા છતાં આરામથી કહી શકે છે કે, જાન બચી તો લાખો પાયે અને ભગવાન બેઠો છે. તેમનાં જેવાં શ્રમજીવી લોકો માટે હાલમાં સ્વાસ્થ્ય-મંત્ર એ જ અર્થતંત્ર.
[કુવેત]
e.mail : purvi.gajjar@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 15 ઍપ્રિલ 2020