Opinion Magazine
Number of visits: 9447969
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિમાંશી શેલત સર્જકોત્સવ

પાર્થ ત્રિવેદી|Opinion - Opinion|23 February 2017

૭મી જાન્યુઆરીના રોજ સુરત જવાનું થયું ત્યારે ‘પ્લેટફોર્મ નંબર ચાર’ને સંભારવાની સાથે સર્જક હિમાંશીબહેનના લગભગ બધા જ સર્જનને જાણવા-માણવાનો અવસર પણ હતો. ૭મી અને ૮મી જાન્યુઆરીના રોજ સુરતમાં ‘હિમાંશી શેલત : સર્જકોત્સવ’ ઉજવાઈ ગયો. હિમાંશીબહેેનના જીવનઘડતરમાં મહત્ત્વની શાળા જીવનભારતીના જ પ્રાંગણમાં આ કાર્યક્રમ યોજાયો.

સાતમીએ બપોરે ઉદ્‌ઘાટન બેઠકની શરૂઆત પ્રાર્થનાથી થઈ, જેમાં શ્રોતાઓના સ્વાગત અને જીવનભારતીના ઇતિહાસથી લઈ આજ સુધીની પ્રવૃતિઓની સંક્ષિપ્ત રજૂઆત સાથે સર્જકોત્સવ કાર્યક્રમની ભૂમિકા રજૂ થઈ. સર્જકોત્સવનો હેતુ હિમાંશીબહેનનાં વિવિધ સાહિત્યસર્જન અંગે મિત્રો ચર્ચા કરે તે છે તેવો સૂર લગભગ દરેકની વાતમાંથી વ્યક્ત થયો. હિમાંશીબહેન શરૂઆતની ત્રણેક રજૂઆતને બાદ કરતાં સર્જક ઉત્સવમાં બંને દિવસ હાજર રહ્યાં.

પ્રથમ બેઠકમાં ‘વાર્તાકાર અને આત્મકથાકાર હિમાંશી શેલત’ વિષય સાથે યોજાઈ જેનું સંચાલન રાજેશ પંડ્યાએ કર્યું. પ્રથમ વક્તા શરીફા વીજળીવાળાએ હિમાંશીબહેનની સ્ત્રીકેન્દ્રી વાર્તાઓની વાત કરી.

શરીફા વીજળીવાળાએ હિમાંશીબહેનનાં સાહિત્યસર્જનનો સમયગાળો સમજાવતા જણાવ્યું કે ‘આપણા મહત્ત્વના અનુઆધુનિક વાર્તાકાર હિમાંશી શેલતે જ્યારે વાર્તા લખવાની શરૂઆત કરી ત્યારે ગુજરાતી ટૂંકી વાર્તા આધુનિકતાથી પોતાનો છેડો ફાડી ચૂકી હતી. આઝાદી બાદના ગુજરાત માટેના આ સંકુલ ગાળાનું બયાન કરતાં તેમણે જણાવ્યું કે અનામત આંદોલન, રામજન્મભૂમિ-બાબરી ધ્વંસની ઘટનાઓ ઉપરાંત ૨૦૦૧ની કુદરતી તેમ જ ૨૦૦૨ની માનવસર્જિત આપત્તિઓની સમાંતરે બદલાયેલાં માનવ મન, સમૂહની માનસિકતા અને તંત્રની બધિરતાને હિમાંશી શેલતે પોતાની વાર્તાઓમાં આલેખવાની પૂરી કોશિશ કરી છે. સુરતમાં પ્લેટફોર્મ પરનાં બાળકો, અનાથ બાળકો અને સુરતની વારાંગનાઓ સહિત સમાજના વિવિધ તબકા સાથે કામ કરનાર હિમાંશીબહેનનું આ અનુભવજગત વાર્તા માટેની કાચી સામગ્રી પૂરી પાડનારું રહ્યું છે. કોમી તનાવ, રાજકીય દબાણ, ટોળાં સામે સામાન્ય માણસની લાચારી અને વાંઝિયો આક્રોશ જેવા સાંપ્રત પ્રશ્નોને પોતાની વાર્તા દ્વારા વાચા આપતાં સર્જકની નિસબત ખૂણે બેસનાર સર્જક સમાન નથી. ત્યાર બાદ શરીફાબહેને હિમાંશી શેલતની નવ વાર્તાસંગ્રહોની લગભગ દોઢસો વાર્તાઓમાંથી નારી સંવેદનાઓનું નિરૂપણ કરતી કેટલીક વાર્તાઓના દ્રષ્ટાંતોનાં આધારે વિગતે રજૂઆત કરી હતી.

કિરીટભાઈ દૂધાતે સાહિત્યમાં પ્રતિબદ્ધતા વ્યાખ્યાયિત કરતાં જણાવ્યું હતું કે ‘સમાજમાં વ્યાપ્ત વિષમતા સામે દખલ કરવી તે ખરા અર્થમાં પ્રતિબદ્ધતા’. તેમણે હિમાંશીબહેન વાર્તાઓમાં સમાજના વિવિધ તબક્કાની વાત કરતાં હોય ત્યારે તેમની પ્રતિબદ્ધતા કઈ રીતે વ્યક્ત થાય છે તેની રજૂઆત કરી. હિમાંશીબહેનની સેક્સવર્કરની વાર્તાઓનો ઉલ્લેખ કરતાં કિરીટભાઈએ જણાવ્યું કે મન્ટોથી કદાચ એક-બે ઓછી વાર્તાઓ તેમણે લખી છે. પરંતુ હિમાંશીબહેન જેટલી વેધક શૈલીથી સતત સેક્સવર્કર વિશેની વાર્તાઓ કોઈ બીજાએ લખ્યાનું ધ્યાન પર આવતું નથી જેમાં વારાંગનાઓ વિષયક વાર્તાઓ ‘કિંમત’, ‘બારણું’, ‘શાપ’, ‘એ સવાર’, ‘જાકારો’,  સ્ત્રી અને બાળકોના સંબંધની વાર્તાઓમાં ‘પાછળ રહી ગયેલું એક ઘર’, ‘છોકરો’, ‘ચૂડેલનો વાંસો’, ‘દાહ’, ‘પાછળ રહી ગયું’ અને પુરુષોનું મનોમંથન વ્યક્ત કરતી વાર્તાઓમાં ‘બીજો માનસ’ ‘ફુગ્ગો’, ‘જાગીર’ વગેરે વાર્તાઓના દ્રષ્ટાંત સાથે કરેલી રજૂઆત સંવેદનાસભર અને રસપ્રદ રહી હતી. સમાપનમાં તેમણે જણાવ્યું કે ગુજરાતી સાહિત્યમાં મેઘાણી, પન્નાલાલ અને સુન્દરમ પછી ગરીબો-શોષિતોની વાત કરવાની એક પરંપરા વિકસી હતી તે હિમાંશીબહેન આગળ લઈ ગયાં છે અને ગુજરાતની પાંડુર થતી જતી ટૂંકી વાર્તાને નવજીવન અર્પ્યું છે.

બકુલ ટેલરે ‘હિમાંશી શેલતની વાર્તાઓમાં સાંપ્રત’ વિષય પર વાત કરતા જણાવ્યું કે સાંપ્રતની વ્યાખ્યા કરવાનું જટિલ છે. હિમાંશી શેલતની વાર્તામાં આજના સમયના કલબુર્ગી, મુરુગન વગેરે જેવા સંદર્ભો છે તો વળી ૨૦૦૨ની ઘટના લોકજીવન પર કેવી અસર કરે છે તે સૂક્ષ્મતાથી કુટુંબ અને વ્યક્તિ સંદર્ભ સાથે વાર્તામાં મૂકે છે. ભારતના સમાજની વિક્ષુબ્ધ કરનારી જાહેર ઘટનાઓ (જે-તે સમયનું સાંપ્રત) સામાન્ય વ્યક્તિને કઈ-રીતે અસર કરે છે તે તપાસવાનો હેતુ હિમાંશીબહેનનો હોય તેવું લાગે છે.

ત્યાર બાદ આત્મકથાકાર હિમાંશી શેલતની વાત કરતાં મીનળબહેને હિમાંશીબહેનની આત્મકથા લખવાની શૈલી ઉપરાંત તેમનાં બાળપણના પ્રસંગો કઈ રીતે આજ સુધી તેમના માનસ પર અસર કરનારા રહ્યા, તેમના કુટુંબના સભ્યો અને તેમની વ્યક્તિવઘડતરમાં ભૂમિકા જેવા મુદ્દાઓની વિગતે રજૂઆત કરી.

બીજા દિવસની સવારની બેઠકનું સંચાલન સમીર ભટ્ટે કર્યું હતું.

શિરીષ પંચાલે ‘અનુઆધુનિક સર્જક હિમાંશી શેલત’ વિષય પર પોતાની રજૂઆત કરતા જણાવ્યું કે રચનારીતિની વિચિત્રતાઓમાં બદ્ધ ન રહેતાં હિમાંશીબહેનની વાર્તાઓમાંથી જે એક બાબત સમજાય છે કે આ સર્જકની અનુભૂતિનો અનુવાદ નથી પરંતુ રૂપાંતર છે. અનુઆધુનિકતાને વ્યાખ્યાયિત કરતાં તેમણે જણાવ્યું કે આપણી જાત અને માનવસમાજ વચ્ચે સંવાદ ન અટકે કહેતાં સંવાદ ચાલુ રાખવાનું કામ અનુઆધુનિક સર્જકોએ કરવાનું છે. આ અઘરું છે કારણ કે તેમાં જગત સાથે સંવાદ કરવાનો છે. આજે સર્જકને કોશેટામાં પૂરાઈ રહેવું કે માત્ર ટેબલ લેમ્પ નીચે બેસીને લખી-બેસી રહેવું ન પરવડે. આમ કહી તેમણે ગુજરાતમાં મહત્ત્વના સમયગાળાઓની વાત કરતા જણાવ્યું કે ૧૯૭૫થી ૨૦૦૦ અને ૨૦૦૧-૦૨ અને આજ સુધીમાં આપણું જગત બદલાવવાની સાથે સાહિત્યકારનું વિશ્વ બદલાયું છે. હવે આપણે રાજકારણથી દૂર રહીશું તે નહીં ચાલે. કારણકે Animal Farmની જેમ સરકારમાં બેઠેલાઓ પોતાને ‘Some are more equal’ માની બેઠેલા છે. એક રીતે તેમણે જ માનવતાને ખતમ કરી છે.

હિમાંશીબહેનનો સંશોધનનિબંધ પુસ્તક તરીકે કેમ પ્રકાશિત નથી થયો તેવા અફસોસ સાથે ઇમરાન સુરતીએ હિમાંશી શેલતનાં સંશોધનકાર્યમાં પીએચ.ડી.ના શોધ નિબંધની વાત કરી. ઇમરાનભાઈએ સંશોધન પત્ર લખ્યા જેટલી ચીવટથી મુદ્દાસરની નોંધો સાથે અને સંશોધન નિબંધનાં પ્રકરણોના આધારે હિમાંશી શેલતના વી. એસ. નાઈપોલના સાહિત્ય પરના સંશોધનની છણાવટ કરી હતી.

રમણ સોનીએ સંપાદનના પ્રવાહોની સમજ આપતાં, ગુજરાતી સાહિત્યમાં જે થોકબંધ સંપાદનો મળી આવે છે તેમાં હિમાંશીબહેનનું સંપાદન કાર્ય કઈ રીતે જુદું પડે છે તેની વાત કરી. હિમાંશીબહેને દાયિત્વની ભાવના, અંગતતા અને ઊંડી નિસબતથી સંપાદનો કર્યાં છે. હિમાંશીબહેનનાં સંપાદનોમાં સંપાદકીય લેખો અને લખાણોની શૈલી, તેની પાછળ ચોકસાઈ -મહેનત, પરિશિષ્ટ માટે ઝીણવટપૂર્વક ચોકસાઈ વગેરેની વાત રમણભાઈએ સંપાદન દૃષ્ટાંતો દ્વારા કરી.

બિંદુ ભટ્ટે ‘પ્લેટફોર્મ ચાર’ની હિમાંશીબહેનની હંગામી શાળા, પ્લેટફોર્મ પરના બાળમિત્રોની સૃષ્ટિ અને તેમનાં વ્યક્તિચિત્રોની સાથે પુસ્તકમાં આલેખાયેલા અનુભવોની વાત લાગણીસભર રીતે રજૂ કરતાં જણાવ્યું કે, આજે જ્યારે આપણી સંવેદનશીલતા ઘટી રહી છે અને જડતા વધી રહી છે ત્યારે આ બાળકોની સહજતા અને તેમનાં જીવંત વ્યક્તિત્વો આપણને ઘણું શીખવી જાય છે. તો વળી ‘વિક્ટર’માં આલેખાયેલી શ્વાન-માર્જરી (બિલાડી) સહિતની પ્રાણીસૃષ્ટિની વાત કરી. સમસંવેદનાની અસર, જીવમાત્રની અવગણના ન થઈ શકે જેવી બાબતો તેમણે પોતાની વાતમાં વણી લીધી.

નવલકથાકાર હિમાંશી શેલતની વાત કરતા બિપિનભાઈએ અમૃતા શેરગિલના જીવન આધારિત ‘આઠમો રંગ’ અને રૂપજીવિનીઓના જીવનની આસપાસ લખાયેલી ‘કાળા પતંગિયાની’ નવલકથાની વિશેષ છણાવટ કરી હતી. લખાણની શૈલી, કથાના સારાંશની વિગતની સાથે નવલકથામાંથી પસંદ કરેલા અંશોનું વાંચન પણ કર્યું હતું.

બપોરે ભોજન બાદની બેઠકની શરૂઆત હિમાંશીબહેનની દુર્લભ તસવીરોની સફર દ્વારા થઈ. આ તૈયાર કરવા અંકિત દેસાઈએ જહેમત ઉઠાવી હતી. પછીની બેઠકમાં હિમાંશીબહેન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, મિત્રો, પરિવારના સભ્યો દ્વારા અનુભવો-પ્રતિભાવો રજૂ થયા હતા.

સંસ્કૃતના નિવૃત્ત અધ્યાપક અને હિમાંશીબહેનનાં વિદ્યાર્થિની નીનાબહેને હિમાંશીબહેનનાં અધ્યાપક તરીકેના શરૂઆતનાં વર્ષોના અનુભવોની વાત કરતાં, કૉલેજમાં દાખલ થતાં મેડમ હિમાંશી શેલતની પ્રથમ છબી, અધ્યાપન શૈલી, સંગીત સંધ્યામાં મેડમનું ગાયન અને વિદ્યાર્થીઓ સાથે સંબંધની વાત ભાવુક રીતે વ્યક્ત કરી.

હિમાંશીબહેનના ભાઈ કેતન શેલતે અનુભવોની વાત કરતા જણાવ્યું કે સંયુકત કુટુંબને કારણે અમારાં બા ને સમય ન મળે. મને સાચવવાની જવાબદારી હિમાંશીની. હિમાંશીને કારણે સાહિત્યની સમજ આવી, જીવનભારતી પ્રત્યેનું આકર્ષણ પણ એના કારણે જ. સ્વજન તરીકે મારા માટે હિમાંશી એટલે હિમાંશી. તટસ્થતાથી જોઈએ તો હિમાંશી વિચારે છે તે જ માને છે, જે માને તે જ રજૂ કરે છે અને તે જ પ્રમાણે વર્તે છે. આજે જે માનતા હોય તે કરી બતાવનાર ખૂબ ઓછાં વ્યક્તિત્વોમાં એક હિમાંશી છે. તેને મેં હંમેશાં સ્પષ્ટ વક્તા તરીકે જોઈ છે.

હિમાંશીબહેનનાં વિદ્યાર્થિની સંધ્યા ભટ્ટે સાહિત્યનાં શિક્ષક હિમાંશીબહેન ઉપરાંત રંગોળી હરીફાઈ માટે તૈયારી કરાવતાં, સંગીત-નૃત્ય-ગાયનમાં રસ લઈને મદદ કરતાં કલારસિક હિમાંશીબહેનની છબી આલેખી.

પ્લેટફોર્મ નંબર ૪ની હંગામી શાળાના સાથી જગદીશભાઈએ અનુભવ રજૂ કરતાં જણાવ્યું કે એક ગુરુનું શું સ્થાન હોય તેની વાત કરવી છે. કૉલેજ ભણતર દરમિયાન જ ટીબીનું નિદાન, ઘરની આર્થિક સ્થિતિ સદ્ધર નહીં. બહેને પુસ્તક વિના આવતા વર્ગમાં ન આવવા કહ્યું. મૂંઝવણ કાગળમાં લખી મેડમને આપી. શિશુ સહાય ટ્રસ્ટ દ્વારા દવા થઈ તેની વ્યવસ્થા હિમાંશીબહેને કરી. હિમાંશીબહેન મારા જીવનદાતા.

શિશુ સહાયના સાથીદાર ડૉ સ્વાતિબહેન મહેતાએ બાળપણના પ્રસંગોથી વાત શરૂ કરી. સાત વર્ષનાં હિમાંશીબહેન સાથેનો સંબંધ આજે સિત્તેર વર્ષે પહોંચ્યો છે તેના મહત્ત્વના પડાવો યાદ કર્યા જેમાં સાથીના દીકરીનું ખૂન થયું તે સંદર્ભે ચિનગારી સંસ્થા ઊભી કરી અને વિરોધ અંતર્ગત કલેક્ટર કચેરીએ રેલી લઈને ગયાની વાત વિશેષ યાદ કરી.

જીવનભારતીના સહાધ્યાયી, હિમાંશીબહેનના મિત્ર જયદેવ શુક્લે હિમાંશીબહેન સાથેના અનુભવોની સાથે સાહિત્ય રસની વાત કરી

હિમાંશીબહેનને જે લોકો ઓળખતા હોય તેને આ કાર્યક્રમ અંગે આશ્ચર્યનો ભાવ હોય તે સહજ છે. એક રીતે તેનો ઉત્તર હિમાંશીબહેનનાં સમાપનમાં સહજ અપાયો. તેમણે પ્રતિભાવમાં કહ્યું, ‘વ્યક્તિ જીવે તો સિત્તેરની થાય અને સિત્તેરની થાય તો ઇકોતેરની પણ થાય.(૮મીના રોજ હિમાંશીબહેનનો ૭૧મો જન્મ દિવસ હતો.) આ સહજ અને નાની ઘટનાને કશી મોટી કરવાની જરૂર નથી. આ બે દિવસોમાં મારું નામ પણ આટલી વખત લેવાયું તે સાંભળી એમ થાય કે આ લખાણ-સર્જન કરવાની જરૂર ન હતી. લખ્યું એટલે આ પ્રકારનો કાર્યક્રમ થયો ને!’ આ સાથે હિમાંશીબહેને પોતાનું વ્યક્તિવ જે રીતે ઘડાયું છે તેને ઘડવા અને ટકવામાં મદદરૂપ બનેલા સ્વજનો, મિત્રો, પ્રાણીઓ, વિદ્યાર્થીઓ, બાળકો, જીવનભારતી પરિવાર, રેડ લાઈટ એરિયાની બહેનો વગેરે સૌનો આભાર માન્યો હતો. અંગત માઠું લગાડવા કરતાં સમાજમાં અનેકગણી વધુ ખરાબ લાગે તેવી ઘટનાઓ બને છે જેના પ્રત્યે સંવેદનશીલ બનવાની જરૂરિયાત તેમણે જણાવી.

પોતાનાં જેવાં સર્જકનાં જીવનમાં સામાજિક પ્રસંગો આવતા નથી અને પુસ્તકના વિમોચન થવા દેતા નથી ત્યારે આ એક રીતે ઋણ સ્વીકારનો પ્રસંગ છે તેમ જણાવ્યું. મહેન્દ્ર મેઘાણીની વાત યાદ કરતાં તેમણે કહ્યું કે સમાજ માટે આપણે જે કઈ કરીએ છીએ અથવા આપણે નિમિત્ત બની સમાજ માટે જે કંઈ થાય છે તે સમાજે આપણને જે કંઈ આપ્યું છે તેનું માત્ર ભાડું ચૂકવવા બરાબર છે.

વધુમાં ‘હવે કશો કાર્યક્રમ ન થાય તો પણ ચાલશે. મને પણ ગમશે અને તમે પણ ગમાડ જો’ તેમ કહેતાં હિમાંશીબહેન માટે આ કાર્યકમ જાણે જીવતું જગતિયું :

શરીફાબહેન સહિતના સંવાહકોએ સતત સક્રિયતાથી પોતાની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી મિત્રોની હાજરી ઘણી મોટી સંખ્યામાં હતી. બંને દિવસ હૉલની બહાર પુસ્તક વેચાણની અને નાસ્તા-ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી. હિમાંશીબહેનનો સર્જક ઉત્સવ ઘણી રીતે અનોખો અને મહત્ત્વનો બની રહ્યો તેમાં કશી શંકા નથી. કાર્યક્રમમાં રજૂ થયેલા વિચારો સંકલન કરીને પુસ્તકરૂપે પ્રકાશિત થશે તેવી જાહેરાત પણ થઈ. સર્જકોત્સવમાં ભાગ લીધાનો આનંદ.

જરા આ પણ :

સર્જકોઉત્સવ જરા જુદી અપેક્ષા વિકસાવનારો હતો પરંતુ કાર્યક્રમ પરિસંવાદ સ્વરૂપમાં થયો. કેટલાક વક્તાઓએ લખાણનું વાચન કર્યું જેથી નીરસતા ઊભી થઈ. સર્જકોત્સવમાં હિમાંશીબહેનના પસંદગીના સાહિત્યનું-વિચારનું વાંચન, વિદ્યાર્થીઓ અથવા વાચકો દ્વારા હિમાંશીબહેનની વાર્તાઓ-રચનાઓનું ભાવસભર વાંચન-વાચિકમ-પઠન, એક પાત્રીય અભિનય અથવા નાટ્ય પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમને વધુ રસાળ અને અસરકારક બનાવવાની સાથે ભાગીદારી પણ વધારી શકાઈ હોત તોતે વધુ સંવાદી થાત તેવું ચોક્કસ લાગ્યું.

E-mail : parth.trivedi18@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 11-12 

Loading

23 February 2017 admin
← આપણી જાત સિવાય કોઈને માટે નથી આ શબ્દ!
નલિયાકાંડઃ ડાળખાં-પાંદડાં અને મૂળિયાં →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved