Opinion Magazine
Number of visits: 9448851
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|1 March 2018

વનુ જીવરાજે 21 ફેબ્રુઆરી 2018ના કાયમી વિદાય લીધી. ગુજરાત ડાયસ્પોરા જગતને એક ઊંચેરો માણસની ખોટ સહન કરવાનું આવ્યું. તેમને ‘અલવિદા’ કહેતાંક, આશરે દાયકા પહેલાં “જન્મભૂમિ-પ્રવાસી” માટે લખેલ લેખ.

ડાયસ્પોરિક ગુજરાતીઓનું ઘડતર કરવામાં અદકેરો ફાળો આપનારાઓની પહેલી હરોળમાં, એક નામ ગૌરવભેર સોહે છે : વનુ જીવરાજ સોમૈયા. ઇતિહાસવિદ્દ મકરન્દ મહેતાના શબ્દો ઉછીના લઈને કહું તો ખોટું નથી કે વનુ જીવરાજ, આ ગુજરાતને, ‘અરુણું પરભાત’ની દિશામાં દોરનાર એક દૃષ્ટા બની રહ્યા છે. કોમની સામાજિક અને નૈતિક ઉન્નતિ અર્થે કેટલાક લોકસેવકોનાં ટૂંકાં પણ મુદ્દાસર જીવનચરિત્રો આપણાં સમસામયિકોમાં દાયકાઓથી અપાતાં રહ્યાં છે. તેને પરિણામે, વાચકો સમક્ષ, સત્યપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને લોકસેવાનો ઉચ્ચ આદર્શ રજૂ થતો રહે છે. ગુજરાતી ડાયસ્પોરાના એક દૂરંદેશ આગેવાન ને પત્રકાર  મોહનદાસ ગાંધીએ ઠીક સો વરસ પહેલાં “ઇન્ડિયન ઓપીનિયન”માં આ વિશે સિલસિલાબંધ અને મજબૂત લેખમાળાઓ પણ આપી હતી, જે પાછળથી પુસ્તકરૂપે ય પ્રગટ થઈ છે.

ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યના એક મેરુ-શિખર એટલે ભાનુશંકર ઓધવજી વ્યાસ. ૧૯૭૯માં પ્રકાશિત એમના ‘ધરતીના ખપ્પરમાં આભ’ પુસ્તકમાં, ભાનુભાઈ નોંધે છે : ‘બ્રિટનના ગુજરાતી પત્રકારો અને તંત્રીઓમાં વનુભાઈનું આગવું સ્થાન છે. યુગાન્ડા તેમની જન્મભૂમિ. ‘મેનેન્જાઇિટસ’ની બીમારીએ એમની શ્રવણેન્દ્રિયને સર્વથા હરી લીધી. ઘેર અભ્યાસ કરીને ભાષાગૌરવ તેમ જ જીવનના આદર્શોને સચેત રાખનાર વનુભાઈ પાસે અત્યંત નાજુક અને સંવેદનશીલ હૃદય છે. ટૂંકી વાર્તા અને લેખોના સર્જક તરીકે સાહિત્યની દુનિયામાં પ્રવેશ કરી ફાળો આપતાં આપતાં, આત્મપરિશ્રમથી એમણે કમ્પાલામાં પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું, અને દસેક વર્ષના ગાળામાં એનો સારો એવો વિકાસ સાધ્યો. એ, કેવળ વસાહતની હકાલપટ્ટીમાં સામેલ થતી વેળા, એક અનાસક્ત દૃષ્ટિ કરી લેવા ખાતર! ‘આફ્રિકા લોહાણા મહાપરિષદ’ અંક તેમ જ ‘યુગાન્ડા ઇન્ડિપેન્ડન્સ સુવિનર’ના સંપાદક તે જ વનુભાઈ!’

ભા.ઓ. વ્યાસની કલમ ફ્રન્ટિયર મૈલની જેમ ધસમસતી આગળ ધપે છે. આહાહા, આ શબ્દો તો જુઓ : મંજુલાબહેનની ઊંચાઈ આપીને વનુભાઈની શકિતઓની ક્ષિતિજ જાણે કે ભાનુભાઈએ ચિંધી બતાવી છે ! ‘બ્રિટનની ધરતી પરના અઢી વર્ષના વસવાટમાં નિરાશ્રિત વનુભાઈનું નવું સાહસ એ “નવ બ્રિટન”, ગુજરાતીઓનું માનીતું દ્વિભાષી પત્ર! દરમિયાન તૈયાર થયું તેમનું પુસ્તક — ‘યુગાન્ડાનો હાહાકાર’. મંજુલાબહેન, વનુભાઈનાં જીવનસાથી, સાચા અર્થમાં તેમનો આધારસ્તંભ. તેઓ જ વનુભાઈનાં શ્રવણેન્દ્રિયો, તેઓ જ મંત્રી, તેઓ જ એમના સમસ્ત જીવનવ્યવહારની કાર્યકુશળતા !’ ‘જાણું છું’ નામે, શાયર હરજી લવજી દામાણી ‘શયદા’ની એક મશહૂર ગઝલ છે. તેનો મત્લઅ, માંહ્યલીકોર, આથીસ્તો, રમણે ચડ્યો :

હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું,
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

યુગાન્ડાના પાટનગર કમ્પાલાથી નેૠત્ય દિશામાં, આશરે ૧૩૭ કિલોમીટર દૂર, યુગાન્ડાની દક્ષિણે, વિક્ટોરિયા સરોવર પાસે મસાકા નામનું ગામ છે. એક જમાનામાં તે યુગાન્ડાનું મોટામાં મોટું બીજું શહેર લેખાતું. નાબુગાબો નામક એક સરોવરને કાંઠે વિસ્તરેલું આ ગામ, ૧૯૭૯ દરમિયાન, યુગાન્ડા – ટાન્ઝાનિયા વચ્ચેના યુદ્ધમાં સારી પેઠે નાશ પામેલું. એ ગામમાં હાથીદાંતનો, એક દા, કુશળ વેપાર કરતા જીવરાજ સોમૈયાને ઘેર, લાધીબહેનની કૂખે, વનુભાઈનો જન્મ ૧૩ ઑગસ્ટ, ૧૯૨૯ના રોજ થયો. જામનગર જિલ્લાના ધ્રાફા ગામના મૂળ વતની જીવરાજ સોમૈયા, છપનિયાના દુષ્કાળ બાદ, રોજગારી અર્થે આફ્રિકે ગયા હોય, તેમ પણ બને. આ દંપતીને છ સંતાનો. ત્રિકમભાઈ, બાલુભાઈ, રમણીકભાઈ, વનુભાઈ, પ્રભાબહેન અને વીમુબહેન. વનુભાઈ છએક વર્ષની ઉંમરના હશે અને એમણે પિતાની ઓથ ખોઈ. માતા લાધીબહેન પર, પરિણામે, છ સંતાનોના ઉછેરનો ભાર આવી પડેલો. તેમાં વળી એક વખત ચોર ત્રાટક્યા. પૈસેટકે સુખી આ પરિવારને સાફ કરી જઈ, ચોર રફુચક્કર થઈ ગયેલા ! જીવરાજ સોમૈયાના મોટાભાઈ અંબારામભાઈ કમ્પાલામાં થાળે પડેલા; તેથી કહે છે કે, ભાઈનાં પરિવારને પડખે લઈ હૂંફટેકો એમણે આપ્યા કર્યો. આપણા આ વનુભાઈ યુવાવસ્થાએ, પછી મૂળ ભાવનગરના પણ ધંધાર્થે ધરમપુર વસેલા પરિવારનાં, ૧ જૂન, ૧૯૩૩ના જન્મેલાં મંજુલાબહેનને ૨૭ માર્ચ ૧૯૫૭ના મુંબઈમાં પરણેલા. માનશો? તે પછી, આજ દી’ લગી, આ મનેખે ભારત જવાનું ટાળ્યા જ કર્યું છે!

વાચન, લેખન માટે ઘર અને લેસ્ટરની લાયબ્રેરીઓમાં, અબીહાલ, ઠીક ઠીક વખત પસાર કરનાર, ગુજરાતી તથા અંગ્રેજીના લેખક વનુ જીવરાજને, ટેલિવિઝન પડદે રમતગમત જોવાનો ય આનંદ આવે છે. ભાઈબંધમિત્રોનું આતિથ્ય કરવામાં પણ, વળી, આ દંપતી, સ્વાભાવિક, પાછું પડતું નથી. મંજુબહેને પકાવેલી ખાસ પ્રકારની બિરયાની આરોગવી તેને જિંદગીનો એક અદ્‌ભુત લહાવો ગણવો. મોટા દીકરા સુનીલ અને પુત્રવધૂ કૌશિકાની હૂંફમાં, મૂડી સાટે વ્યાજને વહાલું લેખતાં લેખતાં, બંને આજકાલ ઘડપણને ઉજમાળું કરતાં રહ્યાં છે. બીજી તરફ, દીકરી સુકેશી ભરત ગણાત્રા પરિવારસહ અહીં લુટન શહેરમાં વસે છે. જ્યારે બીજો દીકરો નીકુંજ ને પુત્રવધૂ હેમાલિની અમેરિકામાં તેમ જ સૌથી નાનો દીકરો નીરજ ને પત્ની ભાવના બ્રિટનના બીજા નંબરના શહેર બર્મિંગમમાં વસે છે. 

લગભગ એક વર્ષ પહેલાં, રામકૃષ્ણ ટી. સોમૈયા નામના એક સજ્જને લોહાણા કોમના ઇતિહાસની ટૂંકી નોંધ મોકલી આપી હતી. આ રઘુવંશી ક્ષત્રિય કોમ વિશે વનુ જીવરાજે દાયકાઓથી ઊંડો અભ્યાસ કર્યો છે. યુગાન્ડાના વસવાટ ટાંકણે જેમ એમણે ‘આફ્રિકા લોહાણા મહાપરિષદ’ અંક પ્રગટ કરેલો, તેમ બ્રિટનના વસવાટ દરમિયાન લોહાણા કોમને કેન્દ્રમાં રાખીને સામયિક બહાર પાડેલાં. આટલું ઓછું હોય તેમ, ૨૦૦૨ના અરસામાં, ‘ધ એન્શન્ટ હિસ્ટ્રી ઑવ્ ‌ધ સોલાર રેઇસ’ નામે ૧૮૪ પાનાં ઉપરાંતનો એક ગ્રંથ અંગ્રેજીમાં પ્રગટ કર્યો હતો. દેશદેશાવરમાં પહોંચી ગયેલા આ પુસ્તકની ઠેર ઠેર સમીક્ષાઓ પણ થઈ છે. વળી ઇન્ટરનેટના માધ્યમે ય તેની વિગતો જોવા મળે છે. આ પુસ્તકમાં, વળી, વનુભાઈએ ‘ઍ ઇન્ડિયન્સ ઑવ્‌ ઇસ્ટ આફ્રિકા’ બાબતની માહિતીવિગતોને આવરી લીધી છે. આ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ સ્થાનિક હેરો લેઝર સેન્ટરમાં સમ્પન્ન થયો, તે પ્રસંગે અકડેઠઠ મહેરામણ ઉમટ્યો હતો. તે અવસરે જ છસ્સો ઉપરાંત નકલોનું વેંચાણ થયું હતું, તેમ સાંભરે છે. આવું આ પહેલાં કે પછી બન્યાનું લગીર સાંભરતું નથી.

દર્શક ઇતિહાસ નિધિ દ્વારા, ૨૦૦૧ના અરસામાં, પ્રકાશિત ‘ગુજરાતીઓ અને પૂર્વ આફ્રિકા, ૧૮૫૦-૧૯૬૦ : ગુજરાતીપણાની શોધમાં’, પુસ્તકમાં, ઇતિહાસવિદ્દ લેખક મકરન્દ મહેતા લખે છે : ‘ઇંગ્લૅન્ડમાં વસવાટ કરી રહેલા પ્રભુદાસ માણેકનાં સંસ્મરણો મહત્ત્વનાં છે. તેમના પિતા રૂગનાથ જેરામ, કુટુંબ સહિત પૂર્વ આફ્રિકાથી યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થળાંતર કર્યું તે પહેલાં, તેઓ તેમ જ ભ્રમિત જોશી અને છગનબાપા જેવા સારસ્વત ગોરની જેમ લોહાણા જ્ઞાતિના ‘લિવીંગ એન્સાઇક્લોપીડિયા’ સમાન હતા. હરગોવિંદદાસ હીરજી, છગનલાલ જોશી અને લાલજીભાઈ જોશી જેવા પ્રથમ પેઢીના તેજસ્વી ગોરોની પરંપરાઓને ચાલુ રાખનાર આ સારસ્વતો લોહાણા જ્ઞાતિના તળપદા ઇતિહાસકારો હતા. પ્રભુદાસ માણેકે ૫-૧૧-૧૯૯૮ના વનુ જીવરાજ પર લખેલા પત્રની ઝેરૉક્સ નકલ ફરતી ફરતી સુપ્રસિદ્ધ સાહિત્યકાર જયન્ત પંડ્યા પાસે પહોંચી અને તેમના દ્વારા તે મારી પાસે આવી. મુખ્ય મુદ્દો એ છે કે ૨૦મા સૈકાની શરૂઆતથી લોહાણા વ્યાપારીઓ અને તેમના તેજસ્વી પુરોહિતોએ પૂર્વ આફ્રિકામાં શરૂ કરેલી સાંસ્કૃિતક પરંપરાઓ છેક યુગાન્ડાના હાહાકાર સુધી ચાલુ રહી હતી.

ભાનુભાઈએ નોંધ્યું છે તેમ, કમ્પાલાના દિવસો દરમિયાન, વનુભાઈએ પોતાનું છાપખાનું શરૂ કરેલું. અને ત્યાંથી એમના દિવંગત મિત્ર અને જગવિખ્યાત વિચારક તંત્રી રજત નિયોગીનું “ટ્રાન્ઝિશન” નામનું એક જબ્બરુ સામયિક પ્રગટ થવું શરૂ થયેલું. રજત નિયોગી અને આ સામયિક વિશે ક્યારેક નિરાંતવા લખવા જેવું છે. “ટ્રાન્ઝિશન”ની બરોબરી કરી શકે એવાં સામયિકો, આજે, ધોળે દિવસે બત્તી લઈને ય ઢૂંઢવા જઈએ તો ય ક્યાં ય સાંપડે તેમ નથી!

વનુ જીવરાજ સાથે જેમને ‘હૈયાની ગાંઠે ગંઠાઈને પડી’ અતૂટ મૈત્રી રહી છે, તેવા વાર્તાકાર રમેશભાઈ પટેલ લખે છે : ‘જીવનનો અંત એ મૃત્યુ નથી, મહત્ત્વાકાંક્ષાનો અંત એ મૃત્યુ છે.’ આ વાક્ય વનુભાઈના કાર્યાલયના ટેબલ ઉપર કાયમ મોજુદ રહે છે. શૂન્યમાંથી પોતાના પ્રચંડ પુરુષાર્થ વડે પોતાના જ જીવનનું સર્જન કરી જાહોજલાલી અને સુખચેનની એક આગવી ઇમારત પોતાના જીવનમાં એમણે ઊભી કરી. એ મહાલય, એ અદ્યતન છાપખાનું, એ બધું જ ઘડીના છઠ્ઠા ભાગમાં છોડીને દેશ છોડવાનો જ્યારે વારો આવ્યો, ત્યારે વનુભાઈએ, સુણાવસ્થિત આ રમેશભાઈ પટેલના મત અનુસાર, ‘જીગરની સાવ નોખી ખુમારી, ધીરજ અને હિંમતથી બેઠા થઈ ઊભા થવાની શરૂઆત’ આદરી દીધેલી.

વિલાયત આવ્યા કેડે, પહેલવહેલાં, સ્ટોક – ઑન – ટ્રેન્ટમાં અને તે પછી લેસ્ટરમાં, એમણે વસવાટ કરવાનું રાખ્યું. ‘પેરેડાઇઝ પબ્લિકેશન્સ’ હેઠળ, આરંભે, એમણે સ્ટોક – ઑન – ટ્રેન્ટથી “નવ બ્રિટન” સામયિકનો આરંભ કરેલો. અને સાથે સાથે પૂર્વ આફ્રિકાની અનેક લીલીસૂકી જોનાર-અનુભવનાર આ લેખકે, ‘યુગાન્ડાનો હાહાકાર’ નામનું એક હૃદયદ્રાવક પુસ્તક ૧૯૭૭ના અરસામાં આપેલું. લશ્કરી સરમુખત્યાર ઈદી અમીનના યુગાન્ડા બાબતનું તેમ જ એશિયાઈઓની હકાલપટ્ટી વિષયક આ રસપ્રદ અને માહિતીપૂર્ણ પુસ્તક ગુજરાતી ડાયસ્પોરિક ઇતિહાસ સામગ્રી માટેનું બહુ મોટું સાધન હોવાનું અનુભવે લાગ્યું છે.

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના દશાબ્દી વર્ષ ટાંકણે, ઇ.સ. ૧૯૮૬ના અરસામાં, ‘આહ્‌વાન’ નામે અંકનું મુદ્રણકામ તેમ જ પ્રકાશનકામ એમણે જ એમના બ્રૂઈન સ્ટ્રીટ પર આવેલા ‘સોમિયા પ્રેસ’માં કરેલું. એમના લેસ્ટર નિવાસ કારણે, પછીથી, “નવ-બ્રિટન” અહીંથી પ્રગટ થતું રહેલું. હવે તો જો કે સાપ ગયા અને લિસોટા રહ્યા — શો ઘાટ છે. તે સ્થળે હવે પરિસર બદલાઈ ગયું છે. એ પ્રેસ પણ નથી; “નવ – બ્રિટન” સમેટી લેવાયું તેને ય ઠીક ઠીક વરસો વીતી ગયાં છે. પરંતુ વનુભાઈનું લેખનકામ તેજ લિસોટાની પેઠે ઝગારા મારે છે. લેસ્ટર શહેરના ઇતિહાસ તેમ જ આ શહેરમાંની આપણી વસાહતની દેણગી અંગે એક ગુજરાતી પુસ્તકની તૈયારીમાં વનુભાઈ આજકાલ વ્યસ્ત રહે છે. પાનખરનો તડકો આથી તો જાણે કે હૂંફાળો હોવાનું અનુભવાય છે.

પાનબીડું :

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’, સ્હેલ નથી,
હું એમ તો  મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.

                                                                        – ‘શયદા’

(૧૬.૦૬. ૨૦૦૮)

E-mail : vipoolkalyani.opinion@btinternet.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 13-14

Loading

1 March 2018 admin
← Ram Rajya Rath Yatra: Road to Power
એ બસ ફરવા આવ્યા હતા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved