ધુળમાં ખરડાઈને
પાટીની પેન ખાઈ
ખિસ્સે પતંગિયાં ભરી
મોટી સાઇકલને વચ્ચેથી વીંધી
અડધાં પેડલ મારી
ભમરડા જેમ ભટકી
લખોટી જેમ રગડી
ઘુંટણ છોલાવી
સાંજે થોડું ખાઈ
રાતે સંતાકૂકડી રમી
આકાશમાં તારા જોઈ
કાલે શું રમીશું?
એ વિચાર કરતાં
પોઢી જતાં …
યાદ આવી ગયું
‘એપ પર કોડિંગ શીખવો કિડને’
ટીવી પર એડ જોતાં
બાળપણ સહેજ
***
એક ચહેરા પર
મહોરું તો પહેરતા જ હતા
ઉપરથી એના પર
પાછા માસ્ક બાંધવાના !
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 11