ભારત સરકારે એટલી હદે અંગ્રેજોની ધૂર્તતા કાશ્મીરમાં બતાવવી જોઈએ કે આવતી કાલે કોઈ કાશ્મીરી સાવરકર ભારત સરકારને ગાળો આપતાં વિવેચન કરે કે દિલ્હીના શાસકોએ ધૂર્તતા દ્વારા અમને પરાસ્ત કર્યા, બાકી અમે તો જાનફેસાની માટે થનગનતા હતા.
શ્રીનગરમાં યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીમાં માત્ર સાત ટકા મતદાન થયું છે અને હિંસામાં આઠ જણ માર્યા ગયા છે. રાજ્યના અનંતનાગ મતદારક્ષેત્રમાં પણ લોકો ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે અને એને પરિણામે ૧૨ એપ્રિલે યોજાનારી લોકસભાની પેટાચૂંટણી ૨૫ મે સુધી મુલતવી રાખવામાં આવી છે. અનંતનાગમાં લોકોએ બે મતદાનકેન્દ્રોને સળગાવ્યાં હતાં. ચૂંટણી મુલતવી રાખવાનું મુખ્ય કારણ શ્રીનગરમાં થયેલું પાંખું મતદાન છે, જ્યાં સાત ટકા લોકો મતદાનમાં ભાગ લેતા હોય એને ચૂંટણી ન કહેવાય.
ગયા વર્ષે બુરહાન વાનીના સલામતી દળોના હાથે થયેલા મૃત્યુ પછી કાશ્મીરની ખીણમાં સ્થિતિ ઠેકાણે પડતી નથી અને આશ્ચર્યની વાત એ છે કે લોકોનો વિશ્વાસ પુન: સંપાદન કરવા ભારત સરકાર તો ઠીક, જમ્મુ અને કાશ્મીરની સરકાર પણ નક્કર પહેલ કરતી નથી. હજી પખવાડિયા પહેલાં વડા પ્રધાને કાશ્મીરની મુલાકાત લીધી હતી, પરંતુ તેમણે કાશ્મીરના યુવકોને સલાહ આપવા સિવાય તેમનો વિશ્વાસ જીતવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. અનેક જાગૃત નાગરિકોએ અને ત્યાં સુધી કે જમ્મુ અને કાશ્મીર હુરિયત કૉન્ફરન્સના નેતાઓએ સુધ્ધાં કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે કાશ્મીરના દરેક વિચારના જૂથો સાથે ચર્ચા કરીને સ્થિતિ થાળે પાડવી જોઈએ. વાતચીત કરવાથી ભારત સરકારની પ્રતિષ્ઠાને આંચ આવવાની નથી. ઊલટું વાતચીત નહીં કરવાની જીદને કારણે ડોનલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રને પણ નુક્તેચીની કરવાનો મોકો મળે છે. ટ્રમ્પ તો એકંદરે સખત શાસનના પુરસ્કર્તા છે અને એમ છતાં તેમના વિદેશપ્રધાને કાશ્મીર વિશે નિવેદન કર્યું છે.
આ વખતની ચૂંટણીએ બતાવી આપ્યું છે કે માત્ર ચૂંટણી યોજવાથી લોકતંત્ર વિકસતું નથી. એને માટે લોકોની ભાગીદારી જરૂરી છે અને લોકોની ભાગીદારી વિનાનું લોકતંત્ર અધૂરું છે. ૧૯૮૩ની સાલમાં આ જ રીતે ઇન્દિરા ગાંધીએ લોકોના વિરોધ છતાં આસામમાં વિધાનસભાની ચૂંટણી યોજી હતી. એ ચૂંટણીનો લોકોએ બહિષ્કાર કર્યો હતો. પરાણે યોજવામાં આવેલી ચૂંટણીમાં ભીષણ હત્યાકાંડ થયો હતો અને નેલી નામના ગામમાં ૬૪ બાળકો સહિત અનેક લોકોનાં મૃત્યુ થયાં હતાં. બંગલા દેશનું યુદ્ધ જીતી આપનારાં અને દુર્ગાનું બિરુદ પામનારાં ઇન્દિરા ગાંધીને આસામ અને પંજાબ માટે અલગ રીતે યાદ કરવામાં આવે છે. છેવટે કેન્દ્ર સરકારે હાર માનવી પડી હતી. આસામની કઠપૂતળી સરકારને હટાવવી પડી હતી અને નવેસરથી ચૂંટણી યોજવી પડી હતી. દરેક અર્થમાં ઇન્દિરા ગાંધીને અનુસરી રહેલા નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધીની ભૂલોમાંથી બોધપાઠ લેવો જોઈએ.
રાષ્ટ્રવાદીઓનો પ્રજા કરતાં બંદૂક પર વધારે ભરોસો હોય છે. અહીં વિનાયક દામોદર સાવરકરનું ઇતિહાસદર્શન યાદ આવે છે. તેમણે તેમની આત્મકથામાં લખ્યું છે કે હિંસક ક્રાન્તિ વિના કોઈ પ્રજા કાંઈ પામતી નથી. આઝાદી જોઈતી હોય તો સશસ્ત્ર પ્રતિકાર કરવો જ રહ્યો. એ પછી તેમણે ૧૮૫૭માં લોકોએ આઝાદી માટે કરેલી હિંસક ક્રાન્તિની અને વાસુદેવ બળવંત ફડકેની વાત કરી છે. અહીં સુધી તો જાણે ઠીક છે, પરંતુ એ પછી તેમણે જે વિવેચન કર્યું છે એ રમૂજી છે. તેઓ પોતે જ પોતાના તર્કનું ખંડન કરે છે.
તેઓ તેમની આત્મકથામાં કહે છે કે ધૂર્ત અંગ્રેજો ૧૮૫૭ જેવી ઘટના ફરી વાર ન બને અને સશસ્ત્ર ક્રાન્તિ ન થાય એ માટે પ્રયત્નો કરતા હતા અને નપુંસક ભારતીયો તેમને એમાં મદદ કરતા હતા. તેમણે ભારતીય પ્રજાનું સરકાર વિશેનું મન જાણવા કૉન્ગ્રેસની સ્થાપના કરી હતી. કૉન્ગ્રેસમાં દરેક પ્રાંતના અને દરેક કોમના ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું હતું. મુસલમાનોને સુધ્ધાં કૉન્ગ્રેસની છત્રીમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એમાં હિન્દુ નેતાઓ પાસે પહેલ કરાવવામાં આવી હતી. જ્યારે એ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો ત્યારે ભાગલા પાડો અને રાજ કરોની ચાલાકી કરવામાં આવી હતી. ધૂર્ત અંગ્રેજોએ ભારતમાં પાશ્ચત્ય શિક્ષણ દાખલ કર્યું હતું અને શિક્ષિત મધ્યમવર્ગ પેદા કર્યો હતો. આ શિક્ષિત મધ્યમવર્ગને સરકારી નોકરીઓ આપવામાં આવી હતી અને એ રીતે તેમને સરકારપરસ્ત બનાવાયા હતા. નવા સામાજિક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને એનું શિક્ષિત ભારતીયોમાં આકર્ષણ પેદા કરવામાં આવ્યું હતું. કેટલાક શિક્ષિત ભારતીયો આઝાદી પછી પહેલાં સામાજિક સુધારાઓ એવી વકીલાત કરતા થઈ ગયા હતા. આવી બધી ચાલાકીઓ દ્વારા અંગ્રેજો ભારતમાં હિંસક ક્રાન્તિ થવા નથી દેતા.
સાવરકર નસીબદાર હતા કે તેઓ વગર હિંસાએ આઝાદી ભોગવીને ગયા અને એ પણ એવા માણસોએ અપાવી હતી જેમને તેઓ અંગ્રેજપરસ્ત અને નપુંસક સમજતા હતા, પરંતુ ચર્ચાનો મુદ્દો એ નથી. ચર્ચાનો મુદ્દો અંગ્રેજોની ધૂર્તતાનો છે. ૧૮૫૭ પછીથી અંગ્રેજોએ ભારતીયોને એવી એક પણ તક નહોતી આપી કે ૧૮૫૭નું પુનરાવર્તન થાય. એકાદ-બે ઘટનાઓ અપવાદરૂપ છે અને એ પણ બે-ચાર જણની ભૂગર્ભ હિંસક પ્રવૃત્તિ હતી, સામૂહિક પ્રજાકીય હિંસક ક્રાન્તિ નહોતી. ૧૮૫૭ પછીથી હિંસક સામૂહિક ક્રાન્તિની તો ભારતમાં એક પણ ઘટના નહોતી બની. સાવરકર પોતે જ નિરાશ થઈને લખે છે, કહો કે કબુૂલાત કરે છે કે ધૂર્ત અંગ્રેજોએ ભારતમાં હિંસક ક્રાન્તિ થવા ન દીધી, જ્યારે કે આઝાદી માટે ક્રાન્તિ અનિવાર્ય છે.
તો સરવાળે જીત કોની થઈ? ગરમ લોહી ધરાવનારા સાવરકરોની કે ધૂર્ત અંગ્રેજોની? અંગ્રેજોનો ગાંધીજી સામે પરાજય થયો એ જુદી વાત છે, પરંતુ સાવરકરો સામે તો અંગ્રેજોની ધૂર્તતાનો જ વિજય થયો એમ ખુદ સાવરકર કબૂલ કરે છે. કેટલીક વાર નિંદાના નશામાં આવા છબરડા વળે છે. પોતે જ પોતાની થીસિસને નિરસ્ત કરી દેતા હોય છે અને દુશ્મનની બાજુને સ્થાપિત કરી આપતા હોય છે. એટલે તો સાવરકરનું ક્રાન્તિચિંતન રમૂજી છે.
વાચકના મનમાં કદાચ પ્રશ્ન થતો હશે કે સાવરકર અને કાશ્મીરને શું સંબંધ છે? બહુ દેખીતો સંબંધ છે. ભારત સરકારે કાશ્મીરમાં અને ઈશાન ભારતના બીજા પ્રદેશોમાં અંગ્રેજો જેવી ધૂર્તતાની નીતિ અપનાવવી જોઈએ અને એ રીતે હિંસક ક્રાન્તિ કરીને આઝાદી માગનારાઓને પરાસ્ત કરવા જોઈએ. જો અંગ્રેજો આખા ભારતની પ્રજાને ધૂર્તતાની નીતિ અપનાવીને ૯૦ વરસ સુધી હિંસક ક્રાન્તિ કરતાં રોકી શકે તો ભારત સરકાર કાશ્મીરમાં એ ન કરી શકે? બસ, એ જ માર્ગ અપનાવવાનો છે જે અંગ્રેજોએ અપનાવ્યો હતો. શિક્ષણ, નોકરી, વિકાસ અને ભાગીદારી એ હિંસાને રોકવાનો અકસીર ઉપાય છે એમ દસ્તુર ખુદ સાવરકરે અંગ્રેજોને ગાળો દેતાં કહ્યું છે. ભારત સરકારે એટલી હદે અંગ્રેજોની ધૂર્તતા કાશ્મીરમાં બતાવવી જોઈએ કે આવતી કાલે કોઈ કાશ્મીરી સાવરકર ભારત સરકારને ગાળો આપતાં વિવેચન કરે કે દિલ્હીના શાસકોએ ધૂર્તતા દ્વારા અમને પરાસ્ત કર્યા બાકી અમે તો જાનફેસાની માટે થનગનતા હતા. કાશ્મીરમાં કોઈ ગાંધી પેદા થાય એ પહેલાં ભારત સરકારે ધૂર્તતા દ્વારા કાશ્મીરી સાવરકરોનો ફુગ્ગો ફોડી નાખવો જોઈએ.
નરેન્દ્ર મોદી અને સંઘપરિવારે તેમના ગુરુ સાવરકરના આવેશ કરતાં આવેશમાં બોલાઈ ગયેલી સાચી વાતને કાને ધરવી જોઈએ. શું લાગે છે?
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 અૅપ્રિલ 2017