OPINION

સ્ટૅચ્યૂ ઑફ યુનિટી'એ લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું છે. નર્મદા જિલ્લાની કેવડિયા કોલોની ખાતે સાધુબેટ પર ઊભી કરવામાં આવેલી સરદાર પટેલની ૧૮૨ મીટરની આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. ૨૦૧૦માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ સ્ટૅચ્યૂ ઑફ યુનિટીના નિર્માણની જાહેરાત કરી અને ઑક્ટોબર ૨૦૧૩માં લાર્સન ઍન્ડ ટુબ્રોને પ્રતિમાના નિર્માણ અને સ્થળના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. પૂરા ૨,૯૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્ટૅચ્યૂ ઑફ યુનિટી તેના નિર્માણના જાહેરાતકાળથી જ સતત વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બનતી રહી છે.

નર્મદા નદીના અપ્રતિમ સૌંદર્યનો ભોગ લેવાથી માંડીને આદિવાસીઓના વિસ્થાપન, અધધ બજેટ જેવા અનેક મુદ્દાઓને લઈને સરદાર પટેલની આ પ્રતિમા સામે સવાલ ઊઠ્યા છે. ખેર, ઊંચી પ્રતિમાઓને જોરે પોતાના શાસનની સમર્થતા, શક્તિ અને ભવ્યતા બતાવવાના મોદી સરકારનો આ પ્રયાસ અત્યારે તો દેશ-વિદેશના પ્રવાસીઓને ખૂબ આકર્ષી રહ્યો છે અને દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી જોવા ઊમટે છે.

આવા જ આકર્ષણથી વશ થઈને મધ્યપ્રદેશમાં વસતાં અમારા સંબંધી બળેવ-રક્ષાબંધનની રજાઓમાં સ્ટૅચ્યૂ ઑફ યુનિટી જોવા અમદાવાદ પધાર્યા હતા. તહેવાર અને વરસાદનો માહોલ હોવાથી અગાઉ જઈ આવેલા પ્રવાસીઓ પાસેથી હવામાન અને પ્રવાસીઓનો ધસારો જેવી વિગત મેળવી પ્રવાસનું આયોજન કર્યું. મોટા ભાગનાએ માહિતી આપી હતી કે પ્રવાસીઓ સારી સંખ્યામાં આવે છે પણ વાંધો નહીં આવે. કલાકેક જેવું કતારમાં ઊભું રહેવું પડશે! આમ, જેટલું થઈ શકે તેટલું આયોજન કરી અમે ત્રણ દંપતી અને ત્રણેયનાં અઢી, ચાર અને આઠ વર્ષનાં સંતાનો સાથે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી તરફ એક ખાનગી ગાડીમાં ઊપડ્યાં.

દોઢ વાગ્યાની આસપાસ અમારી ગાડી એક પ્રવેશદ્વારમાં પ્રવેશી, જ્યાં એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સૂત્ર મસમોટા અક્ષરે લખ્યું હતું. અહીંયાં પહોંચતા સુધીમાં બધાંનો જુસ્સો બરકરાર હતો. જ્યાં અમારી ગાડીએ ઉતાર્યાં ત્યાંથી વાદળછાયા હૉલમાં દૂર એક મોટી પ્રતિમાનો આકાર દેખાઈ રહ્યો હતો.

અહીં બધા જ પ્રવાસીઓને પોતાનું વાહન છોડી દેવાનું હતું, અને ત્યાંથી સ્ટૅચ્યૂ ઑફ યુનિટીની બસ ઊપડે તેમાં જ પ્રવાસ કરીને સ્ટેચ્યૂ સુધી પહોંચવાનું હતું. સ્ટેચ્યૂ ઑફ યુનિટીની છ પુખ્ત સહિત બે બાળકોની ટિકિટ આગલા દિવસે જ બુક કરાવી દીધી હતી. આ ટિકિટની કિંમત રૂપિયા ૩૮૦ હતી, જેમાં સ્ટૅચ્યૂ ઑફ યુનિટી, નર્મદાડેમ અને ફ્લાવર ઑફ વેલીની ટિકિટ સામેલ છે. ટિકિટ કઢાવવાની લાઇનમાં ઊભું રહેવાનું નહોતું એટલો હાશકારો ત્યાં ટિકિટવાંચ્છુકની ભીડ જોઈને થયો. જો કે આ હાશકારો થોડે આગળ જતાં જ ઓગળી ગયો, કારણ કે અમે ટિકિટની લાઇનથી બચી ગયાં હતાં, પણ બસની લાઇનથી બચવું નામૂમકીન હતું. અહીંયા જ એક બસસ્ટૅન્ડ બનાવ્યું છે, જ્યાંથી સ્ટૅચ્યૂ ઑફ યુનિટીની વિશેષ બસો પ્રવાસીઓને લઈ જાય અને પ્રવાસ પૂરો થતાં મૂકી જાય. અહીંયાં બે બસની લાઇન સમાંતર થતી, તેમાંથી અમે એકમાં ઊભાં રહ્યાં. બસ આવી. અડધાએક કલાકમાં બસમાં અમારો નંબર આવ્યો. બસ નવી હતી, વ્યવસ્થા સારી લાગતી હતી. બસ હજુ ઊપડી ત્યાં જ એક રાડ સંભળાઈ, જે ડ્રાઇવરને સંબોધીને હતી : “એ ય, એ.સી. ચાલુ કર.” બહાર વરસાદથી ભીંજાયેલું વાતાવરણ હતું અને માંડ પંદર મિનિટનો રસ્તો કાપવાનો હતો. આ રાડમાં વધુ નાણાં ચૂકવ્યાનો રોફ દેખાતો હતો. ડ્રાઇવરના કાને અવાજ પડતા જ તેણે એ.સી.ની ચાંપ દાબી.

માર્ગ સરસ બનાવ્યો હતો. બસ સડસડાટ દોડી રહી હતી. બાળકો પણ મોજમાં હતાં, કારણ કે કુદરતી સૌંદર્ય છલકાવતું આસપાસનું વાતાવરણ ખૂબ આકર્ષક લાગી રહ્યું હતું. માર્ગમાં એક બાજુથી નર્મદાનાં દર્શન થતાં હતાં તો તેની પેલે પાર ઊંચા પહાડો દેખાઈ રહ્યા હતા. વરસાદના કારણે પહાડો લીલાછમ હતા. વરસાદ ઝરમર વરસી રહ્યો હતો. બસ જેમજેમ સ્ટૅચ્યૂની નજીક પહોંચતી ગઈ તેમ સ્ટૅચ્યૂનું કદ વધતું ગયું, અને છેવટે ઉતરવાનો પોઇન્ટ આવ્યો ત્યારે સ્ટૅચ્યૂની વાસ્તવિક ઊંચાઈ આંખમાં સમાઈ. ક્યાંક વાંચ્યું કે જોયું હતું કે ૬૧ માળની બહુ માળી ઇમારત જેટલી તેની ઊંચાઈ છે!

સ્ટેચ્યૂના મુખ્ય પ્રવેશદ્વારે બસે અમને ઉતાર્યાં ત્યારે સ્ટૅચ્યૂથી નર્મદા નદીને થયેલું કાયમી નુકસાન આંખે ખૂંચતું હતું. ઉપરાંત જે સરદાર પટેલના નામે ત્રણ હજાર કરોડના ખર્ચે પ્રતિમા નિર્માણ કરવામાં આવી છે, તેમના વિશે વાંચીને જેટલો પરિચય કેળવાયો છે તે મુજબ તો તેઓ આને માત્ર ને માત્ર લોકોનાં નાણાનો વેડફાટ કહીને તુરંત તોડી પાડવાનો હુકમ જ છોડે, તેવી ય કલ્પના થતી! જો કે સમયાંતરે દરેક મહાનુભાવોના વિચારોનાં શીર્ષાસન શાસકો કરતા રહ્યા છે અને તેના મૉડલ હવે ઠેરઠેર ખડા છે; તેમાંના એક તરફ હવે આગળ વધીએ.

સ્ટૅચ્યૂના પ્રવેશદ્વાર પર સામાન્ય રીતે જાણીતા ટૂરિસ્ટ સ્પૉટ પર જોવા મળે તેમ સિક્યોરિટી ગાર્ડ ઊભા હતા અને તે દરેક પ્રવાસીને ચેક કરી રહ્યા હતા. અહીંયાં વધારે સમય ન ગયો, તેમ છતાં બાળકો સાથે વીસ-પચ્ચીસ મિનિટ કતારમાં ઊભા રહેવાનું થયું. ફાઇનલી સ્ટૅચ્યૂનું પરિસર કહેવાય તેમાં ઍન્ટ્રી મારી અને સીધા જ સામેની બાજુએ જ્યાં નર્મદા વહે છે તે બાજુએ ગયાં. આ નજારો ભયાવહ હતો, કારણ કે ત્યાંથી રીતસર એવું લાગે કે સ્ટૅચ્યૂની ખૂબ મોટી જગ્યા નર્મદા નદીની જગ્યામાંથી ફાળવાઈ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિર્માણ કરવાની લહાયમાં આપણે સૌથી મોટી નદીની કેવી બદહાલી કરી છે, તે માટે પણ આ જગ્યા રૂબરૂ જોવી રહી. આ બધું જોયા પછી પણ બાળકો સાથે આનંદ તો માણવાનો જ હતો, તેથી આ માનવસર્જિત ક્રૂરતા જોઈને હસતું મોઢું રાખીને સ્ટૅચ્યૂ તરફ આગળ વધ્યાં.

બીજા સ્ટેજ પર આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે રજાનો દિવસ ન હોવા છતાં લોકો સારી સંખ્યામાં આવ્યા છે. અહીંથી સ્ટૅચ્યૂના ગોળાર્ધમાં આવેલા કૅમ્પસમાં પ્રવેશવાનું હતું. આ કતાર લાંબી હતી, પણ ટિકિટ કઢાવી હતી, એટલે સ્ટૅચ્યૂ જોયે જ છૂટકો, તેવું અમે માની રહ્યાં હતાં. અહીંયાં પહોંચ્યાં ત્યાં સુધીમાં અઢી વાગી ચૂક્યા હતા. બીજા સ્ટેજની લાઇનમાં અમારી ખરી પરીક્ષા થઈ. એકની જગ્યાએ બે લાઇન થઈ. મૂળ જેમની લાઇન હતી, તે લોકોએ બૂમો પાડી અને બીજી લાઇનવાળાઓને પાછળ ધકેલ્યા. વધુ બૂમાબૂમ થઈ, પોલીસ આવી. મુખ્ય અધિકારી આવ્યા અને તેમણે બે કૉન્સ્ટેબલને મૂક્યા અને હવે બીજી લાઇન ન બને તેની તકેદારી લેવા જણાવ્યું. અહીંયા લાઇનમાં ઊભા રહેવાં માટે રાષ્ટ્રપ્રેમ કોઈને જાગતો નહોતો. આટલે સુધી આવ્યાં ત્યાં તો અમારા પર થાક સવાર થવા લાગ્યો હતો અને બાળકોનું વર્તન અમને પરેશાન કરી મૂકે તેવું થવા માંડ્યું હતું. જો કે અમે ધૈર્ય જાળવ્યું અને લાઇનમાં આગળ વધતાં રહ્યાં. જાતનું ચેકિંગ થયું, સામાન ચેક કરાવ્યો અને ગમે તેમ કરીને પૂરા પોણા કલાકે અમે આ બીજો કોઠો પણ પાર પાડી સ્ટૅચ્યૂ ઑફ યુનિટીના મસમોટા કૅમ્પસમાં પ્રવેશ્યાં. આ કૅમ્પસમાં પ્રવેશતાં જ થોડો હાશકારો થયો અને વચ્ચે વિશાળ પરિસરમાંથી પસાર થઈને સ્ટૅચ્યૂના નીચેના ભાગમાં પહોંચવાનું હતું. આ અંતર ખાસ્સું છે. આ મસમોટી જગ્યાની બાજુમાં બંને બાજુ જવા-આવવા માટે એસ્કેલેટર મૂકવામાં આવી હતી, જેથી જેમનાથી ન ચાલી શકાય, તેઓ આની મદદથી માત્ર ઊભા રહીને સ્ટૅચ્યૂ સુધી પહોંચી શકે. આ બધી જ વ્યવસ્થા એટલી ઊંચી કક્ષાની હતી કે તેમાં ઘણી વખત નજર મારીએ તો આપણો અદનો પ્રવાસી એસ્કેલેટરમાં ગોથાં ખાતો નજરે ચડે.

અમે સ્ટૅચ્યૂની નીચે આવી ગયાં ત્યાં બાજુમાંથી એક એસ્કેલેટર સીધી પહેલા માળેથી બીજા માળે અને પછી ત્રીજા-ચોથા માળે લઈ જાય છે એ નજરે ચઢી. જે સરદાર પટેલના પગનો નીચેનો ભાગ છે. યોગાનુયોગ અમે જ્યારે છેક નીચે ઊભાં હતા, ત્યારે જ અચાનક વરસાદ વરસ્યો. એટલે પરિસરમાં ઊભેલા લોકો દોડીને એસ્કેલેટરથી પહેલા માળે ચઢવા માંડ્યા, તેની પાછળ અમારો પૂરો સંઘ પણ ચઢ્યો. બાળકોને વરસાદથી બચાવવા હતાં એટલે કશું વિચાર્યા વિના અમે પણ ચઢી ગયાં. આમ પણ પૂછપરછ કરી શકાય કે માર્ગદર્શન આપી શકે તેવી કોઈ વ્યક્તિ ત્યાં હાજર નહોતી. અમે એક પછી બીજો-ત્રીજો અને ચોથો માળ ઉપર આવી ગયાં. આ જગ્યા ખૂબ મોટી છે, જ્યાં પણ બહુ લાંબી કતારમાં લોકો ઊભા હતા. તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે અહીંયાંથી લિફ્ટમાં ઉપર વ્યૂઇંગ ગૅલૅરી સુધી પહોંચાય છે. અમે પણ લાઇનમાં ગોઠવાઈ ગયાં. આ બધું કરતા સુધીમાં તો ચાર વાગી ચૂક્યા હતા. કતાર આગળ વધી રહી હતી. અમે મંઝિલ નજીક હોવાનો અહેસાસ પણ અમને થઈ રહ્યો હતો. ત્યાં જ અચાનક સ્ટાફ-સિક્યુરિટીના માણસો આવ્યા, કહે કે અહીંથી ઍન્ટ્રી ચાર વાગ્યા સુધી જ છે. ચારથી છ વાગ્યા સુધીના સ્લોટની ટિકિટ હોય એ પ્રવાસીઓએ નીચે ગ્રાઉન્ડ ફ્લૉરથી ઍન્ટ્રી લેવાની રહે છે!

આવું સાંભળતાં જ અમને તો ફાળ પડી. માંડમાંડ બાળકો સાથે પલળતાં ઉપર આવ્યાં અને હવે પાછા છેક નીચે જવાનું. અમે રજૂઆત કરી, બાળકો છે, અહીંયાંથી જ જવાતું હોય તો વ્યવસ્થા કરી આપો. તેઓએ કહ્યું કે ચાર વાગ્યાના સ્લોટની ટિકિટ અહીંયાં સ્કેન જ નહીં થાય, અમે કશું ન કરી શકીએ. મશીની વ્યવસ્થાનું આ વરવું ઉદાહરણ છે! અમે દલીલ કરી કે છેક ચાર માળ સુધી આવ્યાં, ત્યારે જ વચ્ચે કેમ અટકાવવામાં ન આવ્યાં કે ચાર વાગ્યા પછીથી ઉપરની ઍન્ટ્રી બંધ છે.

છેવટે જીભાજોડી છોડી બાળકો સાથેના એ મ્યુઝિયમમાં પહોંચ્યાં! અહીં વૈશ્વિક સ્તરની ભાસે તેવી જગ્યા બનાવવામાં આવી છે. આ જગ્યા ગ્રાઉન્ડફ્લોર પર આવેલી છે, જ્યાં સરદારની જીવનકથા આલેખી છે. નર્મદાની જીવસૃષ્ટિની તસવીરો છે અને સરદારની ડૉક્યુમેન્ટરી દર્શાવે તેવું એક નાનકડું થિયેટર પણ છે. આ ઉપરાંત પણ ઘણું છે પણ બધા પર સ્વાભાવિક છે કે નજર ન ગઈ. સૌથી આશ્ચર્યચક્તિ કરનારી વ્યવસ્થા ટૉઇલેટની હતી, જે અત્યાધુનિક છે. આ પ્રકારનાં ટૉઇલેટ સંભવત : ફાઇવસ્ટાર હોટલમાં જ માત્ર જોવા મળતા હશે. અહીંયાં ખાલી એ નોંધવું રહ્યું કે આ બધાં જ નાણાં પ્રજાનાં છે અને તે ઉપરાંત પણ સરકાર આવનારા પ્રવાસીઓ પાસેથી ટિકિટના નામે સારાં એવાં પૈસા ઉઘરાવે છે. અહીં લગાવવામાં આવેલી તસવીરોમાં આ ક્ષેત્રના આદિવાસીઓની તસવીરો ખૂબ મોટી કરીને લગાવવામાં આવેલી છે. અલગ અલગ આદિવાસી - સમાજના લોકોનો તેમાં પરિચય કરાવવામાં આવ્યો છે. આ બધા જ એવા છે, જેમના બંધુઓને આજ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી અને નર્મદા ડેમની ઊંચાઈ વધારવા ખૂબ મોટી સંખ્યામાં વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. પહેલાં વિસ્થાપન અને પછી સંસ્કૃતિની ઝલકના નામે મ્યુઝિયમમાં સ્થાન!

નીચે મ્યુઝિયમમાં આવ્યાં ત્યાં સુધી તો સ્ટૅચ્યૂ ઑફ યુનિટી જોવાનો અમારા બધાંનો રસ ઓસરી ચૂક્યો હતો. અહીં આવ્યા બાદનો અમારો મહદંશે બધો જ સમય લાઇનમાં અથવા તો ચાલવામાં પસાર થયો. વચ્ચે વચ્ચે વરસાદ પણ આકસ્મિક જ વરસીને અડધોએક કલાકે અમારી ખબર લઈ રહ્યો હતો.

આ બધા વચ્ચે વહેતી નર્મદા અને નર્મદાની એક કોરે લાઇનબદ્ધ ખડા પર્વતો અમને હૈયાધારણા આપી રહ્યા હતા. અમૃતલાલ વેગડે નર્મદાની પરિકમ્મા કરતી વેળા કેવો લુત્ફ ઉઠાવ્યો હશે, એની વાતો પણ વચ્ચે વચ્ચે કરી લીધી. નીચે મ્યુઝિયમમાંથી ઉપર વ્યૂઇંગ ગૅલેરી સુધી જવા માટે લિફ્ટની વ્યવસ્થા છે. લિફ્ટ સુધી પહોંચવા અમે રીતસરના દોડ્યાં. પણ અહીં પહોંચતા જ ચક્કર આવી ગયા. અહીંયા સ્થિતિ ચોથે માળ કરતાં વધુ ગંભીર હતી. લાઈનમાં અંદાજે પાંચસો-સાતસો લોકો હતા. વ્યવસ્થા સંભળાતા ભાઈએ તરત જ પરખાવી દીધું : દોઢ કલાક તો થશે જ. છેવટે સ્ટૅચ્યૂમાં ઉપર સુધી નહીં જવાનો સામૂહિક નિર્ણય લેવાયો.

અહીં મ્યુઝિમની જગ્યામાં બાળકોને રમવાની મજા પડી અને આસપાસ મોટેરાંઓએ સેલ્ફી-ફોટાની તક ઝડપી. સાડા ત્રણસો ચૂકવીને અમે માત્ર દોઢસો રૂપિયામાં મજા લઈ શકાય તેમ જ લઈ રહ્યા હતાં. આનંદ એ વાતનો હતો કે સૌ સાથે હતાં અને બાળકો ફરી મૂડમાં આવવા માંડ્યાં હતાં. પણ અડધો કલાક વીત્યો હશે ત્યાં થયું કે અહીંયાં વધુ રોકાઈશું તો ડેમ અને ફ્‌લાવર ઑફ વૅલી જોવાનું રહી જશે, એટલે માંડ બાળકો રમતમાં ગૂંથાયાં હતાં, ત્યાં તો તેમના રંગમાં ભંગ પાડવાનું કામ અમે કર્યું અને ફરી પાછા ડેમ અને ફ્‌લાવર ઑફ વૅલી જોવાની કસરત આરંભી. બાળકોને ઊંચક્યાં- ચલાવ્યાં - ઘસડ્યાં અને ડેમ-ફ્‌લાવર ઑફ વૅલી જોવા માટે જ્યાંથી બસ પકડવાની હોય ત્યાં પહોંચ્યાં.

સ્ટૅચ્યૂ ઑફ યુનિટી પરિસરના ગેટ ઉપરથી જ પ્રવાસીઓને ફ્‌લાવર ઑફ વેલી અને ડેમ સુધી લઈ જતી બસો ભરાય છે. આ બસો પણ ટિકિટના પૅકેજનો ભાગ છે. પણ અહીંયાં ય છસ્સો-સાતસો લોકો પગ જમાવીને ઊભા હતા. સાંજનો સમય નજીક હતો, ત્યારે તો આ લાઇન વધુ ભયાનક લાગી રહી હતી. અહીંયા પણ પૂછપરછ કરી તો ખ્યાલ આવ્યો કે લાઈનને ભેદતા એકાદ કલાક લાગશે. સાડા પાંચ થઈ ચૂક્યા હતા. છ-સાડા છ સુધીમાં તો ડેમ પણ બંધ થાય તેવું સાંભળ્યું અને ફ્‌લાવર ઑફ વૅલીમાં બાળકોને પણ મજા ન આવે. ફાઇનલી અહીંયાં પણ ડેમ કે ફ્‌લાવર ઑફ વૅલી ન જોવાનો નિર્ણય લીધો. અમે છતે ટિકિટે કશું જ જોયા વિના પરત ફર્યાં. અલબત્ત, અમારી આ ટિકીટના પૈસા પડી ગયા, એનું એક કારણ એ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ત્યાં હાજરી પણ હતી. જાણવા મળ્યું હતું કે ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને પગલે ડેમના ગેટ ખોલવા પડે તેમ હતા. આ પ્રસંગે તેઓએ પણ અહીંની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત લેતા જે અવ્યવસ્થા સર્જાઈ, તેમાં અમારા જેવા હજારો પ્રવાસીઓ પણ પિસાયા.

પરત લઈ જતી બસોની જગ્યાએ અમે ઝુકાવ્યું. સવારે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી સુધી લઈ જતી બસો માટેની લાઈનમાં જે વ્યવસ્થા હતી, તે અત્યારે અદૃશ્ય હતી. લોકો જેમ કોઈ નિયત બસ સ્ટૅન્ડ પર ઊભા હોય અને બસ આવે ત્યારે જે ધક્કામુક્કી થાય તેવી જ ધક્કામુક્કી અહીં હતી. સ્ટૅચ્યૂ ઑફ યુનિટીથી પાછા પાર્કિંગ તરફ જવા માટે પણ અમારે રીતસર જાણે પરીક્ષા આપવાની હોય તેમ લાગ્યું. બસ માટે ઊભા ન રહેવું પડ્યું, પણ બસ આવી ત્યારે ધક્કામુક્કી થઈ અને બસમાં ગોઠવાયાં. અમે ક્ષણમાં જ કશું જ ન જોયાનો અફસોસ ભૂલી ચૂક્યાં હતાં અને બસમાં બેઠક મેળવી તેનો આનંદ માણ્યો. જતી વખતે બસમાં જેટલી બેઠક હોય તેટલાને જ બેસાડવામાં આવ્યા હતા, પણ આવતી વખત ચિત્ર તદ્દન અલગ હતું, અનેક લોકો ગીચોગીચ ઊભા હતા. અંધારું ઘેરાઈ રહ્યું હતું અને વરસાદ પણ ગોરંભાયો હતો. બસમાં સૌ એકીસૂરે અહીંની અવ્યવસ્થા સામે બળાપો કાઢી રહ્યા હતા. કેટલાક પ્રવાસીઓ તો બીજા રાજ્યમાંથી આવ્યા હતા, ચાર સભ્યોનો એક પરિવાર તો અમેરિકાથી આવ્યો હતો. તેઓ સવારના દસ વાગ્યાથી પરિસરમાં આવ્યા હોવા છતાં જ્યાં-ત્યાં લાઇનોના કારણે અનેક લોકો ભારતની ગૌરવ સમી કહેવાતી સરદારની પ્રતિમાના સંપૂર્ણ દર્શન કરવામાંથી વંચિત રહ્યા હતા.

આમ, લાઇન, અવ્યવસ્થા અને વરસાદે અમારો પ્રવાસ આનંદદાયી ન રહે તે માટે પૂરતો ભાગ ભજવ્યો, તેમ છતાં અમે રાજપીપળા-નર્મદાનો નજારો જોયો તે ભુલાય એમ નથી. ખાસ કરીને તો નર્મદા નદી પરનો ગોરો પુલ પાર કર્યો તેનો અનુભવ. આ પુલ પરથી થોડા દિવસ અગાઉ નર્મદાનું પાણી પસાર થયું હતું અને આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેના નિશાન રૂપે પુલની અનેક પાળીઓ તૂટેલી દેખાતી હતી અને જે પાળીઓ હતી, ત્યાં ભરાયેલો કચરો નજરે ચઢતો હતો. આ પુલ પરથી અમે જ્યારે પસાર થયાં ત્યારે પણ નર્મદાનાં નીર પુલને લગોલગ નીચેથી વહી રહ્યાં હતાં. આ દૃશ્ય ખૂબસૂરત હતું, પણ તે ભયંકર ભાસતું હતું. જ્યારે આ વિસ્તાર છોડ્યો ત્યારે અમને ખબર મળ્યા કે ડેમમાંથી પાણી છોડતાં આ પુલ ફરી પાણીમાં સમાઈ ગયો છે.

આ ઉપરાંત પણ આસપાસ વરસાદમાં પર્વતો પર પ્રસરેલું ગ્રીન કવર, પાણીમાં ગરકાવ થયેલાં ખેતરો, વહી રહેલાં ઝરણાં અને અતિ મનોરમ્ય નર્મદાએ પ્રવાસને સાર્થક બનાવ્યો. સ્ટૅચ્યૂ ઑફ યુનિટીના નામે કુદરતનું થયેલું અતિક્રમણ અને હવે અદના પ્રવાસીઓનાં થઈ રહેલા શોષણને બને એટલાં પ્લૅટફૉર્મ પર રજૂ કરવા જોઈએ. જો તેમ નહીં થાય તો આ પણ એક મૉડલ બની જશે અને તે મૉડલના આધારે અતિશોયક્તિ કરીને બોલાતા શબ્દો દૃઢતા, વિશ્વાસ, એકતા, અવિસ્મરણીય. બનતા રહેશે.

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 20-22

Category :- Opinion / Opinion

નિર્મૂલન અધિનિયમ, ૨૦૪૦

અજિત પિલ્લઈ
16-09-2019

આ એક ભયંકર અધિનિયમ હતો, તે સંપૂર્ણપણે કાયદેસર હતો, એ એનો ઉત્તમ ભાગ હતો !

આ અધિનિયમ, નિર્મૂલન અધિનિયમ, ૨૦૪૦ તરીકે ઓળખાતો હતો. તેનાથી આખા દેશમાં આતંક વ્યાપી ગયો હતો. પરંતુ દેશનાં ભવ્ય શરાબઘરો અને સમૃદ્ધ ક્લબોમાં પુરુષો અને મહિલાઓ આ નવા કાયદાનું સ્વાગત કરતાં હતાં કે અધિનિયમથી ગરીબીનો પદ્ધતિસરનો અંત આવશે. “જીવવાની યોગ્યતા ધરાવતો ન હોય એવા વર્ગે મરવું જરૂરી છે,” એ એક પ્રખ્યાત સૂત્ર બની રહ્યું હતું. વાજબી સાધનો અથવા ગોરખધંધા દ્વારા નાણું ભેગું કરનારા, જીવતા રહેનારાની ગણતરીમાં આવતા લોકોનો માપદંડ, બૅંકની પાસબુકની સ્થિતિ હોવાથી, તેઓ જીવતા રહેશે, તેવી હૈયાધારણથી તેમનો આત્મવિશ્વાસ દૃઢ બન્યો હતો.

આ નવો નિયમ, નિયોક્તાઓએ અગાઉથી પ્રયોજેલી યોજનાનું કદ ઘટાડવાના ઉપાયોનો તાર્કિક ભાગ હતો. ‘તંત્રમાં તમારું કોઈ પ્રદાન જ ન હોય, તો તમારાથી છુટકારો મેળવવા સિવાય તંત્ર પાસ કોઈ વિકલ્પ જ નથી’ આમ, જણાવીને દિલ્હીસ્થિત એક વર્તમાનપત્રે તેના તંત્રીલેખમાં આ નવા અધિનિયમને વાજબી ઠેરવ્યો હતો. જીવી ગયો તે વર્ગને તંત્રે માફ કર્યો હતો. આહાર અને ઔષધ પરની તમામ આર્થિક સહાય બંધ કરવાથી વસતીમાં મોટો ઘટાડો થયો હતો. કરદાતા નાગરિકોને તેમના આરામદાયક જીવનના અધિકારનો ઇનકાર ન થવો જોઈએ, તે સુનિશ્ચિત કરવા નિર્મૂલનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તેવી એક કલમ આ નિયમમાં ઉમેરવામાં આવી હતી.

આ નિયમની જાહેરાત થતાં જ વધુ ગરીબ વિસ્તારોમાં ભયની ચેતવણીઓ ગાજવા લાગી હતી. દા.ત., નિર્મૂલન કરવાના લોકોની સૂચિ તૈયાર કરવાની મોજણી થોડા સમયમાં શરૂ થશે, તેવા સમાચાર ફરી વળ્યા. કરદાતા ન હોય એવા નાગરિકો પ્રથમ ભોગ બનશે. આ જાળમાંથી છટકવાનો એક જ ઉપાય હતો. મહિલા કે પુરુષો, કોઈ પ્રમાણિત કરદાતાના ઘર અથવા ઉદ્યોગનો કામદાર કે ચાકર હોવો જોઈએ.

કરદાતા હોવાનું સદ્‌ભાગ્ય ધરાવતા લોકોનો વર્ગ નવા અભિમાન અને આત્મવિશ્વાસથી અક્કડ થઈને ચાલતો હતો. સર્વોત્તમની ઉત્તરજીવિતાનો ડાર્વિનનો જૂનો ખ્યાલ, સૌથી વધુ શ્રીમંતની ઉત્તરજીવિતાની વ્યાખ્યામાં પરિણમ્યો હતો. વસ્તીનાં બિનઉત્પાદક તત્ત્વોને હવે વધુ સમય સુધી પોષી શકાય નહીં, એવી દલીલ કરવામાં આવતી હતી. પોતાની સંભાળ ન લઈ શકે, એવી વ્યક્તિએ મરવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો.

“પચાસ વર્ષ પહેલાં આપણે એવું વિચારવાની મૂર્ખાઈ કરી હતી કે, બંધ બાંધીએ તે પહેલાં આપણે હાંકી કઢાયેલા લોકોનો પુનર્વસવાટ કરવો જોઈએ. દસ કરોડ લોકોના ભલા માટે પ્રદાનહીન એવા લાખો લોકોને ડુબાડી દેવા જોઈએ, તેનું સમર્થન કરતા લોકોને પ્રતિક્રિયાવાદી તરીકે સ્વીકારીને વિસારી દેવામાં આવતા હતા. પરંતુ આપણને તેમનાં વચનોમાં રહેલા શાણપણની જાણ થઈ રહી છે”. નેટ પરના એક સંકલનકારે ‘જમણેરી આદર્શના નૂતન પ્રવાહ’ તરીકે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.

આ યુગના મહાન ચિંતકોએ અકિંચનોને તેમનું ભાવિ સ્વીકારવા અને નિર્મૂલન-કાર્યક્રમ માટે આગળ આવવા વિનંતી કરી હતી. “ઊજળી આવતી કાલ માટે તમારી જાતનો ભોગ આપો.” “હું દુઃખ ભોગવવાને બદલે મૃત્યુને વરવાનું પસંદ કરીશ.” જેવાં સૂત્રો શહેરો અને નગરોમાં મોખરાનાં સ્થળે મોટાં પાટિયાં પર ઊભરાવા લાગ્યાં. કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનાં જૂથના પ્રતિકાર સામે આધુનિક પ્રૌદ્યોગિકીના લીધે રાજ્ય એવું શક્તિશાળી બન્યું હતું કે તે આવો કાનૂન ઘડવા તત્પર બન્યું. ખૂબ જ હિંસક ટોળાંને ઘણું ગભરુ બનાવી દે એવી અદ્યતન તોફાન-નિયંત્રણ સાધનસામગ્રી મેળવ્યા પછી હડતાળો અને પ્રતિકારો તો સદંતર અદૃશ્ય બની ગયાં હતાં. કરવેરા ન ચૂકવી શકતા લોકોના મતાધિકાર રદ થયા હોવાથી રાજકારણીઓએ આર્થિક રીતે નબળાવર્ગની ચિંતા કરવાનો ઢોંગ છોડી દીધો હતો. હવે એ બધું ૨૦ પહેલાંનો ભૂતકાળ બની ગયો હતો.

ઉચ્ચ વર્ગને આનંદ ભોગવવાનાં હજાર કારણ હતાં. ‘પૃથ્વીના અધમવર્ગ’ તરીકે ઓળખાતા ઘણા લોકોથી મુક્તિ મળી હતી. અહીં એ નોંધવું જોઈએ કે સરકારે હાથ ધરેલી ચળવળ માનવીય ન હતી, પરંતુ આવનાર વર્ષોમાં જીવનની ગુણવત્તા સુધારનારી હતી. આગળ વધવાના દરેક કદમ માટે કોઈએ તો ભોગ આપવો જ પડે, તેનો પુનરોચ્ચાર થતો હતો. ‘જીવી શકે છે’ એવી કક્ષામાં આવતા ભાગ્યશાળી લોકો મૃત્યુનો ભોગ બનવાના ન હતા, તેથી ઘણા ખુશ હતા.

માધવન, દિલ્હીના સોનપત નામના એક પરાની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. શહેરને બીજે છેડે આવેલા એક કારખાનામાં તે ચોકીદારની નોકરી કરતો હતો. તે નોકરી તેણે તાજેતરમાં જ ગુમાવી હતી. પગાર વિના પણ કામ કરવાની તેની વિનંતી બહેરા કાને અથડાઈ. આવતા વર્ષે મૃત્યુ પામવાનું ભાગ્ય ધરાવતા ‘જીવી શકે નહીં’ની કક્ષામાં માધવન જોડાયો.

તેણે નિર્મૂલન અધિનિયમની વિગતો વાંચી. સદીના અંતે શરૂ થવાની પ્રક્રિયાની તે કેવળ એક પરાકાષ્ઠા હતી. પહેલાં ગરીબીરેખાની નીચેના લોકોને, રાષ્ટ્રના આયોજકે અગ્રતાયાદીમાંથી રદ કર્યા. ત્યાર બાદ પ્રગતિને ઉપલા સ્તરના લોકોના કલ્યાણ માટે એક્સ્પ્રેસ હાઈવે અને નવી પ્રૌદ્યોગિકી પ્રાપ્ત કરવાની બાબત સાથે જોડવામાં આવી. ધીમે ધીમે તમામ પ્રકારની સહાય નિશ્ચિંતપણે બંધ કરવામાં આવી. ‘કરવેરા ન ચૂકવતા લોકો સેવાની પાત્રતા ધરાવતા નથી’, એ એક સિદ્ધાંત બની ગયો હતો. આમ, સરકારી હૉસ્પિટલો બંધ કરવામાં આવી અથવા તો ધંધાદારી ધોરણે ચલાવતાં વિશાળ વાણિજ્યિક નિગમોને સોંપવામાં આવી. જાહેર પરિવહનસેવાઓની પ્રાપ્તિ અદના નાગરિકની ત્રેવડની બહાર હોય એવી બનાવી દેવામાં આવી. બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે વીજળી અને જળસેવાઓ અતિ નફાકારક ઉદ્યોગોનાં ક્ષેત્રો બની.

પરંતુ આ બધો ઇતિહાસ હતો. આ નવો અધિનિયમ, જીવવા અને મરવા અંગેનો એક નૂતન આયામ થઈને આવ્યો હતો. સરકારે, નિર્મૂલનની યાદીમાં આવતા લોકોનું મૃત્યુ પીડારહિત થાય એવી ખાતરી આપવાની કાળજી લીધી હતી. આ માટે નસમાં દાખલ કરવાની દવાનો એક ડોઝ જ જરૂરી હતો. કૂતરાં અને ભૂંડ પરનાં પરીક્ષણોમાં તેની અસરકારકતા પુરવાર થઈ ચૂકી હતી.

માધવનને નોકરી ન મળે, તો તેને હવે ૧૧ માસ અને ૨૦ દિવસ જીવવાનું હતું. તેની ભંગાર ઝૂંપડીના ખાટલા ઉપર પડતું મૂકતાં તેણે વિચાર્યું કે વસતીના લગભગ ૬૦ ટકા ભાગમાંથી તેમની હત્યાના વિરોધમાં કેમ કોઈએ વિરોધ કર્યો નહીં ? કદાચ ભય એનું કારણ હોય, પોલીસ અને વિશેષ જાસૂસીદળ ભાવિ મૃત્યુસૂચિમાં નામ ધરાવતાં લોકો પર બારીક નજર રાખતાં હતાં અને ઉત્પાતિયા લોકો સ્વાભાવિક રીતે જ નામશેષ થઈ જતા હતા. એવું માનવામાં આવતું હતું કે તેમની હત્યા પહેલાં તેમને ખૂબ જ રિબાવવામાં આવતા હતા. આથી નાગરિકોના મનમાં એવો ભય વ્યાપી ગયો હતો કે માધવનને જણાયું કે તેનો મિત્ર પણ તેમના ભાવિ વિશે વાત કરતાં ગભરાતો હતો. તેમનો તર્ક એવો હતો કે કોઈ પણ વ્યક્તિ પોલીસનો એજન્ટ હોઈ શકે, તેથી તમારે મૌન રહેવું જોઈએ. અન્યથા અધિનિયમ અમલમાં આવે તે પહેલાં જ તમે ખતમ થઈ જાવ!

આથી સરકારી મદ્યઘરમાં શરાબ મફત મળતો હતો, ત્યાં આ અધિનિયમ વિશે કોઈ કંઈ બોલતું ન હતું. હકીકતમાં સૌ તેની પ્રશંસા કરતા હતા. “આપણા વડાપ્રધાન ખૂબ જ શાણા માણસ છે. તે જે કંઈ કરે તે રાષ્ટ્રના હિતમાં જ હોય. તેમણે આપણને બલિદાન આપવા જણાવ્યું છે અને રાષ્ટ્રના કલ્યાણ માટે આપણે આપણો ભોગ આપવો જ જોઈએ.” આવા પ્રતિભાવથી માધવનને આશ્ચર્ય થતું હતું. મફત મળતા આ શરાબમાં, જે વ્યક્તિ તેનું પાન કરે, તે કહ્યાગરું થઈ જાય અને વિરોધ કરવાની ઇચ્છા ત્યજી દે, એવું રસાયણ ઉમેરવામાં આવતું હતું એવું માનવામાં આવતું હતું. પરંતુ તેથી મૃત્યુનો ભય ટળી જતો ન હતો. આ કાનૂની ઘોષણા થઈ ત્યારથી માધવને મદ્યપાન છોડી દીધું હતું. કરવેરા ન ભરતા લોકો માટે મદ્યની લઘુતમ માત્રા લેવી એવું ફરજિયાત હોવાથી એ ઘણું જ કપરું બની જતું હતું. શરાબઘર સુધી જવું અને તમારું પ્રમાણ પૂરું કરવાના દેખાવ અને રાષ્ટ્રભક્તિની વાતોમાં ભાગ લેવો એવી યુક્તિ ચાલી જતી હતી.

“માધવન, હવે પછીનાં પાંચ વર્ષમાં દેશનું અર્થતંત્ર અમેરિકાના અર્થતંત્રને હંફાવી દેશે, તે તું જાણે છે? આપણું રાષ્ટ્ર સમૃદ્ધ બનશે અને વસતીના પ્રમાણમાં આપણે ૧૯૦૦ના સ્તરે પહોંચી જશું. ખરેખર, આપણા વડાપ્રધાન દીર્ઘદૃષ્ટા છે.” આવા શાણા શબ્દ ગઈ કાલે કનૈયાએ ઉચ્ચાર્યા હતા.

માધવનને તેના માટે ખેદ થયો. તેણે વિચાર્યું કે કનૈયાને તેના દિવાસ્વપ્નમાંથી બહાર લાવું, પરંતુ આનો અર્થ એ થાય કે મદ્યઘરમાં હાજર છૂપી પોલીસના અધિકારનું ધ્યાન દોરવું. માધવન જાણતો હતો કે આ અધિકાર તેના દેશપ્રેમથી અંજાઈને કદાચ તેને ‘જીવી શકે છે’ની કક્ષા માટેનાં પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરી શકે તેવા આશયથી કનૈયો આવી વાત કરતો હતો.

માધવનને જાણ થઈ કે આ રૂઢિગત મદ્યપાનમાં ભાગ ન લેવાથી તે વિચારી શકતો હતો. આથી તેની અંતરની પીડા અને ગુસ્સો સઘન બન્યાં. જીવનની જીવશાસ્ત્રીય જિજીવિષા ધરાવતી સમગ્ર વસતી કોઈ જ વિરોધ વિના, રાજ્યના દબાણથી મૃત્યુ સ્વીકારતી હતી, તે તેને વિચિત્ર લાગતું હતું!

પરંતુ માધવન તેની ચોમેર ભયનો વ્યાપ જોઈ રહ્યો હતો. તેની જેમ જ ઘણા અન્ય લોકો પોતાના જીવનનિર્વાહ માટે આજુબાજુની પેઢીઓમાં પરચૂરણ કામ કરતા હતા. જો કે આ કામ છૂટક કામની વ્યાખ્યામાં આવતાં હતાં. અને મૃત્યુની સામે તે કોઈ કવચ પૂરું પાડતાં ન હતાં.

‘જીવી શકે છે’ના વર્ગમાં જે લોકો અન્યને કામે રોકતા હતા તેમની પાસેથી વિશેષ વેરો વસૂલ કરવાનો હતો. સરકારે એવો નિર્ણય કર્યો હતો. આવા સરકારી નિર્ણયથી મોટા ભાગના રોજગાર હંગામી પ્રકારની કક્ષામાં આવી જતા હતા, અને આ કારણે ઘણા લોકોને છૂટા કરવામાં આવ્યા હતા.

માધવન અપરિણીત હતો. તે સ્વેચ્છાએ કુંવારો રહ્યો ન હતો. પાંચ વર્ષ પહેલાં લગ્ન અને બાળઉછેર માત્ર કરપાત્ર વર્ગનો વિશેષાધિકાર જાહેર કરવામાં આવ્યો ત્યારે જ તેણે પરણવાનું માંડી વાળ્યું હતું. જાતીય સુખ માટે સરકારી વેશ્યાગૃહો ઉપલબ્ધ હતાં જ. આવી પાપી સંસ્થાઓ શરૂ કરવામાં આવી હતી, જેથી ઝૂંપડપટ્ટીના કંગાલો તેની જાતીય ભૂખ સંતોષી શકે અને કરવેરા ભરનાર વર્ગની પત્નીઓ અને પુત્રીઓ પર બૂરી નજર ન કરે.

આ તદ્દન વિચિત્ર હતું. દારૂ અને જાતીય આનંદ સંપૂર્ણપણે મફત હતાં. પરંતુ ખોરાક અને દવાઓ અત્યંત મોંઘાં હતાં. રાષ્ટ્રીય આરોગ્યનીતિ તરીકે વળતર ચૂકવી શકે તેમની જ સારવાર કરવામાં આવે છે એવી અગાઉના જમાનાના દાક્તરોની નીતિનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. માંદગી જેટલી વધુ ગંભીર તેટલી જ ઊંચી ફી અનામતની રકમ વ્યક્તિએ હૉસ્પિટલમાં જમા કરાવવાની હતી. ઝૂંપડપટ્ટીના જાહેર નળ પણ તેના કાણાંમાં નિશ્ચિત કરેલી રકમના સિક્કા નાખ્યા પછી જ થોડી વાર ચાલુ રહેતા હતા.

વિનામૂલ્યે મળતી વસ્તુઓમાં હજી શ્વાસ માટેની હવા ઉપલબ્ધ હતી. માધવને વિચાર્યું કે હવે એક વર્ષની મુદત પછી તેના જેવા અન્ય લોકોની સાથે તેનો અધિકાર પણ છીનવાઈ જશે.

મદ્યઘરમાં અન્યનો કોઈ પણ અભિપ્રાય હોય, માધવન મરવા ઇચ્છતો ન હતો. તેણે જીવતા રહેવાનો માર્ગ શોધી કાઢવાનો હતો. આનો તાત્કાલિક વિકલ્પ કરવેરાની કક્ષાની એક નોકરી શોધી લેવાનો હતો. શાળાની આગળના અભ્યાસના અભાવે તેની તકો મર્યાદિત હતી. તેને અભ્યાસ પ્રત્યે અરુચિ હતી, એવું ન હતું. તેના પિતા કરદાતા ન હોવાથી તેને કૉલેજમાં પ્રવેશ મેળવવાના વિશેષાધિકારોમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. તે શાળામાં હતો ત્યારે જ ઉચ્ચશિક્ષણ માત્ર વિશેષાધિકારો ધરાવતા લોકો માટે અનામત કરી દેવાનો કાયદો ઘડવામાં આવ્યો હતો. ઘણું કરીને સરકાર તેના શાણપણથી એવું માનતી હતી કે કરવેરા ન ચૂકવી શકતા લોકોનાં બાળકોમાં બુદ્ધિનો અભાવ હોય છે.

પરંતુ ‘જીવી શકે છે’, એવી ખાતરી સાથેની નોકરી માધવનને ક્યાં મળવાની હતી ? એને સમય મળતો, ત્યારે તે શહેરમાં આમતેમ ભટકતો, પરંતુ તેને જરા પણ સફળતા મળતી ન હતી. છૂટક કામો ઘણાં મળી શકતાં હતાં, પરંતુ તે વ્યર્થ હતાં. કાયમ રાત્રે તે તેની જાતને ખાતરી આપતો, ‘હું કરવાનો નથી, મારે મરવું નથી. કોઈ રસ્તો શોધી કાઢવો જ પડશે.’

માધવનના શહેરથી ૫૦ કિલોમીટર દૂર વિક્ટર જ્યૉર્જ કુટ્ટી તેની મુસીબતોને પંપાળતો હતો. થોડા મહિના સુધી એ બધું ઠીકઠાક હતું. ‘એસ ઍન્ડ એમ’ સાધનસામગ્રીનું વેચાણ કરતી તેની દુકાનમાં ધંધો સારો ચાલતો હતો, પરંતુ બાજુમાં બે હરીફોના ધંધાને કારણે તેણે ઘણા ધરાકો ગુમાવવા પડ્યા હતા. વણસતો ધંધો અને શાહુકારોની ગળાચીપથી તેને ભય લાગ્યો કે તે ઝડપથી ‘જીવી શકે નહીં’ની કક્ષામાં સરી રહ્યો હતો. તેના મિત્રો તેની પ્રત્યે ભલમનસાઈ દાખવતા ન હતા. કુટ્ટીનો આર્થિક દરજ્જો કથળ્યો એટલે તેમણે પીઠ ફેરવી લીધી. તેના હરીફોને નનામા ફોનપત્રથી કરવેરા - અધિકારીઓએ દબાણ કર્યું કે તેના સામાજિક દરજ્જાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે. પહેલાં તે ‘વીજી’ તરીકે ઓખળાતો હતો. દીવાલ પરના તે નામના અક્ષરોને તે તાકી રહ્યો : એક દિવસ બધું તહસનહસ થશે અને તે કરવેરા ભરનારના વિશેષાધિકાર ગુમાવશે.

કામ શોધવાની વાત માત્રથી તેને કમકમાં આવી જતાં હતાં. તેને નોકરીમાં રાખી શકે તેવી કોઈ વ્યક્તિ તેના ધ્યાનમાં આવતી ન હતી. જાતીય આનંદનાં સાધનો વેચવાનો તેનો દસ વર્ષનો અનુભવ ઘણું કરીને તેને વેચાણસહાયકનો રોજગાર આપી શકે, અને એ પણ કામચલાઉ ધોરણે જ.

થોડા સમય પછી તે ‘જીવી શકે નહીં’ની કક્ષામાં આવી જશે અને તેનો અર્થ એ કે તેણે પોતાનું ઘર ગુમાવવાનું છે અને ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં રહેવા જવાનું છે. ઉચ્ચ વર્ગનો તેનો દારૂનો પરવાનો ઝૂંટવાઈ જશે અને તેને પોતાને સરકારી મદ્યઘરમાં મફત મળતો ઝેરી રસાયણયુક્ત હલકો દારૂ પીવાનો વારો આવશે.

એક વખતે દરજ્જો નીચે જાય પછી હાલનો દરજ્જો ફરી મળવાનો કોઈ ઉપાય નથી. કાનૂન એવો હતો કે શ્રીમંત વધુ શ્રીમંત બની શકે, જ્યારે ગરીબવર્ગ તેમની જિંદગી બહેતર બનાવી શકે તેવી કોઈ સંભાવના ન હતી.  હવે વીજીની ઉત્તમ આશા એ જ હોઈ શકે કે તે ‘જીવી શકે છે’ વર્ગીકરણ ધરાવતી નોકરી મેળવે. આમાં નિષ્ફળતા મળે, તો તેણે હવે પછીના નિર્મૂલન કરવાના લોકોની યાદીમાં જોડાવાનું હતું.

બૅન્કે ક્યારનીય તેને આખરી સૂચના મોકલી દીધી હતી. વીજીને લાગ્યું કે તે હવે ઊછીની જિંદગી જીવી રહ્યો છે. હવે તેની પાસે એક જ પખવાડિયાનો સમય હતો. તેની દુકાનનું લિલામ થશે. પછી ફ્લૅટ જશે. તેનો દરજ્જો માત્રે સેકન્ડક્લાસ નાગરિકનો બની રહેશે.

વીજીને લાગ્યું કે આખરી પ્રહાર વીંઝાય તે પહેલાં કંઈક કરવાનું હતું. તેણે પોતાના બે સાથીદારોને તેની દુકાનની કરુણાંતિકા વિશે અગાઉથી જાણ કરી દીધી હતી. સદ્‌ભાગ્યે તેઓ અપરિણીત હતા. ઓછામાં ઓછું આ બાબતમાં તેમણે તેમની જાતને ભાગ્યશાળી માની. કારણ કે બાળક અને પત્ની પ્રત્યેની જવાબદારીમાં નિષ્ફળ રહેતાં, તેઓ બદદુઆઓ આપે એનાથી વધુ બૂરુ કશું જ ન હોઈ શકે. જો તે ‘જીવી શકે નહીં’ની કક્ષામાં આવી જાય તો તેઓ પણ સરકારની નિર્મૂલનયાદીમાં આવી ગયા હોય.

વીજીએ પોતાને નોકરી મળે એ માટે છેલ્લાં બે સપ્તાહો સુધી તેના દરેક સ્રોતને અજમાવી જોયા. તેને કશું જ ફળ મળ્યું નહીં. ભૂતકાળમાં મદદ કરનારા પણ આજ હવે આ વખતે નિષ્ફળ નીવડ્યા. દરેક વ્યક્તિ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી હતી. નિર્મૂલન અધિનિયમને લીધે તમામ પ્રકારની મૈત્રીનો અંત સુનિશ્ચિત થયો હતો.

જાતીય આનંદની દુકાન ચલાવતો હોવા છતાં, તે જાતીય બાબતો અંગે ઓછામાં ઓછું ધ્યાન આપતો હતો. સરકારી વેશ્યાઘરની બહુ ઓછી મુલાકાત લેતો, પરંતુ જ્યારે તે વેશ્યાઘરની મુલાકાત લેતો, ત્યારે મોટા ભાગે તેના વતન કેરળની એક ઊંચી, પાતળી છોકરી સાથે વાતો કરીને સમય ગાળતો. તે છોકરીનું નામ અમ્મુ હતું અને તેને વીજીની રમૂજવૃત્તિ ગમતી હતી, તો સામે વીજીને તે બુદ્ધિશાળી અને માયાળુ લાગતી હતી.

“થોડા સમયમાં હું ‘જીવી શકે નહીં’ના દરજ્જામાં આવું છું, તો મારા ઉપર દયા કર!” વીજીએ તેને આલિંગનમાં લેતાં કહ્યું.

અમ્મુ વીજીને ક્યારે ય ગ્રાહક ગણતી નહીં. તેમના સંબંધમાં લાગણી વણાઈ ગઈ હતી. તેથી બંનેની મૈત્રી દૃઢ બનતી હતી. ઘણા એવા દિવસો વીતી જતા, જેમાં તેઓ માત્ર ને માત્ર વાતો કરતાં હતાં. અમ્મુને રમૂજ થતી કે તેના જેવો કરદાતા તેનામાં રસ લેતો હતો. આ સમયમાં, આ જમાનામાં, આનંદ આપનાર તરીકેના કાર્યકર બનવું, એટલે યોનિ ધરાવતો મનવિહીન યંત્રમાનવ! જેમતેમ કરીને અમ્મુએ પોતાની રમૂજવૃત્તિ જાળવી રાખી હતી.

“તો હવે તું તારાં નાણાં, જીવન અને મત ગુમાવે છે, બરાબરને?” અમ્મુએ તેને ચીડવ્યો.

“તમે ગરીબ હો, તો તમારી કોઈ જ કિંમત નથી. તમને કોણ સાંભળવાનું છે ?”

“પરંતુ હું સાંભળવા ઇચ્છું છું. અન્યથા વિચારોમાં ભાગ લે એવા અન્ય લોકો પણ હોય છે.”“પણ, તમે અથવા તો તમારામાંના અન્ય લોકો માટે તમે બોલો તો તમે શું મેળવો છો ? શું તેઓ સરકાર સામે બાખડી શકે છે?”

“તો, તું પણ તેમના જેવો છે? રાજ્ય કહે કે મરી જાઓ તો મરી જશો. રાજ્ય કહે તમે વિચારવાનું બંધ કરો અને મૂર્ખ બની જશો. શું તમારે તમારું કોઈ વ્યક્તિત્વ નથી?” અમ્મુ ટોણાં મારવામાં નિષ્ણાત બની ગઈ હતી.

વીજી થોડો જિજ્ઞાસુ બન્યોઃ ‘આ અન્ય કોણ છે?’

“તે અમારી પાસે આવતા લોકો છે, તેઓ બધા હતાશ છે, પરંતુ તેમાંનો દરેક વિચારે છે કે માત્ર તે પોતે જ આવી સ્થિતિમાં છે. તારા જેવા છે. તેમાંના બધા વેગળા છે.”

“હું તેમને કઈ રીતે મળી શકું?” વીજીને હવે રસ પડ્યો.

“તું આવતી કાલે છ વાગ્યે આવે તો ?”

એકાએક વીજી ઉત્તેજિત થઈ ગયો. અઢાર વર્ષની નાનકડી છોકરી તેની જિંદગી બદલાવી શકે છે. અમ્મુની એક જુદી જ ઊંચાઈ તેના ધ્યાનમાં આવી. તેના પરિચયમાંની તમામ વ્યક્તિઓ અમ્મુની સામે ઝૂકી જાય છે, તે વીજીએ જોયું. વીજીને લાગ્યું કે આ છોકરીમાં લડી લેવાનો જુસ્સો છે.

આનંદગૃહ તરીકે ઓળખાતા વેશ્યાઘરને છોડ્યું, ત્યારથી વીજી, એક જુદી જ વ્યક્તિ બની ગયો હતો. ‘જીવી શકે છે’ કક્ષાની નોકરી કઈ રીતે મેળવવી એની માથાપચ્ચી કરતો વીજી હવે વિચારતો હતો કે સરકાર તેના નિર્મૂલન અંગે કયો અધિકાર ધરાવે છે, તંત્ર સામે કઈ રીતે લડવું. આ બાબતમાં તે હજી અસ્પષ્ટ હતો. પણ તેને લાગ્યું હતું કે તેણે હવે લડી લેવું જોઈએ, પરંતુ તેના નિર્ણયના કેન્દ્રમાં તેનાથી ૧૫ વર્ષ નાની છોકરી હતી.

અમ્મુએ તેને પ્રેરણા આપી હતી, તે અન્ય કોઈના ધ્યાનમાં આવી નહીં. અમ્મુએ તેને વિચારવાની એક નવી દિશા ખોલી આપી હતી. અમ્મુના વિચારોમાં એક ચેપી જુસ્સો હતો. “દરેક વ્યક્તિ જીવી શકે અને જીવી શકે નહીં” એ વિશે વાતો કરતાં જણાય છે? “જીવશું-મરશું નહીં વિશે કોઈએ વિચાર્યું છે?” અમ્મુએ પૂછ્યું હતું.

વીજી પોતાને ઘેર પાછો ફરતો હતો, ત્યારે તેના મનમાં આ શબ્દો ઘોળાતા હતા.

બીજે દિવસે વીજીના પગમાં તરવરાટ હતો. પાડોશીએ આ પરિવર્તન જોયું. તેમણે વિચાર્યું કે તેને ‘જીવી શકે છે’નો દરજ્જો મળ્યો હોવો જોઈએ. અન્યને લાગ્યું કે લોન અંગે કોઈ તડાકો કર્યો હશે. સુખ-‘જીવી શકે છે’ના દરજ્જાના હેતુથી, માત્ર એક-આયામી વિભાવના બની રહ્યું હતું.

દુકાને પહોંચ્યો, ત્યારે તે ઘણો જ ખુશમિજાજમાં હતો. તેના ઉત્સાહ અને ગુનગુનાહટના પ્રભાવમાંથી કોઈ છટકી શક્યું નહીં કે સમજી શક્યું નહીં. તેના મહેતાજી મુકુંદે પૂછ્યું કે શું તેણે લોન લીધી છે? પરંતુ વીજીએ પોતાની પ્રસન્નતાનો સ્રોત જાહેર કર્યો નહીં. પોતાની છેલ્લી મૂડી કર્મચારીઓને વહેંચતાં તેને આજે ખૂબ જ ખુશી થઈ, સંતોષ થયો.

સાંજે દુકાન બંધ કરી, ત્યારે તે સાવ અકિંચન હતો. એક અઠવાડિયામાં સરકાર તેને ‘જીવી શકે નહીં’ના દરજ્જાની વ્યક્તિ જાહેર કરશે, પરંતુ વીજીએ લડવાનો નિર્ધાર કર્યો હતો. તેની આખરી ઇચ્છા હતી કે સરકાર તેનું નિર્મૂલન કરે.

વીજીએ આનંદઘરની મુલાકાત માટે ગાડી પકડી, ત્યારે અમ્મુ વિશે વિચારતો હતો. કહેવાતા વિચારકો / ચિંતકો કરતાં તેના મગજમાં ઘણા વધુ વિચારો ભર્યા હતા. સામાન્ય કોટિના વર્ગની પ્રસન્નતાના વખતમાં સરેરાશ વ્યક્તિ ભૂંજાઈ રહી હતી. દુન્યવી નહીં એવી દરેક બાબતને હાસ્યાસ્પદ અને રાજ્યવિરોધી ગણી હસી કાઢવામાં આવી હતી.

સામાન્ય વર્ગના ગુણોની પ્રશંસા કરતા એક વિદ્વાનનો લેખ તેણે વાંચ્યો હોવાનું વીજીને યાદ આવ્યું. ૧૦૫૦માં સામાન્ય વર્ગની સ્વીકૃતિની જરૂરિયાતથી રાષ્ટ્રમાં નવી જાગૃતિનાં બીજ દેખાતાં હતા. પરિણામે, કલાની વિભાવના અંગે ફેરવિચારણા કરવામાં આવી હતી. મસાલા ફિલ્મોને શ્રેષ્ઠ - ઉત્ક્‌ષ્ટ ગણવામાં આવતી હતી. કાલ્પનિક કથાઓના રેંજીપેજી લેખકોને બૌદ્ધિક આભા વરી હતી. ૧૯૮૦માં બિનનફાકારક સાહસ ગણાતાં સંશોધન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમાં સ્થાન ધરાવતી તમામ વ્યક્તિઓ-મહાત્મા ગાંધી, ભગતસિંહ અને સુભાષ વગેરે-નાં નામ રદ કરીને તેની જગ્યાએ દેશને નવો અવતાર આપનાર ઉદ્યોગપતિઓનાં નામ ઉમેરવામાં આવ્યાં હતાં. ધંધાનો વકરો એ કીર્તિની ચાવી બની ગઈ હતી અને જે મહત્તમ મૂડીને આકર્ષે તેને દેવનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

આ બાબતમાં તે જેમજેમ વિચારતો હતો તેમ તેને જણાતું હતું કે અમ્મુએ સાચી વાત કરી હતી. દૂરના ભૂતકાળમાં પ્રચલિત એવો તર્ક તેણે સ્વીકાર્યો હતો. આ તર્ક આજના સમયમાં પણ ખૂબ જ સુસંગતતા ધરાવે છે. કોઈ સ્ત્રી ડહાપણનો સ્રોત હોય એ તેને બહુ વિચિત્ર લાગતું હતું. છેલ્લી સદીના અંતમાં એવી આગાહી કરવામાં આવી હતી કે મહિલાઓ જાતીય સુખનું સાધન જ બની રહેશે નહીં, પરંતુ તેથી ઘણી આગળ આવશે. પરંતુ ૨૦૧૫માં જુવાળ બદલાયો. સુધરેલા નવા સંવિધાન મુજબ મહિલાઓને માત્ર ‘પુરુષોનું મનોરંજન કરતી વ્યક્તિઓ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. નારીવાદીઓને ડાકણોનું બિરુદ આપવામાં આવ્યું હતું. રાંધવાના અને પતિદેવોને ખવડાવવાના આનંદના અધિકારનાં ગુણગાન કરવામાં આવ્યાં હતાં. ધર્મના સ્થાને રૂપિયો બિરાજમાન હતો. મહિલાઓના નિયમસંગ્રહને વાજબી ઠરાવવા માટે સાવિત્રીની પુરાણકથા અને મનુસંહિતાને પુનઃસંપાદિત કરવામાં આવી હતી.

મહિલાશિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. નવજાત કન્યા અંગે તેને ‘આનંદઘર’માં રાખવી કે ‘કરદાતા નાગરિકની પત્ની બનવા દેવી’ એવો નિર્ણય કરવાનું કાર્ય એક સમિતિને સોંપવામાં આવ્યું હતું. અમ્મુ પ્રથમ કક્ષામાં આવતી હતી. કારણ કે તેની તપાસ વખતે તેણે સમિતિના એક સભ્ય ઉપર લઘુશંકા કરી હતી!

‘હું માત્ર બે દિવસની હતી. મને એ બદમાશ પર ઘણી ઘૃણા હતી.’

અમુએ વીજીને જણાવ્યું હતું કે તેની મા ઘણા ખેદ સાથે આ વાતનું રટણ કર્યા કરતી હતી. તે કહેતી કે “ક્યારે, કોના ઉપર લઘુશંકા કરવી, એ બાળકે જાણવું જોઈએ.”

આનંદઘર-૧૫ની જિંદગી યાંત્રિક અસ્તિત્વ સમાન હતી. એચ.આઈ.વી. રસીની શોધને કારણે જાતીય સંભોગને એક મનોરંજન ગણવામાં આવતો હતો અને રાજ્ય તરફથી વિનામૂલ્યે પૂરો પાડવામાં આવતો હતો. મહિલાઓનાં જાતીય અંગોને વધુ સંવેદનશીલ બનાવતી નવી દવા, જાતીય કાર્યકર્તાઓનાં આવાં અંગોને પીડાથી બચાવતી હતી. ૨૦૨૦માં વેશ્યાગૃહોમાં એસ ઍન્ડ એમ કાયદાને માન્યતા મળી હતી. જો કે મહિલાઓ પર પરપીડન આચરનારા લોકો તેમની પત્નીઓ અને નોકરાણીઓ પર તેમનો જુલમ આચરતા રહેતા હતા.

અમ્મુએ વીજીને કહ્યું કે તેને ક્યારે ય જાતીય આનંદની પરાકાષ્ઠા અનુભવવા મળી નથી ત્યારે તેને નવાઈ લાગી હતી! રોજ સવારે તે એવું ઇન્જેક્શન લેતી હતી જેનાથી તેનાં જાતીય અંગો ચુસ્ત બની જતાં અને તેના ઘરાકને સંભોગમાં સરળતા મળી રહે તે માટે ગુપ્તાંગની અંતઃત્વચા સક્રિય રહેતી હતી.

વીજીએ તેની સાથે જાતીય સમાગમ કરવાનું છોડી દીધું હતું.

“તો, તું હવે મારા મન સાથે સંભોગ કરવા માગે છે,” એવું અમ્મુ રમૂજમાં કહેતી. અમ્મુ સાથે વાતો કરવાનું વીજીને ગમતું. તે વિચારવિમર્શ કરતો. આ કપરા કાળમાં મુશ્કેલ જેવી આ બૌદ્ધિક પ્રવૃત્તિ બની રહેતી.

તે ગાડીમાંથી ઊતર્યો ત્યારે કશીક ભાવિ હલચલ તેના ધ્યાનમાં આવી. તેના અંતરમાં ઉત્તેજના સળવળતી હતી. આનંદઘર ઘર તરફ જતાં તેને તે આઝાદીનું ભાવમંદિર હોય, તેવી કલ્પના તે કરી શકતો હતો. મુખ્ય પ્રેરણાદાતા તરીકે અમ્મુને યાદ કરવામાં આવશે અને તે પોતે તેનો શિષ્ય બનશે.

“લોકોની ઇચ્છાઓનો વિજય થશે,” તે દરવાજા તરફ જતાં સ્વગત બોલ્યો.

માધવન અને અન્ય લોકો તેની રાહ જોતા હતા.

(“આઉટલૂક”ના સૌજન્યથી)

અનુવાદ :  એન.પી. થાનકી

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 15 થી 18 તેમ જ 05

Category :- Opinion / Opinion