હૈયાને દરબાર
… એ વાતને અઢાર વર્ષ થઈ ગયાં. ભાઈદાસ ઓડિટોરિયમમાં કરસનદાસ માણેકની જન્મ શતાબ્દી નિમિત્તે, 2001માં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કરસનદાસ જુહુમાં આવેલા શ્રી કીર્તન કેન્દ્રના સ્થાપક એટલે કીર્તન કેન્દ્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક વરિષ્ઠ કલાકારો સાથે એક નાનકડી દસ-અગિયાર વર્ષની છોકરી પણ પરફોર્મ કરવાની હતી. એ નાજુક-નમણી છોકરી સ્ટેજ પર આવી અને હરિના છઈએ, હરિના થઈએ … ગીતને અદ્ભૂત ઉતાર-ચડાવ સાથે રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ એકમાત્ર ગીત વન્સ મોર લઈ ગયું હતું. એ છોકરી એટલે આજની જાણીતી કલાકાર ઉપજ્ઞા પંડ્યા. ગીતકાર કરસનદાસ માણેક અને સંગીતકાર દિલીપ ધોળકિયા.
પહેલી પ્રસ્તુતિમાં જ આ ગીત સુપરહિટ થઈ ગયું. દરેક કલાકાર સાથે અમુક ગીત આપોઆપ જોડાઈ જાય છે. ઉપજ્ઞાનું પણ ટ્રેડમાર્ક સૉન્ગ કહી શકાય.
કરસનદાસ માણેકનો જન્મ 28 નવેમ્બર 1901, કરાંચીમાં. વતન હડિયાણા, જામનગર. અવસાન થયું 18 જાન્યુઆરી, 1978ના રોજ વડોદરામાં. વૈશમ્પાયન, પદ્મ જેવાં ઉપનામથી તેઓ સર્જન કરતા. શરુઆતમાં શિક્ષણ ક્ષેત્રે હતા પછી ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં જોડાયા.
‘સારથિ’ અને ‘નચિકેતા’ નામનાં સામયિકો પણ ચલાવ્યાં હતાં. કરાંચીમાં અભ્યાસ અધૂરો મૂકી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા બાદ ફરીથી કરાંચીની કોલેજમાંથી બી.એ. કર્યું. આઝાદીની ચળવળમાં જોડાઇ જેલવાસ પણ વેઠેલો. બહુરંગી, ઉર્મિપ્રાબલ્યવાળી, માનવતા અને કરુણાથી આર્દ્ર કવિતાઓ તથા કૃષ્ણ અને ગાંધીને અનુલક્ષતી માર્મિક કવિતાઓ એમણે આપી છે. જીવન અંજલિ થાજો, એક દિન આંસુભીનાં રે! હરિનાં લોચનિયાં મેં દીઠાં, મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે, ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે … જેવી જાણીતી રચનાઓના રચયિતા કરસનદાસ માણેકનું હરિના છઈએ ગીત ઉક્ત કાર્યક્રમના સંકલનકાર ઉદય મઝુમદારે શોધી કાઢ્યું હતું.
"કાર્યક્રમનાં ગીતો શોધતી વખતે અચાનક મારી નજર આ ગીત ઉપર પડી અને મારા મનમાં પહેલું નામ ઉપજ્ઞા પંડ્યાનું જ આવ્યું કારણ કે આ ગીતના શબ્દો એટલા સરળ – સહજ છે કે ભક્તિરચના હોવા છતાં બાળકના મુખે ઉચિત લાગી શકે. તેથી મેં આ ગીત ઉપજ્ઞા માટે એ જ વખતે નક્કી કરી દીધું હતું. કલાકારની વય, એના વ્યક્તિત્વને અનુરૂપ ગીતના શબ્દો, પરફોર્મન્સ જેટલાં જ અગત્યના છે એવું હું દ્રઢપણે માનું છું. વોકેબ્યુલરી ઑફ અ પરફોર્મર ઇઝ એઝ ઈમ્પોર્ટન્ટ એઝ ધ પરફોર્મન્સ. બાળકના નિર્દોષ શબ્દભંડોળ(ઇનોસન્ટ વોકેબ્યુલરી)માં ફિટ બેસે એવું આ ગીત હતું. મને ગમી ગયું. ત્યાર બાદ મને વિચાર આવ્યો કે કવિનું શતાબ્દી વર્ષ છે, પહેલા દશકની ગાયિકા ગાવાની છે, તો આઠમા દાયકાના સંગીતકાર દિલીપ ધોળકિયા પાસે જ આ ગીત સ્વરબદ્ધ કરાવું તો 10 થી 100 વર્ષ વચ્ચેના ત્રણ વયજૂથનું એક નોંધપાત્ર ગીત બની શકે. હું એમની પાસે આ ગીત લઈને ગયો. એમણે એક નજર ફેરવી અને એમના અલગારી મિજાજ પ્રમાણે હારમોનિયમના સપોર્ટ વિના ફકત પંદર મિનિટમાં ગીત કમ્પોઝ કરી દીધું. એકદમ ચપળ, રમતિયાળ છતાં ભાવસભર ગીત તૈયાર થઈ ગયું. બાકી તો, ગીતની લોકપ્રિયતાનો ઇતિહાસ ગવાહ છે." ઉદય મઝુમદાર કહે છે.
દિલીપ ધોળકિયા એટલે એવો ઝળહળતો તારલો કે જે ગુજરાતી સંગીતાકાશમાં સદા ય ચમકતો રહ્યો છે. ગુજરાતી ગીત-સંગીતમાં એમનું યોગદાન અનન્ય છે. ગુજરાતીમાં તેમના ઘણાં સ્વરાંકનો છે, છતાં તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી ગીતના ગાયક તરીકે તેમણે ઘણી નામના મેળવી હતી. એમના જ શબ્દોમાં કહીએ તો દસ હજાર પરફોરમન્સમાં 15,000 વાર આ ગીત ગાયું હશે. ગુજરાતી ફિલ્મ સત્યવાન-સાવિત્રીનાં લતા-રફીએ ગાયેલાં તેમનાં ગીતો યાદગાર બની રહ્યાં. આ ઉપરાંત તેમણે `મેના ગુર્જરી’, `ડાકુરાણી ગંગા’ અને `જાલમસંગ જાડેજા’ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું. જાલમસંગ જાડેજાનું ભૂપિન્દર સિંહે ગાયેલું ગીત એકલા જ આવ્યા મનવા … આજે પણ લોકપ્રિય છે.
હિન્દી ફિલ્મ સંગીત ક્ષેત્રે ચિત્રગુપ્ત અને એસ.એન. ત્રિપાઠીના સહાયક તરીકે એમણે ખૂબ કામ કર્યું હતું. જૂનાગઢમાં જન્મેલા દિલીપ ધોળકિયા આમ તો નાગર કુટુંબના પરંતુ તેમનું કુુટુંબ સ્વામીનારાયણ સંપ્રદાયનું સત્સંગી કુટુંબ. તેમના દાદા કે જેઓ મંદિરમાં કીર્તનો સરસ ગાતા એટલે એમનો પ્રભાવ પણ દિલીપભાઇ પર ખરો.
'પ્રાઇવેટ સેક્રેટરી’ સહિત કેટલીક હિન્દી ફિલ્મોમાં તેમનાં ગીતો લોકપ્રિય નિવડ્યાં હતાં. જેમ કે, જારે બેઇમાન, જા જા રે ચંદા, ઓ સાંવરે …! લતા મંગેશકરની લંડનના આલ્બર્ટ હોલમાં ગવાયેલા ફિલ્મી ગીતોની એલ.પી.માં દિલીપભાઇએ સ્વરબદ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત રૂપલેે મઢી છે સારી રાત … જ લેવાયું હતું. આમ, માણેક જેવા દિગ્ગજ કવિનું ગીત અને એવા જ દિગ્ગજ સંગીતકાર દિલીપ ધોળકિયાના સંગીત નિર્દેશનમાં ઉપજ્ઞા જેવી નાનકડી કલાકારને ગાવાની તક મળી.
કરસનદાસ માણેક સાથે અંગત પારિવારિક સંબંધ ધરાવતા સંગીતમર્મજ્ઞ અજિત પોપટ સંસ્મરણો વાગોળતાં કહે છે કે, "આઝાદી વખતની વાત છે, જ્યારે મનોરંજનના કોઈ સાધનો ઉપલબ્ધ નહોતાં, ત્યારે કાકાસાહેબ કાલેલકરે કરસનદાસ માણેકને કહ્યું કે તમે કોઈક સાત્વિક મનોરંજન પીરસો. એટલે એમણે કથાઓ કરવાનું શરૂ કર્યું જેમાં તેઓ આધુનિક અને વૈજ્ઞાનિક સંદર્ભો સાથે કથા માંડતા હતા. તેઓ તુલસી ચરિત, કુંવરબાઇનું મામેરું જેવાં આખ્યાનો પણ કરતા, જેમાં હું ૧૯૬૦ના ઉત્તરાર્ધથી એમની સાથે જોડાયો. એમની સાથે હું હાર્મોનિયમ વગાડતો હતો. એમની સમૃદ્ધ લાઇબ્રેરીનાં પુસ્તકો વાંચીને જ હું મોટો થયો. કરસનદાસ માણેક વિલેપારલેના દાદાભાઈ રોડ ઉપર જોષી ભુવનમાં રહેતા હતા, જે હવે તો મલ્ટીસ્ટોરી બિલ્ડિંગમાં પરિવર્તિત થઈ ગયું છે. એમની આસપાસ ઘણા કલાકારો-કવિઓ વસતા હતા જેમાં કવિ પ્રદીપજી, વિજય ભટ્ટ, ઉપેન્દ્ર ત્રિવેદી, કવિ સ્નેહરશ્મિ, સુંદરજી બેટાઈ, ગુલાબદાસ બ્રોકર, અને આ બધાનો સતત પરસ્પર સત્સંગ થયા કરતો હતો."
સાહિત્યવિદ્ કનુભાઈ સૂચકે વિશેષ માહિતી આપતાં કહ્યું કે પાર્લામાં બુધવાર 'માણેક' વાર તરીકે જ ઓળખાતો કારણ કે એ વખતે દર બુધવારે લક્ષ્મીનારાયણ મંદિરમાં કરસનદાસ માણેકની ભજન સભા યોજાતી હતી. તેથી પાર્લાવાસીઓ માટે તો બુધવાર એ માણેક વાર જ બની રહેતો હતો!
આ ગીત પોતાનું પર્સનલ ફેવરિટ હોવાનું જણાવતાં ઉપજ્ઞા પંડ્યા કહે છે, "ગીતના શબ્દો બિલકુલ સરળ હોવા છતાં ગાતી વખતે એમાં ઈમ્પ્રોવાઈઝેશનની અપાર શક્યતાઓ છે. મારાં ગુરુ કૌમુદી મુનશી હંમેશાં અમને કહે છે કે ગીતમાં ભાવ અને કહન હોવાં જોઈએ. આ ગીતમાં આપોઆપ કહન પ્રગટે છે. આદરણીય દિલીપકાકાએ એટલી સહજતાથી શિખવાડી દીધું કે કાર્યક્રમમાં નિર્ભાર થઈને મેં રજૂ કરી દીધું હતું. પહેલીવાર રજૂ થયું છતાં શ્રોતાઓને ખૂબ મજા આવી તથા વન્સ મોર થયું હતું. નાની વયે મારે માટે આ બહુ મોટી સરાહના હતી. દિલીપકાકા પણ બહુ ખુશ થયા હતા. એ પછી એમનાં સાત-આઠ ગીતો મેં તૈયાર કર્યાં હતાં."
સાવ સાદું-સરળ આ ગીત સાંભળવાની તેમ જ ગાવાનીય મજા આવે એવું છે. મીઠીબાઈ કૉલેજમાં બે વર્ષ ગુજરાતી ભાષાનાં અધ્યાપક રહી ચૂકેલાં ઉપજ્ઞા પંડ્યાએ ટેલિસિરિયલ્સમાં ગાયું છે. એમના જીવનસાથી શાંતનુ હર્લેકરના સંગીત નિર્દેશનમાં મરાઠી ફિલ્મમાં ગાઈ ચૂક્યાં છે. અત્યારે ચાલી રહેલી ગુજરાતી સિરિયલ 'દીકરી વહાલનો દરિયો'નું ટાઈટલ સૉન્ગ સુરેશ જોશીના સંગીતમાં ઉપજ્ઞાએ ગાયું છે. સુરેશ જોશીએ સ્વરબદ્ધ કરેલું કવિ રમેશ પારેખનું અનોખું ગીત ઝૂમરી તલૈયાના રાણા સંગ, તમારી રીસ પરોઢી તડકા જેવી અરરરરર … ઉપજ્ઞા પાસે સાંભળવું એ લહાવો છે. આવાં અદ્ભુત, અનોખાં ગીતોનો ખજાનો છે આપણી પાસે. શ્રોતાઓની નવાં, સુંદર ગીતો સાંભળવાની તત્પરતા હોવી જોઇએ.
*****
હરિના છઈએ, હરિના થઈએ
હરિના થઈને રહીએ રે
હરિના જગમાં હરિએ મેલ્યાં
હરિ રાખે તેમ રહીએ રે …
સુખડાં હરિનાં, દુખડાં હરિનાં
આ નહીં ને આ કેમ કહીએ રે
સુખડાં ને દુખડાં, સરખાં ગણીને
હરિનાં દુ:ખડાં લઈએ રે … હરિના
અદ્ધર તોળે, કે ફંગોળે
ચાંપે ચોંપથી હૈયે રે
નેહની નોખી નોખી રીતું
જુગતે જોતાં જઈએ રે … હરિના
• કવિ : કરસનદાસ માણેક • સંગીતકાર : દિલીપ ધોળકિયા • ગાયિકા : ઉપજ્ઞા પંડ્યા
[પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 06 જૂન 2019]