Opinion Magazine
Number of visits: 9446791
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝવેરચંદ મેઘાણી : જેમની પાંચ આખી કૃતિઓનું અંગ્રેજી થયું હોય એવા એકમાત્ર ગુજરાતી લેખક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|9 March 2018

ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિએ તેમના બે પુત્રોએ કરેલાં અનુવાદ-તર્પણની નોંધ લઈએ

જેમની પાંચ આખી કૃતિઓનું અંગ્રેજી થયું હોય એવા એક માત્ર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણી (1896-1947) છે.

તેમના એક પુત્ર  દિવંગત વિનોદ મેઘાણી ‘માણસાઈના દીવા’ અને  ‘સોરઠ તારાં વહેતાં પાણી’ ઉપરાંત ‘સૌરાષ્ટ્રની રસધાર’ની એકત્રીસ વાર્તાઓને અંગ્રેજીમાં લઈ ગયા છે. વિનોદભાઈના અમેરિકામાં રહેતા સગા નાના ભાઈ અશોક મેઘાણીએ જીવનકથા ‘સંત દેવીદાસ’ અને નવલકથા ‘વેવિશાળ’નો અંગ્રેજી અનુવાદ આપ્યો છે. તે પછી ‘દાદાજીની વાતો’ની તમામ પાંચ અને ‘રંગ છે બારોટ’ની દસમાંથી ચૂંટેલી પાંચ લોકવાર્તાઓનો અશોકભાઈનો અનુવાદ Folk Tales From the Bard’s Mouth પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયો છે. તેનું પ્રકાશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકોટ ખાતે આવેલા શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર અને દિલ્હીના ડી.કે. પ્રિન્ટવર્લ્ડે 2016 માં કર્યું છે. અહીં મેઘાણીભાઈએ જેને ‘નાના દોસ્તો’ માટેની 'રૂપકકથાઓ અથવા પરીકથાઓ’ તરીકે પણ ઓળખાવી છે તે અદ્દભુત રસથી છલકાતી વાર્તાઓ મળે છે. મૌખિક પરંપરાની આ કથાઓ તેમણે જેમની પાસેથી સાંભળી તે કથાકારોની માહિતી ‘લોકસાહિત્યની નવી દુનિયા’ મથાળાવાળા પ્રવેશકમાં આપી છે. આ પ્રવેશક પોતાની રીતે એક લાંબો અભ્યાસલેખ છે એટલે અનુવાદક તેને Treatise તરીકે મૂકે છે. ‘રંગ છે બારોટ’નું આવું જ ટ્રિટાઇઝ બાવીસ પાનાંનું છે. તેમાં લોકવિદ્યાવિદ મેઘાણીએ લોકવાર્તાના સ્વરૂપનું અને ‘મોટિફ’નું (એટલે કે વારંવાર આવતાં વિષયો તેમ જ નુસખાઓનું)  વિશ્લેષણ કર્યું છે. દેશવિદેશની લોકકથાઓની તુલનાત્મક સમીક્ષા કરી છે. અનુવાદકની નોંધમાં પંચોતેર વર્ષના અશોકભાઈ કહે છે કે આ પ્રવેશકો લખવાંનું કામ, સંદર્ભ સામગ્રીની દુર્લભતાના એ જમાનામાં, મેઘાણી માટે વાર્તાઓ એકઠી કરવા કરતાં ય વધુ પડકારરૂપ હશે; જ્યારે તેમણે પોતે ઇન્ટરનેટ પરથી ઘણી સામગ્રી મેળવી છે ! નોંધના ત્રીજા જ ફકરામાં તે નિખાલસતાથી કહે છે કે બાળકો માટેની આ વાર્તાઓમાં ‘હિંસકતા અને અફીણના સેવન તરફનો સહજતાનો ભાવ વાંધાજનક બાબતો ગણાઈ શકે’. કંઠસ્થ સાહિત્યની આ વાર્તાઓ અંગ્રેજીમાં લઈ જવી દેખીતી રીતે અશક્ય લાગે. ‘વાલીયા ગાબુના વાડાની બજર / અછોટિયા વાડનો ગળ / મછુની કાંકરી /અને ઊંડું પાણી’ – આ પંક્તિઓ અંગ્રેજીમાં કેમ મૂકાય ? અને આવા શબ્દપ્રયોગો તો ડગલે ને પગલે આવે છે.

સૌરાષ્ટ્રના લોકસંતોની કથાઓનાં પુસ્તકોમાંથી ‘સંત દેવીદાસ’ના અશોકભાઈએ એ જ નામે કરેલા અનુવાદ(પ્રસાર પ્રકાશન, 2000)નું પેટાશીર્ષક છે The Story of a Saintly Life સમાજકથા ‘વેવિશાળ’ અંગ્રેજી વાચકને The Promised Hand (સાહિત્ય અકાદમી, 2002) નામે મળે છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે આ જ નવલકથાનો ફ્રેન્ચ અનુવાદ Fiancailles ((ફિયાંસાઈ) નામે 2004માં પેરિસથી બહાર પડ્યો છે. અત્યારે એંશી વટાવી ચૂકેલા તેના અનુવાદક મોઇઝ રસીવાલા ઍસ્ટ્રોફિઝિક્સના સંશોધક છે અને અરધી સદીથી પેરિસમાં વસે છે.

‘રસધાર’ની વાર્તાઓના અનુવાદક વિનોદ મેઘાણી (1935-2009) મળતા મળે એવા માણસ હતા. તેમના જીવન અને વ્યક્તિત્વમાં, તેમ જ અનુવાદ અને સંપાદનનાં તેમણે કરેલા વ્યાપક કામમાં ‘વિરલ’ વિશેષણની સાર્થકતા સચવાઈ રહે છે. તેમણે ‘રસધાર’ની વાર્તાઓને ત્રણ પુસ્તકોમાં મૂકી છે : A Noble Heritage, The Shade  Crimson,  A Ruby Shattered  (ભારતીય વિદ્યાભવન, મુંબઈ, 2003). પહેલાંમાં તેર વાર્તાઓ છે. અનુવાદકની નોંધ જણાવે છે કે ‘મૂલ્યનિષ્ઠ સાદગી અને ધીંગું કથાતત્ત્વ’ ધરાવતી આ વાર્તાઓ ‘બધાં વયજૂથના વાચકોને’ રસ પડે તેવી છે. તેમાં ‘જટો હલકારો’ (Jatashankar, the Village Courier) ‘દુશ્મનોની ખાનદાની’ (Magnanimous Foes), ‘તેગે અને દેગે’ (The Intrepid) જેવી વાર્તાઓ છે. બીજા સંગ્રહ ‘ધ્ શેડ ક્રિમ્ઝન’માં ‘થોડીક મોટી ઉંમરના વાચકો’ માટેની વાર્તાઓ છે. જેમ કે, ‘બહારવટિયો’ (An Outlaw), ‘ઓળિપો’ (Redemption), ‘ભીમો ગરણિયો’ (Tall as a Palm Tree), ‘અણનમ માથાં’ (The Indomitable Twelve), ‘કાનિયો ઝાંપડો’ (The Bearer of Burden). આ સંગ્રહમાં ‘ચમારને બોલે’ વાર્તાનો A Word of  Honour નામનો અનુવાદ  છે. તે ભારતીય સાહિત્યની વાર્તાઓના અનુવાદની ‘કથા’ નામની પુસ્તક શ્રેણીના ‘કથા પ્રાઇઝ સ્ટોરિઝ વોલ્યૂમ’ (2000)માં સ્થાન પામ્યો છે. ‘કથા’નું એ વર્ષ માટેનું મૌખિક પરંપરાના વિભાગનું પારિતોષિક મૂળ વાર્તાકારને, અનુવાદ માટેનું પારિતોષિક વિનોદભાઈને અને કથનશૈલી માટેનું પારિતોષિક કથાકાર પૂંજા વાળાને મળ્યું હતું.

બાય ધ વે, અશોકભાઈએ પૂર્વોલ્લેખિત Folk Tales પુસ્તક પૂંજા વાળા અને નિરંજન રાજ્યગુરુને અર્પણ કર્યું છે. વિનોદભાઈના ત્રીજા કથા અનુવાદ સંચય ‘અ રુબિ શૅટર્ડ’માં બૅલડ એટલે કે કથાગીત સ્વરૂપે લખાયેલી છ પ્રેમકથાઓ છે. પુસ્તકનું નામ અંગ્રેજી નામ છે તે વાર્તા એટલે 'રતન ગિયું રોળ’. અન્ય કથાઓ છે : ‘બાળપણની પ્રીત’ (A Maiden Love), ‘ભૂત રુએ ભેંકાર’ (Ghastly Wailed a Ghost), ‘શેત્રુંજીને કાંઠે’ (On the Banks of Shetrunjee), ‘દેહના ચુરા’ (Crushed into the Dust) અને ‘હોથલ’ (એ જ નામ અંગ્રેજીમાં). પહેલા બે ખંડોમાં ‘રસધાર’નો દીર્ઘ પ્રવેશક The Human Touch નામે વાંચવા મળે છે. અનુવાદકની નોંધ Soaked by the Shade of Crimsonમાં વિનોદભાઈ તેમના પિતાને લોકસાહિત્યની રઢ કેવી રીતે લાગી તેની ટૂંકમાં વાત કરે છે. ત્યાર બાદ ‘રસધાર’ના પ્રભાવ વિશે તે લખે છે : ‘… એ વખતની ઊગતી પેઢી પર રસધારનો પ્રભાવ એટલો ઊંડો હતો કે ગાંધીજીએ તેના લેખકને રાષ્ટ્રીય શાયર કહ્યા.’ દરેક વાર્તા સાથેનાં બહુ નોંધપાત્ર રેખાંકનો, તેના સ્થળનો નિર્દેશ કરતો નકશો, કલ્પનાપૂર્ણ રંગીન મુખપૃષ્ઠો તેમ જ ત્રણ સચિત્ર પૂંઠાં, શબ્દનોંધો અને પાદટીપો જેવી સામગ્રી આ અનુવાદને સમૃદ્ધ અને અંગ્રેજી વાચકો માટે વિશેષ વાચનીય બનાવે છે.

વિનોદભાઈએ ‘માણસાઈના દીવા’નો Earthen Lamps નામે કરેલો અનુવાદ ભારતીય વિદ્યાભવને 2004માં બહાર પાડ્યો. દેશ આખામાં કહેવાતા સંતોનો ગંદો ફાલ ફૂટ્યો છે, ત્યારે દુનિયાભરના ગુજરાતીઓએ આપણા છેલ્લા સાચા સંત રવિશંકર મહારાજની આ  કથા બરાબર દિલોદિમાગમાં ઊતારવા જેવી છે. અહીં પણ, ‘રસધાર’ના અનુવાદમાં છે તેવી ભરપૂર પૂરક વાચનસામગ્રી, ધરાળા અને પાટણવાડિયા કોમના લોકોની છબિઓ છે, મહારાજની કર્મભૂમિનો નકશો છે અને સત્તર પાનાંમાં તેમનો જીવનપટ છે. વિનોદભાઈ પૂર્ણતાના આગ્રહી હતા. ‘દીવા’નો તેમણે કરેલો એક અનુવાદ દિલ્હીની સાહિત્ય અકાદમીએ 1978માં બહાર પાડ્યો હતો.  તે 2003થી ચાર વર્ષ કર્ણાટક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં મૂકાયો હતો. પણ વિનોદભાઈને અનુવાદમાં કચાશો જણાવા લાગી એટલે એમણે એને સુધારી-મઠારીને એની નવી આવૃત્તિ કરી (આવું તેમણે વાન ગોગની જીવનકથાના તેમના અજોડ અનુવાદ ‘સળગતાં સૂરજમુખી’માં પણ કર્યું હતું). નવસંસ્કરણમાં તેમણે લખ્યું છે : ‘મારી ભૂલો સુધારવાની તક મને વિધાતાએ આપી એ વિચારથી હું ભાવવિભોર પણ થાઉં છું.’ વિનોદભાઈએ ‘સોરઠ તારાં વહેતાં પાણી’ માટે  નામ આપ્યું છે Echoes From the Geers. આ મહત્ત્વની નવલકથાના, ચિત્રો અને નોંધો સાથે કરેલા દળદાર અનુવાદનું પ્રકાશન તેમણે જાતે કર્યું છે. આ હકીકત સખેદ નોંધવા જેવી છે. ખરેખર તો મેઘાણીભાઈઓનાં, ગુણવત્તાથી ઓપતાં આ આખા ય અજોડ અનુવાદકાર્યની કદર કરવાનું તો શું, પણ સરખી નોંધ લેવાનું ય આપણું સાહિત્યજગત ચૂકી ગયું છે.

+++++++

08 માર્ચ 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિકી કટાર, “નવગુજરાત સમય”, 09 માર્ચ 2018

Loading

9 March 2018 admin
← ગાંધીજી અને શસ્ત્રોનો આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર
દુનિયાની નજર … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved