અમે ભારતના લોકો
બંધારણમાં આમુખથી લઈને
દરેક સ્થાને કેન્દ્રમાં હોઈએ છીએ
પણ બંધારણની બહાર
ક્યારે ય નથી હોતા
અમે ભારતના લોકો.
આ બંધારણમાં
ચમત્કારિક રીતે
અમને એકસૂત્રે બાંધ્યા છે
બંધારણવિદોએ
બાકી એક્મેકથી
જોજનો દૂર
પોતપોતાની જ ભ્રમણકક્ષામાં ભમતા
રાહુ-કેતુ જેવા છીએ
અમે ભારતના લોકો!
આ દેશ બંધારણ પ્રમાણે નહીં
પણ ગ્રહો નક્ષત્રો
જ્યોતિષીઓ-નજૂમીઓ 
અને ભગવાન ભરોસે જ ચાલે છે
એવું ઊંડી શ્રદ્ધાથી માનીએ છીએ
અમે ભારતના લોકો.
સર્વોચ્ચ ન્યાયાલયમાં
બંધારણની અવમાનના
રાષ્ટ્રદ્રોહ
કૌભાંડો
ધાર્મિક હિંસા
નરસંહાર
એવી કોઈપણ બાબતે મુકદમા ચાલે ત્યારે
સહેજ પણ બચાવની તક વિના
આરોપી તરીકે પહેલી કતારમાં હોઈએ છીએ
અમે ભારતના લોકો. 
આંધ્રમાંથી તેલંગાણા થાય
કે થાય એક ઘાએ
કાશ્મીરના ત્રણ ટુકડા –
વતનમાં જ બેવતનીની પીડા
પેટમાં ભૂખ અને મુઠ્ઠીમાં જીવ લઈ
પોતાનું વજૂદ સિદ્ધ કરવા
બદલાતા નકશામાં મથીએ
અમે ભારતના લોકો.
દેશમાં છે કોઈ જગ્યા બાકી
ગાંધી નહેરુ સરદાર બોઝ
આંબેડકર ફુલે કાંશીરામ
શ્યામાપ્રસાદ સાવરકર ગોળવલકર આદિ આદિ રાષ્ટ્ર નિર્માતાઓનાં  પૂતળાં  વિનાની?
પૂતળાંઓની વિરાટ રાજનીતિનાં એક ખૂણે
કોટિ કોટિ જીવંત પ્રતિમાઓ થઈ
ઊભા છીએ અવાક
અમે ભારતના લોકો.
જી હા
એકસો ત્રીસ કરોડ,
સત્તા માટેની બહુમતીમાં
ગુણાતી ભાગાતી
રાજકીય પક્ષોની અનુકૂળતા પ્રમાણે
બાદ થતી
ઉમેરાતી 
માત્ર એક સંખ્યા છીએ
એકસો ત્રીસ કરોડ
અમે ભારતના લોકો.
જેમ રકમના હવાલા પડે
એમ
ક્યારેક બાંગ્લાદેશ-પાકિસ્તાનથી
ક્યારેક તિબેટ-નેપાલથી
ક્યારેક શ્રીલંકા-થાઇલેન્ડથી
કાયદાની કલમ
કે બંદૂકના ગોદે
કલકત્તા ગૌહતિ મુંબઈ ચેન્નઈ દિલ્હીમાં
લોકતંત્રની માંગ અને પુરવઠાની શરતે
આવી પડીએ છીએ
અમે ભારતના લોકો.
ચૂંટણી પછીના રાજ્યાભિષેક ઉત્સવો વખતે 
ઘૂસણખોર તરીકે 
ઢોલ-ત્રાંસા તુરહી શંખનાદ સાથે
બલિ સ્વરૂપે
હર્ષોલ્લાસમાં હણાઇએ છીએ
ત્યારે નથી હોતા
અમે ભારતના લોકો.
લોહી રેડી કમળ ખિલવીએ
માંસમજ્જા સીંચી
મજબૂત કરીએ વિરાટ  હાથ,
સાઇકલ ખેંચવાની
વેંઢારીએ હાથીના ભાર,
હાડ ગાળીને
બનાવીએ દાતરડાં તીર કમાન
કાગડા કૂતરાને મોતે મરીએ
કોઈ ઉચ્ચતમ મૂલ્ય માટે નહીં
ક્ષુલ્લક સત્તાકારણ કાજે
અમે ભારતના લોકો.
જે આવે
અમારા મતથી જ આવે
ચલાવે પોતાની મનમરજી અમારા પર!
આવા કેવા સ્વતંત્ર 
અનેકોની ગુલામી કરવા
અમે ભારતના લોકો?
૧૦-૦૮-૨૦૨૦
ભોપાલ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2020; પૃ. 15
 

