Opinion Magazine
Number of visits: 9446806
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવિતા અને કહેવતના પ્રેમી જમશેદજી

દીપક મહેતા|Opinion - Opinion|23 September 2019

કાળચક્રની ફેરીએ

માત્ર બત્રીસ વર્ષની ટૂંકી જિંદગીમાં જમશેદજી નશરવાનજી પીતીત (પુસ્તકો પર એવણનું નામ એ જ રીતે છાપ્યું છે)  કેટલાંક મોટાં કામ કરી ગયા. ૧૮૫૬ના જાન્યુઆરીની ૨૪મી તારીખે જન્મ. મમ્મા દીનબાઈ હતાં મેહરવાનજી જીજીભાઈ મુગાનાં બેટી. મુંબઈના કોટ વિસ્તારમાં બજાર ગેટ સ્ટ્રીટમાં આવેલા એ કુટુંબના મકાનમાં જમશેદજીનો જન્મ. નસરવાનજી પીતીતને  બે બચ્ચાંઓ — એક જમશેદજી અને બીજાં આવાંબાઈ. એક તો  દોલતમંદ ખાનદાન. વળી એકનો એક નબીરો. એટલે ચાંદીના નહિ, પણ સોનાના ઘૂઘરે રમેલો. મુંબઈની ફોર્ટ હાઈસ્કૂલમાં અને પછી બોમ્બે પ્રોપ્રાયટરી સ્કૂલમાં ભણ્યા. ત્યારથી પરગજુ અને ખેરાતી સ્વભાવ. પોતાની સાથે ભણતા ગરીબ વિદ્યાર્થીઓને પૈસા, પુસ્તકો, કાગળ, પેન્સિલ, વગેરેની અવારનવાર મદદ કર્યા કરતા.

અંગ્રેજી સાહિત્યની લગન પણ ત્યારથી જ લાગેલી. પોતીકું નાનકડું પણ સમૃદ્ધ પુસ્તકાલય વસાવેલું. એ વખતે જાણીતા કવિઓના કાવ્યસંગ્રહો ઉપરાંત શેક્સપિયરની તમામ કૃતિઓ તેમાં હતી. શેક્સપિયરનું કોઈપણ નાટક મુંબઈમાં ભજવાય તો તેમાં જમશેદજી અચૂક હાજર હોય. તેમની સાથે ભણતા બીજા કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતી વાંચવા બોલવામાં નાનમ માનતા, પણ જમશેદજી અંગ્રેજી ઉપરાંત ગુજરાતી પુસ્તકો, સામયિકો, અને વર્તમાનપત્રો પણ નિયમિત વાંચતા. ૧૮૭૫માં મેટ્રિક થયા પછી જમશેદજી એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા પણ સેકન્ડ લેંગ્વેજ અંગે કશીક મુશ્કેલી ઊભી થતાં બીજા પારસી વિદ્યાર્થીઓ સાથે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા ગયા. જો કે મુશ્કેલી દૂર થતાં થોડા વખત પછી જમશેદજી ફરી એલ્ફિન્સ્ટન કોલેજમાં ગયા. પણ પોતાની અપેક્ષાઓ નહીં સંતોષાતાં થોડા જ વખતમાં તેમણે કોલેજનો અભ્યાસ છોડ્યો. નશરવાનજીએ તરત જ તક ઝડપી લીધી. એ જ વખતે તેમને ઓરિયેન્ટલ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપનીની એજન્સી મળી હતી એટલે  પિતાએ પોરિયાને ધંધામાં લગાડી દીધો. થોડા વખતમાં જમશેદજી ઓરિએન્ટલ સ્પિનિંગ ઉપરાંત બીજી સાતેક કંપનીમાં ડિરેક્ટરના પદે નિમાયા. જમશેદજીનો વાચનનો શોખ તો પહેલાંની જેમ જ જળવાઈ રહ્યો હતો એટલે તેઓ કેટલાંક જાહેર પુસ્તકાલયોના વહીવટ સાથે પણ સંકળાયા. તેમાં ફોર્ટ રીડિંગ રૂમ એન્ડ લાઈબ્રેરી, દીનશાહ પીતીત લાઈબ્રેરી અને નવસારીના મહેરજી રાણા કિતાબખાનાનો થાય છે.

સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જમશેદજીએ ગુજરાતીમાં કવિતા લખવાનું શરૂ કર્યું હતું. ૧૮ ભાગમાં વહેંચાયેલી લાંબી કૃતિ ‘માહરી મજેહ’નો ઘણોખરો ભાગ ૧૮૭૩ સુધીમાં, એટલે કે જમશેદજી મેટ્રિક થયા તે પહેલાં લખાઈ ચૂક્યો હતો અને એ જ અરસામાં ‘જ્ઞાનવર્ધક’ નામના સામયિકમાં હપ્તાવાર પ્રગટ થયો હતો. તે ઉપરાંત વિદ્યામિત્ર, ગુલ અફશાન, ફુરસદ, પખવાડિયાની મજા નામનાં સામયિકોમાં પણ તેમનાં કાવ્યો અવારનવાર છપાતાં. પોતાનો કાવ્યસંગ્રહ પ્રગટ થાય તે માટે જમશેદજી સ્વાભાવિક રીતે જ આતુર હતા પણ તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘માહરી મજેહ તથા બીજી કવિતાઓ’ તેમના મૃત્યુ બાદ ૧૮૯૨માં પ્રગટ થયો.  આ સંગ્રહ લગભગ ૫૦૦ પાનાંનો છે. તેમાં જમશેદજીના નિકટના મિત્ર અને પુસ્તકના સંપાદક જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ જમશેદજીના જીવનનો અહેવાલ આપ્યો છે, તેમનાં કાવ્યોની ચર્ચા કરી છે, અને જમશેદજીની કવિતાને ગુજરાતી કવિતાની પરંપરામાં યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સંગ્રહમાંનાં કાવ્યોને કુલ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યાં છે. પહેલા ભાગમાં મારી મજેહ નામનું લાંબુ કાવ્ય સમાવાયું છે તે ૧૬૬ પાનાં રોકે છે. બીજા ભાગમાં તેમની છૂટક કવિતા આપી છે. ત્રીજા ભાગમાં જમશેદજીએ કરેલા અનુવાદ કે રૂપાંતર મૂકવામાં આવ્યાં છે અને ચોથા ભાગમાં અગાઉ પ્રગટ ન થઈ હોય તેવી કવિતાઓ મૂકવામાં આવી છે. પુસ્તકને બને એટલું આકર્ષક કરવા માટે તેમાં ઠેરઠેર ચિત્રો મૂકવામાં આવ્યાં છે જે ખાસ ઈંગ્લેન્ડથી આ પુસ્તક માટે મગાવવામાં આવ્યાં હતાં. જમશેદજીની બધી જ કવિતા પારસી ગુજરાતીમાં લખાયેલી છે. તેમણે પરંપરાગત રીતે પંક્તિને અંતે પ્રાસ મેળવવાનો આગ્રહ રાખ્યો નથી પણ અંગ્રેજીમાં જેને રનઓન લાઇન કહે છે તે રીતે કાવ્યોની રચના કરી છે. પારસી ગુજરાતી કવિતામાં આ રીતે કાવ્યરચના કરનાર જમશેદજી કદાચ પહેલા જ છે.

અલબત્ત આ કાવ્યો વાંચતી વખતે આજે આપણને સંતોષ થાય તેવાં કાવ્યો બહુ ઓછાં મળે છે. પણ આ કાવ્યો વાંચતી વખતે એ હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે હજી તો જેને જુવાનીનો મૂછનો દોરો માંડ ફૂટ્યો છે તેવા એક પારસી યુવાને પોતાના કવિતા માટેના પ્રેમથી પ્રેરાઇને આ રચનાઓ કરી છે. આ સંગ્રહમાંનાં કાવ્યો કાવ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે, એવો નથી તેમનો દાવો, કે નથી પુસ્તકના સંપાદકનો દાવો. જમશેદજીની કવિતાનો અંદાજ મેળવવા તેમના માહરી માશુક નામના કાવ્યની થોડી પંક્તિઓ જોઈએ.

‘અંધારી રાતે હું ઝબકી ઊઠું છ,
વિચાર તાહારો કરવા, ઓ માશુક માહરી!
પવન જ્યારે ધીમેથી બારીની માંહે
સરકતો હોય છ, ને તારાઓ બાહર,
ગુલમહોરનાં ઝાડોમાં ધુજતા દિસે છ.
મલસકું થતાં હું આશાની માંહે,
મેલાપ તાહરો કરવા, ઓ માશુક માહરી!
બારીથી સામેનાં ઝાડોમાં જોઊં છ,
કે તેઓની ડાહલોમાં તાહરો આકાર,
ઘાસોમાં સરકતો આવે છ કે નહિ.’

(અવતરણચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

માહરી મજેહ  નામના લાંબા કાવ્યમાં જમશેદજીએ આ બે પંક્તિઓ લખી છે:

કવિતા લખવી, ને ચાહવાનું સુખ,
એ બે મળ્યાં મહને, ત્યાં બીજી શી ભૂખ?

કવિતા લખવી એ જ જમશેદજીને મન મોટી વાત હતી.

કવિતા લખવાની સાથોસાથ સ્કૂલના અભ્યાસકાળથી જ જમશેદજીને કહેવતો એકઠી કરવાનો શોખ લાગ્યો હતો. આ રીતે તેમણે એકઠી કરેલી ૧૦ હજાર જેટલી કહેવતો ‘કહેવતમાળા’ એવા નામ સાથે વિદ્યામિત્ર સામયિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. જમશેદજીએ એ બધી કહેવતોને અકારાદિ ક્રમે ગોઠવી હતી. તેમના અવસાન સુધીમાં ફ અક્ષર સુધીની કહેવતો વિદ્યામિત્રમાં છપાઈ હતી. એમના અવસાન પછી ૧૯૦૩માં બે ભાગમાં કહેવતમાળા પુસ્તક પ્રગટ થયું હતું.  જમશેદજીના મરણ પછી તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ આ બંને પુસ્તકોને પ્રગટ કરવા માટે ઘણી મહેનત કરી હતી. બંને પુસ્તકો સાથે સંપાદક તરીકે તેમનું નામ જોડાયું છે.

જમશેદજીનાં બે પુસ્તકોમાંથી કહેવતમાળા પરિશ્રમ અને અભ્યાસને કારણે તેમ જ તેના વ્યાપ અને વિસ્તારને કારણે પણ વધુ ધ્યાનપાત્ર બને તેમ છે. ગુજરાતીની લગભગ ૧૨ હજાર જેટલી કહેવતો અહીં અકારાદિ ક્રમે ગોઠવીને તેમણે રજૂ કરી છે. આટલી મોટી સંખ્યામાં ગુજરાતી કહેવતો આ પહેલી વાર અહીં સંગ્રહાઈ છે. પણ જમશેદજી એટલેથી અટક્યા નથી. ગુજરાતી કહેવતને સમાંતર એવી બીજી કહેવત જ્યાંથી મળી ત્યાંથી તેમણે સાથોસાથ રજૂ કરી છે. આ માટે તેમણે બે-પાંચ જાણીતી ભાષાઓ સુધી જ નજર દોડાવી નથી. ભારતની સંસ્કૃત, હિન્દી, મરાઠી, કાશ્મીરી, અને તેલુગુ જેવી ભાષા ઉપરાંત અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, ડેનિશ, ફારસી, વગેરે ભાષાઓની કહેવતો પણ અહીં સમાવાઈ છે. જમશેદજીના અવસાન પછી તેમના અધૂરા રહેલા કાર્યને પૂરું કરી પ્રગટ કરવામાં તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ ઘણી મહેનત કરી હતી એટલે આ પુસ્તક જે રૂપે આપણી સામે છે તે રૂપ તેને આપવામાં જીજીભાઈનો ફાળો પણ નાનો સુનો નહીં જ હોય. પણ જમશેદજી અને જીજીભાઈમાંથી કોને કેટલું શ્રેય આપવું એ નક્કી કરવાનું કામ મુશ્કેલ છે. પણ એટલું તો જરૂર કહી શકાય કે ગુજરાતી કહેવતોના દસ્તાવેજીકરણનો આ એક અત્યંત સમર્થ પ્રયત્ન છે.

અલબત્ત, જમશેદજીનું પુસ્તક પ્રગટ થયું તે પહેલાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી કહેવતો અંગેનાં ઘણાં પુસ્તકો પ્રગટ થયાં હતાં. આથી કહેવતો અંગેનાં પુસ્તકોની એક લાંબી પરંપરાનો વારસો જમશેદજીને મળ્યો, અને વીસમી સદીની શરૂઆતમાં, ૧૯૦૩માં જમશેદજીનું પુસ્તક આપણને મળ્યું. તે પછી આજ સુધીમાં  કહેવતો વિશેનાં બીજાં કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાંનાં ઘણાંએ સીધી કે આડકતરી રીતે જમશેદજીના પુસ્તકની મદદ લીધી છે. કેટલાકે ઋણસ્વીકાર સાથે, તો કેટલાકે તેવું સૌજન્ય દાખવ્યા વગર પણ. જમશેદજીનું પુસ્તક ૧૯૦૩માં પહેલી વાર પ્રગટ થયું તે પછી ૧૦૬ વર્ષે તે ફરી પ્રગટ થયું. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ તેનું પુનર્મુદ્રણ યથાતથ રૂપે – ફેક્સીમિલી પદ્ધતિથી — કર્યું એટલે મૂળ લખાણમાં કશો જ ફેરફાર થયો નથી.

જમશેદજીનાં લગ્ન સર દીનશાહજી માણેકજી પીતીત બેરોનેટનાં બેટી બાઈ હીરાબાઈ જોડે થયાં હતાં. તેમને સંતાન થયું નહોતું. ૧૮૮૭થી જમશેદજીની તબિયત લથડવા માંડી હતી અને ૧૮/૧૯ માર્ચ ૧૮૮૮ની પાછલી રાતે લગભગ દોઢ વાગે તેમનું અવસાન થયું. જમશેદજીના અવસાન પછી તેમની સૌથી વહાલી લાઇબ્રેરી ફોર્ટ રીડિંગ રૂમ એન્ડ લાઈબ્રેરીને નસરવાનજીએ ૨૫ હજાર રૂપિયાનું માતબર દાન આપતાં લાઇબ્રેરી સાથે જમશેદજીનું નામ જોડાયું હતું અને તે જમશેદજી નસરવાનજી ફોર્ટ રીડિંગ રૂમ એન્ડ લાયબ્રેરી તરીકે ઓળખાવા લાગી હતી. આ ઉપરાંત મુંબઈમાં બીજી ત્રણ અને અંકલેશ્વરની એક લાઇબ્રેરી સાથે પણ જમશેદજીનું નામ જોડાયું હતું. કેળવણી અને તાલીમ માટેની કેટલીક સંસ્થાઓ સાથે પણ તેમનું નામ જોડવામાં આવ્યું જેમાંની એક મુખ્ય સંસ્થા તે જમશેદજી નસરવાનજી પીતીત પારસી ઓર્ફનેજ. તેમનાં બંને પુસ્તકો આ સંસ્થાએ જ પ્રગટ કર્યા છે.

માત્ર ૩૨ વર્ષની જિંદગી. ધન-વૈભવનો પાર નહિ. સાધન સગવડ માગ્યા પહેલાં જ મળે. પણ એ બધાંનો ઉપયોગ જમશેદજીએ મોજ મજા માટે ન કર્યો. કવિતા અને કહેવતો માટેના પોતાના પ્રેમને, લગાવને પોષવા માટે કર્યો.

xxx xxx xxx

(પ્રગટ : “શબ્દસૃષ્ટિ”,  સપ્ટેમ્બર 2019; પૃ. 60-63

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

Loading

23 September 2019 admin
← કાંતિ ભટ્ટ: બેચેનીનાં ૮૮ વર્ષ
આજના ‘દેવભૂમિ દ્વારકા’ જિલ્લાના એક યુવાન આઈ.એફ.એસ.માં પાસ થયા : ઈરાન પછી અત્યારે લંડનની હાઇ કમિશનની ઑફિસમાં ફરજનિષ્ઠ છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved