આ વખતે જેલમાં મેં થોડું લેખનકાર્ય પણ કર્યું. એમ તો ૧૯૩૦ની સાલમાં પણ મેં થોડુંક લખવાનો પ્રયાસ કરેલો, પણ એ પૂરો થઈ શક્યો નહોતો. અને જે થોડું ઘણું લખેલું એ પાછળથી ખોવાઈ ગયું. પાકિસ્તાન સંબંધી મેં થોડો અભ્યાસ કર્યો હતો. જેલમાં જઈને મને એનો વધારે અભ્યાસ કરવાનું મન થયું. પાકિસ્તાનના પક્ષમાં લખાયેલી કેટલીક ચોપડીઓ મેં મગાવી લીધી. એ વાંચ્યા પછી મને વિચાર આવ્યો કે પાકિસ્તાનની માગણી જેને આધારે કરવામાં આવે છે તે આધાર કેટલે સુધી સાચો છે એ જોવું જોઈએ. ત્યાર પછી વિચાર આવ્યો કે મુસ્લિમ લીગ પાકિસ્તાન શેને કહે છે; એ માગણી સ્વીકારવા જો કોઈ તૈયાર થાય તો એને શું આપવું પડે અને મુસ્લિમ લીગને શું મળે; તથા પાકિસ્તાન પોતાના પગ ઉપર ઊભું રહી શકે કે કેમ તે બધું તપાસવું જોઈએ. છેવટે મને થયું કે આ બાબત વિશે કંઈક લખી શકાય એમ છે ખરું. જો કે, અમે બધા જેલની બહાર ક્યારે નીકળી શકશું અને હું જે કાંઈ લખીશ એ કોઈ દહાડે છપાશે કે કેમ એ વાતની કંઈ ખબર ન હતી, પણ બીજા સમજી શકે એવી રીતે મારા પોતાના વિચારોને સ્પષ્ટપણે લિપિબદ્ધ કરી દેવાનું મને યોગ્ય લાગ્યું. એટલે મેં થોડું લખી નાખવાનું નક્કી કર્યું. મને એમ લાગ્યું કે જો દેશની સમક્ષ, ખાસ કરીને મુસલમાન સમક્ષ આ બધી વાત આવે તો વધારે ઊંડું અધ્યયન કર્યા પછી જેમ મને થયું છે તેમ એમને પણ એના વહેવારુપણા વિશે શંકા થશે. એટલે મેં એનું અવહેવારુપણું દર્શાવવા એ બધી માહિતી લિપિબદ્ધ કરી લેવાનું નક્કી કર્યું. જ્યારે પાકિસ્તાનનું અવહેવારુપણું સિદ્ધ કરનારો ભાગ લખાઈ ગયો ત્યારે એ કયે આધારે માગવામાં આવે છે એ પણ લખવું યોગ્ય લાગ્યું. એટલે હિંદુસ્તાનમાં, હિંદુ-મુસલમાનનાં બે રાષ્ટ્રો છે, તેથી એના વિભાગ પાડીને બે સ્વતંત્ર દેશ અથવા રાષ્ટ્ર સ્થાપિત કરવાં જોઈએ, એ મુદ્દા પર લખવું પડ્યું. આમ, જેમ જેમ લખતો ગયો તેમ તેમ ચોપડીનું કદ વધતું ગયું. કામ બહુ ઝડપથી થતું નહોતું. એક તો એટલો સાજો ન હતો કે ઝાઝી મહેનત કરી શકું. જ્યારે માંદો પડતો ત્યારે મહિનાઓ લગી કશું વાંચી પણ શકતો નહોતો. જ્યારે તબિયત સારી રહેતી ત્યારે વાંચતો લખતો. ઉતાવળ કરવાની કાંઈ જરૂર જણાતી ન હતી, કેમ કે જેલમાં હોઈએ ત્યાં સુધી કોઈ પુસ્તક બહાર પાડવાની રજા મળશે એવી તો આશા નહોતી, વળી છૂટવાનો પણ કોઈ ઉપાય જણાતો ન હતો. એટલે થોડું થોડું લખતો હતો.
એટલામાં એક સાથી જેલમાંથી છૂટીને બહાર ગયો. એણે છાપાંવાળાઓને ખબર આપી કે હું પાકિસ્તાન વિશે એક ચોપડી લખી રહ્યો છું. એ વાત જાહેર થઈ ગઈ. સરકારી અમલદાર ક્યારેક ક્યારેક જેલમાં આંટો મારતા હોય છે. કમિશનર આવ્યા. એમણે મને પૂછ્યું કે એ ચોપડી ક્યાં સુધી લખાઈ રહી છે? મેં કહ્યું કે લગભગ પૂરી થઈ છે. એમણે એ જોવા માગી. મેં હાથે લખેલી નોટબુક તેના હાથમાં મૂકી દીધી. એક તો મને કંઈક ઝીણા નાના અક્ષરે લખવાની ટેવ છે, અને બીજું કાગળની તંગીને લીધે મેં પાનાંની બેઉ બાજુએ લખ્યું હતું. ચોપડી કટકે કટકે લખાઈ હતી એટલે જ્યાં કંઈ નવી વાત સૂઝી જતી અથવા કોઈ નવી ચોપડીમાંથી મળી આવતી તો એને સરખી રીતે ગોઠવી દેતો; આમ એની અંદર થોડા ઘણા હાંસિયા મૂક્યા હતા એ પણ સાવ ભરચક થઈ ગયા હતા અને ક્યાંક તો અક્ષર ઉકેલવાની સગવડને ખાતર જુદા રંગની શાહી પણ વાપરવી પડી હતી. એટલે કોઈ બીજા માણસને માટે હાથનું લખેલું એ પુસ્તક વાંચવું સારી પેઠે મુશ્કેલ હતું. કમિશનરે સવાલ કર્યો કે આ ચોપડી છપાવવાનો ઇરાદો છે કે? મેં જવાબમાં કહ્યું કે જો સરકાર છૂટ આપશે તો છપાવવામાં આવશે. એટલે એમણે કહ્યું કે પુસ્તક તપાસ્યા વિના સરકાર રજા નહીં આપે અને આ હાથનું લખાણ જે હાલતમાં છે એ હાલતમાં સરકારને સારુ એ ચોપડી તપાસવી મુશ્કેલ છે. સરકાર તો ટાઇપ કરાવેલી નકલ જ તપાસી શકશે. એટલે પછી મેં કહ્યું કે ટાઇપ કરાવવાનું સાધન મારી પાસે નથી, જો સરકાર એ સગવડ આપશે તો હું ટાઇપ કરાવી લઈશ.
આ વાતચીત થયા પછી સરકારને મેં લખ્યું કે મને ટાઇપ કરાવવાની સગવડ આપવામાં આવે અને સરકાર એને માટે ત્રણમાંથી ગમે તે એક રીતની છૂટ આપે. પહેલી રીત એ કે મારા સહાયક શ્રી ચક્રધરશરણ જેઓ મારા અક્ષર સારી રીતે ઓળખે છે તેમને ટાઇપ કરવાની તક આપે. તેઓ એ વખતે છૂટી ગયા હતા એટલે તેઓ જેલમાં આવી શકે તેમ નહોતું અને એમની જોડે મને મુલાકાત પણ મળી શકે તેમ નહોતું. સરકારની પરવાનગી ન મળે ત્યાં સુધી ચોપડીને પણ બહાર મોકલી શકાય તેમ નહોતું. બીજી રીત એ હતી કે સરકાર પોતાના કોઈ નોકરને આ કામ માટે નીમે અને એનો જે ખર્ચ થાય તે હું આપું. ત્રીજી રીત એ હતી કે જો ટાઇપ જાણનાર કોઈ કેદી હોય તો એને બાંકીપુરની જેલમાં તેડાવી લેવામાં આવે અને એ ટાઇપ કરી આપે. વિચાર કરતાં મને યાદ આવ્યું કે એક કૉંગ્રેસ કાર્યકર્તા અને જમશેદપુર લેબર યુનિયનના મંત્રી શ્રી માઇકલ જૉન ટાઇપ કરવાનું જાણે છે અને તેઓ હિલચાલને અંગે આ વખતે બીજી વાર પકડાઈને અને સજા પામીને હજારીબાગ જેલમાં આવ્યા છે. મેં લખ્યું કે જો એમને બાંકીપુર લાવવામાં આવે તો તેઓ આ કામ કરી શકશે. મેં જણાવ્યું કે આ ત્રીજી રીત જ વધુ સગવડભરી છે, કેમ કે એટલું બધું ઝીણું ને ખીચોખીચ લખાયું હતું કે ટાઇપ કરનારને એ વાંચવામાં બહુ મુશ્કેલી નડે ને એને વારેઘડીએ મને પૂછવું પડે. તેથી જો એ મારી પાસે રહે તો સગવડ થાય. એ ઉપરાંત એક ફાયદો એ પણ થાય કે સરકારની મંજૂરી મળ્યા પહેલાં કોઈ પણ માણસને એ પુસ્તક જોવાની તક ન મળે.
સરકારે મારી વાત માન્ય રાખી અને શ્રી જૉનને બાંકીપુર જેલમાં મોકલી આપ્યા. એમણે ઘણી મહેનત લઈને મેં લખ્યું હતું તેટલું ટાઇપ કરી આપ્યું. જોગાનુજોગ એવો બન્યો કે ૧૯૪૫ના જૂનની ૧૪મીની સાંજે એ કામ પૂરું થયું, અને એ જ દિવસે રાત્રે ખબર મળી કે કાલે એટલે પંદરમી જૂનની સવારે મને છોડી દેવામાં આવશે. હવે એ પ્રશ્ન ઊભો થયો કે હાથની લખેલી અને ટાઇપ કરેલી નકલોનું શું કરવું? એ બંને પુસ્તકને મારી સાથે બહાર લઈ જવા દેશે કે સરકાર એને તપાસી લીધા પછી બહાર લઈ જવા દેશે? સરકારની રજા વિના સુપરિન્ટેન્ડેન્ટ પોતાની જવાબદારી ઉપર એ ચોપડીને બહાર લઈ જવા દેવાની છૂટ આપવા તૈયાર નહોતો, પણ સરકારને પુછાવતાં એના તરફથી લઈ જવાની રજા મળી. આમ જ્યારે બહાર આવ્યો ત્યારે તૈયાર ચોપડી લઈને બહાર આવ્યો.
… જેલમાં મેં એક વસ્તુ બીજી પણ લખી. સને ૧૯૪૦માં હવાફેર માટે સીકર (જયપુર રાજ્ય) ગયેલો ત્યારે મને એક દિવસે મારાં “સંસ્મરણો” લખવાનું સૂઝ્યું અને લખવાનું શરૂ પણ કરી દીધું. કોઈને મેં એ વાત જણાવી નહીં. મારી સાથે રાતદિવસ રહેનારા મથુરાબાબુને પણ કેટલાક દિવસ સુધી ખબર ન પડી કે હું કંઈક લખી રહ્યો છું. મને ટેવ છે કે પરોઢિયે ચાર સાડાચાર વાગ્યે જાગી જાઉં છું. એ જ વખતે ઊઠીને રોજ કંઈક ને કંઈક લખી કાઢું છું, અને બીજા જાગે એ પહેલાં લખવાનું પૂરું કરી દઉં છું. સીકરમાં થોડું લખાયું, ત્યાંથી પાછા ફર્યા પછી વખત ન મળ્યો. બે વરસ પછી જેલમાં મારી તબિયત સુધરી ત્યારે મારા ત્યાંના સાથીઓએ મને એ લખાણ પૂરું કરવાનું કહ્યું. મેં ક્યાં લગી લખેલું એ મને બરાબર યાદ નહોતું. ઘેરથી હસ્તલિખિત પ્રત મગાવવી ઠીક ન લાગી, કેમ કે છૂપી પોલીસના તપાસ્યા વિના મને કોઈ પણ ચીજ મળી શકતી ન હતી, અને એ વાંચી જાય તોયે એને અંદર લાવવાની રજા સરકાર આપે કે નહીં તે એક સવાલ હતો. એટલે મને સીકરનું લખાણ જ્યાં સુધી લખાયાનું યાદ હતું ત્યાંથી મેં આગળ લખવા માંડ્યું. ધીમે ધીમે કરીને એ ઘણુંખરું લખાઈ ગયું. ઘણેભાગે પૂરુંયે થઈ જાત, પણ પછી મારે બધો સમય इन्डिया डिवाइडेडમાં જવા લાગ્યો, એટલે સંસ્મરણનું કામ રહેવા દીધું.
[‘મારી જીવનકથા : રાજેન્દ્રપ્રસાદ’માંથી]
પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 152-154