Opinion Magazine
Number of visits: 9446683
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીસસનું મારે મન શું મહત્ત્વ

લેખક : એમ.કે. ગાંધી [સંપાદક : આર.કે. પ્રભુ]|Gandhiana|17 March 2022

ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે સેવાગ્રામ આશ્રમ – વર્ધા પાસેથી આપણને ‘જીસસનું મારે મન શું મહત્ત્વ’ (What Jesus means to me) એ પુસ્તક પ્રાપ્ત થયું. ગાંધીજીએ તેમની આત્મકથા, સામાયિકો જેવાં કે ‘હરિજન’ અને ‘યંગ ઇન્ડિયા’ તથા મહાત્મા ગાંધી એન્ડ રાઈટિંગ્સ ઓફ મહાત્મા ગાંધીમાં લખેલા અને સંગ્રહાયેલાં વચનોનું સંપાદન આર.કે. પ્રભુ દ્વારા થયું. 

તેનાં કેટલાંક પ્રકરણોનો સારાંશ સેવાગ્રામ આશ્રમના વેબ પેજ gandhiashramsevagram.org ઉપર ઉપલબ્ધ છે. તેમાંથી કેટલાક અવતરણો પ્રસ્તુત છે. 

આજે જ્યારે વિશ્વ આખામાં દરેક ધર્મના કટ્ટરવાદી માન્યતાઓ ધરાવનારાઓ ‘મારો ધર્મ અને મારી માન્યતાઓ શ્રેષ્ઠ, બીજાને હટાવો અને મારો’ની રઢ લઈને બેઠા છે, ત્યારે ગાંધીજીએ ખ્રિસ્તી, ઇસ્લામ અને અન્ય ધર્મોના મૂળ સંદેશને કેવી રીતે ઓળખ્યો અને આત્મસાત કર્યો એ જાણવું ઉપયોગી થઈ પડશે. એકે વાતની નોંધ લેવી રહે કે ગાંધીજીને મન સ્વધર્મ સર્વોપરી હતો, અને એથી જ તો તેઓ અન્ય ધર્મો વિષે પૂરી જાણકારી મેળવવા માગતા હતા. પોતાના કે અન્ય ધર્મના કેટલાક સિદ્ધાંતો કે માન્યતાઓ, જે તેમના મસ્તિષ્કમાં તર્કની એરણે ખરા ન ઊતરે તેનો નિર્ભયપણે અસ્વીકાર કરતા ખચકાતા નહીં. જોવાનું એ છે કે ખ્રિસ્તી અને ઇસ્લામના અનુયાયીઓ ગાંધીને તેમના જે તે ધર્મનું ઉત્તમ રીતે અર્થઘટન કરીને તેના ઉપદેશનું પાલન કરનારા માનીને આદર કરતા હતા, પણ કમનસીબે પોતાના જ હિન્દુ ધર્મના અનુયાયીઓ ગાંધીની આ શક્તિને સહી ન શક્યા અને પરિણામે હિન્દુ ધર્મને સંકુચિત દાયરામાં જોનારાને માથે એમની હત્યાની કાળી ટીલી લાગી. 

ગાંધીજીએ ક્રીશ્ચિયાનિટી અને જીસસના સંદેશને કેવી રીતે જોખ્યો : 

ક્રીશ્ચિયાનિટીનો પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ ગાંધીજીને પ્રતીતિ થઇ કે માત્ર જીસસ પરમ પિતા પરમેશ્વરનો પુત્ર છે એ માનવું મુશ્કેલ છે. જો ઈશ્વરને પુત્રો હોય તો આપણે બધા તેના પુત્રો – સંતાનો છીએ. તેમનું તાર્કિક દિમાગ એ માનવાને રાજી નહોતું કે જીસસે પોતાના વધ અને રક્તથી દુનિયાને પાપમાંથી મુક્તિ અપાવી. વળી ખ્રિસ્તી ધર્મની માન્યતા પ્રમાણે માત્ર માનવીમાં જ આત્મા વસે છે અને બીજા કોઈ જીવોમાં આત્મા નથી હોતો અને તેથી એ જીવો માટે મૃત્યુ એ જીવનનો સદંતર અંત હોય છે, જ્યારે ગાંધીજીની માન્યતા અલગ હતી. અલબત્ત, ગાંધીજી જીસસને એક શહીદ, બલિદાનની મૂર્તિ અને એક દૈવી ગુરુ તરીકે જરૂર સ્વીકારતા હતા. પરંતુ કદી ન જન્મ્યા હોય તેવા પૂર્ણ પુરુષ નહોતા સ્વીકાર્ય. જીસસનો શૂળી પર ચડાવીને વધ કરવામાં આવ્યો એ દુનિયા માટે બલિદાનનું એક અપૂર્વ ઉદાહરણ હતું, પણ તેમાં કોઈ ચમત્કાર કે ગૂઢ રહસ્ય હોય એ તેમનું હૃદય સ્વીકારતું નહીં. ખ્રિસ્તી ધર્મને અનુસરનારા પવિત્ર પુરુષોનાં જીવન અન્ય ધર્માનુરાગી જેવાં જ પાવન હોવાની તેમની માન્યતા હતી. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ મૂલવતા તેમને ક્રીશ્ચિયાનિટીના સિદ્ધાંતોમાં કશું અસાધારણ ન લાગ્યું. બલિદાન આપવાના દૃષ્ટાંતો હિન્દુ ધર્મમાં અનેક મળી આવે છે. તેમના મતે ક્રીશ્ચિયાનિટી સંપૂર્ણ અને બીજા ધર્મો કરતાં ચડિયાતો છે એ સ્વીકારવું શક્ય નહોતું.

પહેલી નજરે ગાંધીજીનો ક્રીશ્ચિયાનિટી માટેનો આ અભિપ્રાય નકારાત્મક લાગે, પરંતુ તટસ્થ રીતે વિચારતાં તેમના આ અભિપ્રાય તદ્દન વ્યાજબી લાગે.

બાઇબલનું વાંચન કર્યા બાદ ગાંધીજીએ પોતાને થયેલ અનુભવો વિષે તદ્દન નિખાલસ મત દર્શાવેલો. ન્યુ ટેસ્ટામેન્ટ અને ખાસ કરીને સરમન ઓન ધ માઉન્ટનો તેમના પર ઘણો પ્રભાવ પડ્યો. તેમની ઓલ્ડ ટેસ્ટામેન્ટ વાંચવામાં રુચિ ન રહી અને બુક ઓફ જેનસીસ વાંચતાં તો ઊંઘ આવી ગઈ તેમ કબૂલ્યું. માત્ર બાઇબલ વાંચ્યું છે એમ સાબિત કરવા બાકીના પ્રકરણો પૂરાં કર્યા, પણ ખાસ રસ ન પડ્યો એવો એકરાર પણ તેમણે કર્યો છે.

પછી જાણે કોઈ ચમત્કાર થયો તેમ ન્યુ ટેસ્ટામેન્ટ અને ખાસ કરીને ‘સરમન ઓન ધ માઉન્ટ’ વાંચતા જ એ તેમના હૃદય સોંસરવું ઊતરી ગયું. તેની સરખામણી ગાંધીજીએ ભગવદ્દ ગીતા સાથે કરી. આ ગાંધી જ કરી શકે. તેમાં પણ “દુષ્ટની સામે દુષ્ટ ન બનો. જો કોઈ તારા ડાબા ગાલ પાર તમાચો મારે તો જમણો ગાલ ધરજે. જો કોઈ તારું અંગરખું લઇ લે તો તેને તારો ડગલો પણ આપી દેજે.” એ વાંચીને તો તેમને શામળ ભટ્ટનું “પાણી પાય જો ચાંગળું તેને ભલું ભોજન દેજે.” એ યાદ આવી ગયું. અદ્વૈતમાં માનનારને જ આવી અનુભૂતિ થાય.

ગાંધીજીએ લખેલું કે એમને સરમન ઓન ધ માઉન્ટ અને ભગવદ્દ ગીતામાં કશો ભેદ નથી વરતાતો. જે વાત સરમન ઓન ધ માઉન્ટમાં સવિસ્તર આલેખાયેલી છે તે ગીતામાં વૈજ્ઞાનિક સૂત્રોમાં બદ્ધ થયેલી જોવા મળે છે. ગીતાના ઉપદેશને વિજ્ઞાનની આધુનિક વ્યાખ્યા પ્રમાણે જોખી ન શકાય, પણ તે પ્રેમ અને ત્યાગના મૂલ્યને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે. જૂના કરારના કેટલાક ભાગ વાંચ્યા બાદ થયેલી અણગમાની લાગણી બાદ નવો કરાર વાંચ્યા પછી જે આનંદ થયો તેથી ગાંધીજીએ કહ્યું કે જો તેમની પાસે ગીતા ન રહે અને સરમન ઓન ધ માઉન્ટ હોય તો પોતે ગીતા જેટલો જ આનંદ તેમાંથી મેળવી શકે. આ થયો એકાત્મભાવ.

સત્યની શોધ કરનારા, જીવનભર તેની સુસંગતતાના પ્રયોગો કરનારા ગાંધીજી લખે છે, જીસસ એક ઉત્તમ કલાકાર હતા કેમ કે તેમને સત્યનું દર્શન થયું અને તે પ્રગટ કર્યું. અને મોહમ્મદ પણ એવા જ કલાકાર હતા. કેમ કે એ બંને મહામના સૌ પ્રથમ સત્યની શોધમાં આગળ વધ્યા, તેમની અભિવ્યક્તિમાં મોહકતા આપોઆપ ઉમેરાઈ; અને છતાં બેમાંથી એક પણ ઉપદેશકે કલા વિષે કશું લખ્યું નથી. એવા સત્યની ઝંખના ગાંધીજીને હતી, જેને માટે તેઓ જીવે અને જરૂર પડ્યે પ્રાણ પણ ત્યાગે. અને અંતે તેમ જ થયું.   

ગાંધીજીએ ખ્રિસ્તી ધર્મના ઉપદેશોનું ઊંડું અધ્યયન કર્યું, તેના મૂળ સિદ્ધાંતોના ચાહક પણ બન્યા અને એકાદ બે પ્રસંગે તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે કેટલાક હિતેચ્છુઓએ પ્રયાસો પણ કરેલા. તો સવાલ એ રહે કે તેઓએ ખ્રિસ્તી ધર્મ કેમ ન અપનાવ્યો? ખ્રિસ્તી ધર્મ પ્રત્યે ભારોભાર આદર હોવા છતાં ગાંધીજી રૂઢિચુસ્ત ખ્રિસ્તી ધર્મને જરા પણ સ્વીકારી નહોતા શક્યા. હિન્દુ ધર્મને તેઓએ જેવો જાણ્યો તેનાથી તેમના આત્માને શાતા વળી. ભગવદ્દ ગીતા અને ઉપનિષદમાંથી તેમને જે દિલાસો મળતો તે સરમન ઓન ધ મોઉન્ટમાં પ્રાપ્ત ન થતો. બાઈબલના એ પ્રકરણની તેમના ઉપર ઘેરી અસર થઇ પણ ગાંધીજીએ કબૂલ કર્યું છે તેમ જ્યારે કોઈ આશંકા તેમને ઘેરી વળે, જ્યારે નિરાશા તેમની સામે નજર ફાડીને ઊભી રહે, અને જ્યારે ક્ષિતિજમાં કોઈ પ્રકાશનું કિરણ ભાળી ન શકે ત્યારે તેઓ ગીતાને શરણે જતા, તેના શ્લોકમાંથી આશ્વાસન મળતું અને તરત દુર્નિવાર દુઃખ વચ્ચે પણ તેમના મુખ પર હાસ્ય ફરી વળતું. આ હતી તેમની હિન્દુ ધર્મ પ્રત્યેની પ્રબળ શ્રદ્ધા. તેમનું જીવન અનેક બાહ્ય અને આંતરિક કસોટીઓ અને કરુણ ઘટનાઓથી ભરેલું હતું તે સર્વવિદિત છે, પણ એ ઘટનાઓ તેમના પર કોઈ કાયમી અસર છોડી ન ગઈ તેનો યશ તેઓ ભગવદ્દ ગીતાના ઉપદેશને આપે છે.

આ સંત પુરુષમાં અદ્વૈત કેટલું ગહન રીતે આરૂઢ થયેલું હતું એ તેમનાં લખાણમાં પ્રદર્શિત થાય છે, “જો મને જરૂર લાગે અને એમ કરવામાં સત્ય છુપાયેલું ભાસે તો હું ખિસ્તી કે અન્ય કોઈ ધર્મની શીખ આપવામાં પાછો ન પડું. જ્યાં ભય છે ત્યાં ધર્મ નથી. હું મારા અર્થઘટનને આધારે મારી જાતને ક્રિશ્વિયન કે મુસલમાન તરીકે ઓળખાવી શકું. મને એમ કરવામાં જરા પણ હિચકિચાહટ ન થાય. કેમ કે હિન્દુ, મુસલમાન અને ખ્રિસ્તી એ સમાનાર્થી શબ્દો છે.” આજે પોતાના અને અન્યના ધર્મ વિશે આવો દૃષ્ટિકોણ ધરાવનારા કેટલા?

જો કે ગાંધીજી પોતાની જાતને ખ્રિસ્તી ધર્મના સાંપ્રદાયિક અર્થના અનુયાયી નહોતા માનતા, પણ તેમની અહિંસા પ્રત્યેની શ્રદ્ધામાં જીસસની સહનશીલતાનું તત્ત્વ પ્રાધાન્ય ધરાવે છે, જે તેમના તમામ શાબ્દિક અને દુન્યવી કાર્યોનું ચાલક બળ હતું.

“તમે માનવ પ્રકૃતિની સંપૂર્ણતામાં વિશ્વાસ નથી ધરાવતા અને જીસસ એવી પૂર્ણતાને પામી શક્યા હતા એવું માનો છો?” એ પ્રશ્નના ઉત્તરમાં ગાંધીજીએ કહેલું કે જીસસ એવી પૂર્ણતાની ચરમ સ્થિતિની નિકટ પહોંચેલ હતા તેમ તેઓ માને છે. સાથે એમ પણ કહ્યું કે આપણે હાડચામના મર્યાદિત માળખામાં બંધાયેલા હોવાને કારણે શરીરનું વિસર્જન થાય ત્યાર બાદ જે એવી પૂર્ણતાને પામી શકાય. જીસસના જીવનનો અંત વધસ્તંભ પર આવ્યો કેમ કે તેઓ પણ હાડચામના બનેલા હતા. જીસસ એક ઉત્તમ શિક્ષક હતા તેવું માનવા માટે તેમને જીસસની પેયગંબર જેવી વાણી કે ચમત્કારોની જરૂર નથી. જીસસના ત્રણ વર્ષ દરમ્યાન આપેલા ઉપદેશો કરતા કશું વધુ ચમત્કારી નથી. જીસસ મૃતને જીવનદાન આપી શકતા તેવી માન્યતા છે તેના સંદર્ભે ગાંધીજીએ કહેલું, જીસસ પાસે ગૂઢ શક્તિ હતી અને માનવ જાત પ્રત્યે પ્રેમ અને કરુણાથી સભર હતા એ ખરું, પણ તેમણે મૃત માનવીને જીવિત નહોતા કર્યા, પણ જેમને મૃત માની લીધેલા તેમને જીવિત કર્યા. અહીં ગાંધીજીનું શરીર વિજ્ઞાનનું અભિનવ જ્ઞાન પ્રદર્શિત થાય છે, જે તેમને અંધશ્રદ્ધામાંથી ઉગારે છે અને જીસસની કરુણાનું વાસ્તવિક દર્શન કરાવે છે.

“જીસસ તમારે મન કોણ હતા?” એ પ્રશ્ન ગાંધીજીને વારંવાર પૂછવામાં આવતો. તેઓ જીસસને એક માત્ર પ્રભુના પુત્ર તરીકે માનવા તૈયાર નહોતા તેથી જીસસના ઉપદેશની ગહન મહત્તા કે તેની આધ્યાત્મિક શક્તિનો સ્રોત શામાં છે એ તેઓ ન સમજી શકે એવું પૂછનારા માને તે સહજ છે. પરંતુ ગાંધીજીને મન જીસસ નિજનું સર્વસ્વ અપર્ણ કરીને બદલામાં કશાની અપેક્ષા ન રાખનાર વ્યક્તિનું એક ઉત્તમ ઉદાહરણ હતા; અને તેમ કરવામાં જે વ્યક્તિનું ભલું કરવા તત્પર હોય કે જેમને તેઓ ઉપદેશ આપતા હોય તેની જાત ગમે તે હોય તેની તેઓ પરવા ન કરતા. જેમણે તેમનું નામ પણ ન સાંભળ્યું હોય તેવા લોકોને પોતાના આશિષ પણ આપતા. પોતાની જાતને પ્રેમ કરે તેટલો જ પોતાના પાડોશીને પ્રેમ કરવાનું દર્શન પૂરું પાડનાર તેઓ જીવંત ઉદાહરણ હતા. આથી જ તો ગાંધીજીના મતે જીસસ માનવ જાતે કદી ન ભાળ્યા હોય તેવા એક ઉત્તમ માર્ગદર્શક અને શિક્ષક હતા.

જીસસનો સંદેશ:

બાઈબલના પઠન, મનન અને ચિંતન તથા ખ્રિસ્તી મિત્રોના સહવાસ બાદ ગાંધીજીએ જીસસના સંદેશને આપણી સમક્ષ ધર્યો.  જીસસનો સંદેશ સરમન ઓન ધ માઉન્ટમાં વિશુદ્ધ રીતે દર્શાવાયો છે. અલબત્ત તેમને પશ્ચિમના દેશોમાં તેનું વિકૃત અર્થઘટન થયું હોય તેમ લાગેલું. જો કે ખ્રિસ્તી ધર્મને ન અનુસરનાર બાહરી વ્યક્તિ તરીકે આમ કહેવું તે બેઅદબી ગણાય, પરંતુ સત્યના પૂજારી તરીકે પોતે જે માને છે તે કહેવાની ફરજ માની. 

ગાંધીજી એ તારણ પર આવેલા કે જીસસનો ઉપદેશ અને તેનો પોતે કરેલ અમલ એ માત્ર તેમનો વ્યક્તિગત ગુણ નહોતો, એ મૂળે તો એક સામૂહિક અને સામાજિક લાક્ષણિકતા હતી. બૌદ્ધ ધર્મે એ જ શીખ જીસસના છસો વર્ષ પહેલાં આપી અને તેને જીવનમાં ઉતારી બતાવી. 

ગાંધીજી જેને ચાહતા એ જીસસ કોણ હતા? 

એ સવાલનો ઉત્તર નીચેના સંદેશ પરથી મળી આવે છે.

ગાંધીજી ડિસેંબર 1931માં બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપીને સ્વદેશ પરત જઇ રહ્યા હતા ત્યારે જહાજમાં રોજ સવારે તેમની પ્રાર્થનામાં હાજર રહેતા મુસાફરોએ નાતાલના દિવસે એક ખાસ સંદેશ આપવા વિનંતી  કરી, ત્યારે તેમણે સરમન ઓન ધ માઉન્ટમાં આપેલો સંદેશ વાંચ્યો અને કહ્યું કે પોતાના બાળપણમાં તેઓ જે શીખ્યા હતા અને જે પોતાના અસ્તિત્વનો અભિન્ન અંશ હતો તેનો એમાં પડઘો પડતો તેમણે અનુભવ્યો. અને એ પાઠ હતો, બદલો ન લેવાનો, અથવા દુષ્ટ સામે અવિરોધનો. તેઓએ સઘળું વાંચ્યું તેમાંનું જે તેમના હૃદયમાં વસી ગયું તે જીસસનો એ ઉપદેશ, ‘આંખ સાટુ આંખ લેવી નહીં, દાંત સાટુ દાંત લેવો નહીં, પણ જ્યારે કોઈ એક વાર કરે ત્યારે બે વાર ઝીલવા તૈયાર રહેવું, અને કોઈ માઈલ ચાલવા કહે તો બે માઈલ ચાલવું’ એ હતો. ગાંધીજીમાં એક અદ્દભુત ચયન શક્તિ હતી. તેમણે જ્હોન રસ્કિન, હેન્રી ડેવિડ થોરો અને ટોલ્સટોયનાં લખાણોમાંથી અર્ક રૂપ વિચારો ગ્રહણ કરી, પોતાના જીવનમાં અમલમાં મુક્યા.

અહીં એક બીજી વાત નોંધનીય છે, ગાંધીજીને ઐતિહાસિક પાત્ર જીસસમાં રસ નહોતો. તેઓ એમ પણ કહેતા કે મારે મન દશરથ પુત્ર રામ એટલો મહત્ત્વનો નથી જેટલો હરેકના દિલમાં વસતા રામની કિંમત છે. એટલે કે તેઓ સંપૂર્ણપણે ગુણગ્રાહી હતા, માત્ર નામ ભજન કરનારા નહીં. એટલે જ તો જો કોઈ તેમને કહેત કે જીસસનું ક્યારે ય અસ્તિત્વ નહોતું કે બાઇબલમાં લખેલ ઉપદેશ તો લેખકની કલ્પના માત્ર છે, તો પણ સરમન ઓન ધ માઉન્ટ એમને માટે એટલું જ અનિવાર્ય સત્ય બની રહેત.

ગાંધીજી ખ્રિસ્તી ધર્મના ગ્રંથોના અધ્યયન અને અન્ય લોકોના સંસર્ગમાં આવ્યા તેના પરિપાક રૂપે એવો મત ધરાવતા થયા કે ક્રીશ્ચિયાનિટી મુજબ જીવન જીવવાનું હજુ બાકી છે. આપણે ગાઈએ છીએ, ‘પ્રભુની ખ્યાતિ સ્વર્ગમાં અને પૃથ્વી પર કાયમ રહો અને પૃથ્વી પર શાંતિ રહો.’ પરંતુ ગાંધીજીને ઈશ્વરની દયા કે પૃથ્વી પર શાંતિ ક્યાં ય જોવા નહોતી મળી. જ્યારે સાચી શાંતિ સ્થપાશે ત્યારે માત્ર વ્યક્તિગત જ નહીં પણ સામૂહિક જીવન પણ કલ્યાણમય બનશે, અને ત્યારે આપણે કહી શકશું કે ક્રાઇસ્ટનો જન્મ થયો છે એવું તેઓ માનતા. ઈસાઈ ધર્મના ત્રણ મુખ્ય સ્તંભ – શાંતિ, પ્રેમ અને કરુણા. જો આપણે સર્વ જીવો માટે શાંતિ ન ઇચ્છીએ તો પોતાને માટે પણ શાંતિ ન ઈચ્છી શકાય. આથી જ ગાંધીજી એવા નિષ્કર્ષ પર આવ્યા કે વધસ્તંભ પર થયેલ મૃત્યુ વિના જન્મનો વિચાર જ યોગ્ય નથી. જીસસનું જીવંત અસ્તિત્વ એટલે શૂળીનું પણ અસ્તિત્વ. આ વાત સમજવી મુશ્કેલ છે, પરંતુ સત્યશોધક હોય તેને જ જીસસના સંદેશ અને બલિદાન પાછળ છુપાયેલ જીવન-મૃત્યુના સંબંધનું ગણિત સમજાય, અને ગાંધી એ આત્મસાત કરી શક્યા.

આજના માહોલમાં નાતાલ જે રીતે ઉજવાય છે તે સંદર્ભમાં આ વાત ઘણી પ્રસ્તુત છે. અમેરિકાના એસોસિયેટ પ્રેસના સંવાદદાતા મિ. મિલના આગ્રહથી નાતાલના દિવસે ગાંધીજીએ સંદેશો આપ્યો તેમાં જણાવ્યું કે નાતાલ સમયે કરવામાં આવતું આવું મનોરંજન ક્યારે ય સુસંગત લાગતું નથી. તેને અને જીસસના સંદેશ સાથે કોઈ મેળ નથી. ગાંધીજીએ ઈચ્છેલું કે અમેરિકા નૈતિક બાબતોનું સરવૈયું કાઢી માનવ જાતની સેવા માટે પોતાના જીવનને ધરી દેવામાં – કે જેને માટે જીસસ જીવ્યા અને બલિદાન આપ્યું – તે બાબતમાં દુનિયામાં આગેવાની કરી દેખાડે. આપણે જોઈ રહ્યા છીએ કે તે પછીના વર્ષોમાં નાતાલના પર્વ સાથે બજારુ માલના વેચાણ અને વપરાશ વધતા ચાલ્યાં છે અને જીસસનો સંદેશ રી સાઇકલ થવાને બદલે ધરતીના પેટાળમાં દટાવા લાગ્યો.

જીસસ – સત્યાગ્રહીઓમાં અવ્વ્લ 

ભગવાન બુદ્ધ નિર્ભય થઈને તેમના વિરોધીઓ વચ્ચે ભ્રમણ કરીને પુરોહિતોના ઘમંડને જમીનદોસ્ત કરી શક્યા. ક્રાઈસ્ટે જેરુસલેમના મંદિરોમાંથી ધનની ફેરબદલી કરનારાઓને બહાર કાઢ્યા, ઉપરાંત દંભી તથા પાખંડી લોકો ઉપર સ્વર્ગમાંથી બદદુવા વર્ષાવી. બુદ્ધ અને જીસસ જેઓને પોતાના કર્મો માટે ઠપકો આપતા હતા, તેમના પ્રત્યેના વર્તનમાં અપાર ભલમનસાઈ અને પ્રેમ દાખવતા હતા. તેમના દુશ્મનો સામે આંગળી પણ નહોતા ઉઠાવતા, તેને ચરણે પોતાની જાતને ધરી દેવા તૈયાર હતા, પણ જે સત્ય ખાતર તેઓ જીવ્યા તેને જરા પણ આંચ ન આવવા દીધી. જો પોતાની કરુણાનું ઓજસ પુરોહિતોની સત્તાને નમાવવા સક્ષમ ન નીવડ્યું હોત તો બુદ્ધે પોતાના પ્રાણની આહુતિ પણ આપી હોત. અતિ શક્તિશાળી એવા સમગ્ર સામ્રાજ્યની સત્તાની અવગણના કરતા ક્રાઈસ્ટ વધસ્તંભ ઉપર કાંટાળો તાજ પહેરીને શૂળીએ વીંધાયા. એ વાતનો ઉલ્લેખ કરી ગાંધીજીએ કહેલું, “હું જો આ (બ્રિટિશ) સામ્રાજ્યનો અહિંસક સામનો કરું તો હું માત્ર વિનયપૂર્વક એ મહાન ગુરુઓના પદચિહ્નોને જ અનુસરું છું તેમ માનું છું.”

ગાંધીજીની હત્યા બાદ ગાંધીયુગ પૂરો થયો. આજે એવી માન્યતા પ્રચલિત છે કે ગાંધી તો આદર્શવાદી હતા, તેમની અહિંસા એ યુગમાં અમલમાં મૂકી શકાય, આજે તેની પ્રસ્તુતતા નથી. તો અહિંસાનું બળ ક્યારે અને કોની સામે વાપરી શકાય એ ગાંધીજીના આ લખાણમાં જોવા મળે. “કોઈ પણ માણસમાં દયા, અહિંસા, પ્રેમ અને સત્યના ગુણોની ખરી કસોટી જ્યારે તેઓ નિષ્ઠુરતા, હિંસા, ધિક્કાર અને અસત્યની સામે મુખોમુખ આવી જાય ત્યારે થાય છે. ખૂની માણસની સામે અહિંસાનું કોઈ મૂલ્ય નથી એમ માનવું યોગ્ય નથી. ખૂની સામે અહિંસાનો અમલ કરવા જતા સ્વનો નાશ વહોરવો પડે એ ખરું. પણ એ જ તો અહિંસાની ખરી કસોટી છે. અસહાય થઈને પોતાનો વધ થવા દે એ કસોટીમાં પસાર થયો ન કહેવાય, પણ જેનો વધ કરવામાં આવી રહ્યો હોય તે પોતાનો વધ કરનાર પ્રત્યે જરા પણ ક્રોધ ન સેવે અને ઈશ્વરને તેને માફ કરવા પ્રાર્થના કરે એ ખરી અહિંસા છે. ઇતિહાસ આ ગુણને જીસસ ક્રાઈસ્ટ સાથે જોડે છે. એમ મનાય છે કે વધસ્તંભ ઉપર છેલ્લા શ્વાસ લેતી વખતે જીસસના છેલ્લા શબ્દો હતા :”હે પરમ પિતા, તું એમને માફ કર, કેમ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરે છે.” ગાંધીજી ગોળીથી વીંધાયા બાદ જો ત્રણથી વધુ શબ્દ બોલવા તેમના પ્રાણ ટક્યા હોત તો તેઓએ પણ પોતાની હત્યા કરનારને ઈશ્વર માફ કરે તેવી અરજ કરી હોત તેમાં શંકા નથી.

પશ્ચિમી જગતમાં જીસસ એક પ્રતિકાર ન કરનારા મહાપુરુષ તરીકે પંકાયેલા છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કહેલું કે પેસિવ શબ્દ ખોટા અર્થમાં વપરાતું વિશેષણ છે; ખાસ કરીને જ્યારે જીસસને લાગુ પાડવામાં આવે છે. ઇતિહાસમાં કદાચ એ સહુથી વધુ સક્રિય પ્રતિકાર કરનાર નોંધાયેલ છે. વધુમાં તેમણે કહ્યું, “તેમની અહિંસા અદ્વિતીય કક્ષાની હતી. યુરોપના લોકોએ નાઝરથના જીસસના શાણપણથી ભરેલા હિંમત અને મક્ક્મતાથી કરેલા પ્રતિકારને નિષ્ક્રિય પ્રતિકાર ગણવાની ભૂલ કરી છે. જાણે કે એ નિર્બળનો સામનો હોય. મેં જ્યારે નવો કરાર પહેલી વખત વાંચ્યો ત્યારે મને તો તેમાં કોઈ નિષ્ક્રિયતા નજરે ન પડી, ચાર ગોસ્પેલમાં જીસસના ચિત્રણમાં કોઈ નબળાઈ જોઈ ન શક્યો. ટૉલ્સ્ટૉયનું હાર્મની ઓફ ધ ગોસ્પલ અને બીજા પુસ્તકો વાંચવાથી આ હકીકત વધુ સ્પષ્ટ થઇ. પશ્ચિમે જીસસને નિષ્ક્રિય પ્રતિકારક ગણવાની ભારે કિંમત ચૂકવી નથી શું? 

જીસસ : એ સમયનો મહાન અર્થશાસ્ત્રી

અહીં એ નોંધ લેવી રહી કે જીસસના સંદેશ અને કર્મનું સર્વતોમુખી અધ્યયન ગાંધીજીએ કર્યું હોવું જોઈએ, નહીં તો તેના જીવનને વિવિધ આયામોથી જોવાનું શક્ય ન બન્યું હોત .

Muir Central College Economic Society – અલ્હાબાદ ખાતે 22 ડિસેમ્બર 1916ને દિવસે આપેલ વ્યાખ્યાન પરથી લીધેલ સાર.

“આવતીકાલ વિષે ચિંતા ન સેવો” એ આજ્ઞાનો પડઘો દુનિયાના લગભગ દરેક ધાર્મિક પુસ્તકમાં સંભળાય છે. સુવ્યવસ્થિત સમાજમાં દરેક વ્યક્તિની રોજગારી સુરક્ષિત કરવી એ સહુથી સહેલી બાબત છે. ખરું જોતાં કોઈ પણ દેશની વ્યવસ્થાનો માપદંડ તેમાં કેટલા કરોડાધિપતિઓ રહે છે એ નથી, પણ તેની પ્રજામાં કેટલી ઓછી સંખ્યામાં લોકો ભૂખમરો ભોગવે છે એ છે. (આજે જો કે હરેક દેશ તેની સંપત્તિ દેશના કરોડાધિપતિઓના સંખ્યા બળથી જ માપે છે એ કેવી કરુણતા છે?) જો કે ભૌતિક પ્રગતિનો અર્થ નૈતિક વિકાસ એ સૂત્રને વિશ્વના સ્તરે લાગુ પાડી શકાય કે નહીં તે તાપસવું રહ્યું. 

ઉદાહરણ તરીકે જોઈએ તો રોમની નૈતિક પડતી થઇ ત્યારે એ ભૌતિક સુખની ટોચે પહોંચ્યું હતું. એ જ રીતે ઇજિપ્ત અને ઇતિહાસમાં નોંધાયેલ મોટા ભાગના દેશોની નૈતિક પડતી થયેલી. ભગવાન શ્રીકૃષ્ણના કુળના યાદવો જ્યારે અઢળક સંપત્તિમાં આળોટતા હતા ત્યારે તેમની પડતી થઇ.

દક્ષિણ આફ્રિકામાં મને આપણા હજારો દેશવાસીઓને નિકટતાથી ઓળખવાની તક મળી. મેં નોંધ્યું કે તેમાંના કેટલાક લોકો જેટલી વધારે સંપત્તિ ધરાવતા તેટલી તેમની નૈતિક અધમતા વધુ જોવા મળતી. અમારી અસહકારની લડતને જેટલી સહાય ગરીબ મઝદૂરોએ કરી તેટલી ધનિક લોકોએ નહોતી કરી.” આજે એકવીસમી સદીમાં પણ ધનિકોની કૃપણતા અને નિર્ધનોની ઉદારતા અનેક કસોટી કાળમાં છતી થાય જ છે.

સેન્ટ માર્કે જીસસના ઉદ્દબોધનનું તાદૃશ વર્ણન કર્યું છે. એક આદમી દોડતો આવીને જીસસના ચરણોમાં નમન કરીને બોલ્યો, “હે માલિક, હું એવું શું કરું કે મને અમરત્વ પ્રાપ્ત થાય?” જીસસ બોલ્યા, “તું દૈવી આજ્ઞા જાણે છે; વ્યભિચાર ન કરવો, કોઈનો વધ ન કરવો, ચોરી ન કરવી, કોઈની ખોટી સાબિતી ન આપવી, કોઈના ધનની ઉચાપત ન કરવી તથા પોતાના માતા-પિતાનો આદર કરવો.” જવાબમાં પેલા યુવાને કહ્યું, “માસ્ટર, આ આજ્ઞાઓનું પાલન હું નાની વયથી કરતો આવ્યો છું.” જીસસ તેની સામે પ્રેમથી જોઈને બોલ્યા, “તેમાં એક વાતની ખામી છે. તારી પાસે જે કઈં સંપત્તિ છે તે વેંચી નાખ, તેની ઉપજ ગરીબોમાં વહેંચી દે, અને તને સ્વર્ગમાં સ્થાન મળશે. લે, આ ક્રોસ લઈને મારી સાથે ચાલ.” એ સાંભળીને પેલો યુવાન ઉદાસ થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની પાસે ઘણું ધન હતું. જીસસના શબ્દો સમજવા જેવા છે, “ધનવાનોને સ્વર્ગમાં પ્રવેશ મળવો કેટલો કઠિન છે? ધનિકને પ્રભુના દરબારમાં પ્રવેશ મળવા કરતાં ઊંટને સોઈના નાકામાંથી પસાર કરવું વધુ સંભવ છે.” પરંતુ જીસસના અનુયાયીઓએ અસંમતિમાં માથું ધુણાવ્યું, જેમ આજે આપણે પણ એ વાતને અને ગાંધીજીના અપરિગ્રહના સિદ્ધાંતને નથી સમજી કે સ્વીકારી શકતા.

જીસસ, મહંમદ, બુદ્ધ, નાનક, કબીર, ચૈતન્ય, શંકર, દયાનંદ, રામકૃષ્ણ વગેરેએ હજારો લોકોના જીવનને  પ્રભાવિત કર્યા અને તેમના વ્યક્તિત્વને ઘડયા. તેમના જીવન થકી ધરતી સમૃદ્ધ બની. અને એ બધી વિભૂતિઓએ પોતાના જ બાંધવો જેવી ગરીબી જાણી જોઈને સ્વીકારી.

ધર્માંતરણ

હિન્દુ ધર્મના અનુયાયીઓને અન્ય ધર્મના અનુયાયીઓ તરફથી ધર્માંતરણનો એક યા  બીજા કારણસર સમય સમયે ભોગ બનવું પડ્યું છે, એ એક કરુણ છતાં સત્ય હકીકત છે. આજે હવે ‘ઘર વાપસી’ના નામે ફરી અવળી દિશામાં એ જ પ્રવૃત્તિ હાથ ધરાઈ રહી છે.

માનવતાના કામના અંચળા હેઠળ ધર્માંતર કરાવવું એ હાનિકર્તા છે એમ ગાંધીજી સ્પષ્ટપણે કહેતા.

કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા ધરાવવી કે તેના આચારોનું પાલન કરવું એ અત્યંત અંગત અને અંતરાત્માને સ્પર્શતી બાબત છે. કોઈ ડોકટરે કોઈની સારવાર કરી હોય તો તેના કહેવાથી શા માટે એ વ્યક્તિએ પોતાનો ધર્મ છોડીને તેના કહેવાથી તેનો ધર્મ અપનાવવો જોઈએ? અથવા જો કોઈ મિશનરી શાળામાં અભ્યાસ કરતો હોય તો તેમના પર શા માટે ખ્રિસ્તી ધર્મ ઠોકી બેસાડવામાં આવે? ગાંધીજીના મતે આવું આચરણ કોઈનું ભલું નથી કરતું એટલું જ નહીં એમ કરનાર તરફ શંકાની નજરે જોવાય છે અને કેટલેક અંશે અંદરખાને વૈરભાવ પણ ઉપજે છે. આજે તો ધર્માંતરણ અન્ય વેપારની જેમ જ વ્યાપારી બની ગયું છે. ગાંધીજી કહે છે, “મને એવો મિશનરી રિપોર્ટ વાંચ્યાનું સ્મરણ છે કે જેમાં દરેક ધર્માંતર કરવાનું કેટલું ખર્ચ થાય અને ‘બીજા ફાલ’ માટે અંદાજપત્રક પણ રજૂ કરવામાં આવે. કોઈ ધર્મ સંપૂર્ણ નથી. દરેક અનુયાયીને પોતાનો ધર્મ એક સરખો પ્રિય હોય છે. અત્યારે જરૂર છે દુનિયાના મુખ્ય ધર્મો વચ્ચે મૈત્રીપૂર્ણ સંપર્ક સાધવાની, નહીં કે બીજા ધર્મ ઉપર પોતાની સરસાઈ સાબિત કરવાની.” આ નિયમ જેમ ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મમાં ધર્માંતર કરાવનારને લાગુ પડે છે તેમ જ ફરીને તેમને હિન્દુ ધર્મમાં શામેલ કરવા માટે પણ લાગુ પડી શકે.

ગાંધીજીએ ઉચ્ચારેલા કે લખેલા મૌક્તિક :

“હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, પારસી, જુઇશ એ બધાં સગવડતા ખાતર આપાયેલા વર્ગસૂચક નામ છે. પણ જ્યારે હું એ નામની કાપલી ફાડી નાખું છું ત્યારે કોણ કોનું છે એ ખબર નથી પડતી. આપણે બધા એક જ ઈશ્વરના સંતાન છીએ.”

“મારી એવી દૃઢ માન્યતા છે કે વર્તમાન સમયનું યુરોપ ઈશ્વર કે ક્રીશ્ચિયાનિટીનું નહીં પરંતુ એ શયતાનનું પ્રતિનિધિત્વ કરે છે. અને શયતાન જ્યારે મુખમાં ભગવાનનું નામ લઈને આવે છે ત્યારે એ વધુ સફળ થાય છે.”

“આજે હું રૂઢિચુસ્ત ક્રીશ્ચિયાનિટીનો વિરોધ કરું છું કેમ કે મને ખાતરી થઇ છે કે તેઓ જીસસના સંદેશને વિકૃત અર્થમાં રજૂ કરે છે. તેઓ એક એવા એશિયન હતા જેમનો સંદેશ અનેક માધ્યમોથી ફેલાયો, અને જ્યારે તેને રોમન સમ્રાટનો ટેકો મળ્યો ત્યારે તે સામ્રાજ્યવાદી ધર્મ બન્યો, જે હજુ આજ સુધી ટક્યો છે.”

“એક ઐતિહાસિક જીસસ કે જેની અટક ક્રાઈસ્ટ છે તેની હાજરી મારા મનમાં નથી અનુભવતો. પણ હા, તમે જો ઈશ્વરના એવા વિશેષ નામનો ઉલ્લેખ કરતા હો, જેને ક્રાઈસ્ટ, રામ, કૃષ્ણ કે રહીમ કહો, તો તેની હાજરી હું મારા હૃદયમાં અનુભવું છું.”

“સરમન ઓન ધ માઉન્ટમાં ગર્ભિત છે એ સંદેશને યોગ્ય બનો અને કાંતનારાઓની મોટી ટુકડીમાં જોડાઈ જાઓ.”

આ છેલ્લો સંદેશ “ક્રિશ્ચિયન લોકો માટે તમારો શો સંદેશ છે?” એ પ્રશ્નના જવાબ રૂપે અપાયેલો. એ પૂછનાર અને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે ગાંધીજીના મનમાં માત્ર અવૈરની જ ભાવના નહીં પણ ભારોભાર આદર છુપાયેલા છે, એ સામી વ્યક્તિ જાણતી હોય તો જ આવું નિર્ભીક અને તત્કાલીન પરિસ્થિતિને અનુરૂપ વિધાન કરી શકાય. અને તે માત્ર ગાંધીજી જ કરી શકે.

e.mail : 71abuch@gmail.com

Loading

17 March 2022 admin
← પ્રજાબંધુ – પ્રજાકીય અવાજની ૧૨૫મી સ્મરણગાંઠ
ધૂળેટીમાં ધૂળ ઊડે કે રંગ …? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved