વેદના પ્રસવ્યા કરે છે અગમ યંત્રવત્
લેખકો ઢસડ્યા કરે છે કલમ યંત્રવત્
ઘા વકરશે કે રુઝાશે નથી જાણ કંઈ,
ચાકરો ચોળ્યા કરે છે મલમ યંત્રવત્
શોષિતો વેઠી રહ્યા છે અકળ યંત્રણા,
શાસકો બજવ્યા કરે છે હુકમ યંત્રવત્
કાટલું પચતું નથીની ફિકર ના રહી,
ઓસડો પચવ્યા કરે છે હજમ યંત્રવત્
કાનુડે લીલા કરીને લીધી અલવિદા,
નર્તકી ભજવ્યા કરે છે પદમ યંત્રવત્
એ રહી મૂંગા, નયન મેળવી નીરખે,
કેટલું બોલ્યા કરે છે સનમ યંત્રવત્
ચક્ર આ ચાલ્યા કરે છે ચરમ યંત્રવત્
ઈતિ થઈ આવ્યા કરે છે અલમ્ યંત્રવત્
17/11/2018
છંદોલયઃ ગાલગા ગાગા લગાગા લગા ગાલગા
યંત્રણા: નિયંત્રણ, પીડા, તકલીફ, વેદના, વ્યાધિ, ગોઠવણ, વ્યવસ્થા, કાર્યવાહકતા.
હજમ: પચી ગયેલું, જરી ગયેલું, ઉચાપત કરેલું
પદમ: A particular type of musical form or composition (sabhaa gaanam), meant for dance, that brings out the relationship of naayaka-naayaki (hero and heroine) as well as tOzhi (close friend) to tell important truths. In Telugu, padams often have Lord Krishna as the naayaka, while Tamil padams often have Lord Subramanya (Murugan) as their naayaka.
ચરમઃ છેલ્લું, ઊંચી કક્ષાએ રહેલું, અંતનું, છેવટનું, અંતિમ, સૌથી મોટું
ઈતિઃ આપત્તિ; સંકટ; આફત દૈવકોપ. છ ઈતિનાં નામ: (૧) અતિવૃષ્ટિ, (૨) અનાવૃષ્ટિ, (૩) તીડ, (૪) ઉંદર, (૫) પક્ષીઓની અધિકતા અને (૬) બીજા રાજાની ચડાઈ.
ઈતિ સાત પણ કહેવાય છે: (૧) સ્વચક્રભય, (૨) પરચક્રભય, (૩) અતિવૃષ્ટિ, (૪) અનાવૃષ્ટિ, (૫) ઉંદર, (૬) તીડ, (૭) શુક.
અલમ્: જોઇયે તેટલું, પૂરતું, ફોગટ, નકામું, વ્યર્થ, શક્તિવાળું, સમર્થ