Opinion Magazine
Number of visits: 9733843
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે ઠાકોરજીને પણ હિન્દુ ભાયડાઓ કહે એ ભોજન આરોગવું પડશે?

રમેશ ઓઝા|Opinion - Opinion|14 November 2018

બી.જે.પી.ના સિનિયર નેતા અને અત્યારના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પહેલીવાર લોકસભામાં ચૂંટાયા, ત્યારે મેં તેમને પૂછ્યું હતું કે ‘રામભાઉ, તમે તો તમારી કામગીરીનો રિપોર્ટ આપવા માટે જાણીતા છો, તો સંસદસભ્ય તરીકે તમે શું શું કામ કર્યાં?’ તેમણે લાગલો જ જવાબ આપ્યો ‘બોમ્બે’ કા ‘મુંબઈ’ કિયા.’ મેં બને એટલા વિવેકપૂર્વક તેમને પૂછ્યું કે ‘એ તો જાણે ઠીક છે, પરંતુ લોકોનું કલ્યાણ થાય એવું કોઈ કામ?’ થોડા છોભીલા પડીને તેમણે લોકોપયોગી કહી શકાય એવાં બે – ચાર કામ ગણાવ્યાં હતાં.

પચીસ વરસ પહેલાંનો એ પ્રસંગ યાદ કરું છું ત્યારે એક ફરક ધ્યાનમાં આવે છે. ત્યારે સંઘપરિવારના લોકો છોભીલા તો પડતા હતા. રામ નાઈકની એટલી તો કદર કરવી જોઈએ. તેમને એટલી જાણ હતી કે નામ બદલવાથી કોઈનું પેટ ભરાતું નથી અને તેમને લોકોએ તેમના કલ્યાણ માટે ચૂંટીને પ્રતિનિધિગૃહમાં મોકલ્યા છે. એટલે નામ બદલવાના પરાક્રમની કોઈ ઠેકડી ઉડાડતું ત્યારે તેઓ સહેજ શરમના શેરડા સાથે સંસ્કૃિતના નામે નામબદલીનો બચાવ કરતા. આજે તેઓ બિનધાસ્ત થઈ ગયા છે. ‘હું હિન્દુ મરદ બચ્ચો, શું કોઈ મ્લેચ્છના નામધારી અમદાવાદમાં રહું? મારો જન્મ ભલે અમદાવાદમાં થયો હોય, પણ મરીશ તો કર્ણાવતીમાં.’ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૧૯૩૬માં મહારાષ્ટ્રમાં યેવલામાં કહ્યું હતું કે ‘મારો જન્મ ભલે હિન્દુ તરીકે થયો હોય, પણ હિન્દુ તરીકે મરવાનો નથી.’ ડૉ. આંબેડકરની યાદ અપાવે એવાં આ વચન છે. તેમનો જન્મ ભલે નેહરુના આધુનિક ભારતમાં થયો હોય, પણ તેઓ મનુના પ્રાચીન ભારતમાં મરવા માંગે છે. 

ડૉ. આંબેડકરે આવું કહ્યું ત્યારે ગાંધીજી એક હિન્દુ તરીકે શરમાયા હતા. મારો ધર્મ એવો તે કેવો જેમાં એક દલિત ગૂંગળામણ અનુભવતો હોય. કોઈ સ્ત્રી ગૂંગળામણ અનુભવતી હોય. મને યાદ નથી કે ડૉ. આંબેડકરની વ્યથા જોઇને કોઈ હિન્દુત્વવાદી શરમાયો હોય. હિન્દુ ભાયડામાં ખામી હોય જ નહીં, હિન્દુ ભાયડાના ધર્મમાં કોઈ ખામી હોય જ નહીં, હિન્દુ ભાયડો આવડત વગરનો હોય જ નહીં, હિન્દુ ભાયડો કાયર હોય જ નહીં (પછી ભલે આઝાદીની લડત વખતે પીઠ બતાવી  હોય) વગેરે. હિન્દુ ભાયડાઓ આજે સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં અને બીજાં બે ડઝન રાજ્યોમાં સત્તામાં છે અને કામકાજનાં નામે તેઓ શહેરોનાં, સ્ટેશનોનાં, જિલ્લાઓનાં નામ બદલી રહ્યા છે. તેઓ જ્યાં ત્યાં પૂતળાં બંધાવી રહ્યા છે અને અયોધ્યામાં રામલલ્લાનું મંદિર બંધાવવાના કામમાં લાગ્યા છે.

૨૦૧૪માં તેમણે જ્યારે સત્તા માટે દાવેદારી કરી, ત્યારે તેમણે સત્તામાં આવ્યા પછી કરવા ધારેલું શૂરાતન છુપાવ્યું હતું. શૌર્ય છાપરે ચડીને બતાવવાનું ન હોય, એ તો જ્યારે વખત આવે ત્યારે બતાવી આપવાનું હોય. ધીરોદત્ત શૂરવીરને શોભે એવા ગુણ આને કહેવાય! ૨૦૧૪માં શૌર્યની શેખી માર્યા વિના તેમણે અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું હતું કે અમે કાળું નાણું વિદેશથી પાછુ લાવશું, તેને લોકોમાં વહેંચી દઈશું, ખેડૂતોને તેની ખેતપેદાશ પર વ્યાજબી ભાવ આપીશું, શાળા-કોલેજો બંધાવીશું, આરોગ્યની વ્યવસ્થા સુધારીશું, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીશું, વગેરે. શહેરોનાં અને સ્ટેશનોનાં નામ બદલવાના અને પૂતળાં બંધાવવા જેવાં ભગીરથ કામો વિષે તેમણે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો. કોઈ શેખી મારી નહોતી. સત્તામાં આવ્યા પછી તેમણે વિચાર્યું કે આઇ.આઇ.ટી., આઈ.આઈ.એમ., બાર્ક, ઈસરો, જે.એન.યુ., જેવી સંસ્થાઓ તો નેહરુ જેવા નાના માણસો ઊભી કરી શકશે; અલ્હાબાદનું પ્રયાગ કોણ કરશે? એને માટે તો અવતાર પુરુષોની જરૂર પડે !

આ વિષય એવો છે કે જેટલી ઠેકડી ઉડાડવી હોય એટલી તમે ઉડાડી શકો, પણ આપણે ગંભીરતાપૂર્વક વિચારતા અને વાત કરવા ટેવાયેલા છીએ. મૂલ્યોની અને છેલ્લા માણસની ચિંતા કરવાની આપણને આદત છે, અને એ આજના સમાજની જરૂરિયાત છે. હેરાન કરનારો સવાલ એ છે કે ૯૩ વરસની હિન્દુરાષ્ટ્રની સાધના પછી તેમના હિન્દુરાષ્ટ્રના પીટારામાંથી બસ આટલું જ નીકળ્યું? નામબદલી, લિન્ચિંગ, લવજીહાદ, ધોલધપાટ અને જુઠાણાંથી વધુ કાંઈ બહાર આવતું જ નથી ! બસ આટલી જ સાધના?

૧૯૦૬માં વિનાયક દામોદર સાવરકરે ગાંધીજીની રાષ્ટ્રની કલ્પનાને નકારી હતી અને તેની જગ્યાએ પૌરુષાર્થી રાષ્ટ્રવાદની હિમાયત કરી હતી. તેમને એમ લાગતું હતું કે ગાંધીજીનો રાષ્ટ્રવાદ પોચટિયો છે અને રાષ્ટ્રનું ઘડતર અને ચણતર તો હિન્દુ ભાયડાઓ કરે. તેમનો એ અધિકાર હતો અને આપણે તેનો આદર કરીએ છીએ. આજે ગાંધી-સાવરકર વિચારભેદને ૧૧૨ વરસ થઈ ગયાં છે અને સાવરકર પુરસ્કૃત હિન્દુ રાષ્ટ્ર માટે સ્થાપવામાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ એને ૯૩ વરસ થઈ ગયાં છે. આટલી લાંબી યાત્રા અને સાવ નાદારી? શું કર્યું આટલાં વર્ષ? ગાંધીજીના ભારતીય રાષ્ટ્રવાદે દેશને આઝાદી અપાવી, બંધારણમાં એ આકાર પામ્યો, આધુનિક રાજ્ય તરીકે સાકાર થયો, આધુનિક રાષ્ટ્રનું નિર્માણ થયું, નેલ્સન મંડેલા અને બીજા અનેક દેશોમાં અનેક લોકોએ ગાંધીજીના વિચારનું અનુકરણ થયું, એ દેશો પણ આઝાદ થયા, આધુનિક થયા ત્યારે બીજે છેડે સમાંતરે શરૂ થયેલા પૌરુષાર્થી રાષ્ટ્રવાદે શું આપ્યું?

હિન્દુ ભાયડાઓએ મૂળમાં ૧૧૨ વરસ અને સંઘની સ્થાપના પછી ૯૩ વરસ શેનું ચિંતન-મનન કર્યું હતું, શેની સાધના કરી હતી અને કયા પૌરુષની ઉપાસના કરી હતી કે જ્યારે વિચારને સાકર કરવાનો મોકો મળ્યો ત્યારે નામબદલી કે ધોલધપાટથી વધુ કરવા માટે તેમની પાસે કોઈ કામ જ નથી? જરાક શાંત ચિત્તે અને પ્રામાણિકતાપૂર્વક વિચારવું જોઈએ કે સો વરસની સાધના પછી ગાંધીજીના ભારતીય રાષ્ટ્રવાદ સામે હિન્દુ રાષ્ટ્રવાદનું સ્વરૂપ કેવું છે? નથી તો શા માટે નથી? છે તો ક્યારે પ્રગટ કરવાનું છે?

સાચી વાત એ છે કે તેમની પાસે હિન્દુ રાષ્ટ્રની કોઈ કલ્પના જ નથી. કલ્પના કરવા જાય તો કલ્પના તેમને ત્યાં પહોંચાડે છે, જ્યાં કેટલાક મુસ્લિમ મૂળભૂતવાદીઓ અને ત્રાસવાદીઓ પહોંચ્યા છે. એ આત્મઘાતી ભયાનક કલ્પના કરતા તેઓ ડરી જાય છે એટલે લઘુમતી કોમ સામે ડોળા કાઢીને, બાવડાં બતાવીને, ઘાંટા પાડીને, લલકારીને, પોતાની જાતને અને એનાથી વધુ હિન્દુઓને છેતરે છે. નામબદલી તો ગાંધીજીના પોચટિયા રાષ્ટ્રવાદ સામે હિન્દુ ભાયડાઓ બેઠા છે, હો એમ બતાવવા માટેની ચેષ્ટા છે.

દરમ્યાન વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર ઈરફાન હબીબે બે વાત કહી છે. એક તો એ કે આઝાદી પછી પાકિસ્તાનમાં બાકી બચેલા હિન્દુઓના નજીવા અસ્તિત્વને મીટાવવામાં એટલી બધી તાકાત લગાડી કે એક આધુનિક રાષ્ટ્ર તરીકેનું પાકિસ્તાનનું જ અસ્તિત્વ મટી ગયું. બીજી વાત તેમણે એ કહી છે કે બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહની અટકમાં આવતો શાહ શબ્દ પર્શિયન છે. બદલી કામદારોને ક્યાં ક્યાં કામે વળગાડશું?

એકવાર મહામહોપાધ્યાય કે.કા. શાસ્ત્રી સાથે મારો વિવાદ થયો હતો. તેઓ પણ યોગી આદિત્યનાથ જેવી યૌગિક દલીલો કરતા હતા. મેં તેમને પૂછ્યું કે તમે તો પરમ વૈષ્ણવ છો તો ઠાકોરજીને ચડાવવામાં આવતા છપ્પન ભોગમાં અરબસ્તાન અને ઈરાનમાંથી આવેલી મીઠાઈઓ કેટલી? તેમણે અત્યંત પ્રામાણિકતાપૂર્વક કાચી ગણતરી માંડીને કહ્યું હતું કે અડધા કરતાં વધુ. હવે શું કરીશું? ઠાકોરજીને પણ હિન્દુ ભાયડાઓ કહે એ ભોજન આરોગવું પડશે?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 નવેમ્બર 2018

Loading

14 November 2018 admin
← A Tale of Two Judgments: Asia Bibi and Sabariamala
રક્ષા કરો જગદંબા ભવાની →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved