વિચરતા વિચારો …
દરેક વાતે સુસંગત – consistant – રહેવું એ જીવનમૂલ્ય છે.
તર્કશાસ્ત્રમાં એમ આવે છે કે ‘અ’ ‘અ’ છે – A is A. એટલે કે હું જો ભીખીબહેનની કે ભીખાભાઈની વાત કરતો હોઉં તો મારે એ વાતને વળગેલા રહેવું જોઈએ. A પછી ભલે B આવે છે કે ભલે ને M કે R આવવાના હોય, મારે એમને ન આવવા દેવા. વાર્તા મુકુંદરાય વિશે હતી એટલે દ્વિરેફ એમાં મગનલાલની વાત ન લાવ્યા. સુસંગતતાને વળગી રહેવાથી વાતમાં ‘સિન્ગલ ઇફૅક્ટ’ પ્રગટે છે. સાંભળનાર કે વાંચનાર આઘોપાછો નથી થઈ શકતો. પણ કેટલાક લેખકો અને વક્તાઓ વિષયસંગત નથી રહેતા, વિષયાન્તર કરી જાય છે. અમારા એક સાથી અધ્યાપક વર્ગમાં હંમેશાં પોતે કરેલા પ્રવાસની વાતો જ પીરસ્યા કરે. ચાર દા’ડા પૅરીસમાં આવડે એવું ને એટલું જ ભટક્યા હોય પણ વાત એવી મલાવે જાણે ચાર મહિના ફ્રાન્સ આખામાં રહી આવ્યા હોય. વિદ્યાર્થીઓ સાંભળી લે પણ બહાર બોલે – યાર, આ પ્રવાસી માસ્તર આપણને હરખું ભણાવશે ક્યારે …
કોઈ માણસના વ્યક્તિત્વની કે એના કોઈ લખાણની આપણે ચર્ચા કરતા હોઈએ તો જે મુદ્દો હાથમાં લીધો હોય તેને પૂરો કર્યા પછી જ બીજામાં જવાય. એટલું જ નહીં, મથામણ એ માટે કરવી જોઈએ કે એના લખાણ પાછળના આશયને સૌ પહેલાં જાણીએ અને માણીએ. એને બદલે ઘણા તો ચર્ચાની ખીંટી પર પોતાનાં જ ખમીસ લટકાવે છે ! મૅલાંઘૅલાં ન હોય તો પણ એમ તો કેમ કરાય? આપણા સાહિત્યક્ષેત્રે મેં જોયું છે કે લેખક વાત કરતો હોય કાફ્કાની તો પેલો શું કરે છે, જાણો છો? એ કહે છે, આપણા કાફ્કા કિશોર જાદવ છે ! વડોદરામાં એક લેખક જાતે ને જાતે એટલો બધો ન-સુસંગત થઈ ગયેલો કે પોતાને જૅમ્સ જૉય્યસ ક્હૅવરાવતો’તો ! બીજા કેટલાક છે જેઓ અમુકને નોબેલ પ્રાઇઝને લાયક ગણીને ચાલે છે. બધા દાઢીવાળા કવિઓને રવીન્દ્રનાથ ન જ ગણાય, પણ અમદાવાદમાં એક છે જેને એમ ગણો તો વાંધો તો નથી જ લેતો, મલકાય છે ! વળી, એ કવિ તો છે જ નહીં !
સાચાં પ્રેમીઓ સુસંગત રહે છે – પ્રેમીએ ગમે તેટલી આડોડાઈ કરી હોય પ્રિયા નભાવી લે છે. Womanness – સ્ત્રીત્વ – એટલે જ ઋજુતા. સમ્બન્ધમાત્રને તૂટવા ન દે બલકે છેલ્લા તાંતણાને ય છેવટ લગી ઝાલી રાખે. સાચો પ્રેમી પણ પ્રિયાને વ્હાલ કરતો, માની જાય છે. કેટલાક લોકો વાત કરતી વખતે આંખમાં આંખ મિલાવીને વાત નથી કરતા, એમનું ચિત્ત આજુબાજુમાં ભટકતું હોય છે. કોઇ તમારી સાથે ગોગલ્સ પ્હૅરીને વાત કરે તો? ન ચલાવી લો. કેમ કે સમજાતું નથી કે એ ખરેખર તમારો ચ્હૅરો જુએ છે કે કંઈ બીજું. મોટા ભાગના પતિઓ સુસંગત રહેવામાં નથી માનતા. પત્ની પૂછે કે ચા કે કૉફી, તો ક્હૅ – તને જે ઠીક લાગે તે. કેટલીયે વાતે કશો પણ ફોડ ન પાડે. ઘણાને તો એમાં એમ લાગે છે કે પોતે પત્નીના શરણે કે ચરણે બેસી ગયા. ખરેખર તો અહંકારના ખીલે બંધાયેલા હોય છે.
સમ્બન્ધોમાં અને ખાસ તો સ્ત્રી-પુરુષે બન્નેએ સુસંગત રહેવું બહુ જરૂરી છે. પ્રેમ કરો છો તો સામી વ્યક્તિને પ્રેમ અનુભવાય એ વાતની નિરન્તર કાળજી રાખવી, એ સુસંગતતા છે. જો નથી તો ‘મને હવે રસ નથી’ કહેવું, એ પણ સુસંગતતા છે. અમુક પુરુષો મગનું નામ મરી પાડતા જ નથી. અનેક છૂપા હેતુઓને કારણે સમ્બન્ધને ન-નામો રાખે છે. પ્રિયા ટટળતી રહે ને છેવટે થાકી જાય. મજબૂત મનની હોય એ હૅમખૅમ નીકળી જાય. ગઈ કાલે હું એક મૂવિ (અમેરિકામાં ‘ફિલ્મ’ ન બોલાય) જોતો’તો : ગૅબ્રિયેલાના બૉસે એને ઘણી રાહતો આપેલી એટલે એ એમ માનતો થઈ ગયેલો કે ગૅબ્રિયેલા એને ચાહે છે. પછી ગૅબ્રિયેલા અમેરિકાથી ન્યૂ ઝીલૅન્ડ ગઈ હોય છે. ત્યાં રહી પડે છે. એક દિવસ એકાએક બૉસ આવી ચડે છે ને ભેટી પડવાનું વગેરે કરે છે. એ પણ આશાનો માર્યો રહી પડે છે. પણ એક તબક્કે ગૅબ્રિયેલા એને રોકડું પરખાવે છે કે – આઈ ડોન્ટ લવ યુ, પ્લીઝ ગૅટઆઉટ ઑફ માય લાઈફ …
સ્કૂટરની કે કારની કી-ચેઈન કે ફોન કે ફોનનું ચાર્જર, ટીવીનું રીમોટ, કશી ધાંધલધમાલ વિના એ જ જગ્યાએથી મળી જાય; સૉયમાં દોરો ઝટ પરોવી શકાય; સભામાં પંખા પૂરપાટ ફરતા હોય છતાં હાથની ધ્રુજારી વિના દીવેટને યોગ્ય ક્ષણે દીવાસળી ચાંપીને દીપ પ્રગટાવી શકાય; એ સુસંગતતાનાં પરિણામો છે. મૌનમાં સુખે ટકી રહેવાય અને માપસરનું અસ્ખલિત – કશા ખચકાટ કે ઉચ્ચારદોષ વિનાનું – બોલી શકાય, એ સુસંગતતાની કસોટીઓ છે.
હું તો એમ માનું છું કે દુનિયાના મોટા ભાગના ક્લેશ-કંકાસ જીવનમાં સુસંગત ન રહેવાથી જન્મ્યા હોય છે. માણસો ‘હા’ પાડવાની વખતે ‘હા’ નથી પાડતા અને ‘ના’ પાડવાની વખતે ‘ના’ નથી પાડતા. મારી આ વાતની ‘ના’ તો કોઈ નથી પાડવાનું …
= = =