ગતાંકથી ચાલુ …’ એવું જૂના જમાનામાં કૉલમમાં લખવાનો શિરસ્તો હતો. હવે નથી. ત્યારે લાંબું લખવું અને લાંબું વાંચવું એ જરૂરિયાત હતી. કદાચ સમય પણ હતો. કદાચ વિષયો એટલા ગંભીર અને નવા હતા કે એની વિશદ ચર્ચા, છણાવટ અનિવાર્ય હતી. હવે, નવા જમાનાના માધ્યમ-પંડિતો અમને શીખવાડે છે તેમ, લાંબી-લાંબી કૉલમો વાંચવાનો લોકો પાસે સમય, અને દિલચસ્પી પણ નથી. હવે સ્ક્રોલિંગ અને ટ્વિટનો જમાનો છે. ટૂ઼ંકામાં ઘણું માનીને સંતોષ લેવાનો હોય છે. અમે માની જ લઇએ છીએ, પણ ક્યારેક ‘રહી ગયું’ની ભાવના પણ જાગી જાય. આ વખતે જાગી, એટલે પુનરુક્તિના દોષ સાથે, ગતાંકથી ચાલુ …
ગયા વખતે આપણે ઇતિહાસને જાણવા-સમજવા માટે એ ઇતિહાસમાં જીવી ગયેલી શખ્સીયતોનાં જીવનચરિત્રની અગત્યતાની વાત કરી હતી. આ વિશે તપાસ કરતી વખતે વધુ એક ગુમનામ નામ સામે આવ્યું: કાનજી દ્વારકાદાસ. મૂળ હિન્દુ-ગુજરાતી કાનજી દ્વારકાદાસ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઓછું જાણીતું, લગભગ ખોવાઇ ગયેલું, નામ હોવાનું એક માત્ર કારણ મુહમ્મદ અલી જિન્નાહ.
મુહમ્મદ અલી જિન્નાહના દોસ્ત કોણ? એવો સવાલ પૂછવામાં આવે તો લગભગ ઇતિહાસકારો એવા મતના છે કે જિન્નાહ મોહ-મમતા વગરના હતા અને એમને કોઇ મિત્ર ન હતા. એક આ નામ, કાનજી દ્વારકાદાસ, જિન્નાહના કરીબી મિત્ર તરીકે ઊભરે છે, પણ સ્વતંત્રતા પછી જિન્નાહ જેમ ખલનાયક બનીને ભારતીય જનમાનસમાંથી ગાયબ થઇ ગયા તેમ મુંબઇમાં કૉંગ્રેસના નેતાઓ સાથે મોખરે રહીને સ્વતંત્રતા માટે કામ કરનાર કાનજી પણ એવી જ રીતે ભુલાઇ ગયા. બાકી, આ એ જ કાનજી છે, જેણે જિન્નાહના ‘મનની વાત’ કરતાં કહ્યુંહતું કે, જિન્નાહને પાકિસ્તાન અસ્તિત્વમાં આવે તેવો વિશ્વાસ ન હતો અને એનાથી ઓછો સોદો કરીને સંતોષ માનવા તૈયાર હતા. કાનજી દ્વારકાદાસ પોતે વિભાજનના વિરોધી હતા, પરંતુ જિન્નાહ પ્રત્યે એમના સ્નેહને લઇને અળખામણા થવા લાગેલા. સરદાર પટેલ કાયમ આ કારણસર જ કાનજીની ઠેકડી ઉડાવતા હતા.
પેન્સિલ્વેિનયા (અમેરિકા) યુનિવર્સિટીમાં દુર્લભ પુસ્તકો, હસ્તલિપિ અને દસ્તાવેજી પેપર્સ સાચવવાનું કામ કરતા સેન્ટરે આ વર્ષની શરૂઆતમાં કાનજી દ્વારકાદાસ પેપર્સનો સંગ્રહ જાહેર કર્યો છે. આ પેપર્સમાં પહેલીવાર કાનજીએ લખેલાં પત્રો અને પુસ્તકોનો સમાવેશ થાય છે, અને પહેલીવાર એના મારફતે કાનજીનો પરિચય થાય છે.
કાનજી દ્વારકાદાસ મૂળે થિયોસોફિસ્ટ, એની બેસન્ટના અંતરંગ મિત્રોમાંથી એક. જિન્નાહ મુંબઈની જે પારસી કન્યા રતનબાઈ (રૂટી)ને પરણેલા, તે પણ થિયોસોફિસ્ટ હતી. રૂટી અને જિન્નાહ ઉપર ‘મિ. એન્ડ મિસીસ જિન્નાહ’ પુસ્તકમાં પત્રકાર શીલા રેડ્ડી એવો પણ ઇશારો કરે છે કે કાનજી ખૂબસૂરત રૂટીના મોહમાં હતા, પરંતુ રૂટીની નજરમાં જિન્નાહ વસેલા હતા! એની બેસન્ટ ઑલ ઇન્ડિયા હોમરૂલ લીગના લીડર હતા અને કાનજી લીગના સેક્રેટરી. જિન્નાહ એના પ્રેસિડેન્ટ. આ ત્રણેય, એક યા બીજી રીતે, ગાંધીજીની શૈલીમાં વાંક જોવાવાળા.
બહરહાલ, પેન્સિલ્વેિનયા પેપર્સમાં ઉપલબ્ધ માહિતી પ્રમાણે કાનજી દ્વારકાદાસનો જન્મ મુંબઈના સુખી પરિવારમાં 1લી મે, 1892માં થયો હતો. બૉમ્બે યુનિવર્સિટીમાંથી એમણે ઇંગ્લિશ અને ફ્રેન્ચમાં માસ્ટર્સ કર્યું. 22 વર્ષની ઉંમરે કાનજીએ મુંબઈની કોટન મિલમાં શિખાઉ કારીગર તરીકે નોકરી લીધેલી અને ત્યાં જ લેબર અફસર બનેલા. કાનજીએ અહીં રહીને મુંબઈની મિલોના કામદારો માટે કામ કરેલું. આ પ્રવૃત્તિ દરમિયાન એ રાષ્ટ્રવાદી ચળવળમાં સામેલ થયા, અને નેહરુ, જિન્નાહ, એની બેસન્ટ જેવા નેતાઓના સંપર્કમાં આવ્યા. મુંબઈમાં એની બેસન્ટ તરફથી ગાંધીજીને મળવા ગયેલા એક ડેલિગેશનમાં આપણા ઇન્દુલાલ યાજ્ઞિક અને આ કાનજી દ્વારકાદાસ પણ હતા.
એની બેસન્ટે ‘ન્યૂ ઇન્ડિયા’ નામનું સમાચારપત્ર શરૂ કરેલું, એમાં કાનજી સહાયક સંપાદક અને ત્રણ વર્ષ માટે મુંબઈ વિધાન પરિષદમાં કામદારોના સભ્ય તરીકે સેવા પણ આપેલી. મુંબઈમાં પ્રોસ્ટિટ્યૂશન ઇન્ક્વાયરી કમિટી અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ કમિટી અમલમાં આવેલી તે કાનજીના પ્રયાસોથી. 1922થી 1935 સુધી કાનજી બૉમ્બે મ્યુિનસિપલ કોર્પોરેશનમાં પણ સભ્ય હતા.
1933માં એની બેસન્ટનું અવસાન થયું તે પછી કાનજીએ જાહેર જીવનમાંથી સંન્યાસ લઈ લીધો, અને સંપૂર્ણપણે કામદાર સંગઠનો અને કામદારોના અધિકારોના કામમાં પરોવાઈ ગયા. 1946માં અને 1951માં કાનજીએ અમેરિકન કામદારોની સમસ્યાનો અભ્યાસ કરવા અમેરિકન સરકારના આમંત્રણથી પ્રવાસ કર્યો હતો. 1950 પછી કાનજી ભારતની ઘણી બધી કંપનીઓમાં લેબર કન્સલ્ટન્ટ રહ્યા હતા, અને 1960માં તો એમની નામના ભારતના સૌથી વરિષ્ઠ લેબર ઑફિસર તરીકે થઇ ગઇ હતી.
કાનજી અચ્છા લેખક પણ હતા. 1945થી 1968 સુધીમાં 9 પુસ્તકો લખ્યાં. ‘ફોર્ટી ફાઇવ યર્સ વિથ લેબર્સ’, ‘ઇન્ડિયાઝ ફાઇટ ફોર ફ્રીડમ’, ‘ટેન યર્સ ટુ ફ્રીડમ’, ‘ગાંધીજી થ્રુ માય ડાયરી’, ‘રૂટી જિન્નાહ: ધ સ્ટોરી ઑફ ગ્રેટ ફ્રેન્ડશિપ’, ‘બૉમ્બેઝ સ્લમ્સ’, ‘પ્લાન ફોર લેબર’, ‘હાઉસિંગ ઇન્ડિયન લેબર્સ’, અને ‘મુહમ્મદ અલી જિન્નાહ’. દસમું પુસ્તક ‘જિન્નાહ, રૂટી ઔર મેં’ મરણોત્તર પ્રગટ થયું. 2011માં નિધન, કાનજી દ્વારકાદાસના મૃત્યુની તિથિ ઉપલબ્ધ નથી.
રૂટી (જેનું નામ પાછળથી મરિયમ રાખવામાં આવ્યું હતું) 28 વર્ષની ઉંમરે મુંબઇમાં મરી ગઈ ત્યારે એની દફનક્રિયામાં કાનજી હાજર. કાનજી લખે છે, ‘રૂટીનું શરીર કબરમાં ઉતારાયું ત્યારે જિન્નાહ લાગણીઓ ઉપર કાબૂ રાખી ન શક્યા. એમના બંધ તૂટી ગયા અને બાળકની જેમ રડ્યા.’ કહે છે કે કાયદે આઝમ જીવનમાં પહેલીવાર અને છેલ્લીવાર રડ્યા. જિન્નાહના કોઇ અંતરંગ મિત્ર ન હતા, પણ કાનજી કદાચ એમને વધુ સારી રીતે ઓળખવાનો દાવો કરી શકે. કાનજી ‘ટેન યર્સ ટુ ફ્રીડમ’માં એક પ્રસંગ લખે છે એ વાંચીને આપણે ‘ગતાંકથી ચાલુ …’ [https://opinionmagazine.co.uk/subcategory/15/opinion/8] પૂરું કરીએ:
‘જિન્નાહના મનમાં શું ચાલી રહ્યું છે કે જાણવા માટે થઇને હું એમને મળવા ગયો અને રાજકીય સ્થિતિ અંગે શું લાગે છે એવું પૂછ્યું.’
‘એમનો જવાબ ગજબનો હતો. એમણે કહ્યું, ‘વ્હોટ ડુ યુ મીન? તું મને આવું પૂછી જ કેવી રીતે શકે? તને એમ લાગે છે કે બ્રિટિશ પ્રધાનમંત્રી બેઠા હોય તે રૂમમાં કોઇ ફ્રેન્ચ કે જર્મન કે રશિયન વ્યક્તિ જઇને એવું સીધું જ પૂછી શકે, ‘તમને રાજકીય સ્થિતિનું શું લાગે છે?’ અને તને એમ પણ લાગે છે કે પ્રધાનમંત્રી આ સવાલનો જવાબ પણ આપે?’
મેં જિન્નાહને કહ્યું કે ‘હું હિન્દુઓના નેતા કે હિન્દુ તરીકે નથી આવ્યો. હું તો એક જૂના મિત્રના નાતે અનૌપચારિક રીતે પૂછું છું અને ખાલી વાત કરવામાં કંઈ ખોટું પણ નથી.’ આ સાંભળીને જિન્નાહે કહ્યું કે એમને કોઇ હિન્દુ સાથે રાજકીય સ્થિતિની ચર્ચા કરવામાં રસ નથી.
‘મંે સર પુરુષોત્તમદાસ સાથે વાત કરવા સૂચન કર્યું. એમણે કહ્યું કે એ વાત નહીં કરે કારણ કે સર પુરુષોત્તમદાસનો હિન્દુ વિચારો ઉપર કોઇ પ્રભાવ નથી. એમણે કહ્યું કે જવાહરલાલ કે સુભાષ બોઝનો ય કોઇ પ્રભાવ નથી. ગાંધીજી અને વલ્લભભાઈનું વજન છે પણ નકારાત્મક છે. એમાં સારું નહીં થાય, અહિત જ થશે. ‘દેખીતી રીતે જ જિન્નાહમાં ગડબડ હતી, અને મેં એમને કહ્યું કે આ કડવાહટ કોઇ વ્યક્તિ કે કાર્ય માટે ઉપકારક નથી. કૉંગ્રેસે એમને ખોટી રીતે ઘસરકો માર્યો હતો અને એ એને ભૂલવા તૈયાર ન હતા. મને જિન્નાહની દયા આવી. એ બીમાર અને દુ:ખી હતા અને સાવ જ એકલવાયા થઇ ગયા હતા.’
પત્રકાર શીલા રેડ્ડીએ પેલા પુસ્તકમાં કહ્યું તેમ, આપણો ઇતિહાસ ઘડનારી વ્યક્તિઓને આપણે કાં તો સાધુ અથવા તો શેતાન તરીકે જ જોવામાંથી બહાર આવવું જોઇએ.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 20 અૉગસ્ટ 2017