
રાજા હરિસિંહ
કાશ્મીર સમસ્યાના ખરા ગુનેગાર તો હિન્દુ રાજા હરિસિંહ છે. તેમને તો આઝાદ કાશ્મીર જોઈતું હતું. તેમને નહોતું ભારતમાં જોડાવું કે નહોતું પાકિસ્તાનમાં. પછી પાકિસ્તાને આક્રમણ કર્યું. તેનો સામનો કરવાની પોતાની તાકાત નહોતી, એટલે ભારત સરકારને પોતાને બચાવવા વિનંતી કરી. એટલે નેહરુ સરકારે શરત મૂકી કે, ભારતમાં જોડાવ તો બચાવીએ. પછી હરિસિંહની સાન ઠેકાણે આવી.
આ તવારીખ જુઓ:
(૧) એપ્રિલ-૧૯૪૭થી ઓગસ્ટ-૧૯૪૭ દરમ્યાન અનેક દેશી રજવાડાં ભારતમાં ભળી ગયેલાં.
(૨) દેશ આઝાદ થયો ૧૫-૦૮-૧૯૪૭.
(૩) પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું: તા.૨૨-૧૦-૧૯૪૭.
(૪) હરિસિંહે તેમનું રાજ્ય ભારતમાં ભેળવવા માટેના પત્ર પર સહી કરી: તા.૨૬-૧૦-૧૯૪૭.
હરિસિંહ સહી કરે અને ભારતમાં કાશ્મીર ભળે ત્યાં સુધીમાં તો પાકિસ્તાને એ ઘણું કબજે કરી લીધેલું. એટલે એ પાછું લેવા માટેની જવાબદારી આવી ભારત સરકાર પર. હરિસિંહે તો સહી કરીને હાથ ખંખેરી નાખ્યા. ખરો ઝઘડો ત્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે શરૂ થયો.
આમ, ઘણું ગુમાવેલું કાશ્મીર હરિસિંહે ભારતને આપ્યું. બળતું ઘર કૃષ્ણાર્પણ.
જો હરિસિંહે પહેલેથી જ ભારતમાં ભળી જવાનું અન્ય રાજાઓની જેમ સ્વીકાર્યું હોત તો, પાકિસ્તાન હુમલો કરવાની હિંમત જ ન કરત કદાચ. કારણ કે પાકિસ્તાને ત્યારે ભારત પર હુમલો કરવાનો થાત, કાશ્મીર પર નહિ; અને એની એવી હિંમત ન થાત.
એટલે, પાકિસ્તાને જે આક્રમણ ૧૯૪૭-૪૮માં કરેલું એ ત્યારના ભારત પર નહોતું કરેલું, ત્યારના કાશ્મીર પર કરેલું કે જે ભારતનો ભાગ થયું જ નહોતું.
હરિસિંહે ભારતમાં ભળવા માટેના પત્ર પર સહી કરી, પછી ભારતે જેટલું લડીને પાછું મેળવ્યું કાશ્મીર એટલું મેળવ્યું, બાકી રહ્યું તે PoK.
અને માની લો કે, પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું જ ન હોત તો? તો કદાચ કાશ્મીર એક અલગ દેશ હોત, કારણ કે હરિસિંહને તો ભારતમાં આવવું જ નહોતું. એટલે એમ કહેવાય ખરું કે, જેટલું કાશ્મીર ભારત પાસે છે તેટલું છે કારણ કે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું અને હરિસિંહને તેથી ભારતમાં ભળવાની ફરજ પડી?
હવે, આ વાતને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે, એક સોસાયટીમાં ૫૦ ઘર છે. બધા એક બિલ્ડરને આખી સોસાયટી વેચવા તૈયાર છે. પણ એક જણ ના પાડે છે. બાકીના બધા આખી સોસાયટી પેલા બિલ્ડરને વેચી મારે છે. હવે બિલ્ડરને માથે આવ્યું કે પેલા એક જણને કેવી રીતે એનું ઘર ખાલી કરાવવું.
જો કે, PoK કોઈ ખાલીખમ પ્રદેશ નથી. એમાં હાલ બાવન લાખ લોકો રહે છે.
હિંદુ રાજા હરિસિંહે બહુ મોડું કર્યું એ પણ એક ખરો, ખરખરો કરવા જેવો, ઇતિહાસ છે.
૩૦-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર