અંગ્રેજો તો 1947માં ભારત છોડી ગયા, પણ શાસકોનો દેખાડો હજી અંગ્રેજી સ્ટાઈલે આ દેશમાં અકબંધ છે. કોઈ મંત્રી પસાર થવાના હોય તો કલાકો સુધી પોલીસો થોડે થોડે અંતરે ટાઢ-તાપમાં રસ્તાઓ પર ગોઠવાઈ જાય છે ને ટ્રાફિક અટકાવી દેવામાં આવે છે. એમાં કોઈ એમ્બ્યુલન્સ હોય કે આગ હોલવવાનો બંબો, તેણે થોભવું જ પડે છે. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ તેમના વતન જવા નીકળ્યા ત્યારે ટ્રાફિક રોકવામાં આવ્યો અને રાષ્ટ્રપતિની જાણ બહાર એક નામી મહિલા હોસ્પિટલ ન પહોંચી શકી ને તેનું મૃત્યુ થયું. રાષ્ટ્રપતિને જાણ થતાં તેમણે સંવેદના પાઠવી, ઉત્તર પ્રદેશ પોલીસે માફી માંગી, પણ આ બધું ખાતર પર દિવેલ જેવું છે. આમ પણ આપણા મંત્રીઓ રાજકીય ભપકા છોડી શકતા નથી અને કરોડોના ખર્ચા કરી અનેકની મુશ્કેલીઓમાં વધારો કરે છે. દરેક વખતે યુદ્ધે ચડતા હોય તેમ રાજકીય કાફલા સાથે નીકળવાથી, સલામી ઠોકાવવાથી વિશેષ શું સિદ્ધ થાય છે તે નથી સમજાતું. ગોવાના એક મુખ્ય મંત્રીએ આ રસાલો બંધ કરાવેલો. વિદેશમાં પણ કેટલાક મંત્રીઓ રસાલા સાથે જવા-આવવાનું ટાળે છે. કેટલાક મંત્રીઓ તો સામાન્ય નાગરિકની જેમ સાઇકલ પર ફરજ બજાવવા ઘરેથી નીકળે છે, પણ આપણા અંગ્રેજ-મંત્રીઓ લોકોને પૈસે બાદશાહી ભોગવવાની એક પણ તક જતી કરતા નથી.
ભારત દંભી, ભ્રષ્ટ અને અપ્રમાણિક દેશ છે. પોતાના દેશ માટે આવું કહેવાનું કોઈને ય ન ગમે, પણ રાજકારણીઓએ ખોતરી ખોતરીને આ દેશને ખોખલો કરી મૂક્યો છે. આ માત્ર આજની સરકારમાં જ છે એવું નથી. એ સ્વાતંત્ર્યકાળથી ચાલી આવેલો જૂનો રોગ છે. વચ્ચે થોડું સારું થયું તે સારા વડા પ્રધાન દેશને મળ્યા એટલે. એ ખરું કે આપણા હાલના વડા પ્રધાન આવી ભ્રષ્ટતામાં સંડોવાયા નથી, પણ દેશમાં ચાલતા ભ્રષ્ટાચારને તે રોકી શકતા નથી એ પણ કમનસીબી છે.
લોકશાહીને નામે જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે તેણે ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે. ચૂંટણી ખર્ચાળ છે. પ્રમાણિક માણસ ચૂંટણી લડવા ઈચ્છે તો તેણે ભ્રષ્ટ થવું જ પડે એ સ્થિતિ છે. ચૂંટણી પ્રચાર કે સભ્યોને પોતાના પક્ષ તરફ ખેંચીને મજબૂતી વધારવા કરોડોની લાલચ આપવાનો વેપલો કેવળ ભ્રષ્ટતાનાં જ ઉદાહરણો છે. આ ભંડોળ ઉદ્યોગપતિઓ પૂરું પાડે છે. એ કૈં દયાદાન નથી કરતાં. એ ભંડોળ ભાવ વધારા દ્વારા અનેકગણું થઈને રિકવર થાય છે. આ ભાવ વધારો દેશની જનતા વેઠે છે. આ ઉપરાંત દેશનું કરમાળખું જ એટલું શોષણયુકત છે કે પ્રમાણિક માણસ પણ ભ્રષ્ટ થવા લલચાય. સરકાર પોતે જ અપ્રમાણિક હોય તો જનતા પાસેથી પ્રમાણિકતાની આશા કેવી રીતે રાખી શકાય?
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ટેક્સમાંથી 5.25 લાખ કરોડની કમાણી કર્યા પછી પણ ઈંધણનો ભાવ ઘટતો નથી, ત્યારે સવાલ થાય કે પ્રજા શું સરકારો માટે કમાણી કરવાનું સાધન જ છે? ઈંધણના ભાવ લોકડાઉન વખતે માઈનસમાં ગયેલા, પણ ભારત સરકાર પ્લસમાં ચાલતી હતી ને ચાલે છે. હાલ તો સરકાર રઘવાઈ થઈને આડેધડ વિધાનો કરતી રહે છે. રસીની સરકારી જાહેરાતમાં પણ તમામને રસી લેવાના આગ્રહો છાશવારે થતા રહે છે ને હકીકત એ છે કે પૂરતી માત્રામાં રસી જ નથી. લોકો રસી લેવા દોડે છે ને રસી ન હોવાને લઈને પરત થાય છે. રસી નથી ને તમામ વર્ગને રસી લેવાના આગ્રહો થાય છે. એને બદલે સરકાર પ્રમાણિકતાથી જે હકીકત હોય તે જાહેર કરે તો શું વાંધો આવે? દેશમાં ડેલ્ટા+ વેરિયન્ટનું જોખમ વધી રહ્યું છે, ત્રીજી લહેરના ભણકારા વાગે છે એવામાં રસી વિષે વધુ ગંભીર થવાની જરૂર છે ત્યાં સરકાર ટાઢા પહોરની હાંકે છે તે શરમજનક છે. ગયા મેમાં વેક્સિનની અછત ઊભી થઈ ત્યારે સરકારે દાવો કર્યો હતો કે 31 ડિસેમ્બર સુધીમાં દેશ પાસે 216 કરોડથી વધુ ડોઝ હશે ને હવે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કર્યું તો તેમાં ડિસેમ્બર સુધીમાં 135 કરોડ ડોઝ જ ઉપલબ્ધ થવાની વાત છે. સવાલ એ થાય કે એક જ મહિનામાં 81 કરોડ ડોઝ કૈં પણ કર્યા વગર ઘટ્યા કેવી રીતે? વડા પ્રધાન પોતે કહે છે કે તેમની માતાએ પણ રસીના બંને ડોઝ લીધાં છે, તો રસી બધાંએ જ લેવી જોઈએ. હવે એમને કેમ સમજાવવું કે લોકો લેવા તૈયાર છે, પણ રસી હોવી ય જોઈએને !
બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં જે રમતો રમાઈ એમાં સાધન શુદ્ધિનો ભારે અભાવ વર્તાયો. મતગણતરી વખતે ચૂંટણી અધિકારી તરીકે મેયરનું હોવું યોગ્ય છે? એ નીતિયુક્ત હોય તો પણ તેમાં એટલો સુધારો થવો ઘટે કે શાસકપક્ષ કે વિપક્ષનો કોઈ પણ સભ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત ન કરાય. બીજી ગમ્મત એ થઈ કે પહેલા ક્રમે આવનાર ઉમેદવારને 122 મત મળ્યા જ્યારે મત આપનાર 120 હતા. વિપક્ષ તરીકે આપના સભ્યોએ થોડા સ્વસ્થ ને ઠરેલ થવાની જરૂર છે. આપને સુરતમાં આટલી સીટો મળી છે ને દિલ્હી પછી ગુજરાતમાં જ આટલી તકો ઊભી થઈ છે તો છીછરા વિરોધથી જ ટકી જવાય એમ માનવાની જરૂર નથી. અત્યાર સુધી તો આપની આક્રમકતા જ સુરતને જોવા મળી છે તે જરૂરી હોય તો પણ દરેક વખતે અનિવાર્ય નથી. આપે સ્વસ્થ વિપક્ષની છાપ ઊભી કરવાની જરૂર છે. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં તેનો દેખાવ ને વર્તન લોકોની નજરમાંથી ઊતરી જવા જેવાં રહ્યાં છે તે નોંધવું ઘટે.
શિક્ષણ સમિતિની ચૂંટણી કે આખા દેશની ચૂંટણીને જોઈશું તો કોઈ પણ ભોગે જીતવું એ એક માત્ર લક્ષ્ય તમામ પક્ષોનું હોય છે, પણ એને માટે જે રીતો અપનાવાય છે તે અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં બે સીટ પર આપને ઉમેદવારીની તક હતી એમાં એક અપક્ષ ઉમેદવાર ભા.જ.પ. સમર્થિત ઊભો કરાયો. આપના જ સભ્યોમાંથી કોઈ ફૂટી ગયું ને બધાંની પરેડ લેવાઈ, પણ વાત એ નથી. જે રમત શાસકપક્ષ રમી શકે એવી જ રમત વિપક્ષ ન જ રમે એવું નથી. કેન્દ્રમાં કે રાજ્યમાં વિપક્ષને તક નથી, બાકી એ બધી જ રમત રમી શકે જે શાસક પક્ષ રમે છે.
પ્રશ્ન એ છે કે આ બધી રમત દ્વારા સિદ્ધ શું થાય છે? કોઈ પણ રીતે સામેવાળાને સાથે કરો, સાથે ન થાય તો પછાડો ને સત્તા મેળવો એ જ ને? સત્તા મેળવ્યા પછી કમાવા સિવાય ખાસ કૈં કરવાનું રહેતું નથી. કોઈ કૈં ન કરે તો પણ દેશ તો ચાલે જ છે. કોઈ ન હોય તો પણ તંત્રો તો પોતાની રીતે કામ કરતાં જ રહે છે. એમાં કોઈ સત્તા માથે બેઠી તો એ બે મળીને દેશ ચલાવે એમ બને. સત્તાનો એક માત્ર હેતુ સંપત્તિ પ્રાપ્ત કરવાનો હોય છે. એમાં અપવાદો હશે, પણ કોઈ પણ પક્ષ સત્તા પર આવે, તેનું અંતિમ લક્ષ્ય તો પ્રાપ્તિનું જ છે. આવડત હોય કે ન હોય, પદ પર ગોઠવાવું ને જે રીતે જે મેળવી શકાય તે મેળવવું ને લોકોના પૈસામાંથી લોકોને મદદની ભીખ આપવી ને ચૂંટણી આવે તો ફરી કેમ જીતવું એના કારસા કરવા એમ આખો કારભાર ચાલે છે.
એમાં શિયાળવૃત્તિ સિવાય કોઈ આવડતની જરૂર નથી. આખો દેશ ખંધાઈથી ચાલે છે. એમાં જેની પાસે પૈસા ખરચવાની ને ખેંચવાની આવડત હોય તે ખોટમાં નથી રહેતો. હાલની રાજનીતિમાં નીતિ સિવાય બધું જ છે. કોલેજમાં અધ્યાપક એમ.એ. જોઈએ, પણ શિક્ષણ મંત્રી માટે શૈક્ષણિક લાયકાત જરૂરી નથી. ખેડૂત અભણ હોય તો પણ, તેને પાક લેતા તો આવડવો જોઈએ. એ આવડત કૃષિ મંત્રીની ન હોય તો ચાલે. કાનૂન મંત્રી વકીલ ન હોય તો ચાલે, પણ તેનો કેસ લડવા તો વકીલ જ જોઈએ. આરોગ્ય મંત્રી ડોક્ટર હોય તો સારી વાત છે, પણ ન હોય તો વાંધો નહીં, મંત્રી તો થઈ જ શકાય. હોસ્પિટલની પેનલ પર એક પણ ડોક્ટર ન હોય તો ન ચાલે, પણ આરોગ્ય મંત્રી ડોક્ટર ન હોય તો ચાલે. મંત્રીની ખુરશી પર તો અભણ હોય તો બહુ વાંધો ન આવે, સિવાય તે રાજરમત ને સંપત્તિ સગેવગે કરવાનું ન જાણતો હોય તો વાત જુદી છે. નાણાં મંત્રી ઘરનું બજેટ ન ગોઠવી શકે તો પણ તે દેશનું બજેટ ગોઠવી શકે છે. એથી ઊલટું, નાણાં મંત્રી કોઈ કોમર્સ કોલેજમાં ક્લાર્ક તરીકે પણ ન ચાલે એવું બને.
કેવું છે આ? આપણે સ્વીકારી લીધું છે કે રાજકારણી બધે જ ચાલે. તે શિક્ષણ સમિતિમાં ચાલે, તો સંરક્ષણ મંત્રી તરીકે પણ ચાલે. સંરક્ષણ મંત્રી સેનાની કોઈ પાંખમાં ન ચાલે એમ બને, બિલકુલ એમ જ જેમ કોઈ સેનાધ્યક્ષ સંરક્ષણ મંત્રી તરીકે ન ચાલે, કારણ, રાજકારણમાં એકલી પ્રમાણિક્તા ક્યાં ય ચાલતી નથી, એમાં ગદ્દાર કે ભ્રષ્ટ મંત્રી તો કદાચને નભી જાય, પણ એવો મંત્રી સેનામાં ન ચાલે, કારણ એવો કોઈ ગદ્દાર નીકળ્યો તો દેશનું ધનોત પનોત નીકળી જાય, ખરું કે નહીં?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 જૂન 2021