કુંદનિકા કાપડિયાનું જવું એટલે એક એવી મશાલનું ઓલવાઇ જવું જેણે સતત પ્રગટ રહી બીજી અનેક જિંદગીઓને અજવાળી, રસ્તો બતાવ્યો અને અમુકને તો ચાલતાં સુધ્ધા શીખવ્યું.
ગુજરાતી ભાષાની વાત કરીએ ત્યારે ચોમાસાંનાં દેડકાંની માફક આજકાલ તો બધાં જ કૂદી પડે છે પણ ભાષા, વિષય, તેનું વજન અને તેનો પ્રભાવ એ કેટલો ઘેરો રહે છે, કેટલો ટકે છે તે જ કોઇ પણ સર્જકની સજ્જતાનું સાચું અને નક્કર પરિણામ હોય છે. કુંદનિકા કાપડિયા, એક નામ જે બોલાય એટલે મને યાદ આવે કે લાઇબ્રેરીમાં કે ઘરમાં ક્યાંક પડેલું એક પુસ્તક જેમાં નીચે કંઇક વાડ જેવું છે, પુસ્તકનું નામ સાત વાર લખેલું છે, ઉપર એક પંખી છે અને ધોળું ચકરડું છે જેને સૂર્ય કે ચંદ્ર કંઇ પણ ધારી શકાય અને એવું બધું. હું ઘણાં એવા લોકોને જાણું છું જેમણે વલસાડ જઇને, નંદીગ્રામની મુલાકાત પણ લીધી, જેઓ કુંદનિકાબહેનને મળ્યાં છે. મારા કિસ્સામાં ક્યારેક સમયનો અભાવ અને મોટે ભાગે અહોભાવનો ભાવ આ બન્નેના પાપે મને ત્યાં જવાનો મોકો ન મળ્યો. કુંદનિકા કાપડિયાનું જવું એટલે એક એવી મશાલનું ઓલવાઇ જવું જેણે સતત પ્રગટ રહી, બીજી અનેક જિંદગીઓને અજવાળી, રસ્તો બતાવ્યો અને અમુકને તો ચાલતાં સુધ્ધા શીખવ્યું.
‘સાત પગલાં આકાશમાં’, આ નવલકથા પરથી સિરિયલ પણ બની હતી અને મને હજી યાદ છે કે સાસુનો વસુધાને ટોણો કડવા અવાજે એક્ટ્રેસ કલ્પના દીવાન બોલતાં, “વસુધા થાંથી બહુ”, અંતે થાંથી વસુધા પોતાનો જુદો રસ્તો જ શોધી લે છે. ‘સાત પગલાં આકાશમાં’ એક એવો માઇલસ્ટોન છે જેને લીધે ગુજરાતમાં નારીવાદ, સ્ત્રી સ્વંતત્રતાના વિષય પર ચર્ચાઓ થતી થઇ. સ્ત્રીને પોતાનું અસ્તિત્વ હોવું જોઇએ તેવું ભાન ઘણી સ્ત્રીઓને એ પુસ્તક વાંચવાને લીધે જ થયું હશે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તેમનાં લખાણોમાં હેન્રિક ઇબ્સનનાં ડૉલ્સ હાઉસની ઊંડી અસર વર્તાઇ છે, તેમણે પોતે કબૂલ્યું છે કે તેઓ એ નાટકથી બહુ પ્રભાવિત હતાં. નાની વયે તેમને અસ્તિત્વનાં, પોતાના હોવા અંગેના અને પોતે શું છે તે પ્રકારનાં પ્રશ્નો થયા હતા. મકરંદ દવે સાથેનું તેમનું સહચર્ચ બહુ નાજુક રોમાંચથી ભરપૂર અને એકબીજાંની પ્રતિભાને પૂરક રહે તે પ્રકારનું રહ્યું.
ભાવનગર અને વડોદરામાં અભ્યાસ દરમિયાન સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લેવો, ટૂંકા સમય માટે જેલવાસ પણ ભોગવવો જેવા અનુભવોથી ઘડાયેલા તે પેઢીનાં કુંદનિકાબહેન આજની પેઢી કરતાં ય ઘણું આગળનું વિચારતા. તેમણે મુંબઇ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સનો અભ્યાસ પણ કર્યો. ‘નવનીત'નાં સંપાદનનું સુકાન તેમણે 1962થી 1980 અને તે પહેલાં ‘યાત્રિક’નું સંપાદન 1955થી 1957 સુધી સંભાળ્યું હતું.
તેમનું પહેલું સર્જન તો ‘મારા પ્રેમનાં આસું’ની વાર્તા હતી, જેને વિશ્વ વાર્તા સ્પર્ધામાં બીજું ઇનામ મળ્યું પણ ત્યાંથી જે સફર શરૂ થઈ તે આકાશનાં બધા આયામો પાર કરીને પરમ સુધી પહોંચી. સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતાનું છોગું પ્રાર્થનાઓનું અદ્ભુત સંકલન કરનાર કુંદનિકાબહેન માટે કદાય ક્યારે ય અગત્યનું નહીં રહ્યું હોય. મોટા ભાગની નંદીગ્રામની તસવીરોમાં તેમના ઘરની તસવીરોમાં મકરંદ દવેની મોટી તસવીર, હીંચકો, ચોપડીઓ આંખે ઊડીને વળગે તેવાં હોય છે. ગુજરાતી સાહિત્ય અકાદમીએ લીધેલો તેમનો ઇન્ટરવ્યુ જોઇએ ત્યારે ડૉક્ટર પિતા, ગોધરાનું બાળપણ, વાંચનનો શોખ વગેરેની વાત કરે ત્યારે પિતા સાથે દીકરીનાં નૈકટ્યનું એક સત્ય છતું કરે તો પ્રકૃતિના સાયુજ્યનો અને એકાંતનો તેમનો મોહ પણ સ્પષ્ટ થઇ જાય. તેમની કૃતિઓ જેમાં વાર્તાઓ, નવલકથા, અનુવાદોની યાદી લાંબી છે પણ તે ટાંકવામાં શબ્દો વેડફવાનો અર્થ નથી કારણ કે ચાહકોએ તેમને વાંચ્યા છે પચાવ્યા છે. તમામ વાચકો જાણે છે કે કોઇ એક ચિનગારી તેમનાં સર્જનોમાં સતત લબકારા કરતી અને તે અંગારાની આગ અને ઉષ્મા બહુ સાહજિક રહેતા.
બીજાઓ માટે જીવવું, બીજામાં જીવાડવું, જીવંત કરવું એ જ ખરું જીવન તેમ માનનારા કુંદનિકા કાપડિયાએ અંતે આકાશ તરફ પગલાં ભર્યાં અને ઘણાં જીવનને આકાશ જીવી શકાય છે અને જીતી શકાય છેનો સંદેશો આપીને ગયાં.
બાય ધી વેઃ
મકરંદ દવેની એક પ્રખ્યાત કૃતિ છે તેનું નામ છે ‘ચિરંતના’; હું કુંદનિકાબહેનને મળી હોત તો મારા નામને કારણે ય મને સ્હેજ વ્હાલ વધારે મળત એવું ધારી લેવાની ભૂલ કરું છું. અંતે તો સત્ય એ છે કે કોઇનું જવું હંમેશાં આપણમાંથી કંઇક લઈ જતું હોય છે. ગયું અઠવાડિયું એકથી વધારે હિસ્સા લઈ ગયું. ફિલ્મ ઉદ્યોગના બે સિતારા ઋષિ કપૂર અને ઇરફાન ખાનનું ખરી જવું અને કુંદનિકા કાપડિયાનું નિધન ત્રણેય સમાચાર આઘાતજનક રહ્યા. એમાં ય કોરોનાનું સંકટ તો હજી પોતાનું જોર ઘટાડવાનું નામ નથી લઇ રહ્યું ત્યારે આવા ઘેરા સંજગોમાં ‘પરમ સમીપે’માં સંકલિત કરાયેલી અનેક પ્રાર્થનાઓમાંથી થોડી પંક્તિઓ જીવવાથી રાહત મળે તેવી આશા સાથે અહીં મુકું છું.
“તારી કને આ મારું છેલ્લે નિવેદન છે – મારા અંતરતમ ઊંડાણમાંથી મારી સઘળી દુર્બળતા
દૃઢ બળે છેદી નાખ, મારા પ્રભુ !
સંસારમાં તેં મને જે ઘરમાં રાખ્યો છે તે ઘરમાં
બધાં દુ:ખ ભૂલીને હું રહીશ.
કરુણા કરીને તારે પોતાને હાથે તેનું એક બારણું
નિશદિન ખુલ્લું રાખજે.”
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, “ગુજરાતમિત્ર”, 04 મે 2020