
હેમન્તકુમાર શાહ
શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન પ્રશ્ન પૂછે છે એટલે, સ્થિતપ્રજ્ઞ મનુષ્યનાં લક્ષણો અઢાર શ્લોકોમાં ગણાવે છે. મહાત્મા ગાંધીની રોજની સાંજની પ્રાર્થનામાં આ શ્લોકોનું પણ સ્થાન હતું.
કિશોરલાલ મશરૂવાળાએ ગીતાનો જે અદ્ભુત સમશ્લોકી અનુવાદ કર્યો છે તેમાં આ અઢાર શ્લોકોમાં લગભગ વચ્ચે આવતા બે શ્લોક આ પ્રમાણે છે :
“વિષયોમાં રહે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે,
જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે.
ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે,
સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.”
ગીતા પણ કહે છે કે છેવટે બુદ્ધિનો નાશ થાય ત્યારે જ આખરી વિનાશ થાય છે. આજકાલ રાજકીય ભક્તો સ્વયંનો બુદ્ધિનાશ કરી રહ્યા છે, તેઓ નરી આંખે દેશની જે વાસ્તવિકતા દેખાય છે તે જોવા પણ તૈયાર હોતા નથી. તેમની સ્મૃતિ બદલવામાં આવી રહી છે અને વિકૃત કરવામાં આવી રહી છે એટલે એમણે એમની ભક્તિમાં તર્કશક્તિ અને બુદ્ધિને કોરાણે મૂકી દીધાં છે. આ રાજકીય ભક્તોએ તેમની બુદ્ધિ તેમના એકમાત્ર નેતાને સોંપી દીધી છે કે જે વિષયોમાં આસક્ત છે, અને ભક્તોએ પોતે તેનું શરણું લઈ લીધું છે.
પરિણામે તેઓ તેમનો બુદ્ધિનાશ કરી માત્ર તેમનો પોતાનો વિનાશ નોતરે છે એવું નથી, એ તો થાય પણ ખરો કે ન પણ થાય, તેઓ દેશનો પણ વિનાશ, ધીમી ગતિએ તો ધીમી ગતિએ, નોતરી રહ્યા છે. તેનું કારણ એ છે કે આ બુદ્ધિનાશ વ્યક્તિગત રહ્યો નથી પણ સામૂહિક સ્તરે પહોંચી ગયો છે.
ગુજરાતની શાળાઓમાં ગીતાનો અભ્યાસ દાખલ કરવામાં આવ્યો છે. શું એમાં આ બુદ્ધિનાશ એટલે શું અને એ વિનાશને કેવી રીતે આમંત્રે તે ભણાવાશે?
ગણ્યા ગણ્યા નહીં અને વીણ્યા વીણ્યા નહીં એટલા બધા ધર્મોના કથાકારો કે પછી ભગવાધારી કે સંસારી મોટિવેશનલ સ્પીકરો આ બુદ્ધિનાશ વિશે અને તેનાથી થતા વિનાશ વિશે વાત કરશે? કથાકારોની સાથે જ જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, સંજય રાવલ, રમેશ તન્ના કે દીપક તેરૈયા જેવાઓ નાગરિકોના બુદ્ધિભ્રમ, બુદ્ધિભ્રષ્ટતા અને છેવટે બુદ્ધિનાશમાં કેટલો ફાળો આપી રહ્યા છે?
ગીતાના ચોથા અધ્યાયના ૩૮મા શ્લોકમાં એમ કહ્યું છે કે, “न हि ज्ञानेन सदृशम् पवित्रम् इह विद्यते.” એટલે કે ज्ञान જેટલી પવિત્ર વસ્તુ આ જગતમાં એકેય નથી. પણ બુદ્ધિને કોરાણે મૂકનારા ज्ञान કેવી રીતે પ્રાપ્ત કરી શકે?
આ રાજકીય ભક્તો તો “मामेकं शरणं व्रज”માં શ્રદ્ધા ધરાવે છે. તેમનો નેતા કહે છે કે “માત્ર મારા શરણમાં આવી જા.” અને તેઓ તેમની બુદ્ધિનો નાશ કરીને નેતાની શરણમાં ગયેલા છે.
તા.૦૯-૦૭-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર