Opinion Magazine
Number of visits: 9449217
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હર ઘર તિરંગા ફેહરાયા, હર ભારતીય દેશપ્રેમી ઠેહરાયા

આશા બૂચ|Opinion - Opinion|18 August 2022

ખરેખર, કોઈ દેશનો આઝાદી મહોત્સવ કેવી રીતે ઉજવવો જોઈએ તે જાણવું હોય તો ભારત પાસે શીખો.

સરકારનું ફરમાન બહાર પડ્યું કે 13મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ બધા ‘ભારતીયો’ પોતાના ઘર પર ત્રિરંગો ઝંડો ફરકાવશે, તો લોકોએ હોંશે હોંશે તેનું પાલન કર્યું જ. અરે, રહેણાક વિસ્તારોમાં સોસાયટીના હોદ્દેદારોએ ઘેર ઘેર જઈને ઝંડા આપ્યા (નિઃશુલ્ક જ હશે, નહીં તો ‘અમને ઝંડો આપી ગયા’ તેમ હસતે મોઢે થોડું કોઈ કહે?). તેમાં ય વળી ખાદીના બનેલા ધ્વજ વાપરવાની રાષ્ટ્રની નેમને બાજુ પર મૂકી અને પોલિયેસ્ટરના બનેલા વાપરવાનો નિર્ણય જાહેર થયો. આપણા દેશ નેતા તમને સમજાવશે, “જુઓ ભાઈ, વાત એમ છે કે ધીરુભાઈ અંબાણી પોલિયેસ્ટર અને તેમાંથી બનતી વસ્તુઓનાં ઉત્પાદન થકી કરોડાધિપતિ બન્યા. હવે, આપણે ‘સબકા સાથ સબકા વિકાસ’નું પેલું વચન આપી બેઠેલા, ખરું કે નહીં? (શ્રોતાઓમાંથી ‘હા…..’નો નાદ સંભળાયો હશે) તો પછી તમારે બધાએ અંબાણીની આવકમાં વિકાસ કરવા આટલું તો કરવું જોઈએ ને? આપણે એમ ક્યાં કહેલું કે ખાદી ઉદ્યોગને કારણે ખેડૂતોથી માંડીને એ ઉદ્યોગ મારફત રોજી રળતાં લાખો કરોડો લોકોનો વિકાસ કરીશું? જુઓ, જાદુ તો કેવું થયું, આઝાદીનો અમૃત મહોત્સવ આ રીતે ઉજવાયો એટલે બધા લોકો દેશભક્ત છે એ સાબિત થઇ ગયું કે નહીં? (શ્રોતાઓમાંથી ‘હા…..’નો નાદ સંભળાયો હશે). તો હર ઘર તિરંગા પાછળનો હેતુ જાણ્યો, કરોડો લોકો દેશભક્ત છે એ સાબિત કરવાનો.

દેશભક્તિ કોને કહેવાય એ તો આપણે સહુ જાણીએ. કેમ વળી, દેશ માટે પ્રેમ હોય અને ભક્તિ રાખીએ તે જ તો. જાહેરમાં કોઈ મેળાવડો કે કાર્યક્રમ હોય, દેશના નેતાની સભા હોય કે દેશનો મહત્ત્વનો દિવસ હોય ત્યારે સરકારી મકાનો ઉપર અને કોર્ટ-કચેરી ઉપર ઝંડો ફરકાવીને દેશને કેટલો પ્રેમ કરીએ છીએ તે આપણે દાયકાઓથી બતાવતા આવ્યા જ છીએ. આ તો ખાસ 75 વર્ષ થયાં આઝાદી મળ્યે એટલે ઘેર ઘેર તિરંગો ફરકે તો જરા સેટેલાઇટથી દુનિયા આખીને દેખાય ને? હવે ‘હર દિલમેં તિરંગા’નું સૂત્ર વહેતું થયું છે, તેને માટે કયું ચિહ્ન આવે તેની રાહ જોઈએ.

એ ખરું કે દેશભક્ત હોવા માટે દેશબાંધવોનાં હિતની જાળવણીમાં પણ રસ હોવો જોઈએ અને માત્ર એવાં વ્યવસાયો અને કામ કરવાં જોઈએ જેનાથી વતનની પ્રજા અને રાજને ફાયદો જ થાય. એટલે કે કર ચોરી ન કરાય, પોતાની બચત વિદેશમાં રોકીને માલેતુજાર ન થવાય, તેને બદલે પૂરેપૂરા કર ભરી, વધારાની સંપત્તિ દેશના ભાંડરડાંને વેંચી દેવાય. જો કે તેમાં કેટલાક જાણીતા ઉદ્યોગપતિઓને (અને રાજકીય નેતાઓને પણ) અપવાદ ગણવામાં આવી રહ્યા છે એ અલગ મુદ્દો. એમ તો દેશની સુરક્ષા માટે ફના થઇ જાય તેને પણ દેશભક્ત કહેવાય. જો કે તેમાં માત્ર સૈનિકો જ સામેલ ન હોવા જોઈએ, જે લોકો દેશના હિતમાં પોતાના સ્વાર્થ, આર્થિક લાભ અને સલામતીને જતા કરે તે પણ સાચા દેશભક્ત કહેવાય. અસંખ્ય લોકો સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ મારફત કોમની વિવિધ પ્રકારે સેવા કરે અને કાયદાઓનું ચુસ્તપણે પાલન કરે અને એ રીતે પોતાની દેશવાસીઓ પ્રત્યેની ભાવના વ્યક્ત કરે તેમની ગણતરી પણ દેશભક્તોમાં જ થાય.

દેશભક્તિની વ્યાખ્યા આપતા કેટલાક વિદ્વાનો પ્રતિનિધિત્વ ધરાવતી લોકશાહીમાં કોઈ એક રાજકીય પક્ષના ઉમેદવારને મત આપવાની આપણી ફરજને પણ દેશભક્તિનું ચિહ્ન ગણાવે છે. જો કે એ વિદ્વાનોએ ચૂંટાઈ આવેલા ઉમેદવારો, કે જે ત્યાર બાદ ‘નેતા’ તરીકે ઓળખાય છે તેમણે દેશભક્ત બનવા માટે શું કરવું જોઈએ તે નથી દર્શાવ્યું. એવા નેતાઓ તો ઉપર કહેલી એક પણ બાબત આચરણમાં ન મૂકે તો પણ મતદાન સમયે તેમના નામની સામે ચોકડી મુકાઈ હોવાને કારણે ‘દેશભક્ત’ જાહેર થઇ જાય એટલે તેમને નિરાંત.

છેલ્લા કેટલાક સમયથી દેશ માટે વફાદાર કોને કહેવાય તેની ચર્ચા ચાલે છે. દેશના શાસકો બદલાય ત્યારે એવું તો થાય. 1920ની સાલમાં ‘વંદે માતરમ’ બોલતા તેમને જેલમાં જવું પડતું, આજે તેમને હાર પહેરાવાય! સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે જે સૂત્ર માત્ર સૂત્રોચ્ચાર ન રહેતાં માતૃભૂમિની મુક્તિ માટે કરવાનાં કાર્યો દ્વારા જ જન્મભૂમિને નમન કરવામાં આવતું. ત્યાર બાદ કોણ જાણે શી રીતે એ સૂત્ર સાથે આ ચિહન જોડાયું. હવે મને તો મૂર્તિ પૂજામાં ઝાઝેરી શ્રદ્ધા ન મળે, તો હું શા માટે આ ફોટાને કે તેની મૂર્તિને નમન કરું?

આ ટાંકણે એક કિસ્સો યાદ આવ્યો. સ્વ. જવાહરલાલ નહેરુ એક સભાને સંબોધન કરવા જઈ રહ્યા હતા ત્યારે મેદનીમાંથી હર્ષોલ્લાસથી નારા બોલાતા સાંભળ્યા, ‘ભારત માતા કી જય’ ‘વંદે માતરમ’. નહેરુ તરત પોતાની કારમાંથી બહાર કૂદી પડ્યા, લોકોની વચ્ચે જઈને પૂછ્યું, “કહાં હૈ ભારત માતા, કૌન હૈ વો? આપ કૌનસી માતા કો વંદન કર રહે હો?” જનતા શું બોલે? તેને આગવું દિમાગ થોડું હોય છે? એ તો ટોળું હોય. એક બોલે એટલે બીજા આવેશમાં આવીને સૂત્રો લલકારે. ત્યારે નહેરુજીએ આપેલો ઉત્તર સમજવા લાયક. તેમણે ધૂળની ચપટી ઉપાડીને કહ્યું, “યહ હૈ ભારત માતા, યહ મિટ્ટી હમારી માઁ હૈ. ઇસ ધરતી કો હમ વંદન કરતે હૈં. ઇસ મિટ્ટી પર રહનેવાલે તમામ ઈન્સાન કો હમ નમન કરતે હૈં.” જો આ વ્યાખ્યા તે સમયે બધાને સમજાવવામાં આવી હોત તો સાચા અર્થમાં જે આપણી માતૃભૂમિ છે તેની ખરી રીતે સેવા કરી હોત અને જે લોકો આજે એ સૂત્રનો ઉચ્ચાર કરવા નામરજી બતાવે છે તે પેલી મૂરત સાથેના જોડાણને કારણે છે એ સમજીને આપણે માફ કરી શક્યા હોત.

એટલું જરૂર કહી શકાય કે જે દેશમાં જન્મ લીધો હોય અથવા જે દેશનું નાગરિકત્વ સ્વેચ્છએ કે સંજોગવશાત સ્વીકાર્યું હોય તેના સાર્વભૌમત્વનો સ્વીકાર કરવો, તેના તમામ કાયદાઓનું પાલન કરવું, તેના વિરુદ્ધ જાસૂસી ન કરવી, તે દેશના નાગરિક તરીકેની તમામ ફરજો બજાવવી અને તેના રાજકીય અને સામાજિક જીવનના હિસ્સેદાર બનવું એ તત્ત્વો પણ દેશ પ્રત્યેની વફાદારી જાળવવા જરૂરી છે. આ ફરજોમાં વ્યક્તિનો ધર્મ, વર્ણ, જાતિ જ્ઞાતિ કે સંસ્કૃતિ અડચણ રૂપ ન બનવા જોઈએ.

સામે પક્ષે એ પણ એટલું જ સાચું છે કે એક દેશની ભૌગોલિક સીમા અંતર્ગત અનેક ધર્મ અનુસરનારા, વિવિધ વર્ણના, અલગ અલગ જ્ઞાતિ અને વર્ગના અને જુદા જુદા સાંસ્કૃતિક આચારોનું પાલન કરતા નાગરિકો વસતા હોય છે, તેથી કરીને બહુમતીના ચોકઠામાં ન બેસે તે તમામ ‘દેશદ્રોહી’ છે તેવું માનવા જેવી સંકુચિતતા દેશમાં અંદરોઅંદર વૈમનસ્ય પેદા કરે અને છેવટ કોમી દંગા ઊભા કરી એ દેશની અસ્મિતાનો જ નાશ કરે.

ભારતની આમ પ્રજા, પછી ભલે તે લાભાન્વિત કે વંચિત સમુદાયની હોય, પ્રામાણિકતાથી જીવનયાપન કરે છે. સવાલ છે શાસકો તેમને કેટલા વફાદાર છે. સીમા સુરક્ષાનો અને કાશ્મીરનો સવાલ લઈએ. જે દેશોની ધર્મને આધારે  સીમાઓ અંકિત થાય તે બંને દેશો વચ્ચે યાવતચંદ્ર દિવાકરો હિંસક લડાઈના બીજનાં વાવેતર થઇ ચૂક્યાં હોય છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન તેનું જ પરિણામ હજુ ભોગવે છે; એવો જ બીજો દાખલો તે ભારત-પાકિસ્તાન. હવે એ સંઘર્ષો સીમોલ્લંધન કરવાને પરિણામે છે કે પરસ્પરના ધર્મને ધિક્કારવાને પરિણામે એ કળવું મુશ્કેલ થઇ ગયું. ખૂબીની વાત એ છે કે પોતાના દેશની સીમા સુરક્ષા માટે કે જે તે દેશના નાગરિકોના ધર્મ પાલનની સ્વતંત્રતા જાળવવા માટે બીજા દેશ સાથે લડવું જરા પણ જરૂરી નથી. આ અમૃત મહોત્સવ ટાણે ભારત અને પાકિસ્તાનના વડાઓ સાથે મળીને ‘હવે ધીંગાણાં ખેલવા બંધ કરીને એક બીજા સાથે વેપાર, શિક્ષણ અને સંસ્કૃતિની આપ-લે કરીને કેમ મોજથી બે ભાઈઓની માફક ન રહીએ?” એમ નક્કી કરે તો બંને દેશની પ્રજા માટે એ સહુથી મહામૂલી ભેટ ગણાય.

એક તરફથી ટેક્નોલોજીમાં હરણફાળ ભરતું ભારત બીજી તરફથી ધર્માન્ધતા તરફ તેનાથી પણ વધુ ઝડપે કૂચ કરતું જાય છે. તમામ પ્રકારના લઘુમતીના સભ્યોને પોતાના દેશમાં નાગરિક, અરે માનવીય અધિકારો મુજબ સ્વતંત્ર રીતે કમાવાના, ધર્મનું પાલન કરવાના, વાણી અને વિચાર સ્વાતંત્ર્યના અધિકારો ભોગવવાના સાંસા પાડવા લાગ્યા. ધર્મ છે તો  માનવ સર્જિત. આ વિભાવનાએ અનેક ખમતીધર સંસ્કૃતિને જન્મ આપ્યો, ઉત્તમોત્તમ તત્વજ્ઞાનની શાખાઓ કાયમ કરી, અધ્યાત્મને ઉચ્ચતમ સ્થાને સ્થાપિત કર્યું, શિલ્પ-સ્થાપત્ય અને અન્ય કલાઓને પોષી અને માનવીને અન્ય પ્રાણીઓ કરતાં અલગ અને ઉન્નત  બનાવ્યો. પણ એ ધર્મ આખર અતિમાનવ શક્તિ ઉપરની શ્રદ્ધા અને તેની પૂજાને આધારે સંસ્થાકીય માળખામાં બંધાયો. ઈશ્વર ઉપરની આસ્થા વ્યક્ત કરવાના માધ્યમ રૂપે અલગ અલગ પૂજા સ્થાનો, ઇબાદતની વિભિન્ન રીતો, તેને અનુલક્ષીને ઉજવાતા તહેવારો, અનુસરવામાં આવતાં વિધિ વિધાનો અને માન્યતાઓ વિકસવા લાગી. તત્ત્વવેત્તાઓ ‘ધર્મ’ની આ વ્યાખ્યા માટે બે વિડંબણાઓનો નિર્દેશ કરે છે; એક તો અમુક ધર્મને અનુસરનારાઓ ઘણા સંકુચિત બની જાય અને બીજા ધર્મોને સ્વીકારવા ન માંગે અને બીજું, કેટલાકને માટે ધર્મની વ્યાખ્યા અત્યંત સંદિગ્ધ, વ્યાપક, સામાન્ય અને અનેકાર્થી  હોવાને કારણે તેઓ મોટા ભાગના જીવનને ધર્મ સાથે સાંકળવા મથે છે. હિન્દુ ધર્મના અનુયાયીઓ કદાચ આ બીજી શ્રેણીમાં આવી શકે. Durkheim નામના સમાજશાસ્ત્રીએ ધર્મના બે પાસાં દર્શાવેલ, એક છે પૂજનીય અથવા પવિત્ર અને બીજું, અપવિત્ર કે ધર્મ દ્વેષી. પોતાના ધર્મ બંધુઓ દ્વારા પવિત્ર મનાતી તમામ બાબતો માટે વ્યક્તિ અને સમાજને એટલાં આદર અને માન હોય છે કે તેની આત્યંતિકતા તેને બીજાના ધર્મ પ્રત્યે અસહિષ્ણુ બનાવવા સુધી ખેંચી જાય છે. આથી જ તો કેટલાક વિદ્વાનોના મતે સહુથી પ્રાચીન ગણાતા હિન્દુ ધર્મ કે જેનાં મૂળ 4,000 વર્ષ પહેલા નંખાયેલા મનાય છે, અને આજે આશરે 900 લાખ જેના અનુયાયીઓ છે તે વધુ ને વધુ સંકુચિત બનતો જાય છે. યાદ રહે કે સદીઓ પહેલાં જ્યારે હિન્દુ ધર્મની સીમાઓ સાંકડી બની ત્યારે બૌદ્ધ, જૈન અને શીખ ધર્મોનો પ્રાદુર્ભાવ થયેલો. તથાગત બુદ્ધે આપેલી ધર્મની વિભાવના નીચે મુજબ પણ સમજી શકાય.

જીસસ ક્રાઈસ્ટ, ગૌતમ બુદ્ધ, ભગવાન મહાવીર, મોહમ્મદ પયગંબર અને ગુરુ નાનક જેવા ફરિશ્તાઓના ઉપદેશોને પગલે નવા ધર્મોની સ્થાપના થઇ. મહાત્મા ગાંધી તેઓમાંના એક નહીં, પરંતુ આજથી બે-ચાર સદીઓ બાદ એમને પણ નવયુગના એક જ્યોતિર્ધર માનવામાં આવે તો નવાઈ નહીં. તેમને મન ‘ધર્મ’ની વ્યાખ્યા શી હતી? તેમણે કહેલું, “જે ધર્મના સિદ્ધાંતો તર્ક સંગત ન હોય અને નૈતિક મૂલ્યોને બંધ બેસતા ન હોય તેને હું ન સ્વીકારું.” એમના મતે વિવિધ ધર્મોની હસ્તી એ તો જાણે એક ચમનમાં ઊગેલાં વિધવિધ પ્રકારના ફૂલો સમાન છે. આથી જ તો પોતાને હિન્દુ ગણાવતા હોવા છતાં “હું જેટલો હિન્દુ છું તેટલો જ મુસલમાન, ક્રિશ્ચિયન, શીખ, બુદ્ધિસ્ટ, જૈન અને પારસી છું” એવો દાવો માંડી શક્યા. તેમણે દરેક ધર્મના સાર રૂપે જે ઉપદેશો ગ્રહણ કર્યા તેનો મુખથી પ્રચાર કરવાને બદલે પોતાના પ્રત્યક્ષ કર્મો થકી લોક સમક્ષ મૂકી આપ્યા. તેમની ધર્મ ભાવનાને ખરું જોતા માનવતાના અધ્યાત્મીકરણના સ્વરૂપે ઓળખી શકાય. આજે આઝાદ હિંદની યશોગાથા ગાનારાઓ ધર્મની આ વ્યાખ્યાને સમજી નથી શક્યા અને તેથી હજુ સાચું ધર્મ નિરપેક્ષ ભારત બનવાનું બાકી છે.

તત્કાલીન સરકારની સિદ્ધિઓ ગણાવવા માઇક્રોફોનમાં મોટા અવાજે નાટ્ય અદાકારની માફક રંગબેરંગી વેશભૂષામાં સજ્જ થઈને ભાષણો આપવાની જરૂર પડે છે. (સદ્નસીબે એવા અદાકાર એક માત્ર વડા પ્રધાન જ છે) પરંતુ ધર્મને આધારે ફેલાવાતું ઝેર જાણે ઓછું હોય તેમ જ્ઞાતિવાદની ઝાળને પણ હવા નાખવામાં આવે છે. અલબત્ત હિન્દુ સભ્યતાની દેણગી સમ ભારતવર્ષમાં ઉદ્દભવેલાં તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ, ધર્મ અને જીવન પદ્ધતિની શ્રેષ્ઠતા નિર્વિવાદ છે, પણ તેને પીંછીના એક લસરકાથી ભૂંસી નાખવા માત્ર જ્ઞાતિભેદની કુપ્રથા પૂરતી થઈ રહે. મૂળ વર્ણવ્યવસ્થા એક આડી મુકેલી નિસરણી જેવી હતી જેમાં શ્રમ વિભાજન ઉપર સમાજ રચાયેલો. કાળક્રમે એ નિસરણી ઊભી કરી, સ્તરીકરણ થયું, નીચલે પગથિયે શુદ્ર અને તેનાથી ચડતા ક્રમે ક્ષત્રિય, વૈશ્ય અને ટોચ પર બ્રાહ્મણોનું સ્થાન નિશ્ચિત થયું. ઉચ્ચ જ્ઞાતિના લોક શુદ્ધ, નીચલી જ્ઞાતિના લોક અશુદ્ધ ગણાવા લાગ્યા. જન્મને આધારે સમાજમાં મળતા લાભાલાભથી ભેદભાવ અને અન્યાયની માત્રા વધતી ચાલી. શિક્ષણ, આવાસ અને વ્યવસાય ક્ષેત્રે આચરાતા ભેદભાવને કારણે આર્થિક અસમાનતા વધી, હિંસા પ્રગટી. હિન્દુ ધર્મનું આ સહુથી મોટું કલંક. આઝાદી બાદ તેને મિટાવવા અનામત બેઠકો અને અન્ય લાભો આપીને વંચિત પ્રજાને નિસરણીના સામાજિક-આર્થિક પગથિયાં ચડવામાં સહાય કરવાના પ્રયાસો થયા. તેનો હેતુ હતો થોડાં વર્ષોમાં ભારતના દરેક નાગરિકને તમામ પ્રકારની તકો સમાન અધિકારથી મળે જેથી દરેક ક્ષેત્રમાં તેમની વરણી ગુણવત્તાને આધારે થાય અને સમાનતાનો જન્મસિદ્ધ અધિકાર આપોઆપ મળી જાય. તેને બદલે હતી તેના કરતાં ય વધુ જડ જ્ઞાતિ અને અનુસૂચિત જાતિઓની પ્રથાનું મડદું બેઠું થયું અને સમાજને કોરી ખાવા લાગ્યું.

જ્યાં સુધી સરહદની સમસ્યા, ધર્મ અને જ્ઞાતિ, વર્ણ અને વર્ગ આધારિત અસમાનતા અને વિભાજનના સવાલોને હલ કરવા સક્ષમ હોય તેવા રાજ્યકર્તાઓ અને સામાજિક કાર્યકરો એકજૂટ થઈને સક્રિય ન બને ત્યાં સુધી આગામી 25 વર્ષની ‘પ્રગતિ’ના ઠાલાં વચનોની કમ સે કમ પ્રજાને તો કોઈ કિંમત નહીં રહે.

જે પરિસ્થિતિ આજે સજાગ ભારતીય નાગરિક અનુભવી રહ્યો છે એ દાયકાઓ પહેલા રવીન્દ્રનાથ ટાગોર જોઈ શક્યા. તેઓએ આપણને સાવધાન કરેલા. હજુ આજે પણ તેને ચેતવણી રૂપ માનીને પગલાં ભરીએ તો કદાચ સાચા ‘સ્વરાજ’ મેળવવાની દિશામાં કદમ માંડી શકાય.

e.mail : 71abuch@gmail.com

Loading

19 August 2022 Vipool Kalyani
← બિહારની ઘટના પ્રજામાનસમાં ચાલતી ચહલપલનું પરિણામ
લીલીછમ યાદ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved