Opinion Magazine
Number of visits: 9448741
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જો કેવું રૂપાળું અંધારું છે!

રમજાન હસણિયા|Opinion - Literature|28 April 2022

(લલિત નિબંધ) 

[લોકડાઉન દરિમયાન, 'આપણું આંગણું' બ્લોગ દ્વારા, ત્રણ દિવસીય ઓનલાઈન નિબંધ લેખન શિબિર સ્નેહી કવિ હિતેનભાઈ આનંદપરાએ ગોઠવેલી. એમાં તજ્જ્ઞ હતા ડૉ. મણિલાલ હ. પટેલ. એમણે જે રીતે તાલીમ આપી ને પાણી ચઢાવ્યું કે મને થયું કે હુયે નિબંધ લખી શકું. લખ્યું. હિતેનભાઈએ આજે એને ‘આપણું આંગણું’ના બ્લોગ પર મૂક્યું, ત્યારે બહુ જ રાજી થયો. — રમજાન હસણિયા]

•••

અંધારાને તે કંઈ આકાર હોતાં હશે? ના રે ના! એ તો આપણી અંદર સળવળતાં ભયનાં નિત નવાં મહોરાં પહેરીને આવે છે આપણી સામે.

નાનો હતો ત્યારે તો અંધારું દીઠું ય ન ગમતું ને તોયે એ રોજ રાતે ચાલાક શત્રુની જેમ કોણ જાણે ક્યાંથી આવી ચડતું ને મારી બાલ પરીસૃષ્ટિમાં આસુરી સામ્રાજ્ય ફેલાવી દેતું. ગામના છેડે ને કબ્રસ્તાનની સાવ સામે જ આવેલું અમારું એ સમયનું ઘર, એટલે જ્યાં દિવસે પણ બીક લાગતી હોય ત્યાં રાતે શું હાલત થાય એ તો અનુભવે જ સમજાય.

વીજળી વિહોણા બે ઓરડામાં નાનકડા ગાડામાં સમાઈ જાય એટલા અસબાબથી દિવસે ખાલીખમ લાગતું ઘર રાતે અંધારાથી છલોછલ ભરાઈ જતું. દવા પીવાઈ ગયા પછી ખાલી થયેલી કાચની શીશીમાં કેરોસીન ભરીને બનાવેલી ચીમની તો નાનકડા સિપાહી જેવી, એનું તે કેટલું જોર! કે આવડા મોટા યોદ્ધા સામે ટકી શકે? સાવ ઝાંખા પીળાં ભયથી ધ્રુજતા પ્રકાશમાં જ્યાં અડો ત્યાં અંધારું વીંછીની જેમ ડંખી જવા દોડી આવતું.

આવું ઘર શિયાળામાં દિનદુઃખિયાને આશરો આપતા કોઈ દયાળુ પાદરી જેવું તો ઉનાળામાં એ જ ઘર ફિલ્મોમાં આવતા ને બાળકો સહિત કોઈ અબળાને ઘરની બા’ર કાઢી મુકતા દયાહીન મકાન માલિક જેવું લાગતું. તો વળી, ચોમાસામાં એ અડધા દિવસ સાધુ તો અડધા દિવસ શેતાનની જેમ વર્તતું, સામાન્ય માણસની જેમ.

ઉનાળાના દિવસોમાં ઘરમાં સૂઈએ તો ગરમી ને મચ્છર બે ય ભેગાં થઈને ભાગીદારીમાં ત્રાસ આપવાની સર્વિસ ચાલુ કરી દેતાં, એટલે નાછૂટકે બહાર શેરીમાં જ સૂવું પડતું. કતારબંધ છ ખાટલા શેરીના છેડે આવેલા ઘરની બહાર અડોઅડ મુક્યા હોય, એક છેડે બાપા સુએ ને બીજે છેડે ક્યારેક મા તો ક્યારેક મોટીબે’ન સુએ બહાદુર પહેરેગીરની જેમ, ને વચ્ચે અમે ચાર ભાઈ-ભાંડું.

બે ભાઈ-બહેનની વચ્ચે સુતેલી મા માટે રોજ રાતે મીઠી તકરાર ચાલે. ‘મા, તું મારી બાજુ મોં કરીને સુને !’ એવું મોટીબે’નને બાદ કરતાં અમે ત્રણેય ભાંડરું જીદ કરીને કહીએ. મા એક ને અમે ત્રણ, એટલે ક્યારેક તો એકલા સુવાનું આવે જ. એવી રાતે બાજુના ખાટલામાં જ બે’ન સાથે સુતેલી મા પણ જોજનો દૂર લાગતી.

માને બાથ ભરીને સુવા મળે ત્યારે તો અંધારું સામે જ ઊભું હોય તોયે સિંહથીયે ભડવીર એવી માની ઓથમાં બીજાની શેરીમાં આવી ચડેલા ગલુડિયાની જેમ ઊંકાંટા કરતું માના ભયથી ધ્રુજતું અંધારું કાંઈ કરી શકતું નહિ. પણ ફિલ્મોમાં જેમ હીરોનું બાળક જરીક એકલું પડે કે તરત વિલન એને દબોચી લઈ બાજી પોતાના હાથમાં લઈ લે તેમ મા બે’નને સુવડાવવા એનાં ખાટલા પર જાય કે તરત જ લાગ જોઈને અંધારું તૂટી પડતું મારા ઉપર.

દૂર સુધી લંબાતી ઊભી શેરીમાં ઓનાઈ કરતાં (રોવા જેવો અવાજ કરતાં) કૂતરાં જાણે અંધારાના વિજયનો શંખનાદ કરતાં હોય તેવાં લાગતાં. ઘરની સામેના વાડામાં આવેલું દિવસે દેવદૂત જેવું લાગતું લીમડાનું ઝાડ રાતે અંધારામાં કોઈ હજાર હાથવાળા અસુર જેવું લાગતું,

શાળામાં કિરીટસાહેબે સફારી મેગેઝીનમાં આવેલી આફ્રિકાના નરભક્ષી ઝાડની વાત કરેલી તે યાદ આવી જતી ને મનમાં ધ્રાસકો પડતો કે આ લીમડો પે’લા માણસખાઉ ઝાડમાં તો નહિ ફેરવાઈ જાય ને? ત્યાં અચાનક બાજુના ખાટલા પર સુતેલી માનો હાથ લંબાતો મારા હાથને અડતો ને એ સ્પર્શ મારું સુરક્ષા કવચ બની જઈ મને નિર્ભય કરી દેતું! આજે પણ જીવન ક્યારેક ભયાવહ રૂપ લઈ બીવડાવે ત્યારે માના ખોળામાં માથું મૂકી સુઈ જાઉં છું ને જીવનભર અમારાં તડકાને પોતાના માથે ઓઢી લેનારી મા એ  ક્ષણે પણ મારી બધી જ વ્યથાઓને ઓગળી દે છે એનાં પ્રેમાળ સ્પર્શથી …

ખબર નહિ કેમ પણ હવે એ ભયાવહ લાગતું અંધારું ગમવા માંડ્યું છે. સતત સાથે રહેતા પ્રભાવશાળી શત્રુની સાથે પ્રેમ થઈ જાય તેમ હું એનાં સ્નેહનાં કાચા તાંતણે ધીરે ધીરે બંધાતો જાઉં છું. ભાઈબંધ જાણીને એ પણ હવે પોતાનાં વિકરાળ રૂપનો અંચળો ઊતારી જાણે મારી સાથે સૌમ્ય સ્વરૂપે આવીને ઊભું રહી જાય છે ને મને તાણી જાય છે એનાં શ્યામલ સૌન્દર્યલોકમાં.

કાનુડાની જેમ આ અંધાર પણ કાળો ને છતાં કામણગારો લાગી રહ્યો છે મને. પ્રહ્લાદ પારેખને લાગતો તેવો ક્યારેક ખૂશ્બોભર્યો પણ લાગે છે. તો વળી, ક્યારેક ચોતરફ અંધારાથી વીંટળાઈ વળું ત્યારે તો એમ થાય કે જાણે શામળો જ અરૂપ બનીને મને આલિંગન ન આપી રહ્યો હોય! આહા! કેવો સુંવાળો સ્પર્શ! આ અંધારું આપ્તજન બનીને ભેટી પડે છે તો ક્યારેક તો એ જ અંધારું મિલનવેળાએ હરી લે છે બે પ્રિયજનોની આંખોના સંકોચને. અંધારું ઓગાળી દે છે એમને એકબીજાના અસ્તિત્વમાં.

આ અંધારું મારી સ્મૃતિમાં જાણે જીવતું દટાયેલું પડ્યું છે. જાણે કોઈ પીર-ફકીરે જીવંત સમાધિ લીધી હોય ને એનાં કોઈ ભગતને ભીડ પડે એની મદદે દોડી આવે તેમ અંધારું મારી કોઈ નાજુક ક્ષણે આવી ચડે છે ઘોડે ચડીને. જે ક્યારેક ડરાવતું તે આજે પ્રિયજનની જેમ પડખે આવી ઊભું રહે છે ત્યારે થાય છે કે એ કે એ જેસલની જેમ ચોરટામાંથી પીર થયું છે કે પછી એ તો એનું એ જ છે પણ મારી આંખોનો મોતિયો ઉતર્યો છે!

ક્યારેક મને થાય કે રાત આખી આકાશ ભરીને વિસ્તરેલું અંધારું સવાર પડે ને ક્યાં સંતાઈ જતું હશે ! આટલાં મોટાં અંધકાર ને છુપાવવા જગ્યા પણ તો મોટી જોઈએ ને! કે પછી એ પણ જ્ઞાનેશ્વરના ઈશ્વર જેવો છે આવડો મોટો ને આટલા નાનકડા હૃદયમાં સમાઈ જાય એવો? લાગે તો કંઈક એવું જ છે.

આમ થોડા મોટા મનનું પણ ખરું આ અંધારું!  સૂરજ તો ઠીક પણ  નાનકડી દીવડી આવે તોયે આ ઉદાર સાધુજન તરત ખસી જઈને જગ્યા કરી આપે. બધી જ વેળા હું હું કરતું ઊભું ન હોય એ અતિ હોંશીલા નેતાની જેમ! ખસી જવાની કળા તો કોઈ અંધારા પાસેથી શીખે!

કોઈ દિવસ મારી એકલતાની ઓથમાં અગાસીએ બેઠો હોઉં ત્યારે આ અંધારું વસ્તી કરાવવા હાજર થઈ જાય પોતાની અવનવી વાતો લઈને. તમરાંને કહીને આવે કે અમે બે અમારું ગીત ગાઈએ ત્યારે તું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગાડજે પાછો… થોડી સૂચના પવનને પણ આપી દીધી હોય કે લાગે કે વાત કંઈક થોડી વધુ ગંભીર બની રહી છે, ને ભાઈ ઉદાસ થઈ રહ્યા છે, તો જરા લ્હેરખી રૂપે આવી જઈ એ વાર્તાનું પાનું ફેરવી જજે.. ને બને પણ કંઈક એવું જ.

થોડે દૂર આશ્રમમાં વાયક ચાલતી હોય ને ભજનના શબ્દો નહિ કેવળ સૂર સંભળાતાં હોય. મન એ અગમ્ય સૂરમાં તણાઈ જાય ને અંધારું હનુમાનની જેમ ઊંચકીને મને રાવણની આસુરી નગરીમાંથી આનંદના રામલોકમાં લઈ જાય ! હવે શબ્દો સંભળાતાં થાય … ’હે જી એને આઠે પહોર આનંદ રે …’ હું હાથમાં મંજીરા લઈ ડોલવા લાગું ને ડોલી ઊઠે અંદર બેઠેલું મારું અસ્તિત્વ.

આ બધું ચાલે ત્યાં સુધી અંધારું આશ્રમની વાડની પાછળ છુપાઈને ઊભું હોય, મને પાછું મારા ગંતવ્ય સુધી પહોંચાડવા. એને અંદર આવવાની રજા ન હોય, નહિતર એને ય મન તો ઘણું હોય પોતાના કાળાં મસ સ્વરૂપને ધોઈને ઊજળાં થવાનું! હું આશ્રમની બહાર પગ મુકું કે પાછો હાજર થઈ જાય મારો એ દૃશ્ય-અદૃશ્ય સાથી.

મધરાતના સૂનકાર વચ્ચે મારો હાથ પકડીને મોટેરાની જેમ કાળજીપૂર્વક એ મને ઘર સુધી મૂકી જાય. ઓસરીમાં પહોંચતાં એક નાનકડું બટન દબાવું ત્યાં તો વેતાલની જેમ હસતો હસતો ક્ષણમાં જ અદૃશ્ય થઈ જાય. ક્યાં ગયું અચાનક એવું વિચારી દૂર સુધી દેખાતાં રસ્તા પર નજર કરું તો હાથ ઊંચો કરી આવજો .. આવજો .. કરતું અંધારું સરકતું જતું ભાળું મહા અંધકારમાં .. તેજમાં તેજ સમાઈ જાય તેમ અંધારમાં અંધાર ભળી જાય !

તો વળી ક્યારેક અચાનક જ દૈવીશક્તિની જેમ અંદર ધરબાયેલો હિમાલયનો એના જેવો જ વિશાળ અંધકાર ચુંબકથી ખેંચીને મને મનાલી પાસે આવેલી કોઠી કેમ્પસાઈટ પર લઈ જાય છે. એ મારો પહેલો હિમાલય પ્રવાસ હતો. દિવસે આંખો ભરી ભરીને હિમાલયને જોતાં ન ધરાઉં તે વળી રાતે એનાં કાળા મેષ રૂપને પણ આંખે આંજી લઉં. બધાં સ્લીપિંગ બેગમાં ગરકાવ થઈ જાય તે વેળાએ પણ મારું મન ફરીફરી પરણોત્સુક કુમારિકાની જેમ બહાર ડોકિયું કરી રાતે અંધારામાં શોભતાં એનાં ટૉલ, બ્લેક એન્ડ હેન્ડસમ પ્રિયતમ હિમાલયને જોઈને રોમાંચિત થઈ જતું!

એક રાતે મારે એ કેમ્પના આયોજકનાં ટેન્ટમાં સુવાનું હતું. સાવ નાનકડા ને છતાં અંધારાથી છલોછલ ભરેલા એ તંબુમાં સૂતી વેળાએ થયેલું જાણે આખી પૃથ્વી પર અમે બે ને ત્રીજું કેવળ અંધારું જ ન હોય! તેમાં વળી સાહેબનો આદેશ થયો, ‘ચાલ, મારી સાથે તને કંઈક ખાસ દેખાડું.’

મને થયું કે આવી કાળી ડિબાંગ રાત્રિએ તે વળી શું દેખાડશે ? પણ એ બધા પ્રશ્નો ત્યાં જ ખંખેરી એમનો હાથ પકડી હું અંધારામાં ચાલતો થયો. ડુંગર પર ધામા નાખ્યાં’તા એટલે બહુ જ સાંભળીને ચાલવું પડે. આયોજક સાહેબે ટોર્ચ સાથે લીધેલી હશે કદાચ પણ વાપરેલી નહિ તે બરાબર યાદ છે. હું તો એમનો હાથ પકડી ભગવાનની જેમ વિશ્વાસ મૂકી અંધારાની અદૃશ્ય દીવાલોને બાલવીરની જેમ જાદુઈ રીતે પાર કરતો આગળ વધી રહ્યો હતો.

ધીરેધીરે ડગ સ્થિર થયાં ને આદેશ થયો કે, ‘અહીં ભોંય પર લંબાવી દે ..’ નીચે બરફની પાટ જેવી ઠંડી ભોંય ને ઉપર અંધારભર્યું આકાશ! ને પછી એ સાહેબ ધીમેથી બોલ્યાં, ‘જો કેવું રૂપાળું અંધારું છે! હું તને એ જ બતાવવા લઈ આવેલો.’

કેટલાં ય સાધુઓના અંતરમાં અજવાળાં પાથરનાર હિમાલયની ગોદમાં સૂતે સૂતે હું એનાં અંધારનું નશીલું પીણું પી રહ્યો હતો. થોડી દૂર આવેલાં જોગિની ધોધનો એકધારો અવાજ અંધારાને જીવંત બનાવી રહ્યો હતો. દેવદારનાં વૃક્ષો ભાલો લઈને ઊભેલાં સિપાહી જેવાં લાગી રહ્યાં હતાં. અચાનક આવી જતાં પવનનાં સૂસવાટાના સ્પર્શે શરીર ધ્રુજી જતું ને કોઈનાં હૂંફાળા સ્પર્શની આશ કરી બેસતું. અત્યારે તો એ હૂંફ અંધારું જ આપવાનું હતું.

રાત જાણે પોતે જ ઊભી કરેલી ચુપકીદીમાં મંદ સ્વરે કશુંક મીઠું-મધુરું ગાઈ રહી હતી. એની ભાષા તો ન્હોતો જાણતો પણ ભાવને અનુભવવા કંઈ ભાષા આડે નથી આવતી.

ગંગાસતીની જેમ આ સાધ્વી રાત્રિ અંધારાની ઓથમાં અંતરનાં સૂર રેલાવી રહી હતી. ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ, અચાનક અંધારાં આવશે રે જી …’ વીજળીનાં ચમકારાની આશાએ ગવાતું એ નિઃશબ્દ ભજન હિમાલયની અંધાર રાત્રિના કંઠવિહોણા ગાને સાંભળેલું ને અંતરમાં અજવાળાં થઈ ગયેલાં!

આ બધું વાગોળવામાં સાંજ પડવા આવી છે. વળી, અંધારાના નવલા રૂપને જોઈ રહું છું. સૂર્યના સામ્રાજ્યને પરાસ્ત કરીને ધીરે ધીરે ગર્વિલા ડગ ભરતો અંધકાર પૃથ્વી પર ચોતરફ નજર કરે કે તરત જ પોતાના પ્રિય રાજવીનો જય જયકાર કરતાં એનાં અસંખ્ય સિપાહીરૂપી તારલાઓ હર્ષોલ્લાસ કરતાં ટમટમી ઊઠે છે. ચક્રવર્તી રાજા કરતાં પણ અદકેરું તિમિરનું સામ્રાજ્ય ફરી વળે છે ચોતરફ; એયને છેક બ્રહ્માંડ લગી.

દહીંના ચક્કા જેવું જામેલું કાળું ડિબાંગ ઘટ્ટ અંધારું મને સમગ્ર સૃષ્ટિથી અળગો કરી દઈ આંગળી પકડીને લઈ જાય છે ભીતરનાં અંધકાર ભણી.

હું જોઉં છું કે મારી અંદર પણ અંધારું બેઠું છે, અડ્ડો જમાવીને. યુગોથી માંયલાંમાં ઘર કરી ગયેલો આ અંધકાર મને હવે ગૂંગળાવે છે. અત્યાર સુધી એની તરફ કોણ જાણે કેમ ધ્યાન જ ન્હોતું ગયું, પણ ઝેરનું મારણ ઝેર બને તેમ બહારનું અંધારું મને ભીતર લઈ ગયું ને જાણે મને અંધારાને ઉલેચવાની વાત કાનમાં કરી ગયું.

અમે બે ય બહાર આવ્યાં ત્યારે થોડુંક અંતરનું અંધારું પણ પગમાં ધૂળ ચોંટી જાય એમ ચોંટીને બહાર આવી ગયેલું. એનાં બહાર આવતાં જે થોડીક જગ્યા થઈ તે જગ્યા સ્વયં પ્રકાશ બની ગઈ! જાણે ભીતર પ્રગટી નાનકડી દીવડી! કેવું કહેવાય નહિ! અંધારું જ મને અંધારું ઉલેચવાની કળા શીખવી ગયું!

April 27, 2022

https://aapnuaangnu.com/2022/04/27/andharu-essay-ramjan-hasaniya/?fbclid=IwAR1C0JEX6vaeh2hkPKadNBw7GcMQV6WmRPCbpQ7aoSHwsiQDH2QC433lfzo

Loading

28 April 2022 admin
← દીવાસ્વપ્ન
ગુજરાત ડ્રગ્સનું ગેટ-વે બન્યું છે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved