આમાં કોઈનાથી કંઈ બોલાય નહીં. ભ’ઈ! કમાયા છે તો ખરચે. બે લાખની કંકોતરી આપે, કે પાંચ લાખની, ઉપરથી તારાનો ભૂકો કરીને નવદંપતી પર વરસાવે કે સૂર્યને મંચ પાછળ ટાંગે, આપણો શો વાંધો હોય, ભલા? મોટેરાંઓને ઘેર લગન, તે તો ભવતારણ, અને પીડાઉગારણ. આપણે એમાં કોઈ વાંધોવચકો નહીં. લગનમાં કોણ નાચ્યાં, કેવા ફેંટા પહેર્યા, કોણ પરી જેવું લાગ્યું ને કોણ રાજા જેવું, આપણે કબૂલમંજૂર, ગાંધીની દોઢસો વરસની જે ઉજવણી હોય તે, આપણે તો સાચાં મોતીની ચટણીનાં પિરસણ, ત્યાં લગનમાં હતાં, એ જ કથા ને ત્યાં કોણ-કોણ હતાં, દેવાધિદેવ ઇન્દ્ર? સાક્ષાત્? ના હોય!
– પણ અખબારનું એક પાનું આ ગુલાબી ફેંટાઓને નામે અને લાલ જાજમોને નામે લખી આપે મીડિયાવાળા, ત્યારે તો એનો ડૂચો વાળીને કચરાપેટીમાં પધરાવવાનું જ દિલ થાય. આ નવી ખુશામતિયા જમાતને નથી દેખાતું નવયુવાન, ડિગ્રીધારી બેકારોનું દુઃખ, નથી એમની આંખે દેખાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પસાર કરી નોકરીની લાંબા સમયથી વાટ જોતા નવલોહિયાઓની તરફડતી ચિંતા, દિલ્હીમાં વિરોધપ્રદર્શનો કરતો, આખા દેશમાંથી એકઠો થયેલો જનસમુદાય, પેલા રૂપાળાઓની સ્પર્ધામાં નોંધપાત્ર ન ગણાય, એમની તસવીર ન છપાય, સ્થળસંકોચ ખરોને? દેશની જીવલેણ સમસ્યાઓની વાત સમાચાર ન ગણાય, એને માટે તમે ગણ્યાંગાંઠ્યાં અખબારો કે વિચારપત્રો પાસે જાવ, ધંધાદારી છાપાં તો જંકફૂડની બારીઓ પર મળતું ચટાકેદાર જ ધરવાનાં.
– પછી સર્જાય સ્પર્ધા. પેલા અબજોપતિ, તો આપણે કંઈ લાખોપતિ નથી શું ? લગ્નના ઠાઠ એમને ત્યાં, તો આપણો લાખેણો કંઈ નાખી દેવાનો છે ? કરો ઠઠારા આપણે ય તે, ખરચો સજાવટ પાછળ, અને મંચ પર ભજવાતાં નાટકો પાછળ, પચાસ હજારનાં કપડાં ને પચાસ હજારનાં ઘરેણાં, દેખાડો કરવામાં પાછાં પડીએ તો નાક નાનું થઈ જાય! લગ્નની ઋતુમાં આખો સમાજ ચેપીરોગથી પીડાતો હોય એવું, ને જે નરવાં રહી શક્યાં હોય તેની સામે રોગગ્રસ્તો સૂગથી જુએ, છેક આવાં? તમને તો કશો ઉમંગ જ નથી, યાર, મઝા કરોને શુભમંગલમાં, ખાવ, પીઓ, ઝાપટો મિષ્ટાન્ન બરાબર! બગાડ? એમાં વળી બગાડ કેવો? ગરીબો? ક્યાં છે ગરીબો? વધે તે વહેંચીશું એમને, બસ? પછી કોઈ વાંધો? પૈસા ખરચનાર પાસે અને જલસામાં સામેલ થનાર પાસે બધા જવાબો અને સ્પષ્ટતાઓ.
વળી આ વૈભવ, અથવા ખૂની ભભકાઓની પ્રશસ્તિ માટે છાપાળવી ભાષા નોંધી છે તમે ? અમુકતમુક પ્રકારનાં (અહીં વસ્ત્રોનું વર્ણન) કપડાં અને મોજડીમાં એ શોભતાં હતાં (નારીનર બંને). તાકાત છે કોઈની કે એમ લખે કે નહોતાં શોભતાં! એમના ચહેરા પર ખુશી ઝળકતી હતી, એયે લખવું પડે! છાપું ખરીદનારે આ બધી માહિતી માટે ચાર કે પાંચ રૂપિયા ખર્ચ્યા હશે? ફૂલો કયા રંગના વાપર્યાં, ગણેશની પ્રતિમા સામે ચાંદીનું નાળિયેર ગોઠવ્યું કે સોનાનું, વરકન્યાએ કયું અને મહેમાનોએ કયું પરફ્યુમ વાપર્યું, મહેંદી મૂકવા કોણ આવેલું અને બ્યુટીપાર્લર કયું, આ બધી વિગતો કેમ રહી ગઈ? ખબરપત્રીઓ પહોંચી ન વળ્યા? દેશના ધનપતિઓ સંપત્તિના ઉપયોગ અને પ્રદર્શન માટે સ્વતંત્ર છે, વાઘનું તો મોં ગંધાય એમ ન બોલાય. શિસ્ત તો માધ્યમો દ્વારા પળાવી જોઈએ, માત્ર શિસ્ત નહીં, જેને શુદ્ધ વિવેક કહેવાય છે, એ જાળવવાનું કામ સમૂહ- માધ્યમોનું અને જેની પહોંચ વ્યાપક છે એવાં અખબારોનું. આવકની અત્યંત અસમાન વહેંચણીવાળા આ દેશમાં કે જ્યાં કામ કરવા જે તૈયાર છે તે સહુને પણ કામ નથી મળતું. એવી લાચાર સ્થિતિમાં જીવન પસાર થઈ રહ્યું છે, અને આ હકીકત હવે સહુ જાણે છે, ત્યારે સંપત્તિનાં આવાં વરવાં પ્રદર્શનોના પ્રસાર-પ્રચાર શા માટે? સાદાઈ અને કરકસર તો આજે લગભગ દુર્ગુણ ગણાવા લાગ્યા છે ત્યારે સંપન્નોને કશી સલાહ નથી આપવાની એમણે શું કરવું જોઈએ, તે એમના પર છોડીએ, પણ આ ઠાઠમાઠની કથાઓ બહેલાવવી અને મમળાવવી અને સામાન્ય પ્રજાને માથે મારી એમને જંકફૂડની આદત પાડવી, જેમને પડી ગઈ હોય, એમની આદત મજબૂત બનાવવી અને સંયમની મજાક ઉડાવી, વેડફાટનું ગૌરવ કરવું, શેને માટે? નીરવ મોદીના ખંડેરની કણી મળી ખરી? ગ્લેમર – સત્તા અને સંપત્તિ સાથે જોડાયેલા જ છે, એને માથે લઈને નાચવાનું નહીં જ અટકે આ દેશમાં?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 15