Opinion Magazine
Number of visits: 9446701
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુ રાષ્ટૃવાદીઓ માથાભારેપણું બતાવી હાજરી પૂરાવે તે શું યોગ્ય છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 November 2019

આને કહેવાય દેશપ્રેમ. આને કહેવાય રાષ્ટ્રભક્તિ. આને કહેવાય રાષ્ટ્રવાદ. આને કહેવાય આર્યાવર્તનો મહાન વારસો. આને કહેવાય મહાન હિંદુ સંસ્કૃતિ. આને કહેવાય મૂલ્યનિષ્ઠા. આને કહેવાય બંધારણ અને લોકતંત્ર માટેની ખેવના. આને કહેવાય માનવીય ગરિમા. અમે મહારાષ્ટ્રમાં સરકાર રચી દીધી જાવ, થાય એ કરી લો. અમે કર્નાટકમાં બહુમતી નહીં હોવા છતાં સરકાર રચી, જાવ થાય એ કરી લો. અમે ગોવા, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને હરિયાણામાં બહુમતી નહીં હોવા છતાં સરકારો રચી; જાવ થાય એ કરી લો. અમે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને લોકસભામાં મોકલી, જાવ, થાય એ કરી લો. અમે ધરાર સંરક્ષણ સમિતિમાં તેને સ્થાન આપ્યું, જાવ થાય એ કરી લો. અમે અલ્પશિક્ષિત સ્મૃતિ ઈરાનીને શિક્ષણ પ્રધાન અને બિન-અર્થશાસ્ત્રીને રીઝર્વ બેંકના ગવર્નર બનાવ્યા, જાવ થાય એ કરી લો. અમે દેશભરમાં ગમે તે કરીએ, અમારી સરકાર છે, અમારી પાસે સત્તા છે; જાવ થાય એ કરી લો.

ઘણા લોકો સવાલ કરે છે કે આ લોકો આ રીતે માથાભારે થઈને કેમ વર્તે છે? શું હિંદુ રાષ્ટ્રવાદ માટે લોકશાહી અને નીતિમત્તાની ઐસીતૈસી કરીને માથાભારે થઈને વર્તવું અનિવાર્ય છે? શું હિંદુ રાષ્ટ્ર; નરવું, રચનાત્મક, મર્યાદામાં માનનારું અને રહેનારું, લોકતાંત્રિક, ગરીબતરફી, વિકાસલક્ષી ન હોઈ શકે? શું હિંદુ રાષ્ટ્રવાદી સરકાર ધોરણસરનું શાસન ન કરી શકે? જે લોકોએ ૨૦૧૪માં અને ઇવન ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને મત આપ્યા હતા એ લોકો પણ આ સવાલ પૂછી રહ્યા છે. હવે તો ભક્તોને પણ આ સવાલ મુંઝવી રહ્યો છે.

આખરે દાયકાઓ પછી નરેન્દ્ર મોદી પહેલા એવા વડા પ્રધાન દેશને મળ્યા જેમણે આશાઓ જગાડી હતી અને લોકોએ શ્રદ્ધાપૂર્વક મત આપ્યા હતા. આટલી શ્રદ્ધા તો લોકોએ ડૉ. મનમોહન સિંહમાં પણ નહોતી દાખવી. કોઈ શાસક લોકચાહનાના જુવાળ ઉપર આરૂઢ થઈને સર્વોચ્ચ સત્તાધીશ બને અને એ પછી તે લોકોના અરમાનો પૂરાં કરવાની જગ્યાએ માથાભારેપણાને પોષે તો પ્રશ્ન તો સ્વાભાવિકપણે ઉપસ્થિત થાય કે આ બધું શું બની રહ્યું છે? શું હિંદુ રાષ્ટ્રનું આ અનિવાર્ય અંગ છે કે પછી કંઈક જુદું જ કારણ છે?

આનો જવાબ હા અને ના એમ બન્ને રીતે આપી શકાય. હા એ અર્થમાં કે હિંદુ રાષ્ટ્ર શબ્દ જ સૂચવે છે એમ જો એ હિંદુઓનું રાષ્ટ્ર હોય તો એ ન્યાય આધારિત તો હોય જ નહીં. વિધર્મીઓને તે દ્વિતીય કક્ષાના નાગરિક ગણીને તેમની સાથે અન્યાય કરશે જ. અને આનો જવાબ નામાં પણ આપી શકાય. પક્ષપાતી અને અન્યાયી રાજ્ય પક્ષપાત અને અન્યાય કરતું હોવા છતાં અમુક બાબતો છોડીને તે મર્યાદા પાળે એ શક્ય છે. ઇઝરાયલ આનું ઉદાહરણ છે.

૧૯૪૮માં આરબોના વિરોધ છતાં ય ઇઝરાયલની પેલેસ્ટાઇનમાં સ્થાપના કરવામાં આવી. કદમાં મુંબઈ કરતાં પણ નાનો દેશ અને તેની અત્યારની વસ્તી મુંબઈ કરતાં ઓછી એટલે કે ૯૦ લાખની છે. સામે મોટા મોટા આરબ દેશો. આની વચ્ચે ઇઝરાયલ ટકી રહ્યું. રણમાં હરિયાળી ક્રાંતિ કરી, હિબ્રુ ભાષાને પાછી સજીવન કરીને ચલણમાં આણી. જગતભરમાંથી આવતા યહૂદીઓને વસાવ્યા. તેમની સુખાકારી માટે સફળ આયોજન કર્યાં. સંરક્ષણની બાબતમાં આત્મનિર્ભર બની ગયું. સૌથી કલગીરૂપ ઘટના ૧૯૬૭માં બની, જ્યારે ઇઝરાયલ સામે છ દિવસના યુદ્ધમાં આરબ દેશોનો સાગમટો પરાજય થયો.

આ બધું કેવી રીતે શક્ય બન્યું? ઇઝરાયલ યહૂદી રાષ્ટ્ર છે અને પેલેસ્ટાઇનના મૂળ વતની મુસલમાનોને ભયંકર અન્યાય કરી રહ્યું છે. બર્બરતાની કોઈ સીમા નથી અને આંતરરાષ્ટ્રીય અભિપ્રાયને તે ગણકારતું નથી. જગત માટે ઇઝરાયલ માથાભારે રાષ્ટ્ર છે. આ બધી વાત ખરી, પણ ઈઝરાયલમાં વસતા યહૂદીઓ માટે ઇઝરાયલના શાસકો માથાભારે થઈને નથી વર્તતા. વિધર્મીઓ પ્રત્યે બેવડાં ધોરણો છે એ વાત ખરી, પરંતુ ઇઝરાયેલના શાસકો ઇઝરાયેલની અંદર દેશના યહૂદી નાગરિકો સાથે કાયદાની અને બંધારણની મર્યાદામાં રહીને વર્તે છે. આમ ઇઝરાયેલ એવું યહૂદી રાષ્ટ્ર છે જેમાં મુસલમાનોને અન્યાય કરવામાં આવે છે, પણ યહૂદીઓ સાથે ન્યાયપૂર્વક વર્તવામાં આવે છે.

ઇઝરાયેલની સ્થાપના થઈ એ પછી જગતભરમાંથી તેજસ્વી યહૂદીઓને રાષ્ટ્રઘડતર માટે બોલાવવામાં આવ્યા હતા. જે લોકો ઇઝરાયેલમાં આવીને વસવા નહોતા માંગતા એ લોકોની પણ સેવા લેવામાં આવી હતી. ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇન્જીનિયરીંગ, કૃષિવિજ્ઞાન, એમ દરેકે દરેક ક્ષેત્રમાં અંગ્રેજીમાં જેને બેસ્ટ ટેલેન્ટ કહી શકાય તેને જોતરવામાં આવ્યા હતા. આખરે સદીઓ પહેલાં જગત આખામાં વિખરાયેલી પડેલી યહૂદી અસ્મિતાને એક જગ્યાએ સમેટવાની હતી અને તેને દરેક યહૂદી પોતાની સમજે એવો ઘાટ આપવાનો હતો. એવું નહોતું કે જગતભરના યહૂદીઓ એક સરખો સાંસ્કૃતિક ચહેરો ધરાવતા હતા. સદીઓ જૂના દેશવટાને કારણે અને દેશવટો જગતના સો કરતાં વધુ દેશોમાં હોવાને કારણે યહૂદીઓ પર બીજી અનેક સભ્યતાઓનો પ્રભાવ હતો. યહૂદીઓમાં પણ આંતર્વિરોધો હતા. તેમની અંદર પણ સાંસ્કૃતિક ભેદ હતા. તેમના પણ વ્યક્તિગત અને સામૂહિક સ્વાર્થ હતા. આખરે ઇઝરાયેલમાં માણસને વસાવવામાં આવ્યા હતા અને માણસ આખરે માણસ હોય છે, પછી તે એક જ ધર્મનો કેમ ન હોય !

આમ એક જરૂરિયાત બેસ્ટ અવેલેબલ ટેલેન્ટને શોધવી અને રાષ્ટ્રઘડતરમાં જોતરવી એ હતી. બીજી જરૂરિયાત આપસી મતભેદોને શાંત કરવા માટે દરેકને મોકળાશ આપવી, સહિયારાપણું વિકસાવવું અને એ સહિયારાપણું એવું હોય કે યહૂદીઓના પક્ષપાતી અને અન્યાયી રાષ્ટ્રવાદ સામે ઓછો વિરોધ થાય. થોડા માનવતાવાદી લોકો વિરોધ કરતા હોય તો કરવા દો, પણ મોટાભાગના યહૂદીઓને એમ લાગવું જોઈએ કે રાષ્ટ્રનિર્માણનો આ સહિયારો પ્રયોગ છે અને તે જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી વિધર્મીઓ સાથે કરવામાં આવતા અન્યાય અને પક્ષપાત તરફ આંખ આડા કાન કરવા જરૂરી છે. આખરે તો વિખરાયેલી અસ્મિતાઓને સમેટવાનો આ રાષ્ટ્રયજ્ઞ છે. 

૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે ઘણા લોકોને એમ લાગતું હતું કે મોદીની સરકાર ઇઝરાયેલના જેવી જ નેશનાલિઝમને અનુસરશે. લોર્ડ ભીખુ પારેખનું આવું અનુમાન હતું અને બીજા અનેક વિચારકો આમ માનતા હતા. અમુક બાબતે હિંદુ પક્ષપાત અને વિધર્મીઓને અન્યાય, પણ એકંદરે મર્યાદા પાળનારુ કાયદાનું રાજ.

તેઓ આમ ત્રણ કારણે માનતા થયા હતા. એક તો એ કે યહૂદીઓની માફક હિંદુ અસ્મિતા પણ ઘવાયેલી અસ્મિતા છે. વિધર્મી આક્રમણકારો સામે એક પછી એક પરાજયો અને ગુલામી પછી જ્યારે હિંદુ રાષ્ટ્રવાદીઓને સ્પષ્ટ બહુમતી સાથે શાસન કરવાનો મોકો મળ્યો છે તો તેનો ઉપયોગ તેઓ ઇઝરાયેલ મોડલને અનુસરીને પક્ષપાતરહિત સર્વસમાવેશક હિંદુવાદ અને પક્ષપાતી કોમવાદ કાયમ કરવા માટે કરશે. ઇઝરાયેલની જેમ હિંદુ પુનર્જાગરણ માટે જગતભરની બેસ્ટ ટેલેન્ટનો ઉપયોગ કરશે. હિંદુઓની અંદર એટલી સહિયારાપણાની ભાવના પેદા કરશે કે લોકો વિધર્મીઓ સાથે કરવામાં આવતા અન્યાય સામે આંખ આડા કાન કરશે. જો આવું બને તો થોડા માનવતાવાદીઓની ચિંતા કરવાની જરૂર નથી.

બીજું, ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વિકાસ સિવાય બીજી કોઈ વાત નહોતા કરતા એટલે તેમને એમ લાગ્યું હતું કે નરેન્દ્ર મોદી થોડુંક પક્ષપાતી, થોડુંક અન્યાયી; પણ એકંદરે વિકાસલક્ષી કાયદાના રાજનું ઇઝરાયેલ મોડેલ અપનાવશે. તેઓ આમ માનતા થયા એનું ત્રીજું કારણ એ હતું કે આ સિવાય બીજો વિકલ્પ પણ નથી અને જે છે તે વિનાશક છે. ઇટલી અને જર્મનીનો અનુભવ અને મુસ્લિમ દેશોની સ્થિતિ આપણી સામે છે. આમ પક્ષપાતી કે અન્યાયી રાષ્ટ્રવાદનું મોડલ મર્યાદા પાળનારું હોવું જોઈએ. એમાં જ દેશનું હિત છે અને જો ભારત એટલે હિંદુ ભારત એવો તેનો અર્થ કરવામાં આવતો હોય તો હિંદુઓનું તેમાં હિત છે.

પણ અનુભવ જૂદો થઈ રહ્યો છે. લોકતંત્રની ઐસીતૈસી, બંધારણની ઐસીતૈસી, સમવાય ઢાંચા(ફેડરલિઝમ)ની ઐસીતૈસી, હિંદુઓ વચ્ચે સહિયારાપણાની ઐસીતૈસી, સભ્યતાની ઐસીતૈસી, મર્યાદાની ઐસીતૈસી, બેસ્ટ ટેલેન્ટની ઐસીતૈસી વગેરે લાંબી યાદી છે. જો ઇઝરાયેલે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને સંરક્ષણ સમિતિમાં લીધાં હોત, તો તે ૧૯૬૭માં છ દિવસના યુદ્ધમાં વિજયી ન નીવડ્યું હોત. જો અલ્પશિક્ષિત વ્યક્તિને શિક્ષણ ખાતું સોંપ્યું હોત તો હિબ્રુ ભાષાને પાછી જીવતી કર્યા પછી તેમાં માતબર સાહિત્ય લખાતું ન થયું હોત. જો યુનિવર્સિટીઓ સામે મોરચા માંડ્યા હોત તો બે ઇઝરાયેલીઓને અનુક્રમે સાહિત્ય અને અર્થશાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક મળ્યાં તે ન મળ્યાં હોત. જો અર્થશાસ્ત્રનો કક્કો નહીં જાણનારાઓ અર્થતંત્રનું સંચાલન કરતા હોય તો ઇઝરાયેલનો આટલો આર્થિક વિકાસ ન થયો હોત. જો યહૂદીઓમાં સહિયારાપણું પેદા ન કર્યું હોત તો સરકરના પક્ષપાત અને અન્યાયના પક્ષે એકંદરે સર્વસંમતિ પેદા ન થઈ હોત.

ઇઝરાયેલ આ કરી શક્યું કારણ કે ઇઝરાયેલનો યહૂદી રાષ્ટ્રવાદ ગંભીર નક્કર ખણખણતા રૂપિયા જેવો છે. આનાથી ઊલટું આપણે ત્યાંના હિંદુ રાષ્ટ્રવાદીઓ માથાભારેપણું બતાવીને પોતાની હાજરી બતાવી રહ્યા છે.

આવું કેમ? આવું એટલા માટે કે … વાત થોડી લાંબી છે એટલે હવે પછી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 નવેમ્બર 2019

Loading

28 November 2019 admin
← બોલાવે કોઈ મને
દિલ્હીની જે.એન.યુ.ની હાલની વિદ્યાર્થી ચળવળ સહુને સુલભ જાહેર શિક્ષણની અનિવાર્યતા સૂચવે છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved