"સાહેબ, એક આઈડિયા છે."
"જલ્દી બોલો. અત્યારે જરૂર છે. હવે ખૂટવા આવ્યા છે."
"સાહેબ, પેલી 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મ આવેલી ને …"
"આમીરખાનવાળી? એના સિવાય બીજો આઈડિયા હોય તો કહો."
"સર, સાંભળો તો ખરા! એમાં એક મસ્ત મંત્ર છે. 'ઑલ ઈઝ વૅલ'. ગમે એવી ખરાબ પરિસ્થિતિમાં એ મંત્ર બોલવાથી બધું સરખું થઈ જાય, એવું એમાં બતાવ્યું છે."
"તમને શું લાગે છે? અમે અહીં ઘાસ કાપીએ છીએ? સૌથી પહેલાં એ મંત્રને સ્લોગન બનાવવાનું મેં જ કહેલું."
"અચ્છા? પણ કેમ ન બનાવ્યો?"
"તમારા જેવા એક દોઢચતુરે ડિક્શનેરીમાં 'વૅલ'ના અર્થ જોયા. એમાં એક અર્થ 'કૂવો' પણ હતો."
"સાહેબ, એક વાત કહું? મેં એ અર્થમાં જ કહેલું."
"સાહેબ, હજી એક આઇડિયા છે. એ આજકાલ ભૂલી પડતી ટ્રેન બાબતે છે."
"ઝટ ભસ."
"સાહેબ, યુ.પી. જવા નીકળેલી ટ્રેન કર્ણાટક જાય ને કો’ક ટ્રેન ઓડિસા પહોંચી જાય, એનાથી મૂંઝાવાની જરૂર જ નથી."
"લ્યા, તે આપણે કયે દા'ડે મૂંઝાયા?"
"એમ નહીં, સર! આપણે કહેવાનું કે આ મજૂરો બિચારા આખું વરસ મજૂરીમાંથી ઊંચા આવતા નથી. એ ક્યારે દેશના બીજા ભાગમાં ફરવાના? એટલે એમને 'ભારતદર્શન' કરાવવા માટે આ અમારું આયોજન હતું."
"ના. આ ગળે નથી ઊતરતું."
"સાહેબ, આપણે વળી એ ચિંતા કરતા ક્યારથી થઈ ગયા, એમ કહેશો?"
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 મે 2020