Opinion Magazine
Number of visits: 9449460
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું હિન્દુ છું

રમેશ ઓઝા|Opinion - Opinion|16 September 2018

મારું ઘર (હિન્દુ ધર્મ) ખળખળ વહેતા પાણી જેવું છે, જેમાં અવરોધો નથી અને ચાર દીવાલોની ચોકરબંધી પણ નથી. અત્યારે મારી પ્રાથમિકતા મારા ઘરને બચાવવાની છે.

જે ઝાડ સૌથી પ્રાચીન છે, જેનાં મૂળ સૌથી ઊંડાં છે, જેનો ચોતરફ વિસ્તાર થયો છે, જેની શાખાઓમાંથી પ્રશાખાઓ વિકસી છે, જે દરેક વાવાઝોડાને ખમી ચૂક્યું છે એને એના જ અનુયાયીઓ આજે કાપી રહ્યા છે તો એ કોણ છે? આ ફેલાયેલાં ઝાડની ડાળો કાપીને કોણ તેને ઊભા ખાંભા જેવું નિસ્તેજ બનાવી રહ્યું છે? ભારતની વનરાઈ ૮૦ ટકા હિન્દુ વૃક્ષોથી શોભી રહી છે, પરંતુ આજે તેના માલિકો જ તેને બોન્સાઇ બનાવી રહ્યા છે. કોણ છે એ લોકો?

અંદાજે આઠસો વરસ દરમ્યાન ધીરે-ધીરે વિકસેલા ભારતીય ઇસ્લામ(ભારતના વિભાજન પછી ભારતીય ઈસ્લામને દક્ષિણ એશિયાઈ ઇસ્લામ તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ હું તેને ભારતીય ઇસ્લામ તરીકે જ ઓળખાવું છું. વિભાજન ગઈકાલની ઘટના છે, જ્યારે ભારતીયતા હજારો વરસ જૂની પ્રક્રિયા છે અને તેમાં ઇસ્લામ અપવાદ નથી.)ના સુંદર બગીચાને કેટલાક મુસલમાનોએ રગદોળી નાખ્યો અને એનું આજે જે પરિણામ જોવા મળી રહ્યું છે એના વિષે આ કોલમમાં હું અનેકવાર લખી ચૂક્યો છું, પરંતુ એ હિન્દુઉન્માદ શરૂ થયો એ પહેલાંની વાત છે.

કોઈ દેશમાં બહુમતી પ્રજામાં જ્યારે કોમીજ્વર પેદા થાય, ત્યારે એ ખતરનાક નીવડતો હોય છે, એમ ઇતિહાસ કહે છે અને વર્તમાન તેની સાહેદી પૂરે છે. એ માત્ર કોમીજ્વર નથી હોતો, પણ એ ફાસીવાદ તરફ દોરી જાય છે અને તેનાં પરિણામની કલ્પના કરતાં લખલખું પસાર થઈ જાય છે. હવે જ્યારે ભારતમાં હિન્દુઉન્માદ પેદા થયો છે, ત્યારે છેલ્લાં બસો વરસ દરમ્યાન કેટલાક મુસલમાનોએ કરેલી ભૂલ અને તેના પરિણામોની ચર્ચા કરતાં પહેલાં એક કવિતા અને એક લેખ તરફ ધ્યાન ખેંચવા માગું છું. કવિતા પાકિસ્તાનની કવયિત્રીની છે જે બહુમતી મુસલમાનો વચ્ચે રહે છે અને લેખ મરાઠી અભિનેતાનો છે જે બહુમતી હિંદુઓની વચ્ચે રહે છે. બન્નેનું પોતપોતાનું અનુભવવિશ્વ છે જે પોતાનું હોવા છતાં એકસમાન છે. એકે અનુભવ કરી લીધો છે અને અનુભવજન્ય પરિણામ તરફ આપણું ધ્યાન દોરે છે અને બીજો તાજોતાજો અનુભવ કરી રહ્યો છે અને ભવિષ્ય વિષે ભયભીત કરનારી લાગણીઓ તરફ ધ્યાન દોરે છે.

પાકિસ્તાની કવયિત્રી છે ફહમિદા રિયાઝ. ૧૯૪૫માં ભારતમાં મેરઠમાં જન્મેલાં ફહમિદા રિયાઝ ડર્યા વિના માનવતાના પક્ષે ઊભા રહેવાની હિંમત ધરાવે છે. આની તેમણે કિંમત પણ ચૂકવી છે અને આજે પણ ચૂકવી રહ્યાં છે. ૧૯૭૮માં પાકિસ્તાનમાં ઝીયા ઉલ હક્કની સરમુખત્યારશાહી આવી એ પછીથી પાકિસ્તાનમાં ઇસ્લામીકરણની શરૂઆત થઈ હતી. ભારતીય ઉપખંડમાં ભારતીય ઇસ્લામની જગ્યાએ ઇસ્લામનો એક ખાસ પ્રકારનો ચહેરો કંડારવાનું તો આગળ કહ્યું એમ બસો વરસ પહેલાં શરૂ થઈ ગયું હતું, હવે તેને માત્ર એક શાસકની જરૂર હતી જે તેને ૧૯૭૮માં મળી ગયો હતો. ફહમિદા રિયાઝે પાકિસ્તાનમાં પેદા કરવામાં આવી રહેલા ઇસ્લામિકજ્વરનો વિરોધ કર્યો હતો.

એ પછી તેમની સાથે એ જ થયું જે ભારતમાં થઈ રહ્યું છે. તેમને દેશદ્રોહી અને રાષ્ટ્રવિરોધી જાહેર કરવામાં આવ્યાં. તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો અને ધરપકડ કરવામાં આવી. એ તો સારું થયું કે પોલીસસ્ટેશનનો થાણેદાર રિયાઝનો ફેન હતો એટલે તેણે હાથ મુચરકા પર પાકિસ્તાની શાયરનાને છોડી મુક્યાં અને દેશ છોડીને જતા રહેવાની સલાહ આપી. એ પછી ભારતથી મેહફિલનું નિમંત્રણ આવે છે અને તેઓ ભારત આવી જાય છે. જાણીતાં પંજાબી લેખિકા અમૃતા પ્રીતમ ફહમિદા રિયાઝનાં મિત્ર હતાં અને તેમણે ઇન્દિરા ગાંધીને કહીને ફહમિદાને ભારતમાં આશરો આપ્યો હતો. ફહમિદા રિયાઝ જતાં રહ્યાં એટલે તેમના પતિની ધરપકડ કરવામાં આવી હતી. ફહમિદાએ સાત વરસ ભારતમાં દેશવટો ભોગવ્યો હતો અને તેમના પતિને જેલમાં રહેવું પડ્યું હતું. જનરલ ઝીયાના મૃત્યુ પછી તેઓ પાકિસ્તાન પાછાં ફર્યાં હતાં.

ઇસ્લામનો વિકૃત શાસકીય ચહેરો નજરે જોનારાં અને તેની કિમંત ચૂકવનારાં ફહમિદા રિયાઝ ભારતમાં હિન્દુજ્વર જોઇને ઊંડી વ્યથા સાથે ચેતવણી આપે છે. પહેલી નજરે એમાં વ્યંગ લાગશે; પણ એમાં વ્યથા છે અને એનાથી વધુ ચેતવણી છે. કવયિત્રી કહે છે :

तुम बिल्‍कुल हम जैसे निकले

अब तक कहाँ छिपे थे भाई
वो मूरखता, वो घामड़पन
जिसमें हमने सदी गंवाई
आखिर पहुँची द्वार तुम्‍हारे
अरे बधाई, बहुत बधाई।

प्रेत धर्म का नाच रहा है
कायम हिंदू राज करोगे ?
सारे उल्‍टे काज करोगे !
अपना चमन ताराज़ करोगे !

तुम भी बैठे करोगे सोचा
पूरी है वैसी तैयारी
कौन है हिंदू, कौन नहीं है
तुम भी करोगे फ़तवे जारी
होगा कठिन वहाँ भी जीना
दाँतों आ जाएगा पसीना
जैसी तैसी कटा करेगी
वहाँ भी सब की साँस घुटेगी
माथे पर सिंदूर की रेखा
कुछ भी नहीं पड़ोस से सीखा!

क्‍या हमने दुर्दशा बनाई
कुछ भी तुमको नजर न आयी?
कल दुख से सोचा करती थी
सोच के बहुत हँसी आज आयी
तुम बिल्‍कुल हम जैसे निकले
हम दो कौम नहीं थे भाई।
मश्‍क करो तुम, आ जाएगा
उल्‍टे पाँव चलते जाना
ध्‍यान न मन में दूजा आए
बस पीछे ही नजर जमाना
भाड़ में जाए शिक्षा–विक्षा
अब जाहिलपन के गुन गाना।

आगे गड्ढा है यह मत देखो
लाओ वापस, गया ज़माना
एक जाप सा करते जाओ
बारम्बार यही दोहराओ
कैसा वीर महान था भारत
कैसा आलीशान था–भारत
फिर तुम लोग पहुँच जाओगे
बस परलोक पहुँच जाओगे
हम तो हैं पहले से वहाँ पर
तुम भी समय निकालते रहना
अब जिस नरक में जाओ वहाँ से
चिट्ठी–विठ्ठी डालते रहना।

 

અને હવે મરાઠી કલાકાર અતુલ પેઠે શું કહે છે એ જોઈએ. અતુલ પેઠે ૩૫ વરસથી મરાઠી નાટકોમાં કામ કરે છે અને કેટલાંક નાટકો તેમણે દિગ્દર્શિત પણ કર્યા છે. જાણીતા મરાઠી સમાજશાસ્ત્રી ડૉ. રઘુનાથ ધોન્ડો કર્વેના જીવન પર આધારિત ‘સમાજસ્વાસ્થ્ય’ નામના તેમના અત્યારે ચાલી રહેલા નાટકે મહારાષ્ટ્રમાં સારી ચર્ચા જગાવી છે. ડૉ. કર્વે લૈંગિક શિક્ષણ અને સંતતિ નિયમનના હિમાયતી હતા અને એ જમાનામાં એના વિષે વાત કરવી એ પણ પાપ ગણાતું હતું.

 

અતુલ પેઠેએ ગયા રવિવારે મરાઠી અખબાર ‘લોકસત્તા’માં ‘મી હિંદુ આહે’ એવા શીર્ષક સાથે એક લેખ લખ્યો હતો તેમાં તેઓ કહે છે:

 

“હું હિંદુ છું. જન્મે અને વૃત્તિએ એમ બન્ને રીતે. આમ છતાં કેટલાક સમયથી આજુબાજુમાં જે ઝેરીલું વાતાવરણ નજરે પડી રહ્યું છે એ જોઇને હું બહુમતી કોમનો સભ્ય ડર અનુભવું છું. કોઈ પણ ટીવી ચેનલ શરૂ કરો કે તેમાં પોતાને હિન્દુ ધર્મરક્ષક તરીકે ઓળખાવનારાઓ જે ઝનૂની ભાષામાં ઉગ્ર ચહેરો ધારણ કરીને બોલતા જોવા મળશે. તેમની ભાષા કમાલની હિંસક હોય છે અને ચહેરાના હાવભાવ એવા હોય છે કે હમણાં જ પ્રતિવાદીને ચીરી નાખશે. મારાથી આ જોઈ શકાતું નથી. તેઓ મારા પરિચિત અને પ્રિય હિન્દુ ધર્મ વિષે બોલી રહ્યા હોય એવું મને લાગતું નથી. તેઓ હિન્દુ ધર્મના નામે અખબારોમાં, ટીવી ચેનલોમાં અને સોશ્યલ મીડિયા પર જે ઝેર ઓકે છે. તેમને જોઈ જોઇને અને સાંભળી સાંભળીને તેઓ જ જાણે કે હિન્દુ ધર્મના સાચા પ્રતિનિધિ હોય એવું આમજનતાને લાગવા માંડ્યું છે. હવે તો તેમને પણ એમ લાગવા માંડ્યું છે કે તેઓ જ હિન્દુ ધર્મના રક્ષક અને પાલક છે.

નમ્રતાપૂર્વક કહું છું તેઓ મારા વતી બોલી રહ્યા હોય એવું મને લાગતું જ નથી. ઊલટું તેમની ભાષા અને તર્ક જોઇને મારી અંદરનો હિન્દુ અસ્વસ્થ થઈ જાય છે. તેમને જેવો હિન્દુ અપેક્ષિત છે એવો હું ક્યારે ય થઈ શકું એમ નથી એટલે મને શંકા થાય છે કે કદાચ તેઓ મને એકલો પાડી દેશે. તેમને સ્વીકાર્ય ન હોય એવી ભાષામાં હું બોલીશ કે લખીશ તો કદાચ તેઓ મને ઘરમાંથી ખેંચીને મારી નાખશે એવાં ભયજનક સ્વપ્ન પડે છે. આને કારણે મારા મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને હું વિચારવા લાગુ છું. સાચું કહું તો મનમાં આવા પ્રશ્નો ઉપસ્થિત થવા અને વિચારમાં પડી જવું એ હિન્દુ ધર્મએ જ મને આપેલું શિક્ષણ છે. હું તો એમ કહીશ કે હું હિન્દુ ધર્મનો અનુયાયી છું એટલે વિચારું છું અને પ્રશ્નો કરું છું.

મને મારા મા-બાપે, દાદા-દાદીએ, પાડોશીઓએ, શિક્ષકોએ એમ બધાએ એકબીજા પ્રત્યે સહભાવ સાથે જીવતા શીખવ્યું છે. તેમણે આ શિક્ષણ મને ‘સહિષ્ણુતા’ના નામે નહોતું આપ્યું, ‘વર્તન’ના નામે આપ્યું હતું. કોઈના પર હાથ ઉગામવો નહીં, કોઈને ગાળ આપવી નહીં, કોઈનું મન દુભાવવું નહીં, ઉચ્ચ-નીચનો ભેદ કરવો નહીં, કોઈને નીચા ગણવા નહીં, પોતાને મોટા ચીતરવા નહીં, કોઈ વાતનું અભિમાન કરવું નહીં, કોઈનું બૂરું ઇચ્છવું નહીં વગેરે સંસ્કાર બાળપણમાં મને મળ્યા હતા. આને સભ્ય વર્તણૂંક કહેવામાં આવતી હતી, સહિષ્ણુતા શું કહેવાય એ તો પછી ખબર પડી.

અમારા ઘરમાં રેડિયો હતો. એનો અવાજ ઘરની બહાર ન જાય એનું ધ્યાન મારાં મા-બાપ રાખતાં હતાં. મને સાયકલ લઈ આપી ત્યારે ઘંટડી જરૂર હોય તો જ વગાડવી એમ મને કહેવામાં આવ્યું હતું. આપણે રેડિયો કે સાયકલ ધરાવીએ છીએ એનો દેખાડો કરવાનો ન હોય. સાંજે મારી મા ઘીનો દીવો કરતી અને મને કહેતી કે તે સાત્ત્વિક શાંતિ આપે છે. પ્રસાદ કે મીઠાઈ વહેંચીને ખાવાના સંસ્કાર પણ ઘરમાંથી અને પાડોશમાંથી મને મળ્યા હતા. આ મૂલ્યો મનમાં નહીં, પણ બુદ્ધિમાં ઊતારવામાં આવ્યાં હતાં.

અમારા ઘરમાં મંદિર હતું અને તેમાં ઘણાં દેવ-દેવી હતાં. મારાં મા-બાપે એ દેવોનો પરિચય મૂલ્યરક્ષક તરીકે આપ્યો હતો, કોઈ ક્રોધી વેર લેનારા દેવ તરીકે નહીં. ભાઈ ખાતર ગાદી ત્યજનારા રામ વગેરે. મારા પિતા વિઠ્ઠલમાર્ગી હતા એટલે અમારા ઘરે ભજન થતાં. આડોશી-પાડોશી સગાસંબંધીઓ આવીને અભંગ ગાય પણ એમ કરવામાં ક્યારે ય તેમને ભગવા ઝંડાની જરૂર નહોતી પડી. આના પરથી હું એવું સમજ્યો હતો કે હિન્દુ હોવા માટે કંઈ બતાવવાની જરૂર નથી.

એ જમાનામાં ધુળેટીમાં રમવા માટે પિસ્તોલના આકારની રંગની પિચકારી બજારમાં આવી હતી. હું અને મારો મિત્ર પિસ્તોલની પિચકારી લઈ આવ્યા. ઘરે આવ્યા તો મારી માએ કહ્યું કે આ નહીં ચાલે, પછી આપી આવ. તારે ગોળીથી રમવાનું નથી રંગથી રમવાનું છે. એ દિવસે મને લાગ્યું કે મારી દ્રષ્ટિ વિશાળ થઈ ગઈ. મારા મિત્રને પણ તેના ઘરે આવી જ સલાહ આપવામાં આવી અને અમે બન્ને પિસ્તોલની પિચકારી પાછી આપી આવ્યા. અમને ત્યારે એવું નહોતું લાગ્યું કે અમે પિસ્તોલથી દૂર ભાગનારા બુઝદિલ છીએ અને હિન્દુ ધર્મ માટે લાંછનરૂપ છીએ. અમને આવું ત્યારે કોઈએ કહ્યું પણ નહોતું. ઊલટું પિસ્તોલ હોવા કરતાં ન હોવામાં વધારે હિન્દુપણું છે એમ અમને લાગતું હતું.

અમે તરુણાવસ્થામાં ખૂબ ફરતા. મહારાષ્ટ્રના બધા જ કિલ્લાઓ અને મંદિરો જોયાં છે. ત્યાં સફાઈ કરી છે, દીવાલો પર લખવામાં આવેલાં નામો ભૂંસ્યા છે, ગરીબ લોકોને અનાજ વહેંચ્યું છે વગેરે. એમ કરવામાં અમને હિન્દુ ધર્મ રક્ષક સેનાનું બેનર, ભગવો ઝંડો, જય શ્રી રામ લખેલી ભગવી ટોપી કે ટી શર્ટ અને વિધર્મીઓ વિરુદ્ધ નારાબાજીની કયારે ય જરૂર નહોતી પડી.

મને ખાતરી છે કે હિન્દુ હોવાનો જે અનુભવ મને થયો છે એવો જ અનુભવ મોટાભાગના હિન્દુઓને થયો હશે. તો પછી છેલ્લાં કેટલાંક વર્ષોથી પરિવેશમાં ભય પેદા કરનારું અને મનને વ્યથિત કરનારું પરિવર્તન કેમ થવા લાગ્યું છે? આ હિન્દુના મનમાં પેદા થયેલી લઘુતાગ્રંથિ છે કે ગુરુતાગ્રંથિ? કે પછી આ મારા હિન્દુ ધર્મને ખતમ કરવાનું કાવતરું છે? જે ઝાડ સૌથી પ્રાચીન છે, જેના મૂળ સૌથી ઊંડા છે, જેનો ચોતરફ વિસ્તાર થયો છે, જેની શાખાઓમાંથી પ્રશાખાઓ વિકસી છે, જે દરેક વાવાઝોડાને ખમી ચૂક્યું છે એને એના જ અનુયાયીઓ આજે કાપી રહ્યાં છે તો એ કોણ છે? આ ફેલાયેલાં ઝાડની ડાળો કાપીને કોણ તેને ઊભા ખાંભા જેવું નિસ્તેજ બનાવી રહ્યું છે? ભારતની વનરાઈ ૮૦ ટકા હિન્દુ વૃક્ષોથી શોભી રહી છે, પરંતુ આજે તેના માલિકો જ તેને બોન્સાઇ બનાવી રહ્યા છે. કોણ છે એ લોકો?

આ પ્રશ્નો કેટલાક સમયથી મારા મનમાં પેદા થઈ રહ્યા છે અને હું એના વિષે વિચારું છું કારણ કે હું હિન્દુ છું અથવા એમ કહીશ કે હિન્દુ છું એટલે જ વિચારી શકું છું અને પ્રશ્ન પૂછી શકું છું. હવે મહેરબાની કરીને મને એમ નહીં કહેતા કે આવા પ્રશ્નો તમે બીજા ધર્મના અનુયાયીને કેમ નથી પૂછતા? મારું ઘર (હિન્દુ ધર્મ) ખળખળ વહેતાં પાણી જેવું છે, જેમાં અવરોધો નથી અને ચાર દીવાલોની ચોકરબંધી પણ નથી. અત્યારે મારી પ્રાથમિકતા મારા ઘરને બચાવવાની છે. હું એ મોકળાશને બચાવી શકીશ તો બીજા પણ એ મોકળાશ તરફ આકર્ષવાના છે.”

અહીં બે કૃતિઓ ટાંકી છે. આગળ કહ્યું એમ બન્નેનું પોતપોતાનું અનુભવવિશ્વ છે જે પોતાનું હોવા છતાં એકસમાન છે. એકે અનુભવ કરી લીધો છે અને અનુભવજન્ય પરિણામ તરફ આપણું ધ્યાન દોરે છે અને બીજો તાજોતાજો અનુભવ કરી રહ્યો છે અને ભવિષ્ય વિષે ભયભીત કરનારી લાગણીઓ તરફ ધ્યાન દોરે છે. આપણે જ્યારે અવળી દિશામાં યાત્રા શરૂ કરી જ દીધી છે ત્યારે આપણી પહેલાં એ જ માર્ગે ચાલેલા વટેમાર્ગુઓનો અનુભવ સમજી લેવો જોઈએ. આજે જ્યારે હિન્દુ કોમીજ્વર દેશમાં પેદા થયો છે ત્યારે ભારતીય ઇસ્લામના સુંદર બગીચાને કેટલાક મુસલમાનોએ રગદોળી નાખ્યો અને એનું આજે જે પરિણામ જોવા મળી રહ્યું છે એના વિષે આ કોલમમાં લખવામાં આવશે.

સૌજન્ય : ‘નો નોનસેન્સ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 16 સપ્ટેમ્બર 2018

Loading

16 September 2018 admin
← ટૂંકીવાર્તા કેમ લખાય એની કોઇ ફૉર્મ્યુલાબૉર્મ્યુલા છે નહીં, કોઇ બતાવે ને માની લઇએ તો રવાડે ચડી જવાય
ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણીની શબ્દસૃષ્ટિ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved