
રમેશ ઓઝા
ઇઝરાયેલની વિશ્વભરના દેશોની એલચી કચેરીઓ બંધ કરી દેવામાં આવી છે. ના, ઇઝરાયેલની સરકરે નથી કરી. ઇઝરાયેલની એલચી કચેરીઓના કર્મચારીઓ હડતાલ પર ગયા છે અને તેમાં રાજદૂતોનો પણ સમાવેશ થાય છે. હળતાળ પર જવાનું કારણ એ છે કે ઈઝરાયેલની સરકાર ન્યાયતંત્રની અને સર્વોચ્ચ અદાલતની પાંખ કાપવા માગે છે. આને કારણે ઇઝરાયેલ જેવા પ્રચંડ મનોબળ અને સંકલ્પશક્તિ ધરાવતા દેશની જગતમાં બદનામી થઈ રહી છે. અમેરિકાના પ્રમુખ જો બાયડન અને જર્મનીના ચાન્સેલર ઓલાફ શૉલ્ઝએ ઇઝરાયેલની વર્તમાન સરકારને સલાહ આપી છે કે જે દિશામાં તમે જવા માગો છો એ ઇઝરાયેલ માટે શોભાસ્પદ નથી, માટે પાછા ફરો. ૨૧મી ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્રસંસ્થાના લઘુમતિ અધિકારો માટેના કમીશનના વડા વોલ્કર તુર્કે કહ્યું હતું કે ઇઝરાયેલ જે કાયદો પસાર કરવા માગે છે એ જો પસાર થશે તો ઇઝરાયેલમાં માનવઅધિકારોનો અંત આવશે. બીજા શબ્દોમાં ઇઝરાયેલમાં લોકતંત્રનો અંત આવશે. જગત આખાના મીડિયા તેમ જ રાજકીય નિરીક્ષકો પણ ઇઝરાયેલની નિંદા કરી રહ્યા છે. ‘આબરૂદાર’ ઇઝરાયેલ ફાસીવાદી તાનાશાહ શાસકોની જીદને કારણે જગતમાં બદનામ થઈ રહ્યું છે.
આ તો જગતની વાત થઈ. આ સિવાય ઘરઆંગણે ઇઝરાયેલના આજી અને માજી ન્યાયાધીશો, આજીમાજી લશ્કરી અધિકારીઓ, આજીમાજી નોકરશાહો, બૌદ્ધિકો અને વિશ્વભરમાં ફેલાયેલા યહૂદીઓ (એકલ દોકલ નહીં, હજારોની સંખ્યામાં પોતપોતાની સંસ્થાઓમાં ઠરાવો કરીને) ઇઝરાયેલના શાસકોની નિંદા કરી રહ્યા છે. તેઓ રસ્તા ઉપર ઉતર્યા છે અને અનિવાસી યહહૂદીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. ઇઝરાયેલનું નાક કપાઈ ગયું છે.
અહીં પહેલો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ઇઝરાયેલની જગતભરમાં નિંદા થઈ રહી છે તો એ માટે જવાબદાર કોણ? નિંદા કરનારાઓ કે નિંદાજનક કામ કરનારાઓ? આજકાલ જગત આખામાં નીચતાની નીચલી સીમા પાર કરવાની હોડ શરૂ થઈ છે. દાયકાઓ જૂની સમૃદ્ધ લોકતાંત્રિક પરંપરાઓને ભૂંસવામાં આવી રહી છે. સામાજિક વિમર્શ અને ભિન્નમત ધરાવનારાઓની મત વ્યક્ત કરવાની આઝાદીને ગુંગળાવવામાં આવી રહી છે. વિરોધ પક્ષોને ખતમ કરીને એક પક્ષીય શાસન માટેની પેરવી કરવામાં આવી રહી છે. ઇઝરાયેલનો વર્તમાન વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ આવો એક આત્મમુગ્ધ, ઝનૂની અને તાનાશાહી માનસ ધરાવનારો શાસક છે જેણે ઇઝરાયેલની તેના સ્થાપનાથી શરૂ થયેલી વણલખી પરંપરાને તોડી છે.
શું છે એ પરંપરા? ઉપર મેં ઇઝરાયેલ માટે આબરૂદાર વિશેષણ અવતરણ ચિહ્નમાં મુક્યું છે. આબરૂદાર ખરું, પણ ટકોરાબંધ નહીં. કારણ એ કે ૧૯૪૮માં યહૂદીઓ માટે ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી એવી એક વણલખી પરંપરા વિકસી છે કે ઇઝરાયેલમાં વસતા યહૂદીઓને પૂરી મોકળશ આપવામાં આવશે. પણ મોકળાશ માત્ર યહૂદીઓને અને બીજા કેટલાક પસંદ કરલા ગેરયહૂદી લોકોને આપવામાં આવશે બધાને નહીં. બીજાઓને એટલા માટે નહીં કે ઇઝરાયેલના અસ્તિત્વનો સવાલ છે અને ઇઝરાયેલના દુ:શ્મનો ઇઝરાયેલને નેસ્તનાબૂદ કરવા માગે છે. પેલેસ્ટાઇનનાં મૂળ વતની આરબો હમવતન હોવા છતાં આગંતુક યહૂદીઓના બનેલા ઇઝરાયેલના દુ:શ્મન છે. ૧૯૪૮થી આમ માનવામાં અને કહેવામાં આવે છે. ટૂંકમાં ઇઝરાયેલનું લોકતંત્ર મુખ્યત્વે યહૂદીઓ માટે છે. સોળે કળાએ ખીલેલું, પણ પક્ષપાતી.
આ પક્ષપાત અને પક્ષપાતી લોકતંત્ર સ્વીકારી લેવામાં આવ્યું હતું. ઇઝરાયેલના બહુમતી યહૂદીઓએ, લગભગ દરેક રાજકીય પક્ષે, વહીવટીતંત્રની તમામ શાખાઓએ, ન્યાયતંત્રએ, મીડિયાએ અને વિદેશમાં વસતા યહૂદીઓએ એમ દરેકે એકંદરે સ્વીકારી લીધું હતું કે ઇઝરાયેલના અસ્તિત્વનો સવાલ છે એટલે પક્ષપાતી લોકતંત્ર સિવાય બીજો વિકલ્પ નથી. તેમને સમાધાન એ વાતનું હતું કે લોકતંત્ર જેને મળ્યું છે (મુખ્યત્વે યહૂદીઓને એટલે કે તેમને પોતાને) એ સંપૂર્ણ મળ્યું છે. આ વણલખી પરંપરા ૧૯૪૮થી ચાલી આવે છે.
પણ આનો અર્થ એવો નથી કે આવા પક્ષપાતી લોકતંત્રનો વિરોધ કરવામાં નહોતો આવતો. ઇઝરાયેલમાં એવા મોટી સંખ્યામાં માનવતાવાદી યહૂદીઓ છે અને હતા જેને એમ લાગતું હતું કે લોકતંત્ર પક્ષપાતી ન હોય અને જો એવું થતું હોય તો એ લોકતંત્ર ન કહેવાય. લાખોની સંખ્યામાં આવા યહૂદીઓ ઇઝરાયેલમાં વસે છે. અલબત્ત તેઓ કાયમ લઘુમતીમાં રહ્યા છે. રાષ્ટ્રીય સંમતી પક્ષપાતી પણ યહૂદીઓ માટે સંપૂર્ણ લોકતંત્રના પક્ષે રહી છે. દેખીતી રીતે યહૂદીઓ માટેનાં સંપૂર્ણ લોકતંત્રનો લાભ પક્ષપાતરહિત સાચા લોકતંત્રની માગણી કરનારા માનવતાવાદી યહૂદીઓને મળતો હતો. તેમનો વાળ પણ વાંકો કરવામાં નહોતો આવતો. દાયકાઓથી આવી એક પરંપરા ચાલતી આવી છે. મુક રાષ્ટ્રીય સંમતીનો અસ્વીકાર કરનારો જો યહૂદી હોય તો તેને હાથ પણ નહીં લગાડવાનો.
ઇઝરાયેલના વર્તમાન વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ એ શિરસ્તો તોડ્યો. એ ઉપર કહ્યું એમ કમાલનો સત્તાલોલુપ, ધાર્મિક ઝનૂની, આત્મમુગ્ધ અને તાનાશાહી વૃત્તિ ધરાવનારો માણસ છે. એ વિરોધ અને વિરોધીઓને સહન કરી શકતો નથી. ઉપરથી ભ્રષ્ટ છે. ઇઝરાયેલની મિશ્ર સરકારમાં જે ઝનૂની પક્ષોનો ટેકો લીધો છે એ તમામ નેતાઓ ગામના ઉતાર જેવા છે. એમાંના એક આરે દેરી વિષે તો આ કોલમમાં મેં એક લેખ પણ લખ્યો હતો. નેતાન્યાહુ પોતાની સત્તા ટકાવી રાખવા માટે યહૂદી વિરોધીઓની બાબતે પણ અસહિષ્ણુ વલણ ધરાવે છે.
આમાં નેતાન્યાહુને સૌથી મોટી અડચણ ન્યાયતંત્રની છે. એ મનમાની કરવામાં આડું આવે છે. ઈઝરાયેલનું ન્યાયતંત્ર આપણા જેવું લકવાગ્રસ્ત નથી. નેતાન્યાહુ કહે છે કે પ્રજા દ્રારા ચૂંટાયેલા લોકપ્રતિનધિઓ લોકોનો અવાજ છે અને એટલે તેઓ લોકતંત્રનો પ્રાણ છે. બંધારણ, ન્યાયાલય, બીજી લોકતાંત્રિક સંસ્થાઓ, સ્વતંત્ર મીડિયા લોકતંત્રનો પ્રાણ ન હોઈ શકે. કાંઈ યાદ આવે છે? આપણે ત્યાં ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનકર અને કાયદા પ્રધાન કિરણ રિજ્જુજી આ જ દલીલ કરે છે. લોકપ્રતિનધિઓ બંધારણમાં ઇચ્છે એવા માળખાકીય સુધારા કરી શકે. કિરણ રિજ્જુજી તો વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં જજોની નિયુક્તિનો અધિકાર પણ ન્યાયતંત્ર પાસેથી છીનવી લેવા માગે છે. એ જ કરવા માગે છે જે ઈઝરાયેલમાં થઈ રહ્યું છે.
ખેર, ઇઝરાયેલના વડા પ્રધાન બેંજામીન નેતાન્યાહુએ ન્યાયતંત્રની સત્તા છીનવી લેવાનો અને કેટલીક બાબતે ન્યાયતત્રના અધિકારોને મર્યાદિત કરવાનો સંસદમાં એક ખરડો લાવીને પ્રયાસ કર્યો અને પ્રજા સડક પર ઉતરી પડી. તેમને સમજાઈ ગયું કે જો ન્યાયતંત્ર અને લોકતંત્ર તેનો પ્રાણ ગુમાવશે તો આપણી હાલત પણ મુસ્લિમ આરબો જેવી થઈ શકે છે. શાસકોનો વિરોધ કરવા માટે આપણો દીકરો પણ જેલમાં જઈ શકે છે. આને કારણે ઈઝરાયેલના ઇતિહાસમાં પહેલી વખત પક્ષપાતી યહૂદીઓ અને માનવતાવાદી યહૂદીઓ સાથે આવ્યા. જગત આખામાં યહૂદી સમાજમાં તેનાં પડઘા પડી રહ્યા છે.
અને હવે છેલ્લો પ્રશ્ન. ઇઝરાયેલમાં મુસલમાનો સાથે કરવામાં આવતા અન્યાયને જોઈને રતીભાર પણ વેદના નહીં અનુભવનારા યહૂદીને માનવતાવાદી તરીકે ઓળખાવવાનો તો સવાલ જ પેદા નથી થતો પણ તેને ચતુર કહેવો જોઈએ કે નહીં? એ એટલો ઘેલો નથી કે પોતાનું અને પોતાની આવનારી પેઢીનું ભવિષ્ય હોમી દે. તેને એ વાતની જાણ છે કે કાયદાનાં રાજ્ય વિના સુરક્ષીત જીવન શક્ય નથી અને તેની ગેરંટી સ્વતંત્ર ન્યાયતંત્ર જ આપી શકે. આમાંથી કાંઈ ધડો લેવા જેવું લાગે છે?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઍપ્રિલ 2023