સાહિત્યનો ૨૦૧૯નો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત કરનાર હિંદી લેખક ડૉ. વિશ્વનાથ પ્રસાદ તિવારી પોતાની આત્મકથા ‘અસ્તિ ઔર ભવતિ’ના એક પ્રકરણ ‘સપને મેં ગાઁવ’માં લખે છે :
“તરાઈક્ષેત્રના આ નાનકડા ગામમાં મારા દાદાના દાદા રામદત્ત તિવારી આવ્યા હતા. પોતાના એક માત્ર પુત્ર ઝઘરું અને પત્ની સાથે. ચોક્કસ સમય તો નથી મળતો પણ અનુમાન મુજબ ૧૮૫૭થી ૧૮૮૦ વચ્ચેની વાત છે. એ પહેલાં અમારા પૂર્વજ અહિરૌલી ગામમાં (નૂનખાર અને ભટની રેલવે સ્ટેશનની નજીક) કેટલા દિવસ રહ્યા અને એની પણ પહેલાં પિંડ-નદૌની ગામમાં કેટલા દિવસ રહ્યા, એ બધું હું નથી જાણતો. હું તો અહીં જ – ભેડીહારીમાં જન્મ્યો અને એને જ જાણું છું. આ મારું ગામ છે અને એનાં માટી, પાણી, તડકો, હવાથી બન્યો છું હું. અહીંની ઋતુ અને જળવાયુ મારા સ્વભાવ મુજબ આત્યંતિક નથી. ન અતિગરમી, ન અતિઠંડી, ન અતિવૃષ્ટિ. દરેક ઋતુનો માપસરનો પ્રસાદ મળતો રહ્યો છે. ચારે ય બાજુ ઘટ્ટ લીલોતરી છે, આંબાના બગીચા છે, ભૂમિ નરમ છે. માટી ફળદ્રુપ છે. શાસનવ્યવસ્થા દ્વારા ભલે આ ક્ષેત્ર ઉપેક્ષિત રહ્યું હોય, પ્રકૃતિની કૃપા વરસી છે એના પર. અહીંનો મુખ્ય પાક શેરડી, ચોખા અને ઘઉં. મારા બાળપણમાં કોદરા, તાંદળા, મોટો બાજરો, જુવાર, બાજરી, જવ, અડદ, મકાઈ વગેરે ધાન્ય અહીં ઊગતું. પણ હવે એ અદૃશ્ય થઈ રહ્યું છે. આમ થવા પાછળનું કારણ જંતુનાશક દવાઓ તો છે જ, ધન કમાવાની લાલસા પણ ખરી. વૈશ્વિકીકરણની બજારવ્યવસ્થામાં ચોખાની અનેક દુર્લભ જાતો અદૃશ્ય થઈ ગઈ છે – કનકજીર, બહરની, બાસમતી, મરચાં વગેરે ચોખાની જાતો તો મારા ખેતરમાં જ ઊગતી હતી. હવે તો એની સોડમની સ્મૃતિ માત્ર બચી છે. જેમજેમ કૃષિયુગ ઔદ્યોગિક અને યાંત્રિક યુગમાં બદલાઈ રહ્યો છે, તેમતેમ પશુપંખીઓ પણ નવા પરિવેશમાં ગાયબ થઈ રહ્યાં છે. ”
એક લેખકની ચેતના આ ફેરફારોને જોઈ શકી છે. નોંધી શકી છે. બાકી તો સમયના પ્રવાહમાં કેટકેટલું વણનોંધાયું વહ્યાં કરે છે. બધાં બધું જોઈ શકતાં નથી. પોતાના પગને માપે ચાલ્યા કરવાનું બસ! પણ સમયમાં જે ‘બની’ રહ્યું છે, તે રોક્યું રોકાતું નથી. આમ, દડમજલ કરતાં-કરતાં આ સમયમાં આવીએ છીએ, ત્યાં ચોતરફ ‘ગ્લૉબલવૉર્મિંગ’ની બુમરાણ મચી છે. આ ખોટી બીક છે કે ખરી ચેતવણી છે? છેલ્લા કેટલા ય દાયકાઓથી ઋતુઓને સેળ ભેળ થતી આપણે જ જોઈ છે. જે પ્રકૃતિ આપણને ન્યાલ કરતી હતી, તેનાં જ રૌદ્ર રૂપોને આપણે ખુદ જોઈ શકીએ છીએ.
પ્રકૃતિનાં બાકીનાં ચેતન તત્ત્વો ગ્લોબલ વૉર્મિંગની અસર અનુરૂપ સ્વયંને ઢાળવા લાગ્યા છે. તેમણે બદલાઈ રહેલા તાપમાનની પેટર્ન સાથે અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષની શરૂઆત કરી દીધી છે. આ વાત વિજ્ઞાનીઓના ધ્યાનમાં આવી છે. અન્નસુરક્ષા પર ગ્લોબલવોર્મિંગની થનારી અસરને માપવા માટે કરવામાં આવેલા સંશોધનમાં એવું જણાયું છે કે કૃષિપેદાશો બદલાતાં હવામાન અનુસાર સ્વયંને ઢાળવાના પ્રયાસો કરી રહી છે. અમેરિકાના કૃષિવિભાગના એક વિજ્ઞાની લુઇસ એસ. જિસ્કાએ ચોખા પર કરેલા સંશોધન-અભ્યાસમાં તેને જણાયું છે કે કૃષિપેદાશોમાં બદલાવ થવા લાગ્યો છે. અભ્યાસમાં તેને જાણવા મળ્યું કે ગ્લોબલ વૉર્મિંગને કારણે વાતાવરણમાં વધતા જતા કાર્બન ડાયૉક્સાઇડના પ્રમાણને લીધે ચોખાના દાણાનું રાસાયણિક બંધારણ બદલાવા લાગ્યું છે. આ અભ્યાસ માટે તેમણે ચીન અને જાપાનના એવા વિસ્તારોમાં સંશોધન કર્યું કે જ્યાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીમાં ઘણું વધારે હતું. આવું સ્થળ પસંદ કરવાનું કારણ એ કે જે રીતે આ સમસ્યા સમગ્ર વિશ્વમાં પ્રબળ બની રહી છે, એ જોતાં આવનારા દિવસોમાં બાકીના ભાગોની હાલત પણ એવી જ થવાની છે. વિજ્ઞાનીઓની ટીમે એ વિસ્તારમાં પેદા થતા અનાજની ૧૮ જાતોનો વિસ્તૃત અભ્યાસ કર્યો અને તેમને જણાયું કે આ અનાજની જાતોમાં માત્ર પ્રોટીન જ નહીં, આયર્ન અને ઝિંક જેવાં તત્ત્વો પણ ઓછાં થઈ ગયાં છે. એટલું જ નહીં તેમાં મળતા બી૧, બી૨, બી૫ વિટામિનોના પ્રમાણમાં પણ ભારે ઘટાડો થયો છે. બીજી રસપ્રદ વાત એ જણાઈ છે કે એ બધા અનાજમાં વિટામિન ઈનું પ્રમાણ વધી ગયું છે. અનાજ પર કરવામાં આવેલું આ સંશોધન મહત્ત્વનું એટલા માટે છે કે વિશ્વના બે અબજ લોકોનો મુખ્ય ખોરાક ચોખા છે. મતલબ અનાજના રાસાયણિક સંયોજનમાં બદલાવ થશે, તો તેની અસર વ્યાપક જનસમુદાય પર પડશે. બની શકે કે અત્યાર સુધી આપણને બીમારીઓથી બચાવતાં હતાં તે જૈવરસાયણો પણ ઘટી જાય. પ્રાયોગિક ધોરણે કરાયેલું આ સંશોધન આપણી ખાદ્યસામગ્રી અંગેની મુસીબતનો વ્યાપ વધશે, તેનો સંકેત આપે છે.
આ સંશોધનનો સાર એ છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ આ રીતે વધતું જ રહેશે તો જે ખાદ્યપદાર્થોથી આપણું જીવન ચલાયમાન છે, તેમાં રહેલાં પોષક તત્ત્વોમાં ઘટાડો થતો જશે. એ ખાદ્યપદાર્થોની પોષણક્ષમતા અગાઉના જેવી નહીં રહે. તેનો સ્વાદ બદલાઈ જવાની દહેશત પણ છે.
ક્યાંક ઉનાળાની ભીષણતા, ક્યાંક ચોમાસાનું રૌદ્ર રૂપ, ક્યાંક પવનનું તાંડવ, ક્યાંક શિયાળાનો વિદ્રુપ સકંજો, ગ્લોબલ વૉર્મિંગને કારણે બીજું શું-શું થશે એની ચિંતા કરીએ કે ન કરીએ, એની વ્યાપક અસરોથી કોઈ બચી શકવાનું નથી.
E-mail : rgagrawat@gnfc.in
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 11