લાલ જાજમ પર મહાનાયક હજી તો પગ માંડે ત્યાં જ જાજમમાં પ્રાણસંચાર સમો સળવળાટ! માંહે મહાસર્પો ગતિશીલ બન્યા હોય એવી ભયાવહ ઊથલપાથલ. સભાગૃહના દ્વારે બંને બાજુ કળશ લઈ ઊભેલી સન્નારીઓનું ચિત્રાલેખન અને એ ચિત્રિત વાચાને વાણી ફૂટી.
ઃ થોભો, મહાસમર્થ! અમારી સમસ્યાના સમાધાન વગર આપ અંદર નહીં પ્રવેશી શકો.
આ પ્રકારની આજ્ઞાથી ન ટેવાયેલ મહાનાયક સહેજ વ્યગ્ર થયા. જે સંભાળ્યું તેને ભ્રમ ગણીને તેઓ ફરી આગળ ધપ્યા. એમની પાછળનો રસાલો પણ હવે પ્રવેશ માટે આતુર હતો. મહાનાયકની ગતિને અવરોધવા લાલ જાજમ મોજાંની પેઠે ઊછળવા માંડી, બધાં ભયભીત.
ઃ શી સમસ્યા છે?
પોતાના સશક્ત અવાજને શોધીને બહાર ધકેલતાં મહાનાયકે પૃચ્છાભરી દૃષ્ટિ ચિત્રિત મહિલાઓ ભણી વાળી.
ઃ તો સાંભળો. આપને ત્યાં કોઈ ચિત્રપટ નિમિત્તે ભયાનક ઉત્પાત થયો છે એવા સમાચાર દેવાધિદેવ ઇન્દ્ર સુધી પહોંચ્યા છે, એ સાચા છે?
મહાનાયકે ઉત્તર ટાળી કેવળ મસ્તક ડોલાવ્યું, હકારમાં.
ઃ તો આપ એ વિનાશક ઉત્પાત કેમ અટકાવી ન શક્યા ? આપ તો પ્રચંડ બાહુબલ ધરાવો છો.
ઃ લોકશાહી છે. પ્રજાની લાગણી અગત્યની છે. એનું દમન અશક્ય.
મહાનાયકના ઉત્તરમાં વિશ્વાસ અને સમજનું પ્રતીતિજનક મિશ્રણ વરતાયું.
ઃ તો દેવાધિદેવને એ જાણવું છે કે આ જે કોઈ સૈન્યો છે, તે પોતાના પ્રદેશમાં અને સમસ્ત દેશમાં, નારીનું ગૌરવ જાળવવા કેમ યુદ્ધે નથી ચડતાં?
મહાનાયક મૌન. એમની પાછળનો રસાલો પાષાણવત્.
ઃ આપ ઉત્તર આપો. અમારે એ દેવાધિદેવને પહોંચાડવાનો છે. એ કર્તવ્ય અર્થે જ અમે અહીં, આ દ્વાર પર, ઊભાં છીએ.
ઃ અમે સૂત્ર આપ્યું છે, ‘બેટીબચાવો, બેટીપઢાવો.’ અમે નારી ગૌરવ માટે વચનબદ્ધ છીએ. ઝીરો ટોલરન્સ… મહાનાયકના સ્વરમાં સિંહડણકનો આછો અમસ્તો ભાસ પણ ન વરતાતા એમને ખુદને પોતાનો અવાજ પરાયો લાગ્યો.
કળશધારિણી બોલ્યાં,
ઃ દેવાધિદેવને સૂત્રોની જાણ છે, પણ એમને વાસ્તવ સાથે સંબંધ છે. જે પ્રદેશમાંથી આ ઉત્પાતકારી સૈન્ય ઉદ્ભવ્યું છે તે એ પ્રદેશમાં બાળકીઓને એમની નાદાન અવસ્થામાં જ લગ્નની બેડી પહેરાવી દેવામાં આવે છે, બેટીપઢાઓ સૂત્રની મોટામાં મોટી મજાક આ પ્રદેશમાં થાય છે, સ્ત્રીઓ પર બળાત્કાર અને અત્યાચારના આંકડાઓમાં આ પ્રદેશ દેશભરમાં …
આ ક્ષણે મહાનાયક વ્યાકુળ બન્યા. એમનું ચાલત તો એ આખેઆખા શોભાદ્વારને, પેલી ચિત્રિત નારીઓ સમેત, ખસેડી લેવડાવત. પણ આમ કરવામાં નિજપ્રતિભા ખરડાવાની આશંકા જાગી. એ ક્ષીણ અવાજે પ્રતિકાર કરવા મથ્યા.
ઃ અમે નારીગૌરવ માટે સતત પ્રયત્નશીલ છીએ. એ માટે મારા જીવનની પ્રત્યેક ઘડી …
ઃ હશે, એમ હશે, પણ કાલ્પનિક કથા ધરાવતા ચિત્રપટનો વિરોધ કરવા આવાં વિનાશક રમખાણો ફેલાવતા સમૂહને દેશમાં બળાત્કારનો અને એ પછી હત્યાનો ભોગ બનતી બાલિકાઓ માટે યુદ્ધે ચડવાનું કેમ સૂઝતું નથી. એ સમસ્યા દેવાધિદેવની છે અને એમને એનો ઉત્તર જોઈએ છે.
મહાનાયકે ઉત્તરને ઠેકાણે પ્રતિપ્રશ્ન કર્યો, કાબેલ નેતા પેઠે.
ઃ ત્યાં, ઉપર, કયું ગુપ્તચર જૂથ આટલી વિગતે માહિતી એકત્ર કરે છે ? અમારે એમનો સંપર્ક સાધવો છે.
ઃ ક્ષમા, વીરનાયક, આ કોઈ ગુપ્તચર વિભાગનો અહેવાલ નથી. આ તો અવગતે ગયેલી આપના દેશની તમામ સ્ત્રીઓ અને બાલિકાઓના ઘેરાવનું પરિણામ છે. એમણે ઘેરી લીધા છે દેવાધિદેવને, આસનેથી ચસ્ત નથી શક્યા દેવાધિદેવ દસ દિવસથી આ વિશાળ નારીસમૂહમાં આત્માઓના ઘેરાવથી. આપ કહો તો એ સહુને મોકલી આપીએ આપની પાસે? આપ કરી શકો એમના અજંપાનું સમાધાન? અમે મૃત્યુપશ્ચાત આવું જીવન ટૂંક સમય માટે આપી શકીએ, કરીએ એવું?
આત્માઓના ઘેરાવની કલ્પનાથી બેચેન બનેલા મહાનાયક મૌનમાં સરી પડ્યા, તે સરી પડ્યા. એ મૌનને પ્રભાવે સર્વત્ર મહામૌન છવાયું. ટોળાં ઉત્પાત કરતાં રહ્યાં.
હવે?
સૌજન્ય : “નિરીક્ષક”, 26 માર્ચ 2018; પૃ. 15