Opinion Magazine
Number of visits: 9446988
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇસ્લામ, તેમાં સ્ત્રીઓનું સ્થાન અને હું

આશા બૂચ|Opinion - Opinion|26 March 2018

(નોંધ: આ લેખમાં જે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે તે જે તે યુવક અને યુવતીના છે, લેખિકાના નથી.)

28 વર્ષની એક અપરિણીત બ્રિટિશ મુસ્લિમ મહિલા જેને આપણે નામ આપીશું M.B., તેની હૈયા વરાળ ટેલિવિઝનના માધ્યમથી, થોડા વખત પહેલાં જાણવા મળી. આ યુવતીનાં મા-બાપ પાકિસ્તાનથી આવીને બ્રિટનમાં સ્થાયી થયાં છે. M.B. પોતે તાલીમ પામેલી શિક્ષિકા છે અને એક હાઇ સ્કૂલમાં સફળ શિક્ષિકા તરીકે કામ પણ કરે છે.

તેનું કહેવું એમ હતું કે બ્રિટનમાં મુસ્લિમ અને તે પણ એક મહિલા તરીકે જીવવું બહુ આસાન નથી. ક્યારેક એવું લાગે કે અમારે કેવી રીતે જીવવું એ વિષે બધાને એક ચોક્કસ અભિપ્રાય હોય છે. કોઈ ઇન્સ્ટગ્રામમાં કહે, તમે હિજાબ નથી પહેરતાં એટલે તમે સાચાં મુસ્લિમ નથી. કોઈ વળી ફેઈસબુક કે તેના જેવાં જ માધ્યમ પર દાવો કરે કે તમે કુરાન, મોહમમ્દ અને ઇસ્લામ વિરોધી વર્તન કરો છો અને એવી જીવન પદ્ધતિને પ્રોત્સાહન આપો છો.

M.B. નમાઝ પઢે છે, રોજા રાખે છે અને ઇસ્લામના ઉસૂલોનું પોતાનાથી શક્ય હોય તેટલું પાલન કરે છે, પણ પોશાકની બાબતમાં તેના ધર્મના – ખરું જુઓ તો સમાજના સિદ્ધાંતો આડા આવે છે. લોકો વારંવાર ધર્મને નામે કેટલુંક કરવા ફરજ પાડે અને કેટલુંક કરતા રોકે તેથી ઇસ્લામ ધર્મ સ્ત્રી તરીકેના તેના અધિકારો માટે શું કહે છે તે જાણવા આ યુવતી ઉત્સુક બની.

વિવાહને લાયક ઉંમર હોવાને કારણે પોતાને માટે એક પતિ – સાથીદારની શોધ તેણે આદરી. કેટલાંક વિવાહ ઉત્સુક યુવક-યુવતીઓ માટેના એક સેમિનારમાં M.B. પહોંચી. કુરાનમાં કાયદેસરના સંબંધ બાદ જ જાતીય સંબંધ માન્ય રહે, તેમ કહ્યું છે અને તેમાં સ્ત્રી-પુરુષ બંનેને એક સરખી સલાહ આપવામાં આવી છે, જેમ કે બંનેએ ક્ષણિક આકર્ષણોથી ચેતતા રહેવું, પોતાની પવિત્રતાની રક્ષા કરવી, વગેરે; અને એ બધી વાતો સાથે M.B. સહમત થતી જણાઈ. ઇમામને મોઢે લગ્ન બાદ પતિ અને પત્નીએ બજાવવાની ફરજો સાંભળી જેમાં પુરુષને ભાગે સ્ત્રીનો આદર કરવો, પત્ની પર વિશ્વાસ મુકવો, તેના પર ભરોસો રાખવો તેને વફાદાર રહેવું, તેની જરૂરિયાતો પૂર્ણ કરવી અને સુખ-દુઃખમાં સાથ આપવો વગેરે આદેશો હતા અને સ્ત્રીને માટે પણ એ જ આદેશો હતા. પણ એક વાક્યે તેના કાન ચમક્યા. ઇમામે કહ્યું, ‘She must obey her husband and should be available when the husband desires’. વળી એમ પણ ઉમેર્યું કે પત્નીએ પોતાનો પતિ ઈચ્છે એને જ પોતાના ઘરમાં પ્રવેશ આપવો, પતિ પર કોઈ પ્રકારનું આર્થિક દબાણ ન લાદવું અને હર હાલતમાં તેની આજ્ઞા પાળવી એ પત્નીની ફરજ છે. આ વિધાનોથી M.B.ના મનમાં સવાલો ઉઠયા, જો તે આ આદેશોનું પાલન કરે તો એક આધુનિક બ્રિટિશ મહિલા અને એક મુસ્લિમ વ્યક્તિ તરીકે સમતુલા કેમ જાળવી શકે?

મક્કમ નિર્ધાર વાળી, સ્વતંત્ર મત ધરાવતી આધુનિક મહિલા જેવું જીવન જીવો તો સારા મુસ્લિમ ગણાઓ કે નહીં તે તેને જાણવું હતું. M.B. પોતાનાં મા-બાપ સાથે તેમનાં જ ઘરમાં રહે છે અને તેમનાં વિનાનું જીવન ન કલ્પી શકે તેટલી તેમને ચાહે છે. પોતાની સંસ્કૃિત અને વારસાનું M.B.ને મન ઘણું મહત્ત્વ અને ગૌરવ છે. પણ એક વાત એ નથી સમજી શક્તિ કે તેના પિતા જ નક્કી કરે કે M.B. કોની સાથે, ક્યાં અને ક્યારે બહાર જઈ શકે, તેમની સાથે શું કરવું, શું ન કરવું વગેરે. M.B.ના પિતા માને છે કે પોતે પોતાની દીકરી પર વધુ પડતું નિયંત્રણ નથી મૂકતા, પણ M.B.ને તેઓ સતત ફોન કરતા રહે તેમાં એક પ્રકારનું બંધન લાગે છે. એટલું જ નહીં પણ પોતાના પર વિશ્વાસ નથી મૂકતા એમ તે અનુભવે છે. પોતાના સંતાનની સલામતીની ચિંતા કરવી એ એક બાબત છે, પણ સતત તેના સગડ રાખવી અને સમય, સ્થળ અને મિત્રોની પસંદગીની બાબતમાં રોકટોક કરવી તે અલગ બાબત છે. M.B.ના ભાઈ પર આવું કોઈ નિયંત્રણ નહોતું અને લગ્ન પછી તેના પતિની એ જવાબદારી હોવાથી તેના પિતા તેને કઇં નહીં કહે અને તેમ કરવા પાછળ પોતે ઇસ્લામિક રુલ્સનું પાલન કરે છે તેમ કહે તે આ યુવતીને કેમે ય કરીને સમજાતું નથી.

આપણે નાના હોઈએ ત્યારે મા-બાપ કહે તેમ કરીએ, કોઈ પ્રશ્નો ન ઉઠાવીએ અને એ આજ્ઞાના મૂળ શામાં છે તે ન જાણતા હોઈએ. પણ કુમારવાસ્થામાં અનેક પ્રશ્નો થાય અને યુવાન થતામાં તો સ્વતંત્ર નિર્ણય શક્તિ કેળવાય ત્યારે જે ધર્મ અને સમાજને નામે થઈ રહ્યું છે તેની ખરાઈ સાબિત કરવા ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. દરેક મુસ્લિમ શખ્સ માટે કુરાન એ અલ્લાહના શબ્દો છે, તેમાં કહેલી આજ્ઞા પાળવી ફરજિયાત છે. હદીસમાં મુહમ્મદે કહેલ અને કરેલ વાતોનો ઉલ્લેખ છે, જેનું અર્થઘટન જુદી જુદી રીતે થયું છે.

M.B.ને એક બીજી તરુણીનો પરિચય થયો. એક 19 વર્ષની યુવતીની સગાઈ થઈ. સારી મુસ્લિમ બનવા તે નકાબી થઈ. જિજ્ઞાસાવશ તેણે કુરાન અને હદીસમાં સ્ત્રીઓનાં સ્થાન વિષે શું લખેલ છે તે વાંચ્યું. ખાસ કરીને સ્ત્રીઓએ કેવો પોશાક પહેરવો જોઈએ તે વાંચતા જાણવા મળ્યું કે મુસ્લિમ સ્ત્રીએ પોતાના વાળ, ચહેરો અને શરીરનો ઉપલો ભાગ તદ્દન ઢાંકવો તેવો આદેશ છે, જ્યારે પુરુષે નાભિથી નીચેનો ભાગ ઢાંકેલ રાખવો તેવો ઉલ્લેખ છે. આ યુવતીએ એ પણ નોંધ્યું કે એ પુસ્તકોમાં સ્ત્રી બેવફા થાય તો પતિ તેને મારી શકે એવું લખાણ છે, જ્યારે પુરુષની બેવફાઈ માટે કશો ઉલ્લેખ નથી. અને આ હકીકત તેને માટે સ્વીકારવી અસંભવ બની. તેને થયું, સ્ત્રીની બેવફાઈની સાબિતી કોણ આપે? તેની સજા કોણ નક્કી કરે? પુરુષને કેમ કંઈ સજા ન થાય? આમાં સ્ત્રી-પુરુષ સમાનતા ક્યાં આવી? અધૂરામાં પૂરું પુરુષની સંભોગ કરવાની માંગણી જો સ્ત્રી ઠુકરાવે તો ફરિશ્તા તેને શાપ આપે એવું હદીસમાં લખેલ છે અને હજુ આ જમાનામાં પણ તેનું પાલન થાય છે, તેમ તેણે M.B.ને કહ્યું. એ બતાવે છે કે સ્ત્રીઓને કોઈ વાતે પસંદગીનો અધિકાર નથી. આ કારણસર એ યુવતીએ પોતાનો ધર્મ ઇસ્લામ છોડવાનો નિર્ણય કર્યો. મુસ્લિમ રહીને ઇસ્લામને કેમ ન બદલી શકાય તેવા M.B.ના સવાલના જવાબમેં તેણે કહ્યું, “મારે મારા પતિની પત્ની માત્ર બનીને નહોતું રહેવું, હું જેવી છું તેવી રહેવા માંગુ છું, મારું વ્યક્તિત્વ અકબંધ રહે તે મહત્ત્વનું છે. તમે એક સ્ત્રી તરીકે ઇસ્લામમાં અદ્રશ્ય થઈ જાઓ.”

M.B.ને મૂંઝવણ એ વાતની થતી હતી કે એક બ્રિટિશ, આધુનિક સ્ત્રી તરીકે તમે જે રીતે જીવવા માગતાં હો તેમાં તમારો ધર્મ, તમારી સંસ્કૃિત તમને કંઈ જુદું જ કરવા ફરમાવે. બેમાંથી જે પસંદ કરો, કોઈકને તો નારાજ કરવા પડે. સવાલ એ છે કે મા-બાપે મુકેલા પ્રતિબંધો ખરેખર ઇસ્લામિક હોય છે કે સાંસ્કૃિતક? આપણે આપણા પિતાની આજ્ઞા માનતા હોઈએ છીએ કે ધર્મની?

આ મૂંઝવણનો ઉકેલ લાવવા તેણે જુદા જુદા દેશોમાંથી આવેલી મુસ્લિમ બહેનોને મળવા કદમ ઉઠાવ્યા. M.B.ને કેટલીક અશ્વેત મહિલાઓ સાથે વાત કરતાં માલુમ પડ્યું કે તેઓને આવા સંઘર્ષનો સામનો નથી કરવો પડતો. તેમની મોટા ભાગની મહિલાઓએ કહ્યું કે, “ઇસ્લામ અમારું સશક્તિકરણ કરે છે, અમારા જીવન વ્યવહાર, અમારા વ્યવસાય કે અમારી કમાણી પર કોઈ જાતનું બંધન નથી, ચાહે તે અમારા પિતા હોય, ભાઈ હોય કે પતિ. અમારા કુટુંબમાં નર્સ, ડોક્ટર, ડાયરેકટર્સ, સ્ક્રીન રાઈટર્સ બહેનો છે, તેઓ જમીન જાયદાદ અને મકાનના સ્વતંત્ર માલિક પણ હોય છે.” તેઓએ વધુમાં કહ્યું કે “ઇસ્લામે અમને વિશ્વાસ આપ્યો, પુરુષો સાથે સમાન વર્તન કરતાં શીખવ્યું.” હિજાબ પહેરવો તે શું કોઈ પ્રકારના દબાવની નિશાની છે? એ પ્રશ્નના જવાબમાં એ બહેનોએ કહ્યું, “હા, કેટલાક લોકોને ફરજ જરૂર પાડવામાં આવે છે, પરંતુ મોટી સંખ્યામાં બહેનો સ્વેચ્છાએ હિજાબ પહેરે છે તેનું શું? અમે તો મારો અલ્લાહ કહે છે માટે નહીં, પણ અમારી ઓળખ આ પરિધાનથી સચવાય છે માટે પહેરીએ છીએ. અમારો અલ્લાહ અમને અમારો પોશાક અને તેના પરના નિયંત્રણો પસંદ કરવાની છૂટ આપે છે.”

આ વાર્તાલપને અંતે M.Bને અહેસાસ થયો કે એ બહેનો ધર્મ, સંસ્કૃિત અને સામાજિક ધોરણો વચ્ચે ભેદ કરી શકી. તેને એમ પણ લાગ્યું કે પોતાને ઇસ્લામ શું છે તે સારી રીતે સમજાવવામાં નથી આવ્યું. તેમાંની એક મહિલાએ તો એટલી હદે કહ્યું કે, “મારી મા કહેતી, ઇસ્લામ તો રેડિકલી ફેમિનિસ્ટ ધર્મ છે. હું ઓઇલ અને ગેસ રિગમાં એન્જિનિયર તરીકે કામ કરું છે. મેં ઘર છોડ્યું. મારી પસંદગીની વ્યક્તિને પરણવા સ્વાધીન છું. ઇસ્લામ કહે છે, ખુદ તમારાં મા-બાપ પણ ખોટું કરતાં જણાય, તો તેનો વિરોધ કરવો માત્ર તમારો અધિકાર જ નહીં, પણ ફરજ છે. સ્વર્ગ માના પગ પાસે છે તે સાચું, પણ જો તમારા હિતમાં નિર્ણય ન લેતી હોય તો એ માને પણ કહેવાનો અધિકાર છે. સંસ્કૃિતની પકડ ધર્મ કરતાં વધુ મજબૂત હોય છે. બહેન, તારો પ્રશ્ન સંસ્કૃિતના તફાવતનો છે, ધર્મના તફાવતનો નહીં.”  

એક બીજો મહત્ત્વનો મુદ્દો M.B.ના મનને સતાવી રહ્યો હતો, અને તે હતો શરિયા લૉ મુજબ તલ્લાકનો. આ કાયદા વિષે વધુ જાણવા M.B. શરિયા કાઉન્સિલ-બર્મિંગહામ ગઈ. જે બ્રિટનની સિવિલ લૉની વ્યાખ્યામાં માન્ય નથી, અને ઇસ્લામિક કાયદાઓમાં માન્ય છે તેવા છુટ્ટાછેડા વિષે સલાહ લેવા સ્ત્રીઓ ત્યાં આવે. એક મહિલાનો કેઇસ એવો હતો કે તેને બે દીકરાઓ છે જે ઓટિસ્ટિક છે. હવે વધારે સંતાન નથી જોઈતાં, એટલે પતિ તલ્લાક માંગે છે. તેને કોઈ પ્રકારનો આર્થિક ટેકો નહીં મળે કેમ કે આવા ‘બિમાર’ છોકરા છે (જાણે કેમ એમાં એ માનો દોષ હોય!). હવે શરિયા લૉ પ્રમાણે પુરુષ ત્રણ વખત ‘તલ્લાક’ બોલે તો તેને ફારગતી મળી જાય, જ્યારે સ્ત્રીને અજાણ્યા લોકોની દરમ્યાનગીરીની જરૂર પડે. M.B.ને એ ન સમજાયું કે પોતાના જ સંતાનો ઓટિસ્ટિક હોય તો પત્નીને છુટ્ટાછેડા આપવાની શી જરૂર? જો આપે તો તેમના ગુજારા માટે બ્રિટિશ કાયદા પ્રમાણે ભરણપોષણ કરવું ફરજિયાત બને. તેને એ વિમાસણ પણ થઈ કે પુરુષ જો વર્ષોથી બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે, તેનાથી એને એક અલગ કુટુંબ થાય તો પણ સ્ત્રી પોતાના પતિને ફારેગ ન કરી શકે, આવું કેમ? તેની મનોવ્યથા એ હતી કે કુરાનમાં ઘણી ઉમદા શીખ આપી છે, તો એનો અમલ કેમ નથી થતો? આ ધર્મ છે કે સામાજિક કુરિવાજ?

કેટલીક મુસ્લિમ બહેનોની મુલાકાત અને આટઆટલાં મનોમંથન બાદ M.B.એ પોતાના પિતા પાસેથી થોડી સ્વતંત્રતાની માંગણી કરી જોઈ,, જેનો જવાબ મળ્યો, “અમે નાના હતા ત્યારે અમને પોતાના મા-બાપ પાસેથી સ્વતંત્રતાની માંગણી કરવાનો પ્રશ્ન થતો જ નહીં. મોટાની આજ્ઞા માનવી એટલી જ ખબર હતી.” અને M.B.ના મનમાં બીજી મહિલાઓ જેવું આધુનિક વિચારો સાથેનું છતાં એક સારા મુસ્લિમ તરીકે જીવન જીવવાનું સ્વપ્ન રોળાઈ ગયું. તેને કોઈ મુસ્લિમ યુવક સાથે શાદી કરવામાં કોઈ વાંધો નથી, પણ શું કોઈ મુસ્લિમ પુરુષને આવી સ્વતંત્ર, આધુનિક વિચારવાળી સ્ત્રી ગમશે? તેને સમજાયું કે વાસ્તવમાં પોતે જે મઝહબને જાણે છે તે ઇસ્લામ બાપ-દીકરી અને પતિ-પત્નીના સંબંધોમાં ગૂંચવાઈ ગયો છે. તેને ખાતરી થઇ ગઈ કે પુરુષોના અધિકારો સ્પષ્ટ છે અને તેમને એ મળે પણ છે, જ્યારે સ્ત્રીઓના અધિકારો પ્રચ્છન્ન છે અને તે તેણે માંગવા પડે છે. જો તમે તમારા અધિકારોની માંગણી ન કરો તો પહેલાં પિતાના અને પછી પતિના છત્ર નીચે ઢંકાઈને તેમની ઈચ્છા પ્રમાણે જીવી રહો.

એક હોનહાર, પ્રસન્નચિત્ત યુવતી હજુ પણ ઇસ્લામ, તેમાં સ્ત્રીઓનું સ્થાન અને પોતાની સમસ્યાઓનો ઉકેલ શોધતી ફરે છે.

આ કિસ્સો વાંચ્યા પછી ‘ઇસ્લામમાં આ જ મુશ્કેલી છે. એ ધર્મ તેની પ્રજાને બહુ જ બંધનમાં રાખે છે, એ લોકો સુધરતા જ નથી.’ એવો પ્રતિભાવ ઘણા પાસેથી મળવો સહજ છે. અહીં હું એક જાત અનુભવ ટાંકવા માંગુ છું. મુંબઈથી લંડનની મારી છેલ્લી સફર દરમ્યાન મારી ડાબી બાજુની સીટ પર એક નવ યુવાન બેઠેલો, તેને આપણે J નામ આપીશું. એ સતત વાંચતો રહ્યો. જમણી બાજુની સીટ પર બેઠેલો કુંભકર્ણનો ભાઈ જણાયો, તેણે બંધ આંખે સ્વપ્નાં જોયાં હશે. મને પેલા અભ્યાસુ યુવક વિષે જિજ્ઞાસા થઈ એટલે ખાણું પીરસાયું ત્યારે સહેજે પૂછ્યું, ભાઈ તું આટલા એકાગ્ર ચિત્તે શું વાંચે છે? એ કહે, મારે જુદા જુદા ધર્મો અને તેના મૂળ સંદેશાઓ વિષે જાણવું છે. વધુ વાત કરતાં માલુમ પડ્યું કે એન્ટવર્પમાં જન્મેલ આ યુવક હાલમાં યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાં બાયો મેડિકલમાં અભ્યાસ કરે છે, ઉંમર વર્ષ 19. તે મુંબઈ પોતાના ભાઈના ‘ગોળ ધાણા’ પ્રસંગે ગયેલો (વેવિશાળ જાહેર કરવા નિમિત્તે થતી વિધિ). તેના પિતા વેપારી, મા ઘરરખ્ખુ ગૃહિણી.

આ યુવાને પોતાની દુવિધા વિષે મારી સાથે વાત કરવા માંડી. પોતે જૈન છે. પિતા કમાણી અર્થે વિદેશ ગયા. તેઓ નિયમિત પ્રતિકમણ કરે અને બીજા પણ ધાર્મિક નિયમો પાળે. તેમના સંતાનોનો જન્મ એન્ટવર્પમાં થયેલ. થયું એવું કે Jના મોટા ભાઈને એક યુવતી સાથે સ્નેહ થયો, પણ પિતાએ બે વર્ષ સુધી એ સંબંધને આગળ વધવા માટે પોતાની અનુમતિ ન આપી કેમ કે એ યુવતી જૈન નથી. છેવટ જેમ મોટા ભાગના કિસ્સાઓમાં બને છે તેમ મિયાં બીબી રાજી થયાં અને કાજી લાચાર. આ કિસ્સાને પરિણામે Jના મનમાં સવાલો ઉઠ્યા કે આપણને નાનપણથી માતા-પિતા અમુક કરવાનું અને અમુક ન કરવાનું કહે છે, ત્યારે ‘આપણા ધર્મમાં એમ કહ્યું છે’ એમ કહે છે. પણ Jના જોવામાં આવ્યું કે બીજા જૈન પરિવારોમાં આંતર જ્ઞાતિ, આંતર પંથી, અરે આંતર ધર્મી લગ્નો પણ થયાં છે. આ યુવક ભારે મૂંઝવણ અનુભવતો હશે એટલે એક પછી એક સવાલો પૂછતો જ રહ્યો. તેણે કહ્યું, હું જે વિજ્ઞાન ભણું છું તે તો એમ પ્રસ્થાપિત કરે છે કે બાયોલોજિકલી તમામ સ્ત્રી અને પુરુષ સમાન છે, આપણે બધા માનવ યોનિમાં જન્મીએ છીએ. મને કહે, જો બીજા ધર્મની વ્યક્તિ સાથે પરણીએ તો શું થાય? મેં તેને સાંસ્કૃિતક અને સામાજિક લાક્ષણિકતાઓ અને રીત રિવાજોનું આપણા જીવનમાં શું સ્થાન છે, શા માટે તે મહત્ત્વના છે એ સમજાવવા કોશિશ કરી.  

Jની માફક નવી પેઢીને પોતાનો ધર્મ શું કહે છે, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી કે નહીં, ધાર્મિક ઉપદેશો અને પોતે જાણે છે તે માનવીય મૂલ્યો વચ્ચે આટલો ભેદ શાને એવા પ્રશ્નો સતાવે છે. પરિણામે કેટલાક ધર્મથી સદંતર મોં ફેરવે, જેને કારણે ધર્મનાં ઉત્તમ પાસાંઓથી થતા ફાયદા તેઓ ગુમાવે અને કેટલાક એ વિમાસણનો સંતોષકારક ઉત્તર ન મળવાને કારણે કાં તો માતા-પિતાના દોરવાયા, સમજ્યા વિના, એક ઘરેડમાં જીવન જીવ્યે જાય, અથવા વર્ષો સુધી એ બધા સવાલોનું પોટલું માથા પર લઈને ફર્યા કરતા જોવા મળે છે.

Jને એ જાણીને આશ્ચર્ય થયું કે જૈન, બૌદ્ધ અને સીખ ધર્મનાં મૂળ હિન્દુ ધર્મ – અથવા ખરું કહો તો સનાતન ધર્મમાં છે. તેને સમય મળે તો સનાતન અને વૈદિક ધર્મના મૂળ ઉપદેશ વિષે જાણવા ભલામણ કરી. જો આપણને પ્રાકૃતિક તત્ત્વો અને કુદરતના તમામ સર્જનોમાં ઈશ્વર જોવાની દ્રષ્ટિ કેળવવાની શક્તિ આપી હોત તો એટલા બધા ધર્મો, પંથો અને વાડાઓ પેદા જ ન થયા હોત. આ વાત Jને રુચિ ખરી કેમ કે તેનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો આ વાત સાથે મેળ બેસે છે. જો કે તેને એક વાત કેમે ય કરીને સમજાતી નહોતી કે તેના પિતા આટલા બધા વર્ષોથી પશ્ચિમના એક આગળ પડતા દેશમાં વસે છે, તેમની આસપાસ શિક્ષિત અને આધુનિક વિચારવાળા લોકો રહે છે, કામ કરે છે, છતાં તેઓ ધર્મ, પંથ અને જ્ઞાતિના ચુસ્ત વાડાઓમાંથી કેમ બહાર નીકળી નથી શકતા? જ્યારે Jને સમજાવવામાં આવ્યું કે તેના પિતાનો વિદેશ ગમનનો મુખ્ય હેતુ આર્થિક લાભ મેળવવાનો હતો અને કોઈ પણ પ્રકારની સામાજિક-કૌટુંબિક રૂઢિ બદલવાનો અર્થ તેમને મન પોતાનો ધર્મ છોડવાનો થાય, ત્યારે તેને એમનું વલણ થોડું સમજાયું. J એક બીજી મૂંઝવણ અનુભવી રહ્યો છે. તેને એક યુવતી પ્રત્યે લાગણી જન્મી (કે જે માત્ર જૈન કે ગુજરાતી જ નહીં, હિન્દુ પણ નથી)  પણ એ સંબંધ આગળ ન વધ્યો, જેની પાછળ તેના મોટા ભાઈ પ્રત્યે કુટુંબે કરેલ વ્યવહારનો ભય પણ કારણભૂત હોઈ શકે. અને હવે તે એમ માનવ લાગ્યો છે કે તેના માતા-પિતાની ઈચ્છા મુજબ એ ભણી તો શક્યો, થોડે ઘણે અંશે તેમના જેવી જીવન રીત પણ અપનાવી શક્યો, (ગુજરાતી ભાષાને બાદ કરતાં) પરંતુ તેમના વિચાર પ્રમાણેની જીવનસાથી મળે તે લગભગ અસંભવ લાગે છે, તો શું તે કદી લગ્ન ન કરી શકે? અને જો તેને બુદ્ધિશક્તિ, વિચારધારા, રહેણી-કરણી અને જીવન પ્રત્યેના અભિગમની દ્રષ્ટિએ કોઈ યોગ્ય વ્યક્તિનો ભેટો થાય અને તેની સાથે જીવન જોડે તો શું તે એક સારો જૈન યુવક ન ગણાય? અહીં મને Jના મનોમંથન અને M.B.ના વલોપાતમાં ઘણું સામ્ય લાગ્યું.

કદાચ એવો સમય પાકી ગયો છે કે દરેક માતા-પિતા પોતાનાં સંતાનોને પોતપોતાના ધર્મના મૂળભૂત સિદ્ધાંતો વિષે તટસ્થ સમજણ આપે અને તેની સાથે જ પોતાની સંસ્કૃિત, સામાજિક રીતરિવાજો અને કૌટુંબિક માન્યતાઓ શી છે, તેને અનુસરવા  પાછળ શાં કારણો છે તે કાર્ય-કારણ આપી સમજાવે. મને ખાતરી છે કે આમ થશે તો મોટાં ભાગનાં યુવક-યુવતીઓ પોતાના ધર્મને વધુ સારી રીતે સમજી શકશે અને તેને અનુસરશે અને ધર્મને નામે જે સાંસ્કૃિતક અને સામાજિક રીત રસમો અનુસરવાનું કહેવામાં આવે છે તે જો સ્થળ-કાળને અનુરૂપ નહીં હોય, તો તેને બદલીને વધુ સંવાદિતાભર્યું જીવન જીવી શકશે.

e.mail : 71abuch@gmail.com

Loading

26 March 2018 admin
← વાહ કવિ…! ધરાર આમ…
જન સશક્તિકરણનું માધ્યમ છે જન સુનાવણી →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved