Opinion Magazine
Number of visits: 9504398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કારકિર્દી એટલે કઈ બલા, ભાઈ?

શરીફા વીજળીવાળા|Opinion - Literature|28 March 2019

બહુમુખી પ્રતિભાના માલિક શરીફાબહેન મસ્ત અને ચુસ્ત મિજાજનાં છે. આમ તો મુરારિબાપુના આશિષથી માંડી ઘણાં બધાં પુરસ્કારો અને બહુમાનો તેમને મળ્યાં છે. પણ તાજેતરમાં એમના ગ્રંથ ‘વિભાજનની વ્યથા’ને સાહિત્ય અકાદમી એવોર્ડ – 2018 મળ્યો. આ પહેલાં 2015માં એમણે અનુવાદિત કરેલા, પ્રસિદ્ધ લેખક અસગર વજાહતના ઉર્દૂ નાટક ‘જિસ લાહૌર નઈ દેખ્યા ઓ જમ્યાઈ નઈ’નો અનુવાદ, ‘જેણે લાહૌર જોયું નથી એ જનમ્યો જ નથી’ના નામે કરેલો તેને સાહિત્ય અકાદમીનો ‘અનુવાદ પુરસ્કાર’ મળેલો.

સાહિત્ય જગતનો સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર આ પુસ્તક આજે ‘વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી’માં અનુસ્નાતક સ્તરે પાઠ્યપુસ્તક તરીકે ભણાવાય છે. આ એવૉર્ડથી શરીફાબહેનનું ગૌરવ તો થયું જ છે; સાથે ગુજરાતી ભાષા પણ પોંખાઈ છે.

અમારું નાનપણ ભીંત્યું હાર્યે માથાં ફોડવાની રમત્યમાં જ વીતેલું. બાપુ મોસમે–મોસમે ધંધા બદલતા. બરફથી લઈને બોર સુધીના ધંધા પાછળ જાત નીચોવતા બાપુ, છેક 1960માં છાપાંની એજન્સી મળી ત્યારે જરાક ઠરીઠામ થયા. પણ ખાનારાં મોઢાં ઝાઝાં હતાં ને કમાનાર એક જ. મારી મા ઘરનું ગાડું રાગે ચડાવવા લાખ હડિયું કાઢે; તો ય ઘરમાં હાંડલાં કૂસ્તી કરતાં બંધ નો’તાં થાતાં. ગમે તેટલા ટૂંટિયા વાળીએ તોયે ચાદર ટૂંકી જ પડતી’તી. જ્યાં રોજ સાંજ પડ્યે ‘ખાશું શું?’નો પ્રશ્ન ડાચાં ફાડતો ઊભો હોય ત્યાં કારકિર્દી જેવો ભારેખમ શબ્દ તો શેં પ્રવેશે? અમારે માટે કોઈ બાપીકો ધંધો વાટ નો’તો જોતો. હા, મા–બાપુ જ્યારે પણ એમની હડિયાપાટીમાંથી જરાક નવરાં પડતાં ત્યારે અમને એક વાતની ગાંઠ બંધાવતાં. ‘ભણો. ભણશો તો નસીબ આડેથી પાંદડું ખસશે, બાકી તો અમારી જેમ દી’ આખો ટાંટિયા તોડીને અધમૂઆ થઈ જાશો; તો ય કોઈ દી’ બે પાંદડે નંઈ થાવ.’

મા–બાપ પોતે ભણેલાં નો’તાં પણ ભણતરનો દીવો જ અમારા અંધારા ઘરને અજવાળશે એવી જાણે કે બેઉને ખાતરી હતી. એમની આ કાયમી ટકોરથી અમારામાં ભણવા પ્રત્યે લગાવ નહીં; પણ ઝનૂન કહી શકાય એવું ગાંડપણ પેદા થયેલું. ઘર જિંથરીના દવાખાનાની બા’રું. ગામમાં સૌથી વારે રૂઆબ દાક્તરોનો. બધા મારા બાપુને ‘તું’ કહીને જ બોલાવે. એટલે જાણ્યે–અજાણ્યે ક્યાંક એવી ગાંઠ વળી ગેલી કે મોટા થઈને દાક્તર થાવું. ઘરે લાઈટ તો અમે બધાએ બારમું પાસ કરી લીધું પછી ઘણી મોડી આવી. ફળિયામાં ઢાળેલા ખાટલા પર પોતપોતાના ફાનસે વાંચવાની બાદશાહીને કારણે, ઘરના બજેટમાં સૌથી વધુ ખરચો ઘાસલેટનો હતો. પણ તો ય મા–બાપે ટોક્યાં નો’તાં એક ફાનસે વાંચવા માટે. ભણતાં ભણતાં પૈસા પેદા કરવા માટેના શક્ય એટલા બધા અખતરા કર્યે જાતાં. કાગળની કોથળિયું બનાવી વેચતા, જૈનોના મેળાવડામાં, ડોંગરે મહારાજની કથામાં રાગડા તાણી–તાણીને છાપાં વેચતા. છાપાના ધંધાએ જાહેરમાં બોલતાં શીખવાડ્યું અને અભ્યાસ ઉપરાન્તનું વાંચવાની ટેવ પાડી. ‘ઊંટ મેલે આંકડો ને બકરી મેલે કાંકરો’ની જેમ હું તો ગાંડાની જેમ જે હાથ ચડે તે વાંચતી. મેઘાણી, મડિયા, ર.વ. દેસાઈ. દર્શકની સાથે જ હું કોલક, મહેશ મસ્તફકીર કે બીજી કોઈ પણ પૉકેટબુક્સ વાંચ્યે જ રાખતી.

મારો કાયમનો હરીફ મારો ભાઈ બારમા પછી વડોદરા મેડિકલમાં ગયો એટલે આપોઆપ જ મારી લાઈન નક્કી થઈ ગઈ; પણ પનો ટૂંકો પડ્યો. મારે મેડિકલમાં જવા માટે રોકડા નવ માર્ક ઓછા પડ્યા. એટલે પછી વડોદરાની ઈજનેરી કૉલેજમાં આર્કીટૅક્ચરમાં પ્રવેશ લીધો; પણ પેલ્લા બે જ દા’ડામાં ડેબૂ ફાડી નાખે એવો ખર્ચ જોઈ મેં ‘ડિપાર્ટમેન્ટ ચેન્જ’નું ફોર્મ ભરી દીધું અને ફાર્મસીમાં પ્રવેશ લીધો. પણ બી.ફાર્મ.ના છેલ્લા સેમેસ્ટરમાં 1985ના અનામત આંદોલને છ મહિના ઘરે બેસાડ્યા. વળી મેં આડેધડ વાંચવા માંડયું. હવે દલાલ–ખત્રી પછીના સુરેશ જોશી. મધુ રાય, બક્ષી, ઘનશ્યામ દેસાઈ, વીનેશ અંતાણી વગેરેને વાંચ્યા. થોડુંક ગમ્યું ને ઝાઝું પલ્લે ન પડ્યું. કૉલેજો પાછી શરૂ થઈ. ડિગ્રી મળી ને એલેમ્બિકમાં એક વર્ષની એપ્રેન્ટિસશીપ મળી. મહિને ૪૫૦ રૂપિયા મારા માટે જવા દેવા જેવી રકમ નો’તી. પણ વડોદરામાં સાત પેઢીએ ય કોઈ સગું નો’તું એટલે હૉસ્ટેલ વગર નોકરીનો મેળ ન પડે અને હૉસ્ટેલપ્રવેશ માટે કંઈક ભણવું પડે. ઈધરઉધર ફાંફાં માર્યાં પછી થાકીને આર્ટ્સ ફેકલ્ટીમાં ગુજરાતી અને ગણિત સાથે પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો. નોકરી હતી સવારના આઠથી સાંજના ચારની. વર્ગો ભરવાનો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો. પણ સિતાંશુ મહેતા અને નીતિન મહેતાએ બીજા વર્ષ સુધી ભણાવવા ઉપરાન્ત પુસ્તકોની મદદ કરી. પછી તો શિરીષ પંચાલ, રમણ સોની, સુભાષ દવે, હર્ષદ ત્રિવેદી, સુધા પંડ્યાએ પણ ભરપૂર મદદ કરી ને વર્ગમાં ગયા વગર હું પાંચે ય વર્ષ પહેલી આવી શકી.

એલેમ્બિકમાં એક વર્ષ પછી મને કાયમી નોકરી મળી જાય એવી કોશિશ ચં.ચી. મહેતાએ પણ કરી અને શિવકુમાર જોશીએ પણ કરી; પણ નસીબ ક્યાંક બીજે જ લઈ જવા ઈચ્છતું હતું. એટલે એ નોકરી બીજાને મળી. ને મેં વડોદરાથી પચાસ કિલોમીટર દૂર દોઢ વર્ષ નોકરી કરી. સવારે છએ નીકળું. રાતે આઠે પાછી આવું. પણ આ ફેક્ટરીએ મને ઘડી. માણસને પરખતાં શીખવ્યું. એક્સાઈઝ, ઓક્ટ્રોય બધે જ કેટલી હદે ભ્રષ્ટાચારે ભરડો લીધો છે તે રોજેરોજ અનુભવ્યું. આખો દહાડો ઊભાઊભા કામ કર્યા પછી મોડી રાત સુધી વાંચતી. પણ છેલ્લે થાકી અને મેં વડોદરા સ્થિત LOCOST નામના NGOમાં નોકરી લીધી. અહીં કામના કલાકો તો વધારે જ હતા; પણ કામ બહુ ગમતું. ગુજરાતભરમાં ફેલાયેલા NGOને સારી અને સસ્તી દવાઓ પૂરી પાડવા ઉપરાંત પાયાની દવાઓ વિશે હું લખતી થઈ. કદાચ મને પહેલી વાર અહીં લખવાની, હેલ્થ વર્કર્સને ભણાવવાની તક મળી. NGOમાં કામ કરતાં કરતાં શાળા સ્વાસ્થ્ય કાર્યક્રમના મારા પ્રકલ્પ અંતર્ગત મેં 1989માં વડોદરાની 28 શાળાના વિજ્ઞાન શિક્ષકોની એક તાલીમ રાખેલી. WHOના CONCEPT પ્રમાણે હું ભણાવવામાં મશગૂલ હતી. બીજા દિવસે એક શિક્ષક શંકરભાઈ પટેલે મારા માથે હાથ મૂકીને કહ્યું, ‘તમે કદી શિક્ષક થવા વિચાર્યું છે?’ મેં કહ્યું, ‘ના’. ‘તો વિચારો. YOU ARE A BORN TEACHER’. હું તેમને તાકી રહી ! પણ કુદરત જાણે દાવ ગોઠવી રહી હોય એમ હું 1990માં MA થઈ અને સિતાંશુ મહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર થઈને ગયા. એમની ખાલી પડેલી જગા પર મને હંગામી ધોરણે નોકરી મળી ગઈ! આ સાવ અનાયાસ થયું. જાણે ‘જાતે થે જાપાન; પહોંચ ગયે ચીન’ જેવું જ કંઈક.

1992માં સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં કાયમી નોકરી મળી પછી કાયમ ‘વર્ગ જ મારું સ્વર્ગ’ બન્યો. લખવાનું સાવ અનાયાસે થતું રહ્યું. પિતા વિશે 1988માં એક લેખ લખેલો જે ઘણાને બહુ ગમ્યો. પછીથી સુરેશ દલાલ અને મહેશ દવેના સમ્પાદનો નિમિત્તે જીવનનાં સંભારણાં આલેખાતાં ગયાં અને લોકોને ગમ્યાં ય ખરાં. લાગે તેવું મોઢે કહેવાની નાનેથી ટેવ. પુસ્તક સમીક્ષામાં રમણ સોની મારા ગુરુ. સત્ય અપ્રિય લાગે તે રીતે જ કહેવાની મારી આવડતે મને ખાસ્સી અપ્રિય બનાવી. શિરીષભાઈએ કેળવેલી અનુવાદની આવડતે, મારી પાસે સંતોષ થાય એવાં કામ કરાવ્યાં. વિવેચનોથી બહુ લોકોને નારાજ કર્યા એટલે હવે ધીરે ધીરે એ છોડી રહી છું. સામ્પ્રત વિશેની મથામણો, અનુવાદો અને જીવનના અનુભવો વિશે લખવું મને ગમે છે અને લોકોને પણ કદાચ એમાં જ વધું રસ પડે છે.

આજે જિન્દગીના જે મુકામ પર હું ઊભી છું ત્યાં મને સૌથી વધુ સન્તોષ શિક્ષક તરીકેનો છે. છેલ્લાં બાવીસ વર્ષથી વર્ગમાં અને વર્ગ પત્યા પછી પણ ભણાવ્યું છે. અભ્યાસક્રમ ઉપરાંત બીજાં અનેક પુસ્તકોની ચર્ચા કરી છે, સામ્પ્રત સમસ્યાઓ ચર્ચી છે રવિવારે કે રાત્રે આ વીદ્યાર્થીઓને સારી ફિલ્મો બતાવી છે, જૂથચર્ચાઓ ગોઠવી છે. 1991થી 2009 સુધી કૉલેજની હૉસ્ટેલ જ મારું ઘર હતી. વિદ્યાર્થીઓનાં ટોળાં વચ્ચે મારા ચોવીસ કલાક જતા હતા. શિક્ષકે વિદ્યાર્થી પાસે આખા ને આખા ઠલવાઈ જવાનું હોય એવું હું મારા ગુરુઓ પાસે શીખી હતી. ને નસીબે મને એવા વિદ્યાર્થીઓ પણ મળ્યા. જ્યાં ઠલવાઈ જવું લેખે લાગે. 18 વર્ષના મારા હૉસ્ટેલ નિવાસે મને કેટલી દીકરીઓ મળી એની ગણતરી ન માંડી શકું. મારા એક અવાજે દોડી આવે એવા વિદ્યાર્થીઓએ મને કદી એવું નથી લાગવા દીધું કે હું આ શહેરમાં સાવ એકલી રહું છું. કારકિર્દીનો સૂર્ય તો ઠીક છે મારા ભાઈ, પણ આ સાર્થકતા જીવવાનું બળ આપે છે, આ વિદ્યાર્થીઓ અને મિત્રો ટકાવી રાખે છે, આટલી શારીરિક પીડા વચ્ચે પણ. દર વર્ષે વર્ગમાં ઊભરાતા નવા ચહેરા, તેમની આંખોની ચમક મને ચાનક ચડાવે છે નવું વાંચવા, વિચારવા, અખતરા કરવા. નવી ફિલ્મો, નાટકોની વાતો કરવા. આ વિદ્યાર્થીઓ મારી તાકાત છે, મારી પ્રેરણા પણ. હું સતત કોશિશ કરતી રહું છું એમને સાચુકલા માણસ બનાવવાની. દુનિયાના તમામ ધર્મોની સારી વાતો કરીને, ભારતીય સંસ્કૃતિની, માનવીય મૂલ્યોની. ઇતિહાસ સાથે સામ્પ્રત પ્રશ્નો સાંકળી સાચી સમજ સુધી એમને લઈ જવા હું મથતી રહું છું. સાંકડા વર્તુળમાંથી બહાર કાઢવા, એમને નર્યા માણસ બનાવવા હું હાંફી જાઉં ત્યાં સુધી મથ્યા કરું છું. આ બધી વાતો વર્ગમાં, લોબીમાં અને સમય મળ્યે સાંજે પણ થતી રહે છે. પરીક્ષાલક્ષી તૈયારીમાં જ જેને રસ હોય એવા વિદ્યાર્થીને તો મહિનામાં સંતોષી શકાય. પણ હું માનું છું કે શિક્ષકે વ્યક્તિત્વ ઘડતર કરવાનું હોય છે. હા. મારા ગુરુ જેવા ટકોરાબંધ વિદ્યાર્થીઓ હજી હું નથી ઘડી શકી; પણ મારી સફર હજી જારી છે ને હું હજી થાકી નથી. જ્યાં સુધી એકાદ ઝીલનાર પણ હશે ત્યાં સુધી હું આમ જ ઠલવાતી રહીશ.

હજી તો બીજાં એક સો વર્ષની જરૂર પડે એટલું વાંચવાનું બાકી છે, થોડું લખવાનું બાકી. હા. શરીરની પીડાઓ વધતી જ જાય છે. પણ સાવ નાનેથી એક વાત મનમાં ઘર કરી ગયેલી કે ‘રસ્તામાં રોડાં આવે તો ઝરણું વહેણ બદલે, ફંટાય; પણ વહેતું બંધ ન થઈ જાય. મારું પણ કંઈક એવું જ છે. અનેક અવરોધો આવ્યા, વહેણ ફંટાયું જરૂર; પણ જિન્દગીમાં આગળ વધવાની ગતિ અવરોધાઈ નહીં. મને ખાતરી છે કે આગળ વધવા માગનારાને દુનિયાની કોઈ તાકાત રોકતી નથી.

[એમના પુસ્તક ‘સંબંધોનું આકાશ’ (પ્રકાશક : ‘ગુર્જર પ્રકાશન’ : ઉલ્લાસભાઈ મનુભાઈ શાહ, 202–તીલકરાજ, પંચવટી, પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ–380 006, ફોન : 079-2656 4279, ત્રીજી સંવર્ધિત આવૃત્તિ : 2015; પાનસંખ્યા : 94+10; મૂલ્ય : 100 રૂપિયા) પુસ્તકમાંનો આ સોળમો લેખ, સાભાર.]

સર્જક સમ્પર્ક :

(Professor and Head of Gujarati Department, Veer Narmad South Gujarat University, Surat -395 007)

Resi.dence – B-402, Vaikunth Park, B/H Bejanwala Complex, Cause-Way Road, Tadwadi, Surat-395 009

eMail : skvijaliwala@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 423 –March 31, 2019

Loading

28 March 2019 admin
← એક ક્રાંતિકારી અને સંવેદનશીલ ગીતકાર શૈલેન્દ્ર
Swami Aseemanand Acquitted! →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved