
પંકજ જોશી
મને બરાબર યાદ છે કે ૧૯૬૦ના દશકમાં જ્યારે અમે શાળામાં વિદ્યાર્થી હતા ત્યારે, અખબારોએ એક યુવા ભારતીય વિજ્ઞાનીની નવી શોધના સમાચારોથી ભારે ઉત્તેજના જગાવી હતી. બ્રહ્માંડ વિશેનો આ સિદ્ધાંત તે સ્થિર વિશ્વનો સિદ્ધાંત, એટલે કે ‘સ્ટેડી સ્ટેટ થિયરી’ કહેવાયો હતો. આપણું વિશ્વ કેવું છે, તે કેવી રીતે કામ કરે છે, તેના વિશેની આ વાત હતી. વિશ્વની અથવા બ્રહ્માંડની ઉત્પત્તિ કદી થતી નથી અને તેનો નાશ પણ થતો નથી એવી આ વાત હતી. આ વિજ્ઞાની હતા જયંત નારળીકર, જેમણે પોતાના શિક્ષક અને ગુરુ તેવા કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રેડ હોયલ સાથે આ સિદ્ધાંત વિશે કાર્ય કર્યું હતું. આથી આ સિદ્ધાંત તે હોયલ-નારળીકર થિયરી તરીકે પણ ઓળખાયો છે. બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેનો બીજો સિદ્ધાંત જે આજે પ્રચલિત છે તે બિગ બેંગ થિયરી, તેનાથી બિલકુલ વિરોધી આ વાત હતી. આને કારણે વિશ્વવિજ્ઞાન અથવા કૉસ્મૉલૉજીમાં, આ બંનેમાંથી કયો સિદ્ધાંત સાચો આ વિશે ભારે ચર્ચાઓ એ વખતે શરૂ થઈ જે દાયકાઓ સુધી ચાલુ રહી છે.
એ વખતે ભાગ્યે જ કલ્પના હતી કે જયંત નારળીકર સાથે ભવિષ્યમાં ઘણા ગાઢ સંપર્કમાં આવવાનું બનશે. એમની સાથે સંશોધન કરવાનું પણ થશે! એ સમયે તો એમનું સંશોધન સમજવાની જ ઉત્તેજના હતી. વળી કેમ્બ્રિજ યુનિવર્સિટીનું મોટું નામ. એમાં પણ એક ભારતીય વિજ્ઞાની ત્યાંથી કંઈ ઉત્તમ કાર્ય કરે અને વિશ્વ કક્ષાએ તેની ચર્ચા થાય એ વાત જ બહુ મોટી લાગી હતી.

જયંત વિષ્ણુ નારળીકર
નારળીકરનો જન્મ ૧૯ જુલાઈ, ૧૯૩૮માં કોલ્હાપુર ખાતે થયો હતો. એમના પિતા વિષ્ણુ વાસુદેવ નારળીકર એ વખતે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપક હતા. એમનાં માતા સુમતિતાઈ સંસ્કૃત ભાષાનાં વિદ્વાન હતાં. આ રીતે નારળીકરનું શરૂઆતનું શિક્ષણ વારાણસીમાં થયું. ત્યાં જ તેઓએ અંડર ગ્રેજ્યુએટ પૂરું કરીને ગણિત-વિજ્ઞાનમાં પદવી મેળવી. આ પછી તેઓ કેમ્બ્રિજ ભણવા ગયા. ત્યાં કેમ્બ્રિજમાં તેઓ ૧૫ વર્ષ રહ્યા. તે પછી એમણે નક્કી કર્યું કે ભારત દેશમાં પાછા ફરવું છે અને અહીં આ દેશમાં વિજ્ઞાનનું કામ કરવું છે. આથી તેઓ ૧૯૭૨ની સાલમાં મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં પ્રધ્યાપક તરીકે જોડાયા. ટાટા ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના પ્રખ્યાત વિજ્ઞાની હોમી ભાભાએ કરેલી અને તે દેશ વિદેશમાં એ વખતે પણ એક ઉત્કૃષ્ટ સંશોધન સંસ્થા તરીકે જાણીતી થયેલી. વિશ્વના અનેક મોટા વિજ્ઞાનીઓ તથા ગણિતશાસ્ત્રીઓ આ કારણે ભારતમાં અને મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં આવતા થયેલા. ત્યાંના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોને તેઓ પ્રવચનો આપતા અને વિજ્ઞાનની ઉત્કૃષ્ટ ચર્ચાઓ થતી.
આવા એક સારા વાતાવરણમાં ભારત આવીને નારળીકરે એસ્ટ્રોફિઝિક્સ તથા કૉસ્મૉલૉજીના વિજ્ઞાન માટે એક ઉત્તમ ગ્રુપ બનાવવાનું કામ શરૂ કર્યું જેમાં સારા વિદ્યાર્થીઓ તથા નવા પ્રાધ્યાપકો ભાગ લેવા લાગ્યા. સંપૂર્ણ રીતે વિશ્વકક્ષાનું સંશોધન ભારતમાંથી થાય એવું ટાટા ઇન્સ્ટિટ્યૂટનું હંમેશાં ધ્યેય હતું.
પ્રોફેસર જયંત વિષ્ણુ નારળીકર ૨૦ મે, ૨૦૨૫ના રોજ પુણે સ્થિત એમના નિવાસસ્થાને આપણને સહુને છોડી શાંતિથી ચાલ્યા ગયા. આ ભારતીય વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાનના એક અસાધારણ અને અસામાન્ય પ્રકરણનો અંત છે. એમની લાંબી અને સુશોભિત કારકિર્દી દરમિયાન એમણે અસંખ્ય યુવા માનસને વિજ્ઞાન અપનાવવા માટે પ્રેરણા આપી. એમણે અનેક યુવા વૈજ્ઞાનિકોની કારકિર્દી બનાવી, જેઓ ખગોળ ભૌતિકશાસ્ત્ર અને બ્રહ્માંડ વિજ્ઞાનના વિવિધ પાસાઓમાં વિશ્વના નેતા બનીને આજે ઊભરી આવ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી તેઓ સ્વસ્થ નહોતા, છતાં પોતાની દિનચર્યા સારી અને ઉત્પાદક રીતે ચલાવતા હતા. જાન્યુઆરી ૨૦૨૪થી નારળીકર એક બ્લોગ પણ લખી રહ્યા હતા. તેમાં એમના જીવનના વિવિધ તબક્કાઓને આવરી લેવામાં આવ્યા હતા. મને ખાતરી છે કે એમના હજારો ફોલોઅરને તેઓ ખૂબ જ યાદ આવશે.
એક સંશોધક તરીકે એમણે બ્રહ્માંડ વિજ્ઞાનમાં અનોખું અને ક્રાંતિકારી યોગદાન આપ્યું. પ્રવર્તમાન વૈજ્ઞાનિક રૂઢિચુસ્તતાને એમણે પડકારી. લોકોમાં વ્યાપક સ્તરે વિજ્ઞાન, વૈજ્ઞાનિક સ્વભાવ અને અભિગમ ફેલાય એ એમણે મિશન બનાવ્યું. તેઓ ગુરુત્વાકર્ષણના હોયલ-નારળીકર સિદ્ધાંતના સહ-વિકાસ માટે અને શરૂઆતના દિવસોમાં સ્થિર-અવસ્થા સિદ્ધાંત અને પછીનાં વર્ષોમાં બ્રહ્માંડના અર્ધ-સ્થિર-અવસ્થા સિદ્ધાંતને સમર્થન આપવા માટે જાણીતા થયા. આ સિદ્ધાંતોએ કૉસ્મૉલૉજીમાં વ્યાપકપણે સ્વીકૃત તેવા બિગ બેંગ મોડેલને પડકાર ફેંક્યો.
અહીં નોંધવા જેવી વાત એ છે કે વૈકલ્પિક મોડેલોના મજબૂત સમર્થક હોવા છતાં, એમણે પોતાના વિદ્યાર્થીઓ અને સાથીદારો પર પોતાના વિચારો કદી લાદ્યા નહીં. આથી એમની પોતાની થિયરીથી વિરુદ્ધ તેવા બિગ બેંગ મોડેલને ટેકો આપતા શ્રેષ્ઠ સંશોધન લેખો અને બિગ બેંગ મોડેલના પાયામાં સુધારો કરનારા લેખો એમના નેતૃત્વ હેઠળ ઊભરી આવ્યા હતા. યુવા સંશોધકોને એમની પોતાની રીતે વિકાસ કરવાની મંજૂરી આપવી એ સંશોધકોમાં એક દુર્લભ પરંતુ પ્રશંસનીય લક્ષણ છે. એમના નજીકના સાથીદારો એમને પ્રેમથી JVN કહેતા. આ સઘળી બાબતોમાં JVNનું અનુકરણ કરવા યોગ્ય છે.
છેલ્લા લાંબા સમયથી જયંત ભારતમાં ખગોળશાસ્ત્ર અને તેનાથી પણ વધુ વ્યાપક રીતે કહીએ તો વિજ્ઞાનનો ચહેરો રહ્યા છે. એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોટા વિજ્ઞાની ફ્રેડ હોયલના સંશોધન વિદ્યાર્થી તરીકે ખ્યાતિ મેળવી. એમણે એડમ્સ પુરસ્કાર સહિતના પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ મેળવ્યા. ત્યાં થતી રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીની જ્વલંત બેઠકોમાં પોતાનું સ્થાન પણ એમણે બનાવ્યું. સાઠના દાયકાના મધ્યમાં ભારતની મુલાકાત દરમિયાન, એમણે વૈજ્ઞાનિક સમુદાયને ઘણો પ્રભાવિત કર્યો. એમનો હંમેશાં હસતો ચહેરો, અતિ ગહન બાબતો વિશે પણ વાત કરવાની સૌમ્ય રીત અને બ્રહ્માંડ વિશેના એમના વિચારો જનસામાન્ય સુધી પહોંચાડવાની અનન્ય ક્ષમતા દ્વારા એમણે સામાન્ય લોકોની કલ્પનાને મોહિત કરી. એમને ૨૬ વર્ષની નાની ઉંમરે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેઓ જીવનના અંત સુધી અનેક રીતે જનતા સાથે સતત વાતચીત કરતા રહ્યા. લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ એમનું પહેલું અને આખરી ધ્યેય હતું.
વિજ્ઞાનની વાત કરીએ તો, જયંતનું પહેલું કાર્ય કોસ્મિક રેડિયો સ્રોતના વિતરણ પર હતું, આવા સ્રોત આકાશમાં કેવા આકારે ફેલાયેલા છે, સમય જાય તેમ તે કેવી રીતે વધે કે ઘટે છે જેવા પ્રશ્નોની એમણે ચર્ચા કરી. આ સઘળા સ્રોતનો રેડિયો ડેટા વિજ્ઞાની માર્ટિન રાયલની આગેવાની હેઠળ કેવેન્ડિશ લેબોરેટરીના ખગોળશાસ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવેલા કેમ્બ્રિજ રેડિયો ટેલિસ્કોપમાંથી લેવાયો હતો. રાયલ તો બ્રહ્માંડના બિગ બેંગ સિદ્ધાંતની તરફેણ કરતા હતા. તેમાં રેડિયો સ્રોતની સંખ્યા અને વસ્તી વધે અને વિકસિત થઈ શકે છે. આનાથી ઊલટું, ફ્રેડ હોયલ, સ્થિર સ્થિતિ સિદ્ધાંતના નિર્માતાઓમાંના એક હતા, જે માનતા હતા કે આ સંખ્યા સમય સાથે સ્થિર હોવી જોઈએ. યુવાન નારળીકર તો જાણે આ બે તદ્દન ભિન્ન દૃષ્ટિકોણ વચ્ચે સેન્ડવીચ જેવા બની રહ્યા. આજના સંદર્ભે એ ભૂતકાળમાં દૃષ્ટિ કરીએ તો, કોઈ પણ સ્પષ્ટ નિર્ણય પર આવવા માટે ખૂબ જ મર્યાદિત ડેટા ઉપલબ્ધ હતો. વળી આ સઘળા આકાશી પિંડ અને સ્રોતોના રેડશિફ્ટની માપણીનો પણ અભાવ હતો. આથી સમસ્યાનો સ્પષ્ટ ઉકેલ અશક્યવત્ જ હતો. તેમ છતાં, આ ચર્ચાઓનાં પરિણામો દૂરગામી હતાં. ફક્ત કૉસ્મૉલૉજી એટલે કે વિશ્વવિજ્ઞાન માટે જ નહીં, પરંતુ આ ચર્ચાના નાયકોની ભાવિ કારકિર્દી માટે પણ તેનું મહત્ત્વ રહ્યું. માર્ટિન રાયલ અને એન્થોની હ્યુવિશ, આ બંનેને આ કાર્ય માટે સંયુક્ત રીતે ૧૯૭૪માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો. આટલું અને આવું સન્માન મેળવનારા તેઓ પ્રથમ ખગોળશાસ્ત્રીઓ હતા.
ડેટા વિશ્લેષણની સાથે, નારળીકરે પરિભ્રમણ અને શીયર સાથેના ન્યુટોનિયન બ્રહ્માંડશાસ્ત્રીય મોડેલો તથા અન્ય મુશ્કેલ સૈદ્ધાંતિક સમસ્યાઓ પર પણ કામ કર્યું. તે જ વર્ષોમાં, જયંતે હોયલ સાથે તારાવિશ્વોના યુગ અને સ્થિર સ્થિતિ બ્રહ્માંડવિજ્ઞાનમાં માકનો સિદ્ધાંત અને દ્રવ્યનું સર્જન, ઇલેક્ટ્રોડાયનેમિક્સ અને બ્રહ્માંડવિજ્ઞાનમાં સમયની ગતિ પર પણ કામ કર્યું. આ બધું કાર્ય નોંધપાત્ર હતું. તેમાં વિવિધતા, ઊંડાણ અને નવીનતા હતાં. વળી તે અનેક પ્રિય અને પરંપરાગત વિચારોની વિરુદ્ધ પણ હતું. ૧૯૬૬માં, હોયલ અને નારળીકરે ગુરુત્વાકર્ષણના નવા સિદ્ધાંત પર કાર્ય પ્રકાશિત કર્યું. આ કાર્યમાં માકનો સિદ્ધાંત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જયંતે પહેલા ફ્રેડ હોયલ સાથે અને પછી જ્યોફ્રી બર્બિજ સહિત અન્ય પ્રતિષ્ઠિત ખગોળશાસ્ત્રીઓ સાથે મળીને સ્થિર સ્થિતિ સિદ્ધાંત પર ઘણું કાર્ય અને પ્રયાસ કર્યાં. તેનાં ખગોળ ભૌતિક પરિણામો પર પણ એમણે કામ કર્યું. આ પછીના અરસામાં કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડની શોધ થઈ અને તે કારણે આ મોડેલ તથા થિયરીનું આકર્ષણ ઘણું ઓછું થયું. આ શોધને કારણે એમના મોડેલમાં અને સ્થિર-સ્થિતિ સિદ્ધાંતમાં ફેરફારોની જરૂર ઊભી થઈ. આથી આગળ જતાં એમણે અર્ધ-સ્થિર સ્થિતિ સિદ્ધાંત વિકસાવ્યો.
એમનો આ દૃષ્ટિકોણ બિગ બેંગ થિયરીથી વિપરીત હતો. આ બિગ બેંગ થિયરી શું છે અને તે વિષે નારળીકર શું માનતા? પ્રશ્ન એ છે કે આ આખું બ્રહ્માંડ જે આપણે જોઈ રહ્યા છીએ, તારાઓ, આકાશ, પૃથ્વી, ગ્રહો, સૂર્ય, અન્ય ગ્રહમાળાઓ, આ મહાકાય સમગ્ર બ્રહ્માંડ ક્યાંથી આવ્યું, આપણે કેવી રીતે ઉદ્ભવ્યા, એની ગતિ કેવી હશે, ભવિષ્યમાં આ બધા અવકાશી પદાર્થોનું શું થશે?
બ્રહ્માંડ વિજ્ઞાનમાં આ એક ઘણો મોટો પ્રશ્ન છે. તેમાં ૧૯૧૬માં એલેક્ઝાન્ડર ફ્રીડમેન નામના વિજ્ઞાની દ્વારા આનો ઉકેલ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદને આધારે આપવામાં આવ્યો. તે મોડેલ મુજબ, બ્રહ્માંડ એક મોટી એકલતા, ખૂબ મોટો બેંગ અથવા ‘સિંગ્યુલારિટી’માંથી આખું આ વિશ્વ ઉદ્ભવ્યું. ત્યારે ત્યાં તાપમાન વગેરે પણ ખૂબ જ ઉચ્ચ અનંત સ્તરે હતું. પછી આ બ્રહ્માંડ ત્યાંથી ઠંડું થયા પછી વિકસિત થયું અને આજે પણ આપણે આ બ્રહ્માંડ વિસ્તરણ જોઈ રહ્યા છીએ. સમગ્ર બ્રહ્માંડ એકલતામાંથી ઉત્પન્ન થયું છે એ મહાવિસ્ફોટ સિદ્ધાંત છે. નારળીકર અને હોયલનો સ્થિર સ્થિતિ સિદ્ધાંત આનાથી તદ્દન વિરુદ્ધ છે. જ્યારે નારળીકર પોતે ઇંગ્લેન્ડ ગયા ત્યારે કેમ્બ્રિજમાં માર્ટિન રાયલ અને અન્ય લોકો વચ્ચે તેના વિશે મોટી ચર્ચા થઈ. એક જૂથે મહાવિસ્ફોટને ટેકો આપ્યો, તો બીજા જૂથે સ્થિર સ્થિતિ સિદ્ધાંતનું સમર્થન કર્યું. તે સ્થિર છે, તેનો નાશ કે ઉત્પત્તિ થયાં નથી. તે હંમેશાં અનાદિ કાળથી સ્થિર સ્થિતિમાં છે અને અનંતકાળ સુધી તેમ જ રહેશે. પાછળના દશકાઓમાં આ સિદ્ધાંતમાં સુધારો કરીને એમણે અર્ધ-સ્થિર-સ્થિતિ સિદ્ધાંત પણ રજૂ કર્યો, જેના પર એમના જીવનના અંત સુધી એમણે કામ કર્યું.
૧૯૮૦ પછીના દશકોમાં જયંત એક નવા રસપ્રદ પ્રકલ્પ પર પણ કાર્ય કરવા લાગ્યા. તેમાં, પૃથ્વી ઉપર તો જીવન આપણે જોઈએ છીએ, પરંતુ બ્રહ્માંડમાં અન્યત્ર પણ ક્યાંય જીવન હશે કે કેમ એ આજના વિજ્ઞાનનો તથા ખગોળનો એક મહાપ્રશ્ન છે. સામાન્ય લોકોને પણ આ વિશે જાણવામાં ઘણી રુચિ છે. આવા વિશાળ વિશ્વની અંદર આપણે પૃથ્વી પર કેવળ એકલા જ છીએ કે પછી દૂર દૂરના અન્ય કોઈ ગ્રહોમાં, બ્રહ્માંડમાં અન્યત્ર પણ વસ્તી અને જીવન છે?
આ સંદર્ભમાં, મૂળ ફ્રેડ હોયલના એક નવા વિચાર પર નારળીકરે સંશોધન કર્યું. એ વાત અને શક્યતા એવી હતી કે બાહ્ય અવકાશમાં સૂક્ષ્મ સજીવો તથા વાયરસ વગેરે અસ્તિત્વ ધરાવી શકે છે. પછી બાહ્ય અવકાશમાંથી પણ તેઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી શકે છે. જ્યારે હોયલે પહેલી વાર આ વિચાર રજૂ કર્યો ત્યારે લોકોને આ અતિ કાલ્પનિક અને વાસ્તવિકતાથી દૂર જણાયો. એ ત્યાં સુધી કે વૈજ્ઞાનિક જર્નલોમાં તો એમના આ સિદ્ધાંતના પ્રકાશનનો પણ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. છેવટે એમણે તેને એક નવી શોધ તરીકે નહિ પણ વિજ્ઞાન સાહિત્યની એક નવલકથા તરીકે પ્રકાશિત કરવો પડ્યો હતો!
આ વિષે જયંતે કેટલાક એવા પ્રયોગો પ્રસ્તાવિત કર્યા જે ઉપલા વાતાવરણમાં જીવોને શોધવા માટે હાથ ધરવામાં આવી શકે. હવે તેમાં એ નક્કી કરવું પડે કે આ જીવો પૃથ્વીની સપાટીથી ઊંચા ચડીને ઉપરના વાતાવરણમાં ત્યાં પહોંચી શક્યા ન હોય. વળી તે એવા હોવા જોઈએ કે તેઓની પ્રકૃતિ અને ગુણધર્મો તેમના પાર્થિવ સમકક્ષોથી અલગ હોય. આ માટે એમના દ્વારા ISRO અને અન્ય સંસ્થાઓના લોકો સાથે મળીને કેટલાક પ્રયોગોનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ પ્રયોગ ક્યારેય હાથ ધરવામાં આવ્યો ન હતો, જે કદાચ એક મોટી ચુકાઈ ગયેલી તક હતી. આજે તો હવે એવી શક્યતા વધતી જાય છે કે આપણા સૌરમંડળમાં જ અનેક સ્થળોએ જીવન અસ્તિત્વમાં હોઈ શકે છે. આપણી પોતાની ગેલેક્સીમાં પણ રહેવા યોગ્ય બાહ્ય સૌર ગ્રહોની એક વ્યાપકતા જણાય છે. અલબત્ત તે ગ્રહો આપણા પોતાના પૃથ્વીના વાતાવરણમાં જીવોનું યોગદાન આપવા માટે ખૂબ દૂર હોય એમ પણ બને.
જયંતનો એક સંસ્થા નિર્માતા તરીકેનો તબક્કો ત્યારે શરૂ થયો જ્યારે પ્રોફેસર યશપાલ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ હતા. એમણે જયંતને એક નવી સંસ્થા સ્થાપવા માટે આમંત્રણ આપ્યું. ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરવામાં યુનિવર્સિટીઓની મુશ્કેલીઓને દૂર કરવામાં અનોખી હોય તેવી સંસ્થા રચવામાં યશપાલજીને રસ હતો. ૧ જૂન, ૧૯૮૯ના રોજ જ્યારે જયંત આ હેતુ માટે પુણે ગયા, આજે જ્યાં IUCAA સંસ્થા ઊભી થઈ છે ત્યાં જમીનનો લીલોછમ એક પ્લોટ હતો. એમાં દસેક જેટલાં વડનાં વૃક્ષો હતાં. ત્યાં ભેંસો ઘાસ પર શાંતિથી ચરતી હતી. પછી તો વૃક્ષોને તે જ પ્લોટ પર અન્ય સ્થળે ખસેડવામાં આવ્યાં, જ્યાં આજે ખાસાં ખીલ્યાં-વિકસ્યાં છે. આ જગ્યાએ વિખ્યાત સ્થપતિ ચાર્લ્સ કોરિયા દ્વારા ડિઝાઇન કરાયેલી IUCAAની અનોખી ઇમારતો ઊભી થઈ. પરંતુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે પહેલાં પણ વૈજ્ઞાનિક કાર્ય અને બધી સંબંધિત પ્રવૃત્તિઓ તો શરૂ થઈ જ ગઈ હતી. ટૂંક સમયમાં IUCAA ખગોળશાસ્ત્રના ઉત્તમ અભ્યાસ માટેની સંસ્થા તરીકે જાણીતું બન્યું.
અહીંના મુલાકાતીઓ સાથે જયંત વ્યક્તિગત રીતે વાતચીત કરીને મદદ કરતા, જેથી તેની સંખ્યા ટૂંક સમયમાં વધી ગઈ. તેઓ ઘણીવાર દેશભરના યુનિવર્સિટીઓના વિભાગોની મુલાકાત લેતા અને શિક્ષકો અને વિદ્યાર્થીઓને IUCAAનો પરિચય કરાવતા. વળી IUCAAના ખર્ચે મૂળભૂત ઇમેઇલ અને અન્ય ઊભરતી સુવિધાઓ પણ પૂરી પાડતા. આવા યુનિવર્સિટી સમુદાયનો વિકાસ એ ભારતમાં ખગોળશાસ્ત્રમાં જયંતનું સૌથી મોટું યોગદાન છે.
અલબત્ત આ પ્રક્રિયા એકદમ સરળ નહોતી. પહેલાં તો દેશના ખગોળશાસ્ત્રી સમુદાયમાં પરંપરાગત કાર્યને બદલે અને તેની બહાર એક નવું કેન્દ્ર સ્થાપવા અંગે વ્યાપક શંકા હતી. સરકારના ઉચ્ચ સ્તર તરફથી એમને ખૂબ જ સારો ટેકો હતો, પરંતુ વહીવટી અને નિયમન અંગેની વાતો ઊભી થયા કરતી. આ નવા સાહસની વિશિષ્ટતાને કારણે વધુ મુશ્કેલ બની જતી. જયંત મોટે ભાગે મુશ્કેલીઓનો સામનો પોતાની સામાન્ય નરમાશથી, સમજાવટભર્યા સ્વભાવથી કરતા. પરંતુ ક્યારેક તો એમણે ઉચ્ચ સ્તર પર લોકોને કહેવું પડતું કે કાં પ્રોજેક્ટ તેના યોગ્ય માર્ગે ચાલવા દો, અથવા તેઓ પોતે છોડીને જાય છે.
જયંતે જાહેર જનતાને IUCAAનો અભિન્ન ભાગ બનાવ્યો. શાળાના સેંકડો બાળકો શનિવારનાં વ્યાખ્યાનો માટે કેમ્પસમાં આવવા લાગ્યાં. આજે હવે તેઓ તેમની મધ્યમ વયમાં છે. તેઓ હજુ પણ જયંત પાસેથી જે કંઈ કરી રહ્યા હતા તેમાં સારું અને વધુ સારું કરવા માટે મળેલી પ્રેરણાને પ્રેમથી યાદ કરે છે. એમના સરળ સંદેશને લીધે જયંત દ્વારા દાયકાઓથી ઘણા સ્ટાર્સ ઉત્પન્ન થયા છે. એમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોથી આગળ વધીને સામાન્ય લોકો સુધી સંદેશ પહોંચાડ્યો. તેઓ ભાષણ આપતા ત્યાં મોટી સંખ્યામાં લોકો આવતા. લોકો આશ્ચર્યચકિત થતા કે જે મહાન વ્યક્તિ વિશે એમણે આટલું સાંભળ્યું હતું તે તો છેવટે તેમના પોતાના જેવા જ સરળ છે. જયંતનાં પુસ્તકો, લેખો અને વિજ્ઞાન સાહિત્ય વાર્તાઓને ખૂબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એમને મળેલો જાહેર પ્રેમ અને પ્રશંસા ખરેખર અનોખાં હતાં.
નારળીકરે અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ક્યારેક સંસ્કૃતમાં પણ અનેક પુસ્તકો અને લેખો લખ્યાં, જેનાથી વિજ્ઞાન સામાન્ય લોકો માટે સુલભ બન્યું. તેઓ વિજ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં દૃઢપણે માનતા અને તે કોઈ પણ સંશોધકની ફરજોમાંની એક ગણતા. આ કારણે એમણે શરૂઆતથી જ IUCAA પ્રવૃત્તિઓના મુખ્ય ભાગ રૂપે વિજ્ઞાનને લોકપ્રિય બનાવ્યું. ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં એમણે ‘બીજા શનિવારના જાહેર વ્યાખ્યાનો’ અને ‘શાળાનાં બાળકો માટે ઉનાળુ કાર્યક્રમ’ જેવી વિવિધ નિયમિત પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી દરમિયાન જનતા સાથે એમનો વાર્તાલાપ ‘વૈજ્ઞાનિકને પૂછો?’ દ્વારા દર વર્ષે સૌથી લોકપ્રિય કાર્યક્રમ બની રહેતો. તેઓ હંમેશાં આ કાર્યક્રમમાં હાજર રહેતા.
જયંત નારળીકર ૧૯૭૨માં ભારત આવ્યા અને મારે એમને સર્વ પ્રથમ મળવાનું ૧૯૭૭માં થયું. હું એ સમયે ભાવનગરમાં ગણિત અને વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો. પણ વાત એવી હતી કે પ્રોફેસર જે. કૃષ્ણરાવ અમારે ત્યાં પ્રોફેસર હતા, જે નારળીકર સાહેબના પિતા શ્રી વિષ્ણુ વાસુદેવ નારળીકરના વિદ્યાર્થી હતા. એમણે જયંતને ભાવનગર વ્યાખ્યાન માટે આમંત્રણ આપ્યું હતું. હવે નારળીકરનો એક ખાસ ગુણ એ હતો કે તેઓ નાની જગ્યાએ પણ જતા અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા. ભાવનગરમાં એમનું વ્યાખ્યાન એનું ઉદાહરણ છે. મને ત્યારથી જ સંશોધન અને વિશ્વરચના કેવી હશે આ વિષે જાણવામાં ખાસ રસ હતો. આથી સહજ રીતે એમને મળવાની વાત થઈ.
અમારી સર્વ પ્રથમ મુલાકાતની વાત રસપ્રદ છે. નારળીકર મુંબઈથી ભાવનગર પહોંચ્યા અને ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એમના ગેસ્ટ હાઉસમાં એમનો ઉતારો હતો. હજુ સવારે તો તેઓ આવ્યા અને તો હું તો ક્યાંકથી પૂછપરછ કરીને આ માહિતી મેળવીને ખરે બપોરે જ એમને મળવા પહોંચી ગયો! હું એક વિદ્યાર્થીના ઉત્સાહ અને જિજ્ઞાસા સાથે ત્યાં પહોંચ્યો હતો. મહેમાન આરામ કરી રહ્યા હશે એનું કંઈ ભાન કે વિચાર નહિ. મેં એમના રૂમનો દરવાજો ખખડાવ્યો. તેઓ આરામ કરી રહ્યા હતા કે સૂઈ ગયા હતા. પણ ઊભા થઈ થોડી વારમાં જ વિખરાયેલા વાળ અને ઊંઘરેટી થાકેલી આંખો સાથે એમણે દરવાજો ખોલ્યો. મારું સ્વાગત પણ કર્યું! મેં કહ્યું કે સર હું તમારી સાથે વાત કરવા માંગુ છું, મારે વિજ્ઞાન વિશે પ્રશ્નો છે, કેટલાક નવા વિચારો પણ છે.
એમણે મારી સાથે ગણિત વિશે વાત કરવાનું શરૂ કર્યું. તેમાં આગળ વધતાં, એમના એક ગણિતના અને સાપેક્ષવાદના પ્રશ્નનો ઉકેલ મારી પાસે હતો. જ્યારે મેં એમને તે ઉકેલ આપ્યો ત્યારે તેઓ ખૂબ ખુશ થયા કારણ કે એમનો એક વિદ્યાર્થી આ વિષય પર પીએચડી કરી રહ્યો હતો. તેથી એમણે મને કહ્યું કે તમે તો અમારી ઘણી મહેનત બચાવી લીધી છે. પછી એમણે કહ્યું કે હવે તમારે મુંબઈ આવવું જોઈએ. આપણે વધુ ચર્ચા ત્યાં કરીશું.
ગણિત અંગેની સમસ્યાનો ઉકેલ શોધી અપાતાં પ્રભાવિત થયેલા નારળીકરે મને મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ફેલોશિપ આપી. પછી તો મારે કેમ્બ્રિજ તથા અમેરિકા જવાનું પણ થયું. એ પછી ભારતમાં TIFRમાં આવવા માટે નારળીકર દ્વારા આમંત્રણ મળ્યું અને પછી તો ત્યાં જ વર્ષો સુધી સિનિયર પ્રોફેસર તરીકે મેં કાર્ય કર્યું.
શરૂઆતના દિવસોમાં જ અમારો સંબંધ ગાઢ બનવાનું બીજું એક વૈજ્ઞાનિક કારણ પણ હતું. જ્યારે નારળીકર ભારત આવ્યા અને જ્યારે તેમની મુલાકાતે હું મુંબઈ ગયો, ત્યારે હું એક મહિના માટે ૧૯૭૭માં ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન માટે રહ્યો હતો. તેથી જ્યારે અમે મળ્યા અને એમની સાથે સ્ટીફન હોકિંગ અને રોજર પેનરોઝના પુસ્તકની વાત કરી. ૧૯૭૩માં સમયે સ્ટીફન હોકિંગે એક મોટું પુસ્તક લખ્યું હતું, જે તેમની અને રોજર પેનરોઝની એક નવી શોધ વિષે હતું. બ્રહ્માંડમાં સર્જાતી એકલતા અથવા સિંગ્યુલારિટી વિશે તેમની આ શોધ હતી. આ કાર્ય માટે રોજર પેનરોઝને ૨૦૨૦માં નોબેલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો. મેં હોકિંગનું આ પુસ્તક અગાઉથી મંગાવીને તેનો મારી જાતે અભ્યાસ કર્યો હતો. હવે આ વિષે સમગ્ર વિજ્ઞાન જગતમાં બધે ભારે ઉત્સુકતા હતી. તો નારળીકરને પણ આ નવી શોધ અને તેમાં વિકસાવેલું નવું જ ગણિત શું છે તે જાણવાની ખૂબ ઇંતેજારી હતી. તેથી અમારી વાતચીત ખૂબ સારી રીતે આગળ ચાલી. નારળીકરના આટલા રસનું મુખ્ય કારણ એ જ હતું કે આ બ્રહ્માંડ વિજ્ઞાનમાં એક સંપૂર્ણપણે નવો આયામ હતો.
આ દિશામાં મારાં સઘળાં સંશોધનમાં બ્રહ્માંડ, બ્લેકહોલ અને જનરલ રિલેટિવિટી ઉપર અનેક ઉત્તમ કાર્ય થયાં. તેમાં પણ જયંત સાથે જે કાર્ય થયું તેના વિષે થોડી વાત કરીએ. અમારા કાર્યમાં અમે બ્લેક હોલ વિષે વિશેષ સંશોધન કર્યું છે. આ વિષે વધુ જાણવા માટે પ્રથમ તો બ્લેક હોલ એટલે શું તે સમજીએ.
બ્લેક હોલ એટલે અવકાશમાં એક એવી જગ્યા કે જેમાંથી કશું પણ બહાર ન આવી શકે, અરે પ્રકાશનું કિરણ પણ નહીં! એની સપાટી ‘ઈવેન્ટ હોરાઇઝન’ કહેવાય. સ્ટીફન હોકિંગ અને અન્ય પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો માનતા કે બધા મહાકાય તારાઓ જ્યારે એમની અંદરનું બળતણ ખૂટે એટલે સંકોચાય અને બહારથી ગ્રેવિટીનું દબાણ વધે એટલે ખૂબ સંકોચાઈને બ્લેકહોલમાં પરિવર્તન પામે. આપણી આકાશગંગામાં તો ૩૦૦ અબજથી વધુ તારાઓ છે. આ તારાઓનાં સંકોચન અને વિભાજનની પ્રક્રિયા સતત ચાલતી જ હોય છે. આથી આપણી આકાશગંગામાં કરોડો બ્લેકહોલ હોઈ શકે.
આપણો સૂર્ય પણ એક તારો જ છે. સૂર્યમાં જે ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે તે હાઇડ્રોજન પરમાણુઓના સંમિશ્રણને કારણે છે. અહીં પૃથ્વી પર, આપણે પરમાણુના ન્યુક્લિયસને તોડીને પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરીએ છીએ. પરંતુ સૂર્ય અથવા તારાઓમાં પરમાણુઓ ફ્યુઝ એટલે કે ભેગા થાય છે અને આ ગરમી, પ્રકાશ, ઉત્પન્ન કરે છે. પણ એક દિવસ એવો આવશે જ્યારે સૂર્યનું આંતરિક પરમાણુ બળતણ સમાપ્ત થઈ જશે. હમણાં તો સૂર્ય પાંચ અબજ વર્ષોથી જીવંત છે અને તેનું જીવન પણ હજુ લગભગ એટલું જ બાકી છે. પરંતુ એક દિવસ સૂર્યનું જીવન સમાપ્ત થશે. તેના બાહ્ય સ્તરો વિસ્તરશે અને તેઓ પૃથ્વી, બુધ અને બીજા ગ્રહો ને ગળી જશે. આ આપણા સમગ્ર સૌરમંડળનો અંત હશે અને સૂર્ય તે એક સફેદ વામન તરીકે ઓળખાતો એક પિંડ બની જશે. એક મૃત તારો બની રહેશે. એમાં કોઈ ગરમી કે પ્રકાશ નહીં હોય. પરંતુ જો કોઈ તારાનું દળ સૂર્ય કરતાં ૧૦ ગણું કે ૨૦ ગણું હોય, તો તે આવો સફેદ વામન બની શકતો નથી. કોઈ તારો જેનું દળ ખૂબ ઊંચું છે, તેનું દ્રવ્ય ખૂબ વધારે છે, તેથી ગુરુત્વાકર્ષણને કારણે તેનું સંકોચન ચાલુ જ રહેશે. પછી એક ધારણા કે કલ્પના એવી છે કે તે એક બ્લેક હોલ બનાવશે. આ બ્લેક હોલમાં શું થાય છે? તો આ તારાની સપાટીનું ગુરુત્વાકર્ષણ અતિશય મોટું થઈ જાય છે. તમે જાણો છો કે જો આપણે પૃથ્વી પરથી રોકેટ લોન્ચ કરવું હોય, તો ખૂબ જ મોટો વેગ આપવો પડે છે. જો તે વેગ ન આપવામાં આવે, તો રોકેટ ઊંચે જશે અને પડી જશે. આવી જ રીતે આ સંકોચાતા મહાકાય તારાનું ગુરુત્વાકર્ષણ એટલું વધી જાય છે કે પ્રકાશ પણ પછી તેમાંથી છટકી શકતો નથી, જેથી તે બિલકુલ જોઈ શકાતો નથી. આથી તે સંપૂર્ણપણે કાળો જણાય છે. જ્યારે આપણે કોઈ પણ તારાને જોઈએ છીએ ત્યારે તેને તેના પ્રકાશ દ્વારા જોઈએ છીએ. પરંતુ આ તો એક સાવ કાળો પ્રદેશ છે જેમાંથી પ્રકાશ પણ બહાર આવી શકતો નથી. તેથી તેને બ્લેક હોલ કહેવામાં આવે છે.
મેં અને નારળીકર સાહેબે આ બ્લેક હોલ પર અમારું કામ શરૂ કર્યું. વિખ્યાત વિજ્ઞાનીઓ સ્ટીફન હોકિંગ, રોજર પેનરોઝ પણ તેના પર કામ કરી રહ્યા હતા, તેઓ માનતા હતા કે જો કોઈ તારો છે, તો તેની બહાર કંઈ દ્રવ્ય નથી, કેવળ શૂન્યાવકાશ છે. આવું માનીને તેઓએ આખો બ્લેક હોલનો સિદ્ધાંત વિકસાવ્યો. પરંતુ અમે એ વાત સમજાવી કે બ્રહ્માંડ તો તારાઓથી ભરેલું છે. આ તારો છે પણ બીજા તારાઓ પણ છે. બીજાં અસંખ્ય તારાવિશ્વો છે અને તમે જ્યાં પણ દૂર જાઓ છો, ત્યાં ફક્ત તારાઓ અને તારાવિશ્વો જ છે, શૂન્યાવકાશ તો ક્યાંય છે જ નહિ! તો આ ફેરફાર કરીને અમે જે કંઈ કર્યું તેમાં અમે બ્લેક હોલ ભૌતિકશાસ્ત્રના સંપૂર્ણપણે નવા નિયમો શોધ્યા. અમારું આ પહેલું સહકાર્ય હતું. તે પછી તો અમે ઘણાં વર્ષોથી સતત સંપર્કમાં રહ્યા અને સારા મિત્રો પણ બની ગયા. આ એક યા બીજી ઘટનાઓ દ્વારા અમે ફ્રન્ટિયર કૉસ્મૉલૉજીની સમસ્યાઓ પર કામ કરતા રહ્યા છીએ.
એક વૈજ્ઞાનિક તરીકે જયંતનું વ્યક્તિત્વ ખૂબ જ સરળ હતું. એમણે એક નિયમ બનાવ્યો હતો કે તમે ગમે ત્યારે મારી ઑફિસમાં આવી શકો છો. તમારે મારા સાથે પહેલાં સમય નક્કી કરવો પડે તે જરૂરી નથી. તેઓ કહેતા કે જો હું વ્યસ્ત હોઉં તો હું કહીશ કે ભાઈ, આપણે ૧૦ મિનિટ પછી, અથવા અડધા કલાક પછી મળીશું, અથવા સવારે મળવાને બદલે બપોરે મળીશું. આ રીતે તેમની સાથે હંમેશાં વાત કરી શકાતી હતી. તેઓ હંમેશાં ઉપલબ્ધ રહેતા, સુલભ રહેતા.
બીજી વાત એ હતી કે એમનું વ્યક્તિત્વ તમને આનંદ પમાડે તેવું સુખદ હતું. તેઓ હંમેશાં કામને કેવી રીતે આગળ વધારવું, નવી શોધ કેવી રીતે કરવી તે વિશે વિચારતા. ઔપચારિકતાઓથી તેઓ દૂર જ રહેતા. એકવાર તમે એમની કાર્યપદ્ધતિ સમજી ગયા, તો પછી એમની સાથે કામ કરવું સરળ બની જતું. મને લાગે છે કે તેઓ ‘સમય-વ્યવસ્થાપન’ની કુદરતી વૃત્તિ સાથે જન્મ્યા હતા. જ્યારે તેઓ ડિરેક્ટર હતા ત્યારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા, પેપર્સ અને પુસ્તકો લખતા, IUCAA ગ્રેજ્યુએટ સ્કૂલ, પુણે યુનિવર્સિટીમાં નિયમિતપણે શિક્ષણ આપતા અને મોટી સંખ્યામાં જાહેર ભાષણો આપતા. મને હંમેશાં એ વાતથી આશ્ચર્ય થતું. એમની સાથે મિટિંગ નક્કી કરો ત્યારે તે બરાબર સમયસર શરૂ થતી અને નિર્ધારિત સમયની અંદર સમાપ્ત થતી. મિટિંગ દરમિયાન તેઓ ક્યારેય ઉતાવળ કરતા નહોતા. તેમ છતાં બધા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા અવશ્ય થઈ જતી અને મિટિંગ હંમેશાં સરળતાથી સમાપ્ત થતી. એમનાં વ્યાખ્યાનોમાં પણ હંમેશાં આ જ વાત થતી. નિર્ધારિત સમયમાં બધા જ મુદ્દાઓ શાંતિથી પૂરા થતા અને એમને ક્યારેય સમય ઓછો પડતો નહીં!
૧૯૮૮ પછી નારળીકર પુના ગયા અને આયુકાનું કાર્ય એમણે ડાયરેક્ટર તરીકે સાંભળ્યું. IUCAAમાં ફાઉન્ડર મેમ્બર તરીકે જોડાવા માટે એમણે મને આમંત્રણ આપ્યું પરંતુ કૌટુંબિક કારણોસર મેં મુંબઈ રહેવાનું પસંદ કર્યું. પરંતુ અમારા વૈજ્ઞાનિક તથા અન્ય મૈત્રી પૂર્ણ સંબંધો તો હંમેશાં અને છેક સુધી ચાલુ જ રહ્યા અને અવારનવાર મળવાનું થતું.
મારા તથા મારા વિદ્યાર્થીઓ અને સાથીદારોના કાર્યમાંથી જે ફાયરબોલ અથવા ‘નેકેડ સીન્ગ્યુલારિટી’નો સિદ્ધાંત ઊભરી આવ્યો છે તેમાં પણ નારળીકર સતત ઊંડો રસ લેતા. અમારી આ નવી શોધ તે અગ્નિગોલકની ઘટના કહી શકાય. સ્ટીફન હોકિંગ અને રોજર પેનરોઝે એવી ધારણા કરી હતી કે જ્યારે સૂર્યના કદ કરતાં ૧૦-૨૦ ગણા મહાકાય તારાઓ પોતાના અંદરનું બળતણ ખલાસ થતા સંકોચાશે, ત્યારે કેવળ અને કેવળ અને હંમેશાં એક બ્લેક હોલ જ બનશે. અહીં મૂળ પ્રશ્ન એ છે કે જ્યારે તારો સંપૂર્ણપણે સંકોચાય છે ત્યારે તારાનો અંત શું છે?
આ સંદર્ભે હોકીંગ તથા પેનરોઝથી એક ડગલું આગળ જઈને અમારા કાર્ય દ્વારા એક નવી વાત બહાર આવી છે. અમારો સુધારો એ છે કે ગુરુત્વીય સંકોચનમાં આવા તારાઓ બ્લેક હોલ બનવાને બદલે, તે અંતિમ સ્થિતિમાં એક વિસ્ફોટ થશે, જેને તકનિકી રીતે નેકેડ સિંગ્યુલારિટી કહેવામાં આવે છે. આ સમગ્ર બાબતમાં અને આ થિયરીની રચનામાં મને આપણા પ્રોફેસર પ્ર. ચુ. વૈદ્ય, જયંત નારળીકર, કોલકાતાના વિખ્યાત વિજ્ઞાની અમલ કુમાર રાયચૌધરી વગેરેનાં ઉત્સાહસભર સલાહ-સહકાર મળ્યાં છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના આધારે જ આ સિદ્ધાંત અને કાર્ય થયું છે, જેના પર આજે તો વિશ્વભરના ઘણા વિજ્ઞાનીઓ કામ કરી રહ્યા છે. આ કાર્યના સંદર્ભો તથા ચર્ચાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણાં આગળ વધી રહ્યાં છે. આ કાર્ય તથા સંશોધનની સ્વીકૃતિ આજે તો વિશ્વસ્તરે વધતી ગઈ છે. જેમ સ્થિર-સ્થિતિ અને મહાવિસ્ફોટની વાત આપણે આગળ કરી, તેવી જ રીતે બ્લેક હોલ અને અગ્નિગોલક એ આજના કૉસ્મૉલૉજીમાં નવા વિકાસ અને આયામો તરીકે બહાર આવ્યા છે. વિજ્ઞાનની મજા એ છે કે આપણે હંમેશાં નવું વિચારીએ છીએ. કંઈપણ ક્યારેય બંધિયાર હોતું નથી.
નારળીકરની સાથે ઘણા નજીકથી કામ કરવાની તક મને મળી છે. જ્યારે હું ૧૯૭૭માં પહેલી વાર મુંબઈ ગયો, ત્યારે એક વાર એમણે મને એમના ઘરે બપોરે જમવા માટે આમંત્રણ આપ્યું. જો કોઈ અમારી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચમાં જાય તો તેની કેન્ટીન પણ ખૂબ સારી છે. પરંતુ નારળીકર, તેમની ખાસ વાત એ હતી કે તેઓ હંમેશાં અંગત સંપર્ક ઊભો કરતા. તેથી હું એમના ઘરે જમવા ગયો. એમના ઘરે મહારાષ્ટ્રીયન શૈલીનું ખૂબ સરળ અને સરસ વાતાવરણ હતું. તેમાં રસપ્રદ ઘટના એ હતી કે થાળી પીરસવામાં આવી, પરંતુ નારળીકર સાહેબની જમવાની ગતિ તો ખાસી ઝડપી હતી! બીજી બાજુ મારી ખાવાની ગતિ ખૂબ જ ધીમી હતી. મેં મારી અડધી રોટલી પણ પૂરી કરી ન કરી અને એમણે તો પોતાનું ભોજન પૂરું કર્યું! એમણે બધું પૂરું કર્યું અને પછી શાંતિથી બેઠા. હું તો ખૂબ જ જુનિયર વિદ્યાર્થી અને સંકોચ પણ અનુભવ્યો. તો એમણે તરત જ મને કહ્યું કે હું તો ઝડપથી ખાઉં છું, પણ અહીં આપણે વિજ્ઞાન વિશે જ વાત કરી રહ્યા છીએ, તેથી તમે આરામથી ખાઓ અને તમારો સમય લો, સાથે જ આપણે વાત પણ કરતા જઈએ! તો જમ્યા પછી, અમે બેઠા પણ ખરા, પણ આ બધામાંથી મને સમજાઈ જતું કે આપણે કેટલી કાર્યક્ષમતા જાળવી રાખવી પડશે, આપણે એમને કેવા પ્રકારનો સહકાર આપવો પડશે.
વિશેષ તો પછી એમનો પરિવાર, અને ખાસ તો એમનાં માતા-પિતા સાથે પણ મારે અંગત સંબંધો બંધાયા. બન્યું એવું કે જયંતને વિદેશ જવાનું આમંત્રણ મળ્યું. તેઓ ૮-૧૦ મહિના માટે અમેરિકા ગયા. એમનાં માતા-પિતા ત્યારે મુંબઈમાં જ હતાં. તેથી દર રવિવારે મારે ત્યાં જવાનું અને અમારે મળવાનું નક્કી થયું. આમ રવિવારે અને પછી તો વચ્ચે પણ અમે મળતા હતા.
આમ આવી વિરલ વ્યક્તિ સાથે મારો અંગત સંબંધ રહ્યો. આજે ભલે દેહ રૂપે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ એમના વિજ્ઞાનના પ્રદાનથી તેઓ આપણી સાથે શાશ્વત રીતે જોડાયેલા રહેશે.
E.mail : psjcosmos@gmail.com
સૌજન્ય : “નવનીત સમર્પણ”; જુલાઈ 2025; પૃ. 56-68