Opinion Magazine
Number of visits: 9483910
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હરિ તમે તો સાવ જ અંગત

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|30 May 2019

હૈયાને દરબાર

ગીતની નાયિકાને કવિએ અહીં મીરાં સ્વરૂપે કલ્પી છે. પોતાના પ્રિયતમ ભગવાન શ્રીકૃષ્ણને એ ખુલ્લો પડકાર ફેંકે છે કે તમે જ મારા હૃદયની સૌથી નજીક છો. મારાં મા- બાપ મુરતિયાની શોધમાં છે તો તમારે પણ ફોટા સાથે અરજી કરવી પડશે. સ્ત્રીના ગર્વ અને આત્મવિશ્વાસની લાજવાબ કૃતિ છે આ ગીત

ક્રોએશિયાની ધરતીને ભરપૂર લાડ લડાવ્યા પછી, જર્મનીના આસમાનને ચાહ્યા બાદ, ઓસ્ટ્રિયાની અસીમિત રમણિયતાને આંખોમાં સમાવીને અને પ્રાગ નગરી સાથે પ્રણય ફાગ ખેલ્યા પછી પરિણય એટલે કે લગન તો આપણા પોતાના ઇન્ડિયન ઈશ્વર સાથે જ કરવા પડે! શું કહો છો? પાશ્ચાત્ય દેશોને મળેલું અઢળક કુદરતી સૌંદર્ય એની યોગ્ય જાળવણીને પ્રતાપે અધિક સુંદર બની રહ્યું છે. ચોખ્ખા ચણાક રસ્તા, વૈવિધ્યસભર સ્થાપત્યો, ત્યાંના લોકોની ડિસિપ્લીન, પ્રતિબદ્ધતા, પ્રામાણિકતા, ટ્રાફિક નિયમન, માળખાકીય મૂળભૂત સુવિધાઓ તથા માનવ જીવનનું મૂલ્ય બેશક, આવકાર્ય અને અનુસરણીય છે. તો ય, ડગલેને પગલે દેશ યાદ આવે છે. ભારત હમ કો જાન સે પ્યારા હૈ, સબ સે પ્યારા ગુલિસ્તાં હમારા હૈ! આકરા તડકાને આપણે રોજ ગાળ આપીએ છે, પરંતુ સૂરજની રોશની માટે એટલે કે ‘સની ડે’ માટે તરસતી ત્યાંની પ્રજાને જોઈએ તો થાય કે ઈશ્વરે આપણાં ઉપર ભારે કૃપા કરી છે. આપણે ત્યાં લગભગ બારેમાસ ‘સની ડે’ હોય છે. કારુણ્યમૂર્તિ ઈશુની કરુણાને આપણે ભાવપૂર્વક વંદન કરીએ, પરંતુ ઈશ્ક તો આપણા ‘લાલજી’ સાથે જ લડાવવો પડે! ત્યાંના હવામાનને માફક આવે એવા ગ્રે અને બ્લેક શેડ્સની સામે ભારતની મલ્ટીકલ્ચર્ડ રંગીનિયત ચાર ચાસણી ઉપર ચડી જાય. રાજકારણની વાત આમ તો અહીં અપ્રસ્તુત છે છતાં યુરોપની જે કોઈ ઇન્ડિયન રેસ્ટોરાંમાં ગયાં ત્યાં હવે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન પહેલાં મોદીનું નામ બોલાય છે. આ વખતની ચૂંટણીએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું અને વિદેશના હોટલ માલિકોથી લઈને વેઈટર્સ સુધી બધાને મોઢે આ સૂત્ર હતું : હર હર મોદી, ઘર ઘર મોદી!

અલબત્ત, આપણે અહીં હર હર હરિજીની યાને કિ એક ઉત્તમ હરિગીતની વાત કરવાની છે.

હરિ તમે તો સાવ જ અંગત,
સાંભળજો આ મરજી,
ઘણા મુરતિયા લખી મોકલે
વિગતવાર માહિતી, એમાં તમે કરજો
ફોટા સાથે અરજી …!

ઈશ્વરને ચેલેન્જ કરતું આ લાજવાબ ગીત ગુજરાતી સુગમ સંગીતનાં સર્વોત્કૃષ્ટ ગીતોની યાદીમાં હકપૂર્વક બેસી શકે એવું અદ્ભુત રચાયું છે. અર્થસભર શબ્દો અને ભાવપ્રધાન સ્વરનિયોજનને કારણે આ ગીત લોકપ્રિય પણ એટલું જ થયું છે. ગીતકાર કવિ મુકેશ જોશીના શબ્દો અને સ્વરકાર આશિત દેસાઈનું સ્વર નિયોજન હોય પછી પૂછવું જ શું! હેમા દેસાઈના સુમધુર કંઠે નિખરી ઊઠતું આ ગીત સૌ પ્રથમ વાર 2006ની સાલમાં નાનકડી ઐશ્વર્યા મજમુદારને કંઠે સાંભળ્યા બાદ હ્રદયમાં એવું જડબેસલાખ બેસી ગયું કે ઊંઘમાંથી ઉઠાડીને કોઈ ગાવાનું કહે તો ય આસાનીથી ગાઈ જઈએ.

ગીતની નાયિકાને કવિએ અહીં મીરાં સ્વરૂપે કલ્પી છે. પોતાના પ્રિયતમ ભગવાન શ્રીકૃષ્ણને એ ખુલ્લો પડકાર ફેંકે છે કે તમે જ મારા હૃદયની સૌથી નજીક અને અંગત છો. મારાં મા – બાપ મુરતિયાની શોધમાં છે તો તમારે પણ ફોટા સાથે અરજી કરવી પડશે. મા-બાપને રીઝવી શકો તો બેડો પાર, પણ અશક્ય હોય તો છેલ્લા ઉપાય તરીકે ભાગી જવાનો વિકલ્પ તો છે જ! પછી તો ચાર અંતરામાં વિસ્તરેલા આ ગીતમાં મુરતિયાએ મા-બાપને રિઝવવા શું કરવું એની બહુ રસપ્રચુર વાત કવિએ ગીતમાં કરી છે. ગીતના એકેએક શબ્દ વાંચવા અને માણવાલાયક છે.

ઉંમર થાય એટલે લગ્ન માટે ‘યોગ્ય પાત્ર’ની શોધખોળ શરૂ થઈ જાય. મોટે ભાગે બધાની શોધ ફક્ત ‘પાત્ર’ પામીને જ અટકી જાય છે. ‘યોગ્ય’ તો નસીબવાનને જ મળે! એટલે જ તો કવિ મુકેશ જોશીની કવિતાની નાયિકાએ સમજી-વિચારીને સીધી ભગવાનને જ અરજી કરવા વિનંતિ કરી છે. કોઈ આલતુ-ફાલતુ વ્યક્તિ પ્રસ્તાવ મોકલે એના કરતાં હે શ્રીકૃષ્ણ, સીધા તમે જ પ્રથમ પ્રસ્તાવ લઈને આવો એટલે બીજી કોઈ માથાકૂટ જ નહીં. વળી, તૈયારી પણ પૂરેપૂરી છે. ઘરવાળા ના પાડશે તો તમારી સાથે ભાગી જવામાં પણ વાંધો નથી. ભગવાન સાથે ભાગી જવાની કલ્પના જ કેવી રોચક છે!

આવું શ્રેષ્ઠ પાત્ર મળે તો ફરી પરણી જવાની ઈચ્છા થાય એવું મસ્તમજાનું ગીત હેમાંગિની દેસાઇએ પૂરેપૂરું આત્મસાત્ કરીને ગાયું છે. ઐશ્વર્યા મજમુદારે પણ આ ગીત અનેક કોન્સર્ટમાં આબાદ રીતે રજૂ કરી લોકપ્રિય બનાવ્યું છે.

“… ને પછી તમારી ઘરવાળી હું, તમે જ મારા વરજી ..!! આ શબ્દોમાં એના અવાજમાં એક મુગ્ધા જેવી શરમ સાથે પ્રેમનું સમર્પણ અને આધિપત્ય સરસ ઝિલાયાં છે.

આવાં સુંદર ગીતો સ્વરબદ્ધ ત્યારે જ થાય જ્યારે કવિ પોતાની શાહી કલમ હૃદયથી ચલાવે. કવિ મુકેશ જોશી સહ્રદય અને સંવેદનશીલ કવિમિત્ર છે. ‘કાગળને પ્રથમ તિલક’, ‘બે પંક્તિના ઘરમાં’ તથા ‘લિખિતંગ ઑક્ટોબર બે’ જેવા કાવ્યસંગ્રહ આપનાર તથા માતૃભાષાને નિતાંત ચાહનાર મુકેશ જોશી કુશળ સંચાલક તરીકે શ્રોતાઓ સાથે હાર્ટ ટુ હાર્ટ સંવાદસેતુ સાધી શકે છે. સમયાંતરે સાહિત્યિક ક્ષેત્રે અવનવા પ્રયોગો કરે છે. તેમણે સૂરદાસનાં પદોના આસ્વાદ પર આધારિત ‘મૈં નહીં માખન ખાયો’ના અનેક પ્રયોગો કર્યા છે, જેમાં તેઓ ગાયન સાથે સૂરદાસનાં પદોનો રસાસ્વાદ કરાવે છે. તાજેતરમાં જ તેમણે ‘કમાલ કરે છે’ નામનો એક શો શરૂ કર્યો છે જેમાં ગુજરાતી અને હિન્દી ભાષાનાં બાળપણથી લઈ અને મૃત્યુ સુધીનાં કાવ્યો-ગીતોને આવરી લઈને તેઓ સોલો પરફોર્મન્સ આપે છે. મુકેશ જોશીએ શરૂઆતથી જ એકસરખી સારી રચનાઓ આપી છે.

બોલ સખી, તારા હૈયામાં શોર થયો કે નહીં?
કાલ સુધી તું લાગણીઓને પીંછાં પીંછાં કહેતી
એ પીંછાંઓમાંથી મોર થયો કે નહીં?

પંક્તિઓના રચયિતા મુકેશ જોશી એટલે કવિ સુરેશ દલાલના શબ્દોમાં ગુજરાતી ભાષાની ઉજ્જવળ આવતીકાલનું અજવાળું.

સુરેશ દલાલે મુકેશ જોશીના કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં એમના વિશે સાચું જ લખ્યું છે કે, "મુકેશ ગીતોનો ગઢવી છે. એની કવિતા કોઈપણ ભીડને ગાંઠ્યા વિના પોતાનો રસ્તો કાઢી શકે છે. લાગણીઓના પીંછામાંથી મોર ઊભો કરવાની કળા મુકેશ પાસે છે. પ્રણય, પ્રભુપ્રીતિ અને માણસજાત સાથેની નિસબત મુકેશની કવિતામાં હંમેશાં વર્તાય છે.

કવિ રમેશ પારેખ જેવા માતબર કવિનાં હરિગીતો પછી મુકેશ પોતાનું સાવ નોખું, જમાનાને અનુરૂપ હરિગીત લઈને આવે એ નાનીસૂની વાત નથી જ.

"અખબારમાં મેં એક જાહેરાત વાંચી હતી કે ‘મૂરતિયો જોઈએ છે’. એના પરથી મને કાવ્યની પ્રથમ પંક્તિ સૂઝી. ઈશ્વરમાં આસ્થા ધરાવતી આધુનિક યુવતીની વાત જ આમ તો મારે કરવી હતી, પરંતુ પંક્તિઓ લખાતી ગઈ એમ એમાંથી કંઇક જુદો જ ભાવ નિષ્પન્ન થતો ગયો. આખું કાવ્ય પૂરું થયું પછી ફરી એકીશ્વાસે વાંચી ગયો ત્યારે મને એમાં આધુનિક મીરાંનાં દર્શન થયાં. એ રીતે આ ગીત આપોઆપ મીરાં અને શ્રીકૃષ્ણનું પ્રણયગીત, જેમાં છેવટે તો પરિણય સુધી પહોંચવાની જ વાત છે, એ પ્રેમની પરિપૂર્ણતાનું ગીત બની રહ્યું. ‘કાગળને પ્રથમ તિલક’ નામના મારા પ્રથમ કાવ્યસંગ્રહમાં એ લેવાયું અને આશિત દેસાઈ જેવા સજ્જ સ્વરકારની નજરે ચડ્યા પછી એ વધુ લોકભોગ્ય બન્યું. મુકેશ જોશી ગીતની સર્જન પ્રક્રિયા વિશે વાત કરે છે.

કાવ્યાત્મક પરિદ્રશ્યોની પાંખે જેમની સંગીત સરવાણી સતત વહેતી રહે છે એ આશિત દેસાઈ જો કે, આ ગીતની લોકપ્રિયતાનો સંપૂર્ણ યશ કવિ મુકેશ જોશીને આપે છે. એ કહે છે કે, "એક સર્વાધિક સુંદર રચનાને મેં તો માત્ર આંગળી અડાડી છે. કવિતાને લખવાનો અને સમજાવવાનો તમામ ભાર મુકેશે ઊંચક્યો છે. હું હંમેશાં કહેતો આવ્યો છું કે જે કવિતામાં મને સ્ટોરી દેખાય કે જેમાં કલર્સ હોય એ જ કાવ્ય મને આકર્ષે છે. આ બહુ સ્પષ્ટ, સરળ-સહજ કવિતા છે. ગીતને યથોચિત ઊંચાઈ આપવાનું 75% કામ તો મુકેશે જ કરી દીધું છે એટલે આ ગીત કમ્પોઝ કરવામાં મને કોઇ તકલીફ પડી ન હતી. ગીતમાં મીરાં પ્રગટપણે નથી પણ વાત એમની જ છે. એ કહે છે કે હરિ તમે જલદી કરો અને જન્માક્ષર લઈને મારા ઘરે આવો. નહીં તો મા-બાપ મને બીજે પરણાવી દેશે. આમ તો આ જાણીતી જ કથા છે પણ છેલ્લે ભાગી જવાની વાત મીરાંનો જબરજસ્ત કોન્ફિડન્સ દર્શાવે છે; મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઇ! આ ગીત દ્વારા જાણે આખું બેલે મારી નજર સમક્ષ ભજવાઈ રહ્યું હોય એવું મને લાગતું હતું. એ ભાવસમાધિમાં જ ગીત કંપોઝ થતું ગયું. રાગ સારંગના સ્વરોનો મેં એમાં ઉપયોગ કર્યો છે. બે અંતરામાં કોમળ નિષાદ છે અને બે અંતરામાં શુદ્ધ નિષાદ. તરન્નુમ ટાઇપનું જ ગીત હોવાથી ગીતની કથા-વ્યથા મેં એ જ રીતે પ્રગટ કરી છે. આ ગીત સ્વરબદ્ધ કરવાની મને ખૂબ મજા આવી હતી. હેમાએ ગીતને સાંગોપાંગ પચાવ્યું છે અને અત્યંત સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે. જો કે, જાહેર કાર્યક્રમોમાં ઐશ્વર્યા મજમુદારે આ ગીત ઘણી વાર ગાયું છે.

ઐશ્વર્યા આ ગીતને પોતાની કારકિર્દીનું લેન્ડમાર્ક ગીત ગણાવે છે. એ કહે છે, "ફક્ત 11 વર્ષની ઉંમરે મેં પહેલી વાર આ ગીત ગાયું ત્યારે જ અપાર લોકચાહના પામ્યું હતું. મારી માન્યતા મુજબ મીરાં પણ બહુ નાની વયથી કૃષ્ણની પ્રેમદીવાની હતી. એટલે અમદાવાદના ‘સમન્વય’ના કદાચ પહેલા કે બીજા જ કાર્યક્રમમાં મને આ ગીત આપવામાં આવ્યું હતું.

ઢીંગલીની જેમ ચણિયાચોળી પહેરી હું આ ગીત પરફોર્મ કરતી ત્યારે લોકો એ ગીતની પંક્તિઓ સાથે નાનકડી મીરાંને જ રિલેટ કરી શકતા હતા. મને ગર્વ અને આનંદ છે કે મારી જનરેશનથી માંડીને મિડલ એજેડ અને વરિષ્ઠ સંગીતપ્રેમીઓ મને અચૂક કહે છે કે અમે તારું આ ગીત ખૂબ સાંભળીએ છીએ. સુપ્રસિદ્ધ સંગીતકાર આશિત દેસાઈનું મીઠું સ્વરાંકન તથા મુકેશ જોષીના લાજવાબ કાવ્યની પણ એ કમાલ છે જ! સંગીત સ્પર્ધાઓમાં આ ગીત ઘણું ગવાય છે.

તમે હજુ સુધી આ ગીત ન સાંભળ્યું હોય તો યુટ્યુબ પર સાંભળી જ શકો છો. ગો ફોર ઇટ! યુ વિલ લવ ધિસ સોન્ગ!

—————————————–

હરિ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી
ઘણા મુરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધા ય લોકો જન્માક્ષરમાં માને
હરિ,નાખજો માગું મૂશળધારે ગરજી ગરજી ..
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,
હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી!

કવિ : મુકેશ જોશી   • સંગીતકાર : આશિત દેસાઈ   • ગાયિકા : હેમા દેસાઈ / ઐશ્વર્યા મજમુદાર

https://www.youtube.com/watch?v=ECuHwj3Wha0

https://www.youtube.com/watch?v=hzCe6WPTzOI

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 30 મે 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=518434

Loading

30 May 2019 admin
← ‘સબ કા વિશ્વાસ’ ક્યારે
મૂલ્યોનું હોકાયંત્ર કઈ દિશા ચીંધે છે? →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved