આજકાલના રાષ્ટ્રવાદના યુગમાં, કોણ રાષ્ટ્રવાદી હતું અને કોણ રાષ્ટ્રદ્રોહી હતું એનાં અત્યારનાં કાટલાં વાપરવાનો કોઈ અર્થ નથી. એ સમયે રાષ્ટ્રવાદ જેવી કોઈ ચીજ જ નહોતી અને યુરોપમાં રાષ્ટ્રની વિભાવના હજુ વિકસવાની શરૂ થઈ હતી અને તેનું કારણ પણ લૂંટની હરીફાઈ હતું. જુઓ ડચ ફાવી ગયા અને અને અંગ્રેજો રહી ગયા એ ભાવનામાંથી રાષ્ટ્રવાદનો જન્મ થયો હતો. અંગ્રેજો પાછળ ન રહી જાય તે માટે જોસ્સો ચડાવવા અંગ્રેજિયતનો અર્થાત્ રાષ્ટ્રીયતાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આવું જ યુરોપની બીજી પ્રજા પણ કરતી હતી. એને રૂઢ અર્થમાં દેશપ્રેમ સાથે પણ સંબંધ નહોતો. જેમ કોમવાદી ધર્મનિષ્ઠ હોય એ જરૂરી નથી, એમ રાષ્ટ્રવાદી વતનનિષ્ઠ હોય એ જરૂરી નથી. દેશપ્રેમી દેશને નુકસાન ન પહોંચાડે પણ રાષ્ટ્રવાદી દેશને લૂંટી શકે છે. આપણી આસપાસ કેટલા બધા રાષ્ટ્રવાદીઓ છે જે દેશને લૂંટી રહ્યા છે. ફેકટરીમાં બસો ફૂટ ઊંચે વીસ ફૂટનો ધ્વજ લહેરાવી દો અને પછી ફાવે એ રીતે દેશને લૂંટો. ટૂંકમાં રાષ્ટ્રવાદ એક સર્ટિફિકેટ છે અને દેશપ્રેમ એક ભાવના છે. વતનપરસ્તી કેવો સુંદર શબ્દ છે! વાદ નહીં, પરસ્તી. ફરક નોંધી લો.
આમ એ સમયે શાસકો અને સૂબાઓ પોતાનો સ્વાર્થ જોતા હતા અને તેમનો સ્વાર્થ તેમના સૂબાની સીમા પૂરતો મર્યાદિત હતો. એને બચાવવા માટે કે બીજાનો પ્રદેશ આંચકી લેવા માટે તેઓ ગમે તેને સાથ આપતા હતા અને ગમે તેનો સ્વાર્થ છોડતા હતા, પછી સહધર્મી કે હમમઝહબ કેમ ન હોય. ભારતના ઇતિહાસમાં આવા બસોએક પ્રસંગ હું ટાંકી શકું એમ છું, જેમાં હિંદુએ હિંદુ સાથે દગો કર્યો હોય અને મુસલમાને મુસલમાન સાથે દગો કર્યો હોય. બીજી બાજુ હિંદુએ મુસલમાનને સાથ આપ્યો હોય અને મુસલમાને હિંદુને સાથ આપ્યો હોય. આમાં કાંઈ જ અજુગતું નહોતું. હકીકતમાં તો એને દગો પણ ન કહેવાય.
૧૮૫૭ના બળવા વખતે ગ્વાલિયરના સિંધિયાઓએ ઝાંસીની રાણીને સાથ આપવાની જગ્યાએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સાથ આપ્યો હતો. આજે તેમના ફરજંદ જ્યોતિરાદિત્ય સિંધિયા બી.જે.પી.માં જોડાઈને રાષ્ટ્રવાદી બની ગયા છે, પણ તેમના બાપદાદાઓએ ૧૮૫૭માં જે કર્યું હતું એ રાષ્ટ્રદ્રોહ હતો? જરા ય નહીં. એટલા માટે કે ત્યારે રાષ્ટ્ર જેવી કોઈ ચીજ જ નહોતી એટલે સિંધિયાઓએ પોતાનો સ્વાર્થ જોયો હતો.
રાષ્ટ્રવાદીઓને આ વાત સાંભળવી ગમશે નહીં, પણ સત્ય છે એટલે જણાવવી જોઈએ. ઝાંસીની રાણીના દત્તક પુત્રને કંપની સરકારે વારસદાર તરીકે માન્યતા આપી હોત તો રાણી લક્ષ્મીબાઈ લડાઈમાં ઊતર્યાં હોત? ૧૮૫૭ના વિદ્રોહમાં જે જે રિયાસતોએ (મુસ્લિમ સહિત) અંગ્રેજો સામે ભાગ લીધો હતો તેનાં રાષ્ટ્રવાદ સિવાયનાં પોતપોતાનાં કારણો હતાં. તેમણે પણ પોતાનો એટલે કે પોતાની રિયાસતનો સ્વાર્થ જ જોયો હતો. આમ છતાં તેમની જવાંમર્દીનો કોઈ જવાબ નથી. તેમણે અન્યાય સામે લડત લડી હતી એ તો કબૂલ કરવું જ પડશે અને એ માટે તેમનો જેટલો આદર કરીએ એટલો ઓછો છે. મુદ્દો માત્ર એટલો જ છે કે તેમની લડાઈ અન્યાસ સામેની હતી. હા, એમ પણ કહી શકાય કે મહારાણી લક્ષ્મીબાઈ ઝાંસીની સ્વતંત્રતા માટે લડ્યાં હતાં, પરંતુ ભારતીય રાષ્ટ્ર કે હિંદુ રાષ્ટ્ર અને તેની સ્વતંત્રતા જેવી કોઈ ચીજ તેમના મનમાં નહોતી. એ તો પાછળથી રાષ્ટ્રવાદી ઇતિહાસકારોએ તેમના પર કરેલું આરોપણ છે.
માટે મહેરબાની કરીને આજનાં રાષ્ટ્રવાદનાં કાટલાં ઇતિહાસમાં બનેલી ઘટનાઓ માટે લાગુ નહીં કરો. એ કાટલાં આપણને રમાડવા માટે અને એ રીતે આપણને બેવકૂફ બનાવવા માટે આપણા હાથમાં પકડાવવામાં આવ્યાં છે. આવું માત્ર આપણે ત્યાં જ બની રહ્યું છે એવું નથી, જગત આખામાં આમ બની રહ્યું છે. આવું આજે જ બની રહ્યું છે એવું નથી, ભૂતકાળમાં પણ બન્યું છે. પણ ભૂતકાળમાં એટલે કે નજીકના ભૂતકાળમાં. છેલ્લાં દોઢસો-બસો વરસમાં. ઓછાવત્તા પ્રમાણમાં પ્રજાની ભાગીદારીવાળા આધુનિક રાજ્યનો જન્મ થયો એ પછી પ્રજાને ધાવણી અને ઘૂઘરાની જરૂર પડવા લાગી.
અહીં એક બીજો સવાલ ઉપસ્થિત થાય છે. પ્રાગ-આધુનિક યુગમાં જેમ રાષ્ટ્રવાદ નહોતો તો કોમવાદ હતો ખરો કે એ પણ આધુનિક યુગનું સર્જન છે?
આ સવાલનો જવાબ થોડો અઘરો છે.
ક્ષત્રીય રાજા ગોબ્રાહ્મણપ્રતિપાલક હોવો જોઈએ એવો જ્યારે તેનો ધર્મ બતાવવામાં આવે તો એ અત્યારના રૂઢ અર્થમાં પક્ષપાતી કોમવાદી કે મનુવાદી કહેવાય? મુસ્લિમ બાદશાહે દરબારમાં કામકાજ શરૂ કરતાં પહેલાં કલમો પઢવો પડતો તો એ પક્ષપાતી કોમવાદ કહેવાય? આનો શું જવાબ આપશો?
બીજું, કેટલાક શાસકો ધર્મના આધારે પક્ષપાતી હતા એવું પણ જોવા મળ્યું છે. મુસલમાનો આવ્યા એ પહેલાં પણ, અને પછી પણ. ઘણા રાજાઓએ બૌદ્ધ અને જૈન ધર્મને રાજધર્મ જાહેર કર્યો હતો.
ત્રીજું, મોટાભાગના શાસકો પોતાના ધર્મ અને કોમ કરતાં પોતાના સ્વાર્થને વધારે મહત્ત્વ આપતા હતા એ પણ સાચું છે. તેમને રાજ્યમાં શાંતિ જોઈતી હતી એટલે ધર્મનો આગ્રહ રાખનારાઓને અંકુશમાં રાખતા હતા. મુસ્લિમ શાસકોએ મુસ્લિમ ધર્મગુરુઓના આગ્રહોનો અનાદર કર્યો હોય એવા એક-બે નહીં, ડઝનબંધ પ્રસંગ હું ટાંકી શકું એમ છું. ઇવન ઇસ્ટ ઇન્ડિયા કંપની મિશનરીઓને દબાવીને રાખતી હતી. કોઈ પણ સમજદાર શાસક દુરાગ્રહી ધાર્મિકોને શાસનથી દૂર રાખે એ સ્વાભાવિક છે અને શાસનના હિતમાં જરૂરી છે.
ચોથું, કેટલાક ધર્મગુરુઓ શાસકો ઉપર નજર રાખતા હતા અને તેમના પર જે તે કોમની તરફેણમાં કે વિરુદ્ધમાં વલણ અપનાવવા માટે દબાણ કરતા હતા એવું પણ જોવા મળ્યું છે. જેમ કે અકબરે દીને ઇલાહીનો પ્રયોગ કર્યો ત્યારે અહમદ સીરહિંદીએ અકબર સામે બળવો કર્યો હતો. તેમણે એક બાદશાહની વિરુદ્ધમાં ફતવો કાઢ્યો હતો. એટલે તો કેટલાક ધાર્મિક મુસલમાનો અહમદ સીરહિંદીને ‘મુજાદ્દીદ’ (ઇસ્લામ પ્રતિપાલક) તરીકે ઓળખાવે છે.
ટૂંકમાં કોમાવાદનો આજે જેવો રાજકીય ચહેરો જોવા મળે છે એવો ચહેરો ત્યારે ભારતમાં કોઈ યુગમાં અને કોઈ શાસનકાળમાં નહોતો. શાસકોનો સ્વાર્થ મુખ્ય હતો, ધાર્મિક પક્ષપાત થોડો હતો અને તેમને ધાર્મિક લોકોના આગ્રહો-દુરાગ્રહોનો સામનો કરવો પડતો હતો. શાસકો અને ધાર્મિકો વચ્ચે ક્વચિત સંઘર્ષ પણ થતો હતો. આધુનિક યુગનો કોમવાદ એ આધુનિક યુગના રાષ્ટ્રવાદનો જોડિયો ભાઈબંધ છે. રાષ્ટ્રવાદ રાષ્ટ્રે રાષ્ટ્રે ભાઈબંધ બદલે પણ છે. કોઈ જગ્યાએ ધર્મ, કોઈ જગ્યાએ ભાષા તો કોઈ જગ્યાએ વંશ. હિટલરના રાષ્ટ્રવાદે આર્ય વંશને ભાઈબંધ બનાવ્યો હતો, ભારત અને પાકિસ્તાનમાં ધર્મ ભાઈબંધ છે તો બંગલાદેશમાં બંગાળી ભાષા રાષ્ટ્રવાદની ભાઈબંધ છે. શ્રીલંકામાં બૌદ્ધ ધર્મ અને તેની સાથે સિંહાલી અસ્મિતા શ્રીલંકન રાષ્ટ્રવાદનો ભાઈબંધ છે. ખરું જોતા ધર્મ, ભાષા, વંશ, ભાઈબંધ કરતાં પણ વધુ તો રાષ્ટ્રવાદનો જનક અને પોષક છે.
રાષ્ટ્રવાદ, રાષ્ટ્રદ્રોહ, દેશપ્રેમ જેવાં આજકાલનાં પ્રચલિત કાટલાંની અને તેની મર્યાદાની અહીં વચ્ચે સમજ એટલા માટે આપવી પડી કે એ કાટલાંઓથી; શાહ વલીઉલ્લાહને, સર સૈયદ અહમદ ખાનને, અલીગઢ આંદોલનને, વહાબી આંદોલનને, દેવબંદી આંદોલનને, સૈયદ અહમદ બરેલવીને, જમાલુદ્દીન અફઘાનીને, ૧૮૫૭ના વિદ્રોહને, રાજા રામમોહન રોયને, દયાનંદ સરસ્વતી અને આર્યસમાજના આંદોલનને, સમાજ-સુધારકોને, બંકિમચંદ્ર ચેટરજીને, ભારતેન્દુ હરિશ્ચંદ્રને અને મહાત્મા ફુલેને જોવા-તપાસવાની ચેષ્ટા નહીં કરતા. તેમની સામે તેમના યુગની પરિસ્થિતિ હતી અને તેમના યુગની સમજ હતી. આખરે દરેક માણસ પોતાના યુગમાં જીવતો હોય છે. યુગને અતિક્રમીને દૂરનું ભાળી શકનારા વારંવાર પેદા નથી થતા.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 ઍપ્રિલ 2020