
રમેશ ઓઝા
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં કોનો વિજય થયો? વિજયની વાત જવા દઈએ તો કોનો હાથ ઉપર રહ્યો? કોણ કોના પર ભારી પડ્યું ? ખરું પૂછો તો યુદ્ધમાં અમેરિકાએ પણ ભાગ લીધો હતો, એટલે ઉક્ત પ્રશ્ન ઇઝરાયેલ-અમેરિકા અને ઈરાન એમ ત્રણેયને લાગુ પડે છે. આનો પહેલો ઉત્તર તમે કઈ ચેનલ કે અખબાર જૂઓ છે / વાંચો છો એના પર નિર્ભર છે. મીડિયા દુનિયામાં શું બની રહ્યું છે એનાં ન્યુઝ નથી આપતાં, શું ખોટું થઈ રહ્યું છે અને કોણ ખોટું કરી રહ્યું છે એના વિષે વાત નથી કરતાં, ઊંડે ઉતરીને સત્ય જાણવાનો પ્રયાસ નથી કરતાં કે વિશદ ચર્ચા નથી કરતાં પણ ગ્રાહકોનું મનોરજન કરે છે. વાચક કે દર્શક નાગરિક નથી, ગ્રાહક છે. અને ગ્રાહક વહેંચી લેવામાં આવ્યા છે. કેટલાક નરેન્દ્ર મોદીનું સુંદર પેકેજીંગ કરીને વેચે છે અને કેટલાક તેમની ઠેકડી ઉડાડીને વેચે છે. બન્ને પાસે ગ્રાહક છે અને બીજા પ્રકારના ગ્રાહકોની સંખ્યા વધી રહી છે. અમિત માલવિયા માટે આ ચિંતાનો વિષય છે.
પણ સત્ય બન્નેમાંથી કોઈ જગ્યાએ મળતું નથી. એવું નથી કે પ્રામાણિક પત્રકારત્વ કરવાવાળા કોઈ બચ્યા જ નથી. એ છે અને મોટી સંખ્યામાં છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે ગ્રાહકમાંથી માણસ બનવું પડે, નાગરિક બનવું પડે. આ દુનિયામાં હું પણ એક નાનકડો ભાગીદાર છું એવી એક સમજ હોવી જોઈએ. આવી સમજ અને માણસ તરીકેની જવાબદારી તમને સાચી જગ્યાએ લઈ જઈ શકે.
બાકી ટી.વી. ચેનલ નામનાં જલસાઘરોમાં શું નથી બતાવવામાં આવતું! ઓપરેશન સિંદુર વખતે કેટલાક લોકોએ ભક્તોને પેટ ભરીને જલસા કરાવ્યા હતા. પણ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે જલસાઘરોએ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ વખતે પણ જલસા કરાવ્યા. કેમ જાણે યુદ્ધ સાથે ભારતને કોઈ સીધો સંબંધ હોય! ભક્તોની ઘરાકી ધરાવનારા જલસાઘરોને લાગ્યું કે તેમના ગ્રાહક ઇઝરાયેલ ઈરાનનો કચ્ચરઘાણ કાઢે એવું ઈચ્છે છે એટલે તેમણે ઓપરેશન સિંદુર વખતે જોવા મળ્યું હતું એમ ઈરાનની તબાહીના દૃશ્યો બતાવ્યાં અને બીજા છેડાના જલસાઘરોએ ઇઝરાયેલની તબાહીનાં દૃશ્યો બતાવ્યાં. કેટલાક ગ્રાહકોને એમ લાગે છે કે યુદ્ધમાં વિજયની વાત જવા દઈએ તો ઇઝરાયેલનો હાથ ઉપર રહ્યો અને બીજા વર્ગના ગ્રાહકોને એમ લાગે છે કે ઈરાનનો હાથ ઉપર રહ્યો છે.
હકીકતે શું બન્યું એની વાત કરતાં પહેલાં એક પ્રશ્ન અહીં પૂછવો રહ્યો. તમને માણસમાંથી ગમાર ગ્રાહક બનવામાં શરમ નથી આવતી? એ પણ નથી સમજાતું કે જૂઠાણાં પીરસીને તમને ગદગદિયાં કરવામાં આવે છે? અને એનાથી વાસ્તવિકતા બદલાઈ જવાની છે? ક્યાં સુધી ગમારની જિંદગી જીવશો? પણ ખેર, એ વાત અહીં પૂરી કરીએ.
સવાલ એ છે કે ઇઝરાયેલ ઈરાન (અને અમરિકા પણ) વચ્ચેના યુદ્ધમાં કોણે સરસાઈ મેળવી અને કઈ રીતે?
વિજય ઈરાનનો થયો છે, કારણ કે ઇઝરાયેલનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે એવી ઇઝરાયેલ અમેરિકાની જે સમજ હતી અને દુનિયામાં એવી માન્યતા હતી એ બન્નેનો ભાંગીને ભૂકો થઈ ગયો. કહેવાતા આયર્ન ડૉમને ચીરીને ઈરાને ઇઝરાયેલ પર હુમલા કર્યા. ઇઝરાયેલ અને અમેરિકાએ આની કલ્પના નહોતી કરી. બીજું ગાઝાને કારણે ઇઝરાયેલે આ પહેલાં જ જગતની સહાનુભૂતિ ગુમાવી દીધી હતી અને હવે કારણ વગર ઈરાન પર હુમલો કરીને એકલું પડી ગયું. ઈરાનના અણુકાર્યક્રમ વિષે છઠ્ઠા રાઉન્ડની ચર્ચા શરૂ થવામાં હતી ત્યારે ઇઝરાયેલે શા માટે હુમલા કર્યા? એમ કહેવાય છે કે ઇઝરાયેલનો અમેરિકાને યુદ્ધમાં ઉતારવાનો ઈરાદો હતો. એકવાર અમેરિકા યુદ્ધમાં ઉતરે તો ઈરાનની અણુતાકાતની વાર્તા કાયમ માટે પૂરી થઈ જાય અને એ રીતે ઇઝરાયેલ પરના એક માત્ર ભયનો અંત આવે. પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલની આણ સ્થાપિત થઈ જાય, ગાઝા અને વેસ્ટ બેંકનો વિસ્તાર કાયમ માટે કબજે કરી શકાય, ત્યાંના મુસલમાનોને ખદેડી શકાય, અને ઈરાનમાં ખૌમેનીને હટાવીને કે મારી નાખીને અનુકૂળ નેતૃત્વ સ્થાપિત કરી શકાય. બસ પછી ભયોભયો. નેતાન્યાહુ દુ:શ્મનમુક્ત ઇઝરાયેલના આર્કિટેક્ટ તરીકે અમર થઈ જાય.
પણ આવી કોઈ યોજના અમેરિકાને વિશ્વાસમાં લીધા વિના ઇઝરાયેલના વડા પ્રધાન નેતાન્યાહુએ અમલમાં મૂકી હોય એ શક્ય છે? શક્યતા નથી એમ જો તમે માનતા હો તો શું અમેરિકા ફરી ગયું? મારી દૃષ્ટિએ શક્યતા બન્ને છે. નેતાન્યાહુ ક્રૂર હિંસક માણસ છે જે કાંઈ પણ કરી શકે અને ડોનાલ્ડ ટ્રમ્પ ઘડીકનો માણસ છે જે ફરી જઈ પણ શકે. ટ્રમ્પે પહેલાં ઈરાનને ધમકી આપી. શરણે થવાની અને તેહરાન ખાલી કરવાની વાત કરી. ઈરાનમાં નેતૃત્વ પરિવર્તન કરવાની અને ખૌમેનીને મારી નાખવાની પણ વાત કરી. બે દિવસ પછી પીછેહઠ કરી અને ઈરાનને બે અઠવાડિયાની મોહલત આપી. એ દરમ્યાન ઇઝરાયેલમાં પોસ્ટર લાગ્યાં કે અમેરિકા ઈરાન પર હુમલો કરે અને ઈરાનના ચેપ્ટરનો અંત લાવે. એ પછી અમેરિકાએ ઈરાનના અણુમથકો પર હુમલા કર્યા. ઈરાને વળતા હુમલા કર્યા અને અમેરિકાએ બન્ને દેશો વચ્ચે યુદ્ધતહકુબી જાહેર કરી. ઇઝરાયેલે એ પછી પણ ઈરાન પર હુમલા કર્યા તો ટ્રમ્પે નેતાન્યાહુની ખરાબ શબ્દોમાં નિંદા કરી. ઈરાને ઇઝરાયેલને ઢીબી નાખ્યું એવું પણ કહ્યું. આ તો ભાઈ ગાંડો છે અને દુનિયામાં પણ ગાંડાઓની વણઝાર જોવા મળી રહી છે. ફારસ તો ત્યારે થયું જ્યારે ઈરાનના અણુમથકોનો વિનાશ કરવામાં આવ્યો છે એવી ટ્રમ્પની ડંફાશને અમેરિકાના જ લશ્કરી વડાએ નકારી. અમેરિકન મીડિયાએ ઈરાનના અણુમથકોની હુમલા પહેલાંની અને પછીની સેટેલાઈટ તસ્વીરો આપી અને પ્રશ્ન કર્યો કે વિનાશ બતાવો. અમેરિકન મીડિયા હજુ ગોદાસીન નથી. ટ્રમ્પની મીડિયાને અપાતી ગાળોની વીડિયો ક્લિપ્સ તમે યુટ્યુબ પર જોઈ શકો છો. ટૂંકમાં ઇઝરાયેલ ઈરાન યુદ્ધમાં ઇઝરાયેલ અને અમેરિકાનું નાક કપાયું છે અને ઈરાન અણધાર્યું વિજેતા નીવડ્યું છે. ઈરાને હવે તેની અણુનીતિમાં પરિવર્તનનો પણ ઈશારો કર્યો છે અને કહ્યું છે કે જો બહુ દાદાગીરી કરવામાં આવશે તો ઈરાન એન.પી.ટી. (નોન પ્રોલિફરેશન ટ્રીટી) અર્થાત અણુપ્રસારણ નહીં કરવાની સંધી તોડી નાખશે. આનો અર્થે થયો કે અણુશસ્ત્રો પણ બનાવશે.
એમ કહેવાય છે કે ઈરાને ૪૦૦ કિલો એનરીચ્ડ કરેલું યુરેનિયમ અણુમથકોમાંથી કોઈક અન્ય સ્થળે સગેવગે કરી નાખ્યું છે. એમ પણ કહેવાય છે કે ઈરાનનું યુરેનિયમ બંકરોમાં એટલે અંદર સુધી દટાયેલું છે કે તે ખતમ કરવા માટે જોખમ ખેડીને લાંબા સમયનું યુદ્ધ કરવું પડે. અમારી પાસે એવી ટેકનોલોજી છે કે કોઈ અમારા ઘરની નજીક પણ ન આવી શકે અને અમારી પાસે એવી ટેકનોલોજી છે જે તમારી ધરતી પર ફરતા ઉંદરની ગતિવિધિ પર પણ નજર રાખી શકે છે એ ઈરાને, ઉત્તર કોરિયાએ, અફઘાનિસ્તાને, પાકિસ્તાને, ઈરાકે અને ત્રાસવાદીઓએ ખોટી પાડી છે. દસ વરસ સુધી ઓસામા બિન લાદેન ક્યાં છૂપાયો છે એ અમેરિકા જાણી શક્યું નહોતું. આ બધા પેદા કરવામાં આવેલા ભ્રમ ભાંગી ગયા છે. શું ગુનો કરનારા બેવકૂફ છે કે ગુનો કર્યા પછી પોતાના અડ્ડા પર બેસી રહે? મુંબઈના ગુંડાઓ પણ ગુનો કર્યા પછી પોતાના અડ્ડા પર પાછા જતા નથી. ત્રાસવાદીઓની છાવણીઓ પ્રત્યેક ત્રાસવાદી હુમલા પછી નવી જગ્યાએ શિફ્ટ થતી હોય છે. એમાં કોઈ અબજો રૂપિયાનું રોકાણ નથી હોતું કે જગ્યા બદલી ન શકાય.
તો પછી આવા બધા ઉધામા શા માટે કરવામાં આવે છે? રાષ્ટ્રવાદની પ્રાસંગિકતાને કારણ આપવા માટે. માનવીય એકતા આધારિત માનવીય વિકાસને કેન્દ્રમાં રાખનારો જવાહરલાલ નેહરુનો નરવો રાષ્ટ્રવાદ તામસિક પ્રકૃતિ ધરાવનારાઓને માફક આવતો નથી. ફાયદો હોવા છતાં ય. તેમને તે ફિક્કો લાગે છે. તેમને તામસિક રાષ્ટ્રવાદ માફક આવે છે પછી ભલે પોતાનું નુકસાન થાય. આજકાલ તામસિક રાષ્ટ્રવાદની બોલબાળા છે.
આ સિવાય ઇઝરાયેલ અને અમેરિકામાં એક બીજી ચીજ જોવા મળી રહી છે. આ બન્ને દેશોમાં પ્રજાકીય વિભાજન મોટા પ્રમાણમાં થયું છે અને તામસિક રાષ્ટ્રવાદનો વિરોધ કરનારાઓ અને માનવકેન્દ્રી સાત્ત્વિક રાષ્ટ્રવાદનો પુરસ્કાર કરનારાઓ સામસામે આવી ગયા છે. માત્ર ગોદીમીડિયાનું સેવન કરનારા ભક્તજનોને જાણ નહીં હોય, પણ બીજા પ્રકારના લોકો ઇઝરાયેલ અને અમેરિકામાં રસ્તા પર ઉતરી રહ્યા છે. વિશ્વપ્રસિદ્ધ વિચારક ડેવિડ એટનબરો કહે છે કે ઈઝરાયેલની સ્થાપના પછી પહેલીવાર ઇઝરાયેલમાં ઇઝરાયેલના હોવાપણા વિષે પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. આવા ઇઝરાયેલ માટે ઇઝરાયેલની સ્થાપના કરવામાં આવી હતી? ૧૯૪૮ પછી ઇઝરાયેલમાં આવી વસેલા લોકો ઇઝરાયેલ છોડીને જઈ રહ્યા છે. આવા યહૂદી રાષ્ટ્રની કલ્પના તેનાં સ્થાપકોએ નહોતી કરી. વિરોધ ઉત્તરોત્તર પ્રબળ થઈ રહ્યો છે એટલે નેતાન્યાહુ પણ પોતાના સમર્થકોને પકડી રાખવા વધારે આક્રમક થયા છે. નેતાન્યાહુ માટે વાઘસવારી જેવી સ્થિતિ પેદા થઈ છે. અમેરિકામાં પંદર દિવસ પહેલાં ‘નો કિંગ’ આંદોલન થયું હતું. અમેરિકાનાં ૧,૧૦૦ નાનાં મોટાં શહેરોમાં નરવા રાષ્ટ્રવાદના પુરસ્કર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા અને તેમની સંખ્યા પચાસ હજારથી પાંચ લાખ સુધીની હતી. ટ્રમ્પની એ વીડિયો પણ જોવા મળશે જેમાં તે નો કિંગમાં ભાગ લેનારાઓને ગાળો આપે છે.
અને ભારત? ભારતના વર્તમાન શાસકોની સહાનુભૂતિ ઇઝરાયેલ માટે છે. આજથી નહીં, ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી. હિન્દુત્વવાદીઓ માટે પ્રેરણાસ્થાન છે. પણ ભારત માટે ઈરાન એટલું જ ઉપયોગી છે જેટલું ઇઝરાયેલ છે અને ખરું પૂછો તો વધારે ઉપયોગી છે. ભારતના શાસકો નિર્ણય જ ન લઈ શક્યા કે શું કહેવું? હંમેશની ચૂપકીદી. તેમને એમ હતું કે ઈરાન પરાજિત થશે અને સત્તાપરિવર્તન થશે. આજે ઈરાનના શાસકો સાથે નરેન્દ્ર મોદી આંખ પણ મેળવી શકે એમ નથી. વૈશ્વિક રાજકારણમાં ગમાઅણગમા કેન્દ્રમાં નથી હોતા સ્વાર્થ કેન્દ્રમાં હોય છે. પણ અગેન એક ઈમેજ બનાવી અને એ ઈમેજને પસંદ કરનાર સમર્થકોની એક જમાત પેદા કરી પછી એ જમાતને રાજી રાખવી પડતી હોય છે. આ પગની બેડી છે અને અત્યારના રાષ્ટ્રવાદી શાસકો તેમાં જકડાયેલા છે. સોનિયા ગાંધીએ ‘ધ હિંદુ’માં લેખ લખીને સવાલ પૂછ્યો હતો કે ભારતની વિદેશનીતિ ક્યાં ખોવાઈ ગઈ છે?
જવાબ શોધવો અઘરો નથી; એ નકલી રાષ્ટ્રવાદનો શિકાર બની ગઈ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 જૂન 2025