
રેખાબહેન સિંધલ
હૈયું કંપી જાય અને રૂંવાડા ઊભા થઈ જાય તેવા અમાનુષી હત્યાકાંડમાં હોમાયેલા પરિવારો પર પહેલગામમાં થયેલ હુમલો એ આખી માનવજાત પર હુમલો છે. દેશ-પરદેશમાં ખળભળાટ મચી ગયો છે. વેર જો પ્રેમથી શમતું હોત તો ગાંધીજીની હત્યા એક હિંદુએ ન કરી હોત. હિંદુ-મુસ્લિમ હુલ્લડોને કારણે સળગતાં મકાનોની જ્વાળાઓ અમારા ઘરની અગાશી પરથી મેં ઘણીવાર જોઈ છે. જે ગામમાં હું જન્મથી માંડી બત્રીસ વર્ષો સુધી રહી તે ગામમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડો અવારનવાર થતાં રહેતાં. આ હુલ્લડોમાં નિર્દોષને દંડ અને દોષિતને દોલત મળ્યાના બનાવો પણ જણાયા છે. હિંદુ કાફિરોને અને મુસ્લિમ સંતોને મેં અમારે આંગણે આવેલા જોયા છે, એટલું જ નહીં એમની વ્યથાઓની વાતો પણ સાંભળી છે. આ વ્યથામાં સામા પક્ષે કેટલા લોકોને મારી નાખ્યા તે ગણતરી વધારે હોય અને તેનાથી વધારે લોકોને મારવાનો હુમલો ખાળવા અમારે ફળિયે મંત્રણા ચાલતી હોય. ક્યારેક સફળ અને ક્યારેક નિષ્ફળ એવી આ મંત્રણાઓમાં હોદ્દાધારીઓ પણ સામેલ હોય.
એક અદૃષ્ય સીમારેખાની મર્યાદા જાળવી હિંદુ-મુસ્લિમ સૌ નાગરિકો સંપીને રહેતા હોય ત્યાં ઓચિંતી એક સવારે ઉડતી વાત આવે કે આજે ગામમાં હુલ્લડ થવાનું છે. સૂચનાઓ મળવા લાગે કે કોઈએ ગામમાં નથી જવાનું. આ સૂચના કર્ણોપકર્ણ ગામમાં પ્રસરી જાય જેમાં હુલ્લડનું સ્થળ પણ નક્કી હોય. આવા હુલ્લડો આયોજિત હોવાથી જાનહાનિ ઓછી થતી અને ચોરી લૂંટફાટ અને અવ્યવસ્થા વધી જતાં અને તેથી વસ્તુની તંગીના નામે રોજની જરૂરિયાતની ચીજોના ભાવો બીજે દિવસે ઊંચકાઈ જતા. કોઈક ધનિક વેપારી લૂંટાઈ જતો તો કોઈક ગરીબ વેપારી ન્યાલ થઈ જતો. નાના ગામમાં આવા વેપારીઓને બધા નજીકથી ઓળખે એટલે આ ફેરફારોની વાતો નામ સાથે કાને પડે અને એમની દુકાને ગ્રાહક થઈને જઈએ ત્યારે સાચી જણાય. મોટાભાગે સાંજે હુલ્લડ થાય અને રાતે લૂંટ અને આગના બનાવો જોવા મળે. આવા આયોજિત હુલ્લડોમાં રાજકારણીઓ સામેલ હોય છે. તેઓ ધારે તો તેને અટકાવી શકે અને ધારે તો ભડકાવી પણ શકે. એમાં મુખ્ય મુદ્દો મતબેંક અને સત્તાનો હોય છે. સેવાના નામે મેવા માટે તેમની સાથે ધર્મઝનૂની વડાઓ પણ જોડાયેલા હોય. ડાબેરી અને જમણેરીઓનો એકબીજા પ્રત્યેનો દ્વેષ પ્રજાના લોહી વાટે વહેતો જોવા મળે. હિંદુ ધર્મમાં સહિષ્ણુતા સ્વાભાવિક છે કારણ કે તેમાં તેત્રીસ કરોડ દેવી દેવતા અને અનેક પંથો છે. સ્વીકારની ભાવના વગર અનેક પંથોમાં વહેંચાયેલો આ ધર્મ વિવિધતામાં એકતા કેવી રીતે સ્થાપી શકે? ધર્મના દંભ સામે જીવનભર લડેલા મારા પિતાની હાર કોર્ટમાં થઈ પણ માનવતાનાં મૂલ્યથી એમનું જીવન ઊચું અંકાયું. એક ધર્માંધ સમાજને તેઓ જીવનના અંત સુધી જાગૃત કરવાની કોશિષ કરતા રહ્યા.
રાજકારણ અને ધર્મ બંનેમાં અંધભક્તિ હોય ત્યાં ઝનૂનને સમર્થન મળતા વાર નથી લાગતી. આ ઝનૂનથી જાગી ઊઠેલી શક્તિ ગેરમાર્ગે દોરાઈને ગાડરિયો પ્રવાહ બની જાય ત્યારે બધી દિશાઓ ભયથી ઘેરાઈ જાય છે. આ વ્યાપક ભય સામે શાહમૃગની જેમ નીચી ડોક કરીને છુપાઈ જવાથી તે દૂર થવાનો નથી તે સૌ જાણે છે પણ એનો ઉપાય કોઈ જાણતું નથી. ભયનો વિસ્ફોટ યુદ્ધમાં પરિણમે છે અને આવા યુદ્ધમાં સપડાયેલા નિર્દોષ લોકોના નિર્દોષ પરિવારોની યાતના દૂર કરી શકે તેવો નેતા ચૂંટાય તો પણ લોકોના સાથ વગર નિષ્ફળ જાય. બે પક્ષમાં વહેંચાયેલા રાજકારણની નિષ્ફળતા એ એક રીતે તો પ્રજાની નિષ્ફળતા જ છે.
મારી પડોશમાં શ્યામ વર્ણનો એક અમેરીકન સૈનિક રહેતો હતો. ખૂબ સાલસ સ્વભાવનો. જરૂર પડ્યે અમને સિનિયર સિટીઝનને વજનવાળી વસ્તુઓ આમતેમ ફેરવવી હોય તો મદદ કરે. એકવાર ફળિયામાં ઊભા ઊભા અમે વાતો કરતા હતા. મેં તેને લડાઈના અનુભવ વિષે પૂછ્યું, વાત કરતાં કરતાં તે ગળગળો થઈ ગયો. તેની વાતમાં મેં જાણ્યું કે તેણે ઈરાક, અફઘાનિસ્તાન અને કુવૈત જઈને ફરજો બજાવી છે. ગોળીબારથી બચવા માટે સંતાઈને દોડતા દોડતા મૃત્યુને તેણે એટલું નજીકથી જોયું હતું કે એક સેકંડ માટે તે બચી ગયો હોય અને પાછળ દોડતો સાથીદાર ગોળીથી વીંધાઈને ઢળી પડ્યો હોય. એ સમયે સાથીદાર ગાઢ મિત્ર હોય તો પણ પોતે બચી ગયાના ભાવ નીચે સાથીદાર ગુમાવ્યાનું દુઃખ દબાઈ જતું. વર્ષો પછી પણ હજુ ધડાકો સાંભળે તો એ વ્યગ્ર થઈ જતો. એ ધડાકો રમકડાંની પીસ્તોલનો હોય તો પણ અજાણ ડરથી સાબદો થઈ જતો. બે નાનાં બાળકો અને પ્રેમાળ પત્ની સાથે હવે તે પ્રેમથી જીવન જીવે છે પણ કહેતો હતો કે ક્યારેક સ્વપ્નમાં બિહામણો ભૂતકાળ હજુ ય તેને પજવી જાય છે.
મુસ્લિમ અને ખ્રિસ્તી વચ્ચે પણ ત્રાસવાદ રાજકારણ રમે છે. અમારા ધર્મ જેવો શ્રેષ્ઠ ધર્મ બીજો એક પણ નથી એમ માનનારા અને મનાવનારા લોકોનો સામૂહિક અહંકાર બીજા સમૂહમાં પણ એવા જ અહંકારનો પડઘો પાડે છે. ધર્મ એ યુદ્ધનું નિવારણ બનવાને બદલે કારણ બની ગયું છે. મનુષ્ય સિવાયનાં પક્ષી, પ્રાણી કે અન્ય જીવો પાસે કુદરત સિવાય કોઈ ધર્મનો આશરો નથી અને કદાચ તેથી જ મનુષ્યને મનુષ્યનો ભય છે તેટલો બીજા જીવને તેમની જાતિનો નથી. કોઈપણ ધર્મ સુરક્ષા, શાંતિ અને સમાધાન માટે હોય છે, અવલંબન માટે નહીં. કાફિર એ છે જે નિર્દોષની હત્યા કરે છે. જો વિધર્મી લોકો જ કાફિર હોય તો જગતના બધા જ મનુષ્યો એકબીજા માટે કાફિર છે. એકબાજુ ‘જીવો અને જીવવા દો’-નો માનવતાવાદી વિચાર અને બીજીબાજુ ‘મરવું કાં મારવું’-નો ત્રાસવાદી વિચાર. આ બંને વિચાર અથડાઈને યુદ્ધોને આહવાન આપી રહ્યા છે ત્યારે સામાન્ય નાગરિક તરીકે આપણે શેની તરફેણમાં જોડાવું તે દરેકે પોતે નક્કી કરવાનું છે. ત્રાસવાદને જડમૂળમાંથી દૂર કરવા માટે ઊંડાં મૂળિયાં સુધી જવું પડે. આ મૂળિયાં જેમ જેમ મજબૂત થતાં જાય છે, તેમ તેમ એને ઊખેડવાનું અઘરું થતું જાય છે. ઉપરઉપરની કાપાકાપીને અટકાવી બધુ સરખું કરી દેવાથી શું ભારતમાંથી ત્રાસવાદ દૂર થઈ જશે? પોતાના ધર્મનો ગર્વ કરવો તે ખોટું નથી પણ અહંકારનો ઝંડો લઈ બીજા ધર્મના લોકોને તિરસ્કારીએ ત્યારે એના પરિણામો ભોગવવાની તૈયારી પણ રાખવી પડે. ત્રાસવાદને પોષતા અને ઊશ્કેરતા પરિબળો દોષમુક્ત કેવી રીતે હોઈ શકે? નેતાઓ પર બધો દોષ ઢોળી દઈને પ્રજા પોતાની જવાબદારીમાંથી છટકી જાય તો દેશમાં શાંતિનું સ્વપ્ન અધૂરું જ રહે.
e.mail : rekhasindhal@gmail.com