Opinion Magazine
Number of visits: 9482855
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કરુણામય કર્મશીલ કાનૂનવિદ્દને કસુંબલ કુર્નિશ !

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|12 October 2018

પૈસાની પરવા કર્યા વિના, ચાળીસથી વધુ વર્ષ માટે, અનેક પ્રકારના વંચિતોને ન્યાય મળે તે માટે, વકીલાત કરનાર ધારાશાસ્ત્રી ગિરીશ પટેલનું 6 ઑક્ટોબરે પરોઢે, 85 વર્ષની ઉંમરે લાંબી માંદગી બાદ, તેમના અમદાવાદનાં નિવાસસ્થાને અવસાન થયું. ગિરીશભાઈ એક કરુણામય કર્મશીલ કાનૂનવિદ્દ હતા. ઉપરાંત તે એક વિદ્યાપુરુષ, વક્તા અને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ હતા. રોમેરોમ સામાજિક નિસબત, નિખાલસતા અને નીડરતા, વિચારોની સ્પષ્ટતા, ઇમાનદારી અને આમ આદમી માટેની ચાહત, હળવાશ અને હાસ્ય – ગિરીશભાઈની ખાસિયતો હતી.

ગિરીશભાઈએ 1977માં ‘લોક અધિકાર સંઘ’ નામના સંગઠનની સ્થાપના કરી અનેક પ્રશ્નોમાં સ્થાપિત હિતો સામે શિંગડાં માંડ્યા. આ માર્ક્સિસ્ટ કર્મશીલ ‘વિકાસ કોને ભોગે અને કોને માટે?’ પ્રશ્ન ગુજરાતમાં સતત ઊભો કરતા રહ્યા. નર્મદા બચાઓ આંદોલનના નેજા હેઠળ તેમણે નર્મદા યોજનાના વિસ્થાપિતો માટે અમેરિકાની સંસદ તેમ જ અન્યત્ર પણ જાહેર રજૂઆત કરી. ગિરીશભાઈને 1998માં વૉશિંગ્ટનની ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનૅશનલ એજ્યુકેશન’ નામની સંસ્થાની ફેલોશીપ મળી હતી. તેના માટે ગિરીશભાઈએ ‘પ્રેઝન્ટ ડે થ્રેટસ્  ટુ હ્યુમન રાઇટસ્ ઇન ઇન્ડિયા વિથ રેફરન્સ ટુ ગુજરાત’ વિષય પર કામ કર્યું. ગિરીશભાઈને 1999માં પ્રથમ ભગિરથ હ્યુમન રાઇટસ્ અવોર્ડથી સન્માનવામાં આવ્યા. ગિરીશભાઈને ભારતના બંધારણની મહત્તા સતત ઉજાગર કરતા. ન્યાયશાસ્ત્ર માટે અગ્રેજી શબ્દ ‘જ્યુરિસ્પ્રુડન્સ’ છે, અને ગિરીશભાઈના  માનવતાસભર ન્યાયદર્શન માટે ‘ગિરીશપ્રુડન્સ’ શબ્દ છે ! સુપ્રિમ કોર્ટમાં વકીલાત કરીને એક એક હિયરિંગનાં લાખો રૂપિયા કમાવાનું કૌવત ધરાવતા ગિરીશભાઈ આખી જિંદગી સાદાઈ જાળવીને, ગુજરાતનાં વંચિતોના વકીલ બનીને જીવ્યા !

વંચિતોના ન્યાય માટે ગિરીશભાઈની કાનૂની લડતોની શરૂઆત કલોલની એક ફૅક્ટરીના રાજસ્થાની બંધવા મજૂરોની મુક્તિ માટેની હતી. ત્યાર બાદ તે અમદાવાદના મિલમજૂરો અને સૂરતના ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ યુનિટસમાં રિબાતા હજારો કામદારોની વર્કિંગ કન્ડિશન્સમાં સુધારા માટે લડ્યા. દક્ષિણ ગુજરાતમાં ‘કોયતા’ તરીકે ઓળખાતા અને અતિશય રિબાતા શેરડીના ખેતમજૂરોનાં વેતન તેમ જ જીવનધોરણમાં સુધારા માટની તેમની લડત હિરોઇક, વીરનાયકને છાજે તેવી છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓ પરનાં સરકારી દમનની સામે અને નર્મદા યોજનાના વિસ્થાપિતોનાં પુનર્વસનની તરફેણમાં તેમણે ઘણો સંઘર્ષ કર્યો. કપાસનાં ખળાંમાં, ઇંટોનાં ભઠ્ઠામાં, સરકસના તંબુમાં કામ કરતાં મહેનતકશોની વહારે પણ ગિરીશભાઈ જ ગયા. 1985ના અનામત આંદોલનમાં અત્યાચારોનો ભોગ બનેલા દલિતોને ન્યાય અપાવ્યો અને માથે મેલું ઊપાડવાની બદીની નાબૂદી માટેની લડતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી. સૌરાષ્ટ્રનાં એક ગામનાં એક મહિલા સરપંચના કેસમાં તો ગિરીશભાઈએ માણસાઈની જુદી જ ઊંચાઈ બતાવી. મહિલા પર ગામની માથાભારે કોમના લોકોએ બળાત્કાર કર્યો, તેમનાં પરિવાર પર પ્રચંડ અત્યાચાર ગુજાર્યો. પોલીસ અને શાસકોએ તેમાં આડકતરો સાથ આપ્યો. ગિરીશભાઈ વર્ષો સુધી એ મહિલા માટે લડ્યા. ગિરીશભાઈએ અને તેમનાં પત્ની કુસુમબહેને તેમને દીકરી તરીકે સ્વીકારીને પોતાનાં ઘરમાં રાખ્યાં, તેને તબીબી સારવાર આપી, તેના બાળકોની સારસંભાળ લીધી!  ‘ગિરીશભાઈ અને કુસુમબહેન તો મારાં માવતર છે. તેમને લીધે હું અને મારું કુટુંબ આજે જીવતાં છીએ !’, એમ એ બહેને, બંને માળ ખીચોખીચ ભરાયેલા અમદાવાદના ટાઉનહૉલના જાહેર મંચ પરથી, ખૂબ લાગણીશીલ થઈને કહ્યું હતું તે દૃશ્ય આ લખનારની નજર સમક્ષ છે. એ દિવસ હતો દસમી મે 2009. ગિરીશભાઈનાં પંચોતેર વર્ષ બદલ તેમનું નાગરિક સન્માન કરવામાં આવ્યું હતું. એ વખતનું બીજું એક યાદગાર અહેસાન-કથન હતું તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વિસ્થાપિતોનાં સંગઠનના એક મુસ્લિમ સભ્યનું : ‘યે ગિરીશભાઈ હૈ ઇસિલિએ હમારે સર પર આજ છત હૈ !’

ગુજરાતમાં નાટકો માટેનાં  સેન્સર બોર્ડે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર મારેલી તરાપ સામે લડનારા જનવાદી કલાકારોએ ચળવળ ચલાવી. મીઠાખળી વિસ્તારની મ્યુિનસિપલ શાળા ખાનગી ટ્રસ્ટને સોંપવાનો વેપલો થયો એટલે બાળકો શાળાવિહોણાં બની ગયાં. ‘શિક્ષણ બચાઓ સમિતિ’એ આંદોલન ચલાવ્યું. બંનેના  કેસ ગિરીશભાઈ પાસે જ હતા. રિવરફ્રન્ટના વિસ્થાપિતો માટે રહેઠાણની જોગવાઈ માટે તે કોર્ટમાં ગયા અને ગોધરાકાંડને પગલે ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોનાં પીડિતોને ન્યાય માટેની પ્રકિયામાં જોડાયેલા રહ્યા.

ગિરીશભાઈએ આપેલી લડતોની યાદી બહુ લાંબી થઈ શકે. તેમાંથી કેટલીક તેમણે ‘લોક અધિકાર સંઘ’ના નેજા હેઠળ કરી છે. ગિરીશભાઈની પહેલથી અને સમવિચારી નાગરિકોની સામેલગીરીથી ત્રણેક દાયકા માટે કાર્યરત રહેલું આ સંગઠન ગુજરાતના સામાજિક-રાજકીય ઇતિહાસનું એક પ્રેરક પ્રકરણ છે. લોક અધિકાર સંઘ વતી ગિરીશભાઈએ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પિ.આઇ.એલ.) એટલે કે જાહેર હિતની અરજીના કાનૂની હથિયારનો બહોળો ઉપયોગ કર્યો. ગુજરાતમાં પહેલી જાહેર હિતની અરજીથી લઈને ગિરીશભાઈએ બસો જેટલી પિ.આઈ.એલ. કરી છે. તેમાંની 126 લોક અધિકાર સંઘ વતી છે. જો કે, લડતા-લડતા, સિત્તેર-પંચોતેરે પહોંચતા ગિરીશભાઈ કાનૂની પ્રકિયાઓ અને તેની અસરકારકતાથી હતાશ થઈ ગયા હતા. એ કહેતા : ‘ધીઝ આર ધ કોર્ટસ ઑફ લૉ, નૉટ કોર્ટસ ઑફ જસ્ટીસ. વન મસ્ટ નૉટ ટેઇક પબ્લિક ઇશ્યૂઝ ટુ કોર્ટ્સ’. એટલે કે  આપણી અદાલતો એ ન્યાયની નહીં, પણ કાનૂનની અદાલતો છે, જાહેર જીવનના પ્રશ્નોને એમાં લઈ જવાનો કોઈ અર્થ નથી. તેમના માનવામાં લોક આંદોલન એ એક વિકલ્પ હતો. એટલે, મહાગુજરાત અને નવનિર્માણ આંદોલનમાં ભાગ લઈ ચૂકેલા ગિરીશભાઈ હમણાંનાં વર્ષોમાં મહુવા પાસે સૂચિત સિમેન્ટ પ્લાન્ટની સામે ખેડૂતોએ ચલાવેલા આંદોલનમાં સક્રિય હતા. રાજ્ય સરકારે નામનો ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરરિઝમ ઍન્ડ ઑર્ગનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (ગુજસીટૉક) નામનો જે જુલમી કાયદો બનાવવા માટે જે પેરવી કરી, તેના અને નરેન્દ્ર મોદીએ લાદેલી નોટબંધીના વિરોધમાં તેમણે વ્યાખ્યાનો દ્વારા વૈચારિક ટેકો પૂરો પાડ્યો હતો.

ગિરીશભાઈનો જન્મ 5 ડિસેમ્બર 1932ના રોજ નડિયાદમાં થયેલો. પણ તે પછીનાં અનેક વર્ષો ખાડિયામાં લાખિયાની પોળમાં ભાડાનાં ઘરમાં વીતેલાં. તેમના પિતા અમદાવાદ મ્યુિનસિપાલિટીમાં સેનેટરિ ઇન્સ્પેકટર હતા. શિક્ષણખાડિયાની મ્યુિનસિપાલ શાળા નંબર એકમાં. શાળાનાં વર્ષોમાં તેમને ડ્રૉઇંગનો શોખ હતો. તેમણે કરેલું કાર્લ માર્ક્સનું ડ્રૉઇન્ગ હજુ સુધી સચવાયું છે. ગિરીશભાઈએ હાર્વર્ડ સ્કુલ ઑફ લૉની માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ શિષ્યવૃત્તિ સાથે મેળવી. હેગ ઍકેડમી ઑફ ઇન્ટરનૅશનલ લૉમાં પણ તેમણે શિષ્યવૃતિ સાથે એક કોર્સ કર્યો. અમદાવાદની ગુજરાત લૉ સોસાયટીની લૉ કૉલેજમાં તે 1958માં અધ્યાપક તરીકે જોડાયા, છએક વર્ષ પછી આચાર્ય બન્યા અને 1972માં ગુજરાત રાજ્યના લૉ કમિશનના સભ્ય નીમાયા. એ કામ છોડીને 1975ના પ્રજાસત્તાક દિનથી માત્ર વંચિતોને જ ન્યાય અપાવવાના નિર્ધાર સાથે પૂરા સમયની વકીલાત શરૂ કરી. તેમણે એક મુલાકાતમાં કહ્યું છે: ‘મારો સિદ્ધાંત હતો કે કામદારોની સામે, કર્મચારીઓની સામે નહીં લડું. આદિવાસીઓ, દલિતો, મુસ્લિમો, બહેનો અને બાળકોની વિરુદ્ધના કેસ નહીં લઉં.’

ગિરીશભાઈએ પોતાની જાત સાથે કરેલું આ કમિટમેન્ટ કેવી ખુદવફાઈથી આજીવન પાળ્યું તે એક પુસ્તકમાં વાંચવા મળે છે. તેનું નામ છે ‘ગિરીશભાઈ : મિત્રોની નજરે ગિરીશભાઈ, ગિરીશભાઈનાં વક્તવ્યો’. ‘ગિરીશભાઈ પટેલ સન્માન સમિતિ’એ બહાર પાડેલાં આ પુસ્તકમાં ગિરીશભાઈનાં પોતાનાં ત્રણ વક્તવ્યો ઉપરાંત ગિરીશભાઈનાં જીવનકાર્ય  વિશે તેમના કર્મશીલ સાથીઓ-પ્રશંસકોએ લખેલા અઢાર ગુજરાતી-અંગ્રેજી લેખો વાંચવા મળે છે. તેમાં તેમના બહુ નજીકના યુવા સાથી આનંદ યાજ્ઞિકનો લેખ હચમચાવી દેનારો છે. તેમાં ગિરીશભાઈએ ચલાવેલા કેટલાક કેસોનું વર્ણન છે.

ડાંગના એક અત્યંત બેહાલ આદિવાસી મજૂર ગિરીશભાઈ પાસે તેમની ખોવાઈ ગયેલી દીકરીનો કેસ લઈને આવ્યા. ગિરીશભાઈએ તેની દીકરી પાછી મળે તે માટે કોર્ટમાં હેબિયસ કૉર્પસ કરી, મહિનાઓ સુધી કોર્ટ અને પોલીસ થકી કોશિશો કરી. પણ દીકરી પાછી ન મળી. એટલે ગિરીશભાઈએ તેને કહ્યું : ‘દોસ્ત તારી દીકરી તો હું તને પાછી નથી આપી શકતો, પણ મારી બેમાંથી એક દીકરી તને આપું.’  રેલવેના પાટાના સ્ક્રુ તપાસીને ફિટ કરતા રહેવાની નોકરી  કરનારા તામિલનાડુના સાત સ્થળાંતરિત મજૂરો ગિરીશભાઈ પાસે આવ્યા. તેઓ સાત વર્ષથી આ કામ કરતા હતા. તેમનું કામ જ એવું હતું કે તેમને  હંમેશાં રેલવેના પાટાની બાજુમાં પરિવાર સહિત અસ્થિર જીવન ગાળવું પડતું. તેઓ જ્યાં વસતા તેની આસપાસ નાની તળાવડી કે વહેળો હોય તો તેમાંથી નિર્વાહ પૂરતી માછલી પકડતા. પણ આના માટે એક વખત તેમને પોલીસે પકડ્યા અને રેલવેએ નોકરીમાંથી કાઢી મૂક્યા. તેમના કેસમાં ગિરીશભાઈએ માનવતાના મૂળભૂત સિદ્ધાંતો સેન્ટ્રલ ઍડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ સામે મૂકીને કરેલી લાજવાબ દલીલોને કારણે શ્રમજીવીઓને નોકરી પાછી મળી. એ લોકો ગિરીશભાઈને ફી આપી ગયા – એક એક રૂપિયાની 374 નોટો. ગિરીશભાઈએ છલકાતી આંખે, ‘ભારતરત્ન સ્વીકારતાં હોય તે રીતે’ એ નોટો સ્વીકાર, તેમાંથી તેમને માછલીની ‘વાસ નહીં, પણ સુવાસ આવતી હતી’.

દહેગામ પાસેના એક ગામના પદદલિત કાળુ મગાની જમીન પર ઉપલા વર્ગના ખેડૂતે દબાણ કર્યું હતું. ગિરીશભાઈએ કેસ દ્વારા તેની જમીન પાછી અપાવી. ફી તરીકે વર્ષો સુધી કાળુભાઈ ગિરીશભાઈને ત્યાં ‘થેલી ભરીને શાકભાજી અને શિંગોડાં’ આપવા આવતા. ‘ગિરીશભાઈ’ (2009) પુસ્તકમાં દલિત કર્મશીલ રાજુ સોલંકીએ તેમના લેખમાં લખ્યું છે : ‘કાર્લ માર્ક્સ ગુજરાતમાં જન્મ્યા હોત અને ધારાશાસ્ત્રી બન્યા હોત તો તેમણે ગિરીશભાઈ પટેલ બનવાનું પસંદ કર્યું હોત.’ ‘જો આ હોય મારું અંતીમ પ્રવચન’ (2012) ગિરીશભાઈનું સ્વકથન છે. તેમાં તેમણે કાર્લ માર્ક્સનું એ કથન ટાંક્યું છે કે જેનાથી તેમને  ‘જીવન જીવવા માટે ધ્યેય’ મળ્યું હોય : ‘આઇ વૉન્ટ ધૅટ ટાઇપ ઑફ વર્ક વિચ ગિવ્હઝ મી લાઇવલિહૂડ ઍન્ડ અપૉર્ચ્યુનિટી ટુ ચેઇન્જ ધ સોસાયટી.’

સન્માન સમિતિએ ગિરીશભાઈનું પુસ્તક ‘પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઍન્ડ ધ પૂઅર ઇન ગુજરાત’ પણ પ્રસિદ્ધ કર્યું છે જેમાં જાહેર હિતની અરજીઓ અંગે ગિરીશભાઈના લેખો છે. ત્રીજા એક પુસ્તક ‘લૉ, સોસાયટી ઍન્ડ ગિરીશભાઈ’માં બસો નેવું ચર્ચાપત્રો છે. આમ ભલે આ લખાણો અંગ્રેજી અખબારોના તંત્રીઓને પત્રો તરીકે લખાયાં હોય, પણ તેમાંથી દરેક પત્ર એક વિશદ અભ્યાસલેખ છે. ગિરીશભાઈના જીવનની જેમ તે લેખોની ધરી ચાર બાબતોની બનેલી છે : ભારતના લોકો, ભારતનું બંધારણ, ભારતના વિકાસની તરેહ અને માનવ અધિકાર. અહીં  ગિરીશભાઈનાં બીજાં બે પુસ્તકો ખસૂસ યાદ આવે –  લોક અધિકાર સંઘે બહાર પાડેલું ‘નર્મદા યોજના : કોના માટે કોને ભોગે ?’ (1988) અને ‘દર્શન’ સંસ્થાએ ‘આધુનિકતાની ખોજમાં’ પુસ્તક શ્રેણી હેઠળ પ્રસિદ્ધ કરેલું ‘બંધારણ અને આધુનિકતા’ (2014).

એક પબ્લિક ઇન્ટેલેકચ્યુઅલ તરીકે જાહેર જીવન સાથેની સતત નિસબત ધરાવનારા ગિરીશભાઈની રમૂજવૃત્તિ તેમની વાતચીત અને તેમનાં વ્યાખ્યાનોને મજાનાં બનાવતી. તેમનું સન્માન કરવાનું છે એવી માહિતી આપવા આવેલા મિત્રોને તેમણે કહ્યું, ‘હવે જ્યારે મને સન્માનવાનું વિચારો જ છો તો પછી ભૂલી ન જતા. મારાથી તમને યાદ દેવડાવાશે નહીં.’ એક પ્રવચનમાં તેમણે આ કિસ્સો કહ્યો અને પછી આગળ ઉમેર્યું ‘જીવનમાં દરેક પ્રસંગે હસવાનું હું નાનપણથી શીખ્યો છું.’ તેમનો જીવનરસ આખર સુધી બરકરાર રહ્યો હતો. વારંવાર ડાયલિસીસ છતાં ગિરીશભાઈ, તે જેની સાથે સંકળાયેલા હતા તેવી, એલ.જે. કૉમર્સ કૉલેજના પરિસરમાં જતા. હમણાંનાં ડાયાલિસિસ દરમિયાન તે સુકેતુ મહેતાનું મુંબઈ પરનું ‘મૅક્સિમમ સિટી’ પુસ્તક વાંચતા રહેતા. ગિરીશભાઈની આખરી માંદગીમાં ખબર કાઢવા આવતા માણસોને પણ કુસુમબહેન અને તેમની દીકરીઓ રૂપલ અને સીમા એટલા માટે રોકતાં ન હતાં કે ગિરીશભાઈ જિંદગીભર મિત્રો સાથેની બેઠકોના માણસ રહ્યા હતા.

ગિરીશભાઈએ સન્માન સમારંભમાં જે કહ્યું અને જે કહેવા ધારેલું તે પ્રકાશભાઈ ન.શાહે પ્રતિભાવ-વ્યાખ્યાન તરીકે મેળવીને ‘નિરીક્ષક’ ના જુલાઈ 2009ના અંકોમાં પ્રસિદ્ધ કર્યું. તેમાંનો એક હિસ્સો :

‘મારા હૃદયના ડૉક્ટરને મેં કહેલું કે મારે 2001 સુધી તો જીવવું જ છે. ડૉક્ટરે મને કારણ પૂછ્યું એટલે મેં કહ્યું : ભારત કેવી રીતે એકવીસમી સદીમાં પ્રવેશે છે તે મારે જોવું છે. મારાં બે અરસપરસ વિરોધી સપનાં છે. એક, દેશ આપણાં બંધારણનાં આમુખમાં લખાયેલાં આદર્શો અને મૂલ્યો તરફ આગેકૂચ કરતો હોય. ગાંધીજીનો ગરીબમાં ગરીબ, નીચામાં નીચો માનવી સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય અને માનવગૌરવ પર રચાયેલાં ભવિષ્ય તરફ આગેકૂચ કરતો હોય … દરેકને નાનું ઘર હોય, અર્થપૂર્ણ જીવનનિર્વાહનું સાધન હોય, સુખી કુટુંબ હોય, આરોગ્ય સેવાઓ સુરક્ષિત હોય, વિવિધતામાં એકતાથી જીવતો દેશ હોય, અને માનવી, સમાજ અને કુદરત વચ્ચે એક મૈત્રીભર્યો સંબંધ હોય. બીજું સપનું એ કે, સમાજમાં મુઠ્ઠીભર વર્ગ પોતાના અશ્લિલ ભોગવાદમાં આળોટતા અને લાખો, કરોડો ગરીબ, શોષિત, વંચિત સ્સમાજના ખભા પર બેસી દુનિયાભરમાં ઘૂમતો હોય. જ્યાં સુપરપાવર ભારતનાં પ્રદર્શનરૂપે પોતાનું આધુનિક લશ્કર, વિનાશક સંહારસાધનો અને આધુનિક રાજાઓનું એક જબરદસ્ત સરઘસ નીકળતું હોય. તેમાં યુદ્ધનાં વાયુ જહાજોમાંથી સાધુ-સાધ્વીઓ, મહારાજાઓ પર ફૂલો ફેંકાતાં હોય. આધુનિક વાહનો બગડી જવાને લીધે બળદ, હાથીઓ, ઊંટગાડી કે ગાડાંઓ પર તેમને લઈ જવાતાં હોય. અર્ધભૂખ્યા, અર્ધનગ્ન ભારતીય નાગરિકો તેને ધક્કો મારતા હોય, તેમને શિસ્તમાં રાખવા પોલીસ અને અર્ધલશ્કરી બળ હોય. લોકો પાછાં ઓગણીસમી સદીમાં જવા માગતા હોય અને ચીસો પાડતાં હોય કે અમને 1947ની ગરીબી પાછી આપો. અમારે બાજરી કે જુવારનો રોટલો, અને કૂવા કે નદીનું પાણી જોઈએ છે. એકવીસમી સદીનાં બિસ્કિટ, બ્રેડ, કેક કે કોકાકોલા, પેપ્સી કે બિસલેરી પાણી નથી જોઈતું. એકવીસમી સદીના ભારતની સાથે હું પણ જીવી ગયો. પરંતુ બીજું દુ:સ્વપ્ન સાચું પડ્યું છે અને મારે એ જોવું પડે છે એનું મને દુ:ખ છે. સાથે સાથે હું એ આશા લઈને જીવીશ કે નવાં ભારત, સમાજ અને માનવી માટેનો સંઘર્ષ અને આગેકૂચ ઓર મજબૂત બને અને તે સંઘર્ષ અને આગેકૂચમાં હું હંમેશાં સાથે રહીશ … વહ સુબહ કભી તો આયેગી.’

********

11 ઑક્ટોબર 2018

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

12 October 2018 admin
← The Rhodesia Indian Cricket Union
બા : મહાત્માનાં અર્ધાંગિની →

Search by

Opinion

  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved