Opinion Magazine
Number of visits: 9482674
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈશાન દિલ્હી, ગોધરાના અઢારે વરસે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 February 2020

એ પણ એક ફેબ્રુઆરી હતો, ૨૦૦૨નો. આ પણ એક ફેબ્રુઆરી છે, ૨૦૨૦નો. અઢારે વરસે, અને તે પણ જોગાનુજોગ ૨૭મી ફેબ્રુઆરીએ, આ લખી રહ્યો છું ત્યારે પ્રબળપણે ઉભરી આવતી લાગણી નિર્વેદની – કેવળ નિર્વેદની છે. પણ નાગરિક મુઓ છું તેથી નિર્વેદ નામે કોઈ એસ્કેપ રુટનું ઐશ્વર્ય મારા નસીબમાં નથી તે નથી. પણ ત્યારે સૌ હમવતનીઓ અને વતન વાસ્તે જે ફિકરચિંતા થઈ આવી હતી એ ખરી પડી રહ્યાનો ખેદ ખસૂસ છે.

ગુજરાતની ગૌરવગરબડે કંઈક ઘેનગાફેલ કેટલીયે પેઢીઓ મુનશીશાઈ અસ્મિતાની કાયલ રહી છે. પણ ક.મા.ને પણ કાયદાનું શાસન તે શું એની ખબર ચોક્કસ છે. વૉટ્‌સઅપ યુનિવર્સિટીના વિદ્યાવાચસ્પતિ છોકરાંવને કદાચ ખબર નયે હોય, પણ અહિંસાધર્મી ઉદયન મંત્રીની નિગેહબાનીમાં ખંભાતને મ્લેચ્છમુક્ત કરવાનો (‘પોગ્રોમ’ માટે ત્યારે કોઈ ગુજરાતી પ્રયોગ હશે જ. પણ ન ભાયાણી, ન સાંડેસરા – કોને પૂછીએ વારુ.) ઉપક્રમ રૂડી પેરે પાર તો પડ્યો, પણ એકનો એક ખતીબ બચી ગયો. એની દર્દેદિલ દાસ્તાં સૂણી કાકને જાગેલા પહેલા પહેલા સવાલોમાં એક આ હતો : રાજના મંત્રી શું કરતા હતા. (પછીથી સ્પીકરપદે પહોંચેલા એક મંત્રી ૨૦૦૨ના ફેબ્રુઆરી-માર્ચમાં પોલીસનો કંટ્રોલરૂમ કબજે કરી ‘સૈંયા ભયે કોતવાલ’નો કોઈક અંક ભજવી રહ્યા હતા, એમ સાંભળ્યું છે.) ગમે તેમ પણ, ૨૦૨૦નો ફેબ્રુઆરી ઉતરતે શીર્ષ સત્તારૂઢ બેઉ ટિ્‌વટરમાર્તંડો બે અઢી દહાડા લગભગ મૂંગામંતર થઈ ગયા હતા, અને રાજ્ય છૂમંતર!

દિલ્હી હાઈકોર્ટે (ન્યાયમૂર્તિ મુરલીધરે અને બીજાઓએ) ૨૬મી ફેબ્રુઆરીએ (ઈશાન દિલ્હીમાં એક પછી એક લાશ ઢળતી હતી ત્યારે) ઉશ્કેરણીકારોની સામે એફ.આઈ.આર. કેમ નથી કરી એવી પૃચ્છા કરી (ખરું જોતાં ઘઘલાવ્યા અને લબડધક લીધા) ત્યારે ગુજરાતથી રાષ્ટ્રીય સ્તરે સમુત્ક્રાન્ત થયેલા સોલિસિટર જનરલે અજબ જેવી માસૂમિયતથી લાળા ચાવ્યા હતા કે હજુ એ માટે ‘એપ્રોપ્રિયેટ’ અને ‘કન્ડ્યુસિવ’ સમય નથી. ભાઈ, સત્તાપક્ષની કેટલીક પ્રતિભાઓ રાજ્ય વિધાનસભાના ચૂંટણીપ્રચાર વેળાથી ઉશ્કેરણીભર્યાં વિધાનો કરી રહી હતી, અને ત્યારે જ એક પૂર્વચૂંટણી કમિશનરે ટકોર કરી હતી કે ચૂંટણીપંચ આ લોકોને એકબે દિવસ માટે પ્રચારબાદ કરી પોતે કંઈક કર્યાનો ઓડકાર લે તે ઈષ્ટ નથી. આ એકોએક મામલો એફ.આઈ.આર. દર્જ કરવા લાયક છે. કપિલ મિશ્રા, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પરવેશ સિંહ વર્મા, અભય વર્મા – શું હતા આ સૌના ધન્યોદ્‌ગાર, ભરપૂર હિંસે સોડાતા (સત્તામાનસ મુજબ જો કે દેશભક્તિની પરાકાષ્ઠારૂપ) : ‘વિરોધ પોકારનારાઓને ખદેડો (પોલીસને અલ્ટિમેટમ); મંત્રી બોલે, ‘દેશ કે ગદ્દારોં કો’ અને ટોળું કહે, ‘ગોલી મારો.’ વળી, ‘આ લોકો’ (સમજ્યાને ?) ‘તમારા ઘરમાં ઘૂસી તમારાં બહેનદીકરી પર બળાત્કાર ગુજારશે.’ અને વળી, ‘પોલીસ કે હત્યારોં કો ગોલી મારો.’ સન્માન્ય સોલિસિટર જનરલ અને આદેશપ્રાપ્ત જવાબદાર પોલીસ અફસરે (ગાંધીપ્રિય ત્રણ વાનરોથી પ્રભાવિત હોઈ) આવું કશું જ કદાપિ જોયુંજાણ્યું નહોતું. ન્યાયમૂર્તિ મુરલીધરે (મુરલી છોડી સુદર્શન ચક્ર સાહવા બાબતે સંયમ જાળવી) કહ્યું કે તમારાં દફતરોમાં ટી.વી. છે, આ બધું જોતા નથી, એવું કેમ. અદાલતમાં ચારે વીડિયો ક્લિપ્સ પ્લે કરવાનો એ કદાચ પહેલો પ્રસંગ હશે. (ગુજરાતના ઘટનાક્રમમાં ‘ઑપરેશન કલંક’ની દસ્તાવેજી હોઈ શકતી, કંઈ નહીં તો પણ પ્રથમદર્શીવત્‌ હોઈ શકતી સામગ્રીની નાણાવટી પંચે દરકાર નહોતી કરી.) ન્યાયમૂર્તિ મુરલીધરે સરકારી પ્રતિનિધિઓને અદાલતી કારવાઈ દરમ્યાન યાદ આપવી પડી કે તમે જ્યારે ‘એપ્રોપ્રિયેટ’ અને ‘કન્ડ્યુસિવ’ની શબ્દરમણા કરી રહ્યા છો ત્યારે શહેરમાં સંહારસત્ર ચાલુ છે.

૨૦૦૨ એ દેશમાં પહેલા ટેલિવાઇઝ્‌ડ રાયટ્‌સની (બલકે ‘પ્રોગ્રોમ’ના કુળની) ઘટના હતી. એમાં જે દેખાયું તે જોવા આપણે તૈયાર નહોતા. ગમે તેમ પણ, ૨૦૨૦માં તો વીડિયોબદ્ધ ઝડપવાની નવાઈ નથી અને છતાં સરકાર આ હદે ઊંઘતી ઝડપાવું પસંદ કરે છે ! ત્યારે તો કોઈક સમ ખાતર પણ ‘રાજધર્મ’ પ્રબોધી શકતું હતું. આજે એ પણ નથી. સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ ૨૦૧૪થી તબક્કાવાર આવેલાં આ બધાં સૂત્રો ‘ફિગ લીફ’ હશે તો હશે.

૨૦૧૯ ઉતરતે અને ૨૦૨૦ બેસતે દેશજનતાએ અભૂતપૂર્વ એવી જે શાહીન બાગ ઘટના જોઈ, તિરંગો લહેરાવતી જે બંધારણભેરી સાંભળી અને કોમી ધ્રુવીકરણની ગળથુથીગત રાજનીતિને એણે ચૂંટણીમાં જે રીતે પછાડ આપી એ પછી દિલ્હીના બીજા છેડે (ઈશાન છેડે) સત્તામાનસ વરવી રીતે પ્રગટ થયું, શું કહીશું એને વિશે. સત્તામાનસની જિકર કરતી વેળાએ સવિશેષ અલબત્ત ભા.જ.પ. જ ચિત્તમાં છે. પણ દિલ્હી વિધાનસભામાં પ્રભાવકપણે પુનર્વિજયી ‘આપ’ને પણ બારોબાર બક્ષી શકાય એમ નથી. પોલીસ કેન્દ્ર હસ્તક છે એ એની દલીલ ખોટી બિલકુલ નથી, પણ પ્રજાના ચુંટાયેલ માણસ તરીકે તે અપૂરતી ચોક્કસ છે. જેમના મત તમે હજુ હમણાં જ સુંડલામોંઢે ને ખોબલે ખોબલે લીધા છે. એમની વચ્ચે જઈને ઊભા રહેવાની નૈતિક જવાબદારી તમારી નથી? રાજઘાટ ફોટોફંકશન પોતે થઈને ભાગ્યે જ તમારો હિસાબ આપી શકે.

સત્તામાનસની ચર્ચામાં લાંબા સમયની સત્તાભાગી કૉંગ્રેસ વિશે પણ બે શબ્દો લાજિમ છે. એણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું એમાં અવશ્ય ઔચિત્ય છે. પણ ભા.જ.પે., બિલકુલ ૨૦૦૨ની પેઠે, વળતો સાટકો માર્યો કે ૧૯૮૪નો જવાબ આપો. બેશક, કૉંગ્રેસ માટે એ એક નીચાજોણું હતું જ. પણ ભા.જ.પે. ૨૦૦૨માં આ જે સાટકો માર્યો હતો તે જ ૨૦૨૦માં (૨૦૦૨ના એના ‘વિક્રમ’ પછી અને છતાં) મારે એ એનાં મોંમાં શોભતું નથી. બલકે, ૧૯૮૪, ૨૦૦૨, ૨૦૨૦ એ બધો નાટારંગ (નરસિંહ મહેતાની ક્ષમાયાચના સાથે) એકમેક સામે લટકા કરે છે તે કરે છે.

છતાં આ લખતી વખતે કૉંગ્રેસ અંગે લગરીક કૂણું તો નહીં પણ સહેજસાજ માફીનું વલણ રહેતું હોય તો તેનું કારણ એ છે કે એની નિગેહબાની તળે ચાલેલું સંહારસત્ર (એની સઘળી નિર્ઘૃણતા અને અક્ષમ્યતા સાથે) આ પક્ષનો વિચારધારાગત હિસ્સો નહોતો. ઊલટ પક્ષે, હાલના સત્તારૂઢ પક્ષપરિવાર માટે આ ક્ષણ સુધી તો તે માંસમજ્જાગત બલકે, ગળથુથીગત હિસ્સો છે. બે’ક વરસ પરનાં વિજ્ઞાનભવન વ્યાખ્યાનોમાં કે હમણે ‘નેશનલિઝમ’ જેવા પ્રયોગો બરોબર નથી એવી નુક્તેચીનીમાં સરસંઘચાલક ભાગવતે જે પણ કહ્યું તેમાં જાત અને જમાત જોગ પ્રબોધન ઓછું અને પી.આર. પ્રબંધન વધુ છે તે ફરી એક વાર જણાઈ આવે છે.

સંઘ પરિવારને ૧૯૮૪નો શીખ સંહાર સાંભરે છે, પણ ૨૦૨૦માં શાહીન બાગ જમાવટમાં શીખો જે હેતપ્રીત અને નિસબતથી અહોરાત્ર લંગર ચલાવે છે તે દેખાતું નથી. ૧૯૮૪ને સંભારનારા જો કૉંગ્રેસ નેતાગીરીના કેટલાક હિસ્સાની મર્યાદા તેમ જ હિંસ્ર દૂષણોની નોંધ લે છે તો, તે સાથે, એમને એ પણ ખયાલ છે કે સન ચોરાસી કોઈ શીખ વિ. હિંદુ મામલો નહોતો, જેવું આજે ‘મુસ્લિમ વિ. હિંદુ’નું ભા.જ.પી. વલણ છે.

જ્યાં સુધી કાયદાના શાસનનો સવાલ છે, ૨૦૦૨નો દોર કાયદાના શાસન બાબતે શીર્ષ સત્તાસ્તરેથી શિરજોરી અને દિલચોરીનો હતો. જેઓ ભોગ બન્યા હતા એમની સહાનુભૂતિમાં નાગરિક સમાજનાં નાનાંમોટા બળો બહાર જરૂર આવ્યાં અને સંહારસત્રનો ભોગ બનેલાઓને પૂર્વે નહીં એ હદે ન્યાય ને વળતર અપાવવાનું કંઈક શક્ય પણ બન્યું. પણ એ તો જેટલે અંશે રાજ્યને ફરજ પાડી શકાઈ એટલે અંશે જ. (લશ્કરી મદદ લેવાની રાજ્યપાલ ભંડારીની ભલામણ પર મોદી સરકાર કલાકો લગી ચપ્પટ બેસી રહી હતી.) ૨૦૦૨માં રાજ્યનું વલણ નાતજાતકોમ અને ધરમમજહબના વહેરાઆંતરા વગર નાગરિકમાત્ર, રિપીટ, નાગરિકમાત્ર જોગ ન્યાય અને સુરક્ષાનું નહોતું. ગોધરામાં ૨૭મી ફેબ્રુઆરીએ જે બન્યું તે જઘન્ય એટલું જ અક્ષમ્ય હતું અને નસિયતપાત્ર પણ હતું તે હતું. પણ ૨૮મી ફેબ્રુઆરીએ જે કાળસપાટો ચાલ્યો તે અક્ષરશઃ અસાધારણ હતો. ૨૮મી ફેબ્રુઆરીએ સાંજે છ વાગ્યે મુખ્યમંત્રી મોદીએ દૂરદર્શન માટે રેકોર્ડ કરાવેલ ‘શાંતિ સંદેશ’માં એ જ બપોરના ગુલબર્ગ કાંડનો થડકો સુધ્ધાં નહોતો.
વસ્તુતઃ શાહીન બાગ સંલક્ષણ (સિન્ડ્રોમ) બે વાતે વિલક્ષણ છે. એક, તે બંધારણ અને તિરંગાને ધોરણે વિલસે છે. તે સાથે, ૨૦૦૨માં જો નાગરિક સમાજની પહેલ સાથે મુસ્લિમ જોડાણ હતું તો ૨૦૨૦માં વસ્તુતઃ મુસ્લિમ પહેલ અને નાગરિક સમાજનું સંધાન છે. નાગરિકતાનું પાસું અને બંધારણની ભૂમિકા જે રીતે આગળ આવી રહ્યાં છે તે કથિત રાષ્ટ્રવાદી અખાડાની સામે ‘સિવિક’ અગર ‘કૉન્સ્ટિટ્યુશનલ’ (નાગરિક/ બંધારણીય) રાષ્ટ્રવાદનો નવી ને ન્યાયી દુનિયા લાયક અભિગમ ઉપસાવે છે. અને હા, નોંધવા જોગ એક મહત્ત્વની વિગત એ છે કે બીજે છેડેથી કોશિશ અને હરકત છતાં હમણાં સુધી એમાં હિંસક તત્ત્વો દાખલ થઈ શક્યાં નથી.
ઈશાન દિલ્હીનો કાંડ આપણા પ્રજાસત્તાક સ્વરાજની આ પુણ્યકમાઈને ટૂંપી ન નાખે એવું કોણ નહીં ઈચ્છે વારું.                              
ફેબ્રુઆરી ૨૭, ૨૦૨૦ 

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2020; પૃ. 01-02 

Loading

28 February 2020 admin
← જાગ રે માલણ જાગ
દિલ્હીનાં ચૂંટણી-પરિણામો : આસપાસ અને આરપાર →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved