આપણે ગયા સપ્તાહે આ કોલમમાં વાંચ્યું હતું કે કોરોના વાઈરસની મહામારી કેવી રીતે દુનિયાની સરકારોને તેના નાગરિકોની જાસૂસી કરવાનો અવસર પૂરો પાડવાની છે. આ મહામારી માનવ જીવનના ઇતિહાસમાં એક પછી એક મોટા બદલાવ લાવવાની છે. મેડિકલ સાયન્સ સામે એક નવો જ પડકાર ઊભો થયો છે. અનેક અર્થવ્યવસ્થાઓ આજે બેવડ વળી ગઈ છે અને દુનિયા તેમાંથી ઉભરશે, ત્યારે નવા સરવાળા-ભાગાકાર થશે. અંતરરાષ્ટ્રીય સમીકરણો બદલાઈ જશે. વૈશ્વિકીકરણની દિશા ફંટાઈ જશે. લોકો જે છૂટથી પરદેશોમાં ઊડાઊડ કરતા હતા, તેમાં બ્રેક વાગશે. એકબીજાને મળવાની, હાથ મિલાવવાની અને આલિંગનો આપવાની પરમ્પરા બદલાઈ જવાની છે. આપણે અહીં, અમુક હપ્તાઓ સુધી એ જોવાનો પ્રયાસ કરીશું કે આપણે જે દુનિયાને ઓળખીએ છીએ, તે કોરોના વાઇરસના કારણે કેટલી અને કેવી બદલાઈ ગઈ હશે. આજે એમાં ચીનની વાત.
એક બાબતમાં કોઈને ગૂંચવાડો નથી. કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરની દેન છે. વુહાન શહેરમાં, આ વાઈરસ જાનવરમાંથી મનુષ્યમાં આવ્યો ના હોત અને વુહાનના મનુષ્યોમાંથી તે અંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ મારફતે દુનિયામાં પહોંચ્યો ન હોત, તો આજે દુનિયાનાં શટર પડેલાં ના હોત અને (આ લખાય છે ત્યારે) ૭૦,૦૦૦ મોત થયાં ના હોત અને ૧૨ લાખ લોકો સારવાર માટે ઝઝુમતા ના હોત.
આ કમબખ્તીને લઈને દુનિયામાં ચીન પ્રત્યે ભયંકર રોષ છે. એક મોટો વર્ગ આ મહામારીને ચીનનું કાવતરું માને છે. તેનું કારણ એ છે કે ચીન, બાકીની દુનિયાની જેમ, પારદર્શક નથી. તે તમામ પ્રકારની માહિતીઓ, સમાચારો, તથ્યો અને ત્યાં સુધી કે અભિપ્રાયોનું પણ નિયંત્રણ કરે છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી એટલું જ દુનિયાને જાણવા દે છે, જે તે ઈચ્છતી હોય. કોરોના વાઇરસ માટે પણ એવું કહેવાય છે જે ચીને બાકીની દુનિયાને અંધારામાં રાખી હતી. શક્ય છે કે ચીન ખુદ વુહાનની અસલિયતમાં ધોખો ખાઈ ગયું હોય, પણ એ હકીકત ય આપણને જાણવા નહીં મળે.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જીભ બહુ લાંબી છે અને તેમના વિરોધીઓ, ટીકાખોર મીડિયા કે ઈસ્લામિક આતંકી સંગઠનો માટે તે મનમાં આવે તે બોલી નાખે છે, પરંતુ કોઈને એવી કલ્પના ન હતી કે તેઓ ચીનથી અકળાઈને કોરોના વાઈરસને ‘ચાઇનીઝ વાઈરસ’ કહેવાનું ચાલુ કરી દેશે. ચીનના લોકો ભળતું-સળતું ખાઈને બીમારીઓ ફેલાવે છે, તેવા સાધારણ લોકોના પૂર્વગ્રહનો જ આ પડઘો હતો, પરંતુ એક જવાબદાર વડા તરીકે તમે કોઈ બીમારીને કોઈ પ્રજા કે ધર્મનું નામ ના આપી શકો. એવી વાત હતી, જેમ હિટલરના નાઝીઓએ જર્મન પ્રજાની બીમારીઓ માટે યહૂદીઓ સાથેના તેમના રોટી-બેટીના વ્યવહારોને જવાબદાર ઠેરવ્યા હતા અને જર્મન પ્રજાનું લોહી ‘શુદ્ધ’ કરવા માટે ૬૦ લાખ યહૂદીઓને મારી નાખ્યા હતા.
એનાથી ચીન અકળાયું એટલુ જ નહીં, ટ્રમ્પે એવી રોતે ખીજવવાનું પડતું મૂકીને ચીનના પ્રેસીડેન્ટ ઝીનપિંગ સાથે ઓનલાઈન ચર્ચા કરી અને તેમનો ખભો થાબડતી ટિવટ પણ કરવી પડી. આ ચર્ચાના બે દિવસ પછી, શાંઘાઈથી એક વિમાન અમેરિકાના જે.એફ.કે. એરપોર્ટ પર ઊતર્યું. તેમાં ૧.૨ કરોડ હેન્ડ ગ્લોવ્ઝ, ૧,૩૦,૦૦૦ એન-95 માસ્ક, ૧૭ લાખ સર્જીકલ માસ્ક, ૫૦,૦૦૦ ઓપરેશન ગાઉન્સ, ૧,૩૦,૦૦૦ સેનિટાઇઝર્સ અને ૩૬,૦૦૦ થર્મોમીટર હતાં. અમરિકાના ઇતિહાસ કોઈ દેશે આટલી મદદ કરી હતી, અને તે દેશ બીજો કોઈ નહીં પણ ચીન હતો.
વિચાર કરો કે આખી દુનિયા, અને ખાસ કરીને મહાશક્તિ અમેરિકા, કોરોના વાઈરસના મારથી બેવડ વળી ગઈ હોય અને તેને ચીન ખુદ મદદ કરતું હોય, તે કેવી વક્રતા કહેવાય. એમાં ચીનની તાકાત પણ સાબિત થઇ છે. પોતે તો ઘરઆંગણે (૮૧,૦૦૦ પોઝીટીવ કેસ અને ૩,૦૦૦ મોત સાથે) કોરોના સામે લડતું જ હતું, પણ તે સાથે યુરોપ અને એશિયાના દેશોને ય કોરોના સામે લડવા માટે લાખોની સંખ્યામાં મેડિકલ વસ્તુઓ મોકલીને વૈશ્વિક સંબંધો મજબૂત કરી રહ્યું હતું. ચીનની સહાય મેળવનાર દેશોમાં અમેરિકા ઉપરાંત ઇટલી, મલેશિયા, ઝેકોસ્લોવાકિયા, ક્રોએશિયા, સરબિયા અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે.
ઇટલીમાં ચીનનો મેડિકલ સમાન ખડકાતો હતો, તેના સમાચાર ફ્લેશ થઇ રહ્યા હતા, ત્યારે અમેરિકા ચૂપચાપ ઇટાલીમાં બનેલાં ૫૦,૦૦૦ ડાયોગ્નેટીક સ્વાબ મંગાવી રહ્યું હતું અને દક્ષિણ કોરિયા પાસેથી ટેસ્ટ કીટ્સ મેળવવા ટ્રમ્પ ફોન પર મંત્રણાઓ કરતા હતા. ૨૦૧૪માં ઇબોલાની મહામારી ફેલાઈ હતી, ત્યારે વેસ્ટ આફ્રિકામાં મેડિકલ સહાય, સૈનિકો અને અન્ય પુરવઠા મોકલીને અમેરિકા વિશ્વ નેતાના નાતે સૌથી મોખારે હતું. દુનિયામાં ક્યાં ય પણ કોઈ મોટી રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય અપદા આવી હોય, અમેરિકાની સૌની આંખે ઊડીને વળગે તેવી ભૂમિકા રહી છે.
કોરના વાઈરસમાં દુનિયાના નકશા પરથી અમેરિકા ગાયબ હતું, અને ચીન મદદ માટે હાથ લંબાવતું હતું. એ એક મોટો બદલવા દુનિયાએ જોયો અને આવનારા દિવસોમાં જોશે. યુરોપિયન યુનિયનના ભૂતપૂર્વ નીતિ-સલાહકાર અને ઇટાલિયન ઇન્સ્ટિટયુટ ફોર ઇન્ટરનેશનલ અફેર્સના ડિરેક્ટર નથાલી ટોસીએ કહ્યું હતું, “મને જે આશ્ચર્ય થયું તે કોરોના વાઈરસની અંતરરાષ્ટ્રીય ચર્ચાઓમાં અમેરિકાની તદ્દન ગેરહાજરી હતી. જાણે નકશા પરથી અમેરિકા ઊડી ગયું છે અને ચીન બેસી ગયું છે.”
લંડનની રોયલ યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટયુટની ડિરેક્ટર એલિઝાબેથ બ્રાવ કહે છે, “દુનિયામાં અમેરિકાની નેતાગીરીને ૨૦૦૩માં ઈરાક પરના આક્રમણે જેટલું નુકશાન નોતું કર્યું, તેટલું નુકશાન કોરોના વાઈરસની કટોકટી કરવાની છે. ૨૦૦૩માં ચીન દૂર-દૂર સુધી ય દેખાતું ન હતું. વૈશ્વિક નેતાગીરીની જબબદારી લેવા તે તૈયાર ન હતું. આજે તેણે બતાવી દીધું છે કે અમેરિકા પગથિયાં ચૂકીને પડશે કે તરત કમાન હાથમાં લેવા ચીન તૈયાર છે. ચીનના મિત્ર દેશો હવે એ અપેક્ષાએ તેની તરફ જોશે.”
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં કોરોના વાઇરસની મહામારીનો જે (ખરાબ) રીતે સામનો કર્યો છે, તેનાથી અમેરિકાની ક્ષમતા પર પણ સવાલો ઊભા થયા છે. અમેરિકા એક સમયે દુનિયાનું રોલ-મોડેલ હતું. આજે આ પહેલી એવી કટોકટી છે, જેમાં દુનિયા ચીને કેવી રીતે વુહાનમાં મહામારીને અટકાવી દીધી અને કેવી રીતે બીજા દેશોને મદદ કરી, તેના ગાણાં ગાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર સ્ટેફન વાલ્ટનો તર્ક છે કે દુનિયામાં અમેરિકાની જે વગ હતી, તેમાં તેની મુસીબતોને પહોંચી વળવાની ક્ષમતાની પણ એક ભૂમિકા હતી. આજે તાકાતનો એ થાંભલો નમી રહ્યો છે.
ફોરેન પોલિસી નામની પત્રિકામાં, ‘ધ ડેથ ઓફ અમેરિકન કોમ્પિટન્સ’ શીર્ષક હેઠળ એક લેખમાં વાલ્ટ લખે છે, “અમેરિકાને ફરીથી ગ્રેટ બનાવવાની વાત તો બાજુમાં રહી, આ કોરોના વાઇરસનો સામનો કરવાના તેના મહાન બ્લંડરથી એક કાર્યક્ષમ દેશ તરીકેની તેની છબી તુટવાની છે.”
કોરોના વાઈરસની બીમારી ‘ફેલાવવા’ માટે થઈને દુનિયા આખી ચીનને સદીઓ સુધી કોસતી રહેશે, પણ સાથે-સાથે ડાહ્યા લોકો એ વાતની નોંધ લેવાનું પણ નહીં ચૂકે કે ચીને અત્યંત અસરકારક અને સફળતાપૂર્વક નિશ્ચિત સમયની અંદર તેનું ઘર ઠીક કરી દીધું હતું અને એક નેતાને છાજે તેમ પડોશીઓના ઘરને ઠેકાણે પાડવા આગેવાની લીધી હતી. હિન્દીમાં કહે છે તેમ, ચિત ભી મેરી, પટ્ટ ભી મેરી.
(પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 12 ઍપ્રિલ 2020)