અહીં કોર્પોરેટ્સ માટે રસ્તો મોકળો થઇ જાય છે અને ખેડૂતોને એ જ વાતનો ડર છે કે જ્યારે આ ફ્રી-માર્કેટ્સ સારી પેઠે સેટ થઇ જશે, પછી અંતે તો તેમની નિપજના ભાવ વગેરે કોર્પોરેટ્સ જ નિયંત્રિત કરશે
આપણા ખેતી પ્રધાન દેશમાં ખેડૂત અને ખેતી બન્નેની સ્થિતિમાં ધરેખમ ફેરફાર આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતભાતના ઘોંઘાટની વચ્ચે એક બહુ મોટું રાજકીય જોખમ ઉપાડ્યું છે અને હવે ખેડૂતો પોતાની નિપજ વેચવા માટે કોઇના ય આધિન નથી રહ્યા. ફ્રી-માર્કેટની સ્થિતિમાં ખેડૂતો પોતાનાં ઉત્પાદન ધારે ત્યાં વેચી શકે, ધારે તેને વેચી શકે. પરંતુ સરકારનું આ સુરક્ષા કવચ સંપૂર્ણપણે હટી જવાથી જો આ ખેડૂતોને માથે કોઇ મૂડીવાદીનો હાથ પડ્યો તો પછી પ્રગતિ અને સમૃદ્ધિની જમીન પડતર અને ઉજ્જડ જ રહેવાની. પણ એ તો ‘જો અને તો’ની વાત છે. વિશેષજ્ઞોની વાત માનીએ તો નવું પાસ થયેલું બિલ ખેડૂતોને વચેટિયાઓના સકંજામાંથી મુક્ત કરશે પણ ખેડૂતો માટે સરકારનાં આ પગલાંનો વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
ખેડૂતોને વચેટિયાઓના રાજકારણમાંથી છોડાવવા અને મંડી તંત્રમાંથી આઝાદી અપાવવા મોદી સરકારે ત્રણ બિલ પાસ કર્યા. અર્થશાસ્ત્રીઓને મતે આ પરિવર્તનો બહુ બોલ્ડ છે અને તેના ફાયદા પણ હોઇ શકે છે. રવિવારથી ફાર્મ બિલના વિરોધ ખાસ કરીને ઉત્તર ભારતમાં શરૂ થઇ ગયા છે. આ લખાઇ રહ્યું છે ત્યારે ૨૫મીએ ભારત બંધની જાહેરાત કરી દેવાઇ છે.
ખેડૂતોને જો પોતાનાં ઉત્પાદનો વેચવા માટે વચેટિયાઓથી છૂટકારો જ મળતો હોય તો શા માટે વિરોધ થઇ રહ્યો છે? આખા દેશના અલગ અલગ હિસ્સાઓમાં વહેંચાયેલા ખેડૂતો એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી એટલે કે એ.પી.એમ.સી. માર્કેટ્સ સાથે જોડાયેલા હોય છે. ભારતમાં કૂલ 2,477 એ.પી.એમ.સી. માર્કેટ્સ છે અને એ.પી.એમ.સી.થી જેનો વહીવટ સંચાલિત થતો હોય તેવા 4.843 સબ માર્કેટ યાર્ડ છે. ભારતમાં ઓછામાં ઓછા 29 હજાર ફાર્મર્સ માર્કેટ્સ છે. નવા બિલ્સને પગલે આ માર્કેટ્સનું આખું ય માળખું પડી ભાંગશે અને ખેડૂતોને પોતાના માલના વેચાણ માટે તેની જરૂર નહીં પડે. ખેડૂતો આ માર્કેટ્સ મારફતે પોતાની નિપજનું વેચાણ કરતા હોય છે.
ખેડૂતોને ડર છે કે નવાં બિલ્સ પસાર થવાને પગલે અત્યારે તેમને જેટલો ભાવ મળે છે એના કરતાં ઘણો ઓછો ભાવ તેમને મળશે અને કિંમતોને લગતી જે સિક્યોરિટી નેટ છે તે સદંતર ખસી જશે અને તેઓને ખોટ જશે. નવા કાયદા પ્રમાણે કોઇપણ કોર્પોરેટ, વેપારી કે પછી ગ્રાહક સીધો જ ખેડૂતનો સંપર્ક કરીને જરૂરી પ્રોડક્ટ મેળવી શકે છે. અહીં કોર્પોરેટ્સ માટે રસ્તો મોકળો થઇ જાય છે અને ખેડૂતોને એ જ વાતનો ડર છે કે જ્યારે આ ફ્રી-માર્કેટ્સ સારી પેઠે સેટ થઇ જશે પછી અંતે તો તેમની નિપજના ભાવ વગેરે કોર્પોરેટ્સ જ નિયંત્રિત કરશે. જો કે સરકારનું કહેવું એમ છે કે અત્યારે જે મંડી સેટ-અપ છે એનાં કરતાં ખેડૂતોને ફ્રી-માર્કેટમાં બહેતર ભાવ મળશે. ખેડૂતોને ડર છે કે આ નવાં બિલ્સને પગલે તેમની પાસે કોઇ શક્તિ નહીં હોય, કોઇ પાવર નહીં હોય અને એ.પી.એમ.સી.ને બદલે કોર્પોરેટ્સ સાથેની સોદાબાજી અને વાટાઘાટો તેમને માટે સંજોગો અઘરાં કરી દેશે. ખેડૂતો કોર્પોરેટ સાથે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ પણ કરી શકે અને ઓનલાઇન બિઝનેસ પણ કરી શકે. સરકાર માત્ર વધારાની કિંમતોને જ ઘટાડવાની સૂચના આપશે.
હવે આ સ્થિતિમાં જેને માટે આપણે અંગ્રેજીમાં ‘લાર્જર પિક્ચર’ શબ્દ વાપરીએ છીએ તેવા વિંહગાવલોકી દ્રષ્ટિકોણથી જોઇએ તો ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો ત્રીજો દેશ છે અને ઉત્પાદક અને ઉપભોક્તા તરીકે પણ તેનું કદ વિશાળ છે અને અહીં ખરીદ-વેચાણમાં જે પણ પ્રભાવ પડશે, જે પરિવર્તનો આવશે તેની સીધી અસર ખાદ્ય પદાર્થોની વૈશ્વિક કિંમતો પર પડશે એ પાક્કું છે. પંજાબના ખેડૂતોને તો કોર્પોરેટની ઇજારાશાહી હોય તેવા વેપારીઓના સંકજામાં ભેરવાઇ પડશે તેવી તેમને ચિંતા છે. આજે ખેડૂતો પોતાના પ્રશ્નો એ.પી.એમ.સી.માં રજૂ કરી શકે છે પણ નવા બિલને પગલે ખેડૂતોને કોઇપણ મામલે કાયદાકીય મદદ જોઇશે તો તેમણે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં જવું પડશે અને નાના ખેડૂતો માટે તો આ બધી પળોજણ પૈસાની તંગીને કારણે જ બહુ મોટો બોજ બની રહેશે.
ખેડૂતની તાતી જરૂરિયાત છે કે તેઓ પોતે જ મોટાં સ્તરના સંસ્થાકિય માળખાઓ ખડાં કરે. જો સરકાર તેમને ભાવ-તાલની સત્તા આપે તો તેઓ ખાનગી વેપારીઓને ઓછામાં ઓછા નિયમ ભાવમાં ફેરફાર કરીને પોતાનાં ઉત્પાદનો નહીં જ વેચે. અમુલ પણ આવી જ એક શ્વેત ક્રાંતિનું પરિણામ છે. અમુલ એ સર્વોત્તમ ઉદાહરણ છે જે એકદમ વ્યવસાયી અને વ્યવહારિક રીતે ચાલતું વિશાળ સ્તરનું ડેરી કો-ઓપરેટિવ માળખું છે. જો કે શ્વેત ક્રાંતિની શરૂઆત થઇ ત્યારે રાજકીય સંજોગો બહુ જુદા હતા અને સાંઇઠના દાયકામાં પણ અમુલ કંઇ બધે જ અથવા તો બધી જ કોમોડિટીના વેચાણમાં સફળ નહોતું રહ્યું.
જે પરિવર્તન થયા છે તેનું જોખમ એકવાર તો લેવુ રહ્યું. જો કે કોઇપણ સમાજ માટે કૃષિ ઉત્પાદન વધારવા અનિવાર્ય છે કારણ કે તો જ તેઓ ‘લુઇસ ટર્નિંગ પોઇન્ટ’ પર પહોંચી શકશે. લુઇસ ટર્નિંગ પોઇન્ટ એટલે અર્થશાસ્ત્રી આર્થર લુઇસે એક એવી સ્થિતિની વાત કરી છે જ્યાં સરપ્લસ ગ્રામીણ મજૂરો પૂરેપૂરી રીતે ઉત્પાદનના ક્ષેત્રમાં સમાઇ જાય. આ સ્થિતિમાં ખેતી અને અનસ્કિલ્ડ ઉદ્યોગની કમાણી વધે. આ તબક્કે પહોંચ્યા પછી અર્થશાસ્ત્રને તત્કાળ સંતુલિત નીતિઓની જરૂર પડે છે. લુઇસ ટર્નિંગ પોઇન્ટની સ્થિતિમાં મજૂરોની સ્થિતિ બહેતર બને તે રીતે કામ થાય છે તથા તેમની આવક પણ વધે છે. જાપાનમાં સાંઇઠના દાયકામાં આ તબક્કો આવ્યો ત્યારે પર કેપિટા આઉટપુટ ત્રણ ગણું થઇ ગયું હતું. અંગ્રેજો ગયા પછી ભારતે જમીન ખેડનારાઓને સોંપવાની તક ગુમાવી અને જમીન ગેરહાજર જમીનમાલિકો નીતિના ઘડવૈયા બની રહ્યા. ભારતના દસમાંથી નવ ખેડૂતો પાસે પાંચ એકર કરતાં પણ ઓછી જમીન છે. તેઓ પેટે પાટા બાંધીને ગુજરાન ચલાવે છે. જમીન માલિકીની ન હોય પણ મજૂરીનાં રોકડા રળતાં હોય તેઓ ગામડાંમાં જેમ તેમ કરીને રહી રહ્યાં છે. ભારતનાં ૧.૩ બિલિયન લોકોનાં પેટ ભરવાની જવાબદારી બહુ મોટી છે અને તેનું દબાણ પણ અસહ્ય છે. માનવ સર્જીત અને કુદરતી આફતો આ સંજોગોને વધારે કપરાં બનાવતી રહી છે. ફ્રી માર્કેટ્સની વાત સાંભળવામાં સારી જ છે પણ તેનું અમલીકરણ પણ ન્યાયી રીતે થાય તો ઘણું છે.
બાય ધી વેઃ
ખેડૂતોએ પોતાનાં સંગઠનો બનાવવા પડશે. એકબીજા સાથે મળીને એક માળખું ખડું કરવું પડશે જેમાં કોઇની ય ઇજારાશાહી ન ચાલી શકે. વાઇરસને કારણે શહેરી ઉત્પાદન કેન્દ્રો ઠપ થયાં છે અને ગ્રામીણ અર્થતંત્રની હાલત કફોડી થઇ ગઇ છે. નવા ફાર્મર્સ બિલને કારણે અસ્તિત્વમાં આવેલા ફ્રી-માર્કેટ્સમાં ન્યાયી સંજોગો, વાજબીપણું અને ખેડૂતોની જરૂરિયાતોને ગણતરીમાં લેવાય તેવા અભિગમની અનિવાર્યતા છે નહીંતર બિચારા ખેડૂતોને તો ખીણમાંથી નીકળીને ખાડામાં પડવા જેવી હાલત થશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 સપ્ટેમ્બર 2020