
રમેશ ઓઝા
૨૦૧૪ સુધી એવી એક વણલખી પરિપાટી હતી કે દેશની ઘરઆંગણેની રાજકીય બાબતોની વાત વિદેશમાં નહીં કરવાની. તમારે તમારા વડા પ્રધાનની વિદેશની ભૂમિ ઉપર પ્રસંશા કરવી હોય તો કરો અને ન કરવી હોય તો ન કરો, ટીકા નહીં કરવાની. બીજી બાજુ વડા પ્રધાન કે શાસક પક્ષનો કોઈ પણ નેતા વિદેશની ભૂમિ ઉપર એમ નહોતો કહેતો કે વિરોધ પક્ષો મને કામ કરવા નથી દેતા કે વિરોધ પક્ષોનો ઇતિહાસ ભૂંડો છે. બીજી પરંપરા એ હતી કે વિદેશનીતિ વિષે વિદેશની ભૂમિ પર જઇને રાષ્ટ્રીય સંમતિ બતાવવાની, મતભેદ પ્રગટ નહીં કરવાના. એ સંયુક્ત રાષ્ટ્રસંસ્થા હોય કે બીજું કોઈ પણ પ્લેટફોર્મ હોય દરેક પક્ષના લોકો એક અવાજમાં વાત કરે. એ મંચ પર ભારતનું પ્રતિનિધિમંડળ ગયું હોય તો એ બધા જ પક્ષોનું બનેલું હોય. ઘણીવાર તો તેની અધ્યક્ષતા વિરોધ પક્ષનો નેતા કરે જે રીતે પી.વી. નરસિંહ રાવના સમયમાં યુનોની માનવ અધિકાર સમિતિમાં પાકિસ્તાને કરેલી ફરિયાદ વિષે ભારત વતી રજૂઆત કરવા જે પ્રતિનિધિ મંડળ ગયું હતું તેનું નેતૃત્વ અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું અને એ સમયના વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ તેના એક સભ્ય માત્ર હતા.
અને એવું પણ બન્યું છે કે ભારતના કોઈ રાજકીય નેતાને વૈદકીય સારવારની જરૂર હોય તો તેને અમેરિકા કે એવા પ્રગતિશીલ દેશમાં જનારા સત્તાવાર પ્રતિનિધિ મંડળનો સભ્ય બનાવવામાં આવે અને એ રીતે સરકારી ખર્ચે ઈલાજ કરાવી આપવામાં આવે. ૧૯૮૬માં રાજીવ ગાંધીએ અટલ બિહારી વાજપેયીને આ રીતે અમેરિકા મોકલ્યા હતા અને કહ્યું હતું કે “વાજપેયીજી મુઝે માલુમ હૈ કિ આપ કો કિડની કી સમસ્યા હૈ. આપ અમેરિકા જાકે પૂરી તરહ ઈલાજ કરવાકે હી લૌટેંગે. એ સમયે ભા.જ.પ.ની લોકસભામાં માત્ર બે બેઠકો હતી. કેટલી? માત્ર બે અને અટલ બિહારી વાજપેયી પોતે ચૂંટણી હારી ગયા હતા. બીજી બાજુ કાઁગ્રેસની લોકસભામાં ૪૧૪ બેઠકો હતી.
પણ આ બધી ૨૦૧૪ પહેલાંની વાતો છે. ગર્વ લેવા જેવી લાગતી હોય તો ગર્વ લો. એનો અર્થ એવો નથી કે રાજકીય નેતાઓ એકબીજાની ટીકા નહોતા કરતા. વિદેશી અખબારો કે સમાયિકોમાં મુલાકાત આપતી વખતે કરતા પણ ખરા, પરંતુ મુખ્યત્વે આર્થિક બાબતો વિષે. ભારતે જમણેરી આર્થિક નીતિ અપનાવવી જોઈએ અને કર્તૃત્વવાન ભારતીય સાહસિકોને સરકારી નિયંત્રણોથી મુક્ત સાહસ કરવાની તક આપવી જોઈએ એમ સી. રાજગોપાલાચારીએ અનેક વાર કહ્યું છે. એ જ રીતે ડાબેરી નેતાઓ સમાજવાદની વકીલાત કરતા અને વર્તમાન સરકાર ઉદ્યોગપતિઓ તરફી છે એવી ટીકા પણ કરતા. ભારતના મૂડીવાદી, સામ્યવાદી અને સમાજવાદી નેતાઓ જે તે ફોરમમાં ભાગ લેવા વિદેશ પણ જતા અને પોતાનાં દૃષ્ટિકોણ રજૂ કરતા. પરંતુ તેઓ ક્યારે ય વિદેશની ભૂમિ પર કે વિદેશી અખબારોમાં ભારતની વિદેશનીતિની ટીકા નહોતા કરતા. અંગત ટીકાનો તો સવાલ જ નથી. આ વણલખી પરંપરા હતી અને તેનું પાલન કરવામાં આવતું હતું.
આનો અર્થ એવો પણ નથી કે ભારતમાં શું બની રહ્યું છે એની જગતને જાણ નહોતી. બધાને બધી જ ખબર હોય છે. ભારતના વિદેશ મંત્રાલયમાં લગભગ સોએક જેટલાં ડેસ્ક છે. કોઈ ભારત માટે મહત્ત્વનો દેશ હોય તો એ દેશ માટે અલાયદું ડેસ્ક. આ સિવાય નાટો દેશો માટેનું ડેસ્ક, યુરોપિયન યુનિયન માટેનું ડેસ્ક, પેસિફિક દેશો માટેનું ડેસ્ક, મુસ્લિમ દેશો માટેનું ડેસ્ક વગેરે વગરે. એમાં જે લોકો હોય છે એ લોકો જે તે દેશ કે પ્રખંડના જાણકાર હોય અને વર્ષો સુધી તેનો હવાલો સંભાળતા હોવાને કારણે નિષ્ણાત બની ગયા હોય. તેમની પાસે જગતના દેશોની એટલી ઝીણામાં ઝીણી જાણકારી હોય છે જેટલી એ દેશના પત્રકાર પાસે ન હોય. અને જગતના દરેક મહત્ત્વના દેશો પોતપોતાના વિદેશ મંત્રાલયમાં આવા ડેસ્ક રાખતા હોય છે. માટે બધા દેશોને બધી જ ખબર હોય છે કે ક્યાં શું બની રહ્યું છે અને કયા દેશનો શાસક કેવો છે. પરંતુ રાજકીય નેતાઓ ખાનદાની જાળવતા.
૨૦૧૪ પછીથી આ પરંપરા તૂટી અને એ પરંપરા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તોડી. લગભગ પંદર કરતાં વધુ વખત વિદેશની ભૂમિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરુની, કાઁગ્રેસની સરકારોની, કાઁગ્રેસ પક્ષની, આગલી તમામ સરકારોની ટીકા કરી છે. વડા પ્રધાને પરંપરા તોડી એટલે હવે બીજા નેતાઓ પરંપરા તોડવા લાગ્યા છે. મુખ્યત્વે રાહુલ ગાંધી ટીકા કરી રહ્યા છે.
પણ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવતી ટીકામાં અને નરેન્દ્ર મોદી દ્વારા વિદેશમાં કરવામાં આવતી ટીકામાં એક ફરક છે. નરેન્દ્ર મોદી તેમના પુરોગામીઓને અક્ષમ, દૃષ્ટિહીન, નિર્ણયશક્તિનો અભાવ ધરાવનારા, અંગત એજન્ડા ધરાવનારા શાસકો તરીકે ઓળખાવે છે અને એ દ્વારા તેઓ એમ કહેવા માગે છે કે ભારતને પહેલીવાર જેવો નેતા મળવો જોઈએ એવો નેતા મળ્યો છે. રાહુલ ગાંધી તેમનાથી ઊલટું નરેન્દ્ર મોદીના શાસનની ટીકા નથી કરતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિંદુ રાષ્ટ્ર વિશેની વિચારધારા, એ વિચારધારાને વરેલા હિંદુ શાસકોની શાસનશૈલી, સહિયારા સેક્યુલર લોકતાંત્રિક ભારતનો નકાર અને સત્તાનો દુરુપયોગ કરીને તેને કમજોર કરવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિની ટીકા કરે છે. તેઓ કહે છે કે ઉપનિષદો, બુદ્ધ અને ગાંધીનો ભારત દેશ, જેને બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે અને વિશ્વદેશો અનેક રાષ્ટ્રો એક રાષ્ટ્રમાં કઈ રીતે સાથે જીવી શકે એમ કહીને સહઅસ્તિત્વની મિસાલ આપતા રહ્યા એ ભારત પર સંકટ છે. ભા.જ.પ. સહિત આખો સંઘપરિવાર સમસમી ગયો છે એ આ કારણે.
તેઓ શું એમ માને છે કે તેમની હિંદુ રાષ્ટ્રની કલ્પનાથી જગત અપરિચિત છે? આગળ કહ્યું એમ જગતને બધી જ ખબર છે. ‘ઈકોનોમિસ્ટ’ નામના સામયિકે દસ વરસમાં ત્રણ વખત નરેન્દ્ર મોદી વિષે કવર સ્ટોરી કરી છે અને ત્રણેય સ્ટોરીમાં તેમને એ જ રીતે ઓળખાવવામાં આવ્યા છે જે રીતે આપણે તેમને ઓળખીએ છીએ. આવું જ જગતના તમામ અખબારો અને સામયિકોનું. વિદેશના કોઈ સામયિકે નરેન્દ્ર મોદીને ગરીબો માટે લાગણી ધરાવનારા, મૂલ્યનિષ્ઠ વિકાસલક્ષી શાસક તરીકે ઓળખાવ્યા હોય એવું એક ઉદાહરણ બતાવો. જગતના લોકશાહી દેશોના શાસકો આડકતરી રીતે સંભળાવીને જાય છે. લોકશાહી, માનવઅધિકારો અને અંગત સ્વાતંત્ર્યની વકીલાત કરતાં જગતનાં અનેક ફોરમોમાં ભારતનાં શાસકોની ટીકા કરવામાં આવે છે અને વિવિધ રેટિંગમાં ભારતની સાખ નીચે નીચે ગઈ છે.
કોણ નથી જાણતું આ બધું? પણ ભારતનો વિરોધ પક્ષનો નેતા વિદેશમાં જઇને જો એ જ વાત કહે તો તેમાં દેશદ્રોહ નજરે પડે છે.
પ્રામાણિકતાનો તકાજો એ છે કે જો તમે હિંદુ રાષ્ટ્રમાં માનતા હો અને બંધારણમાં કલ્પવામાં આવેલું ભારતીય રાષ્ટ્ર સ્વીકાર્ય ન હોય તો કહો ને કે અમારી ભારતીય રાષ્ટ્રની વિભાવના અલગ છે. ઘર આંગણે તો હિંદુ રાષ્ટ્રની વાત કરો જ છો ને! જે ઈચ્છો છો એ કહી બતાવો. એક વાર કહી બતાવશો એ પછી કોઈ રાહુલ ગાંધી ટીકા નહીં કરી શકે. વધુમાં વધુ પ્રતિવાદ કરશે કે તેમની કલ્પનાનું ભારત રાષ્ટ્ર અમને સ્વીકાર્ય નથી, પણ એમ નહીં કહે કે તેઓ કહે છે એક અને કરે છે જુદું. આવું કહેવા માટેનો મોકો સંઘપરિવાર પોતે હિંદુરાષ્ટ્રની રૂપરેખા નહીં આપીને અને જગતમાં તેને છૂપાવીને આપે છે. જો કલ્પના સ્પષ્ટ કરશો તો જગત પણ ચર્ચા કરશે કે બહુમતી રાષ્ટ્રવાદ નરવો અને નિર્દોષ કઈ રીતે હોઈ શકે એ સમજવાનો ભારતનાં હિન્દુત્વવાદી નેતાઓ પાસેથી પ્રયાસ કરીએ. તેઓ કદાચ બે મહત્ત્વની સલાહ પણ આપી શકે. નરવો અને નિર્દોષ બહુમતી રાષ્ટ્રવાદ વધારે સ્ફુટ થશે. એવું પણ બને કે ભારતના હિન્દુત્વવાદી નેતાઓ જગત માટે પથદર્શક બને. આમ પણ વિશ્વગુરુ તો આપણે છીએ જ! બોલો તો વિમર્શ થાય, બોલો તો કલ્પના વધારે સમૃદ્ધ થાય, બોલો તો કોઈ રાહુલ ગાંધીની મજાલ નથી કે મટકી પર કાંકરી મારે, માટે બોલો.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 22 સપ્ટેમ્બર 2024