પ્રગાઢ માનવીય સંવેદના, જિંદગીનું વિશાળ ફલક, સંબંધોના જુદાજુદા ચહેરા, ઝાકળ જેવો નાજુકસુંદર રોમાન્સ, વિરહી હૃદયમાંથી ટપકતું લોહી, ખામોશી, સમજદારી – આમ તો આ દરેક સંવેદનશીલ આત્માની સંપત્તિ છે, પણ ગુલઝાર જેને સ્પર્શે તે બધું ખાસ થઈ જાય છે

ગુલઝાર
દસેક વર્ષ પહેલાની વાત. ‘જય હો’ માટે ઑસ્કાર એનાયત થયો એ પછીની સવારે ગુલઝારને ત્યાં ફૂલના ગુચ્છાઓનો ઢગલો થયો હતો. 16 મેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને હાથે ગુલઝારને અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ ઍવોર્ડ એનાયત થયો. ફરી ગુલઝારને ત્યાં ફૂલના ગુચ્છાઓનો ઢગલો થયો હશે અને એમણે શાંતિથી, ફરીથી કોઈને એ જ કહ્યું હશે જે એ વખતે મિત્ર અરુણ શેવાટેને કહ્યું હતું, ‘પ્લાસ્ટિક હટા દેના ભાઈ, યે ફૂલ સાંસ નહીં લે સકેંગે …’ ગુલઝારની વાત કરીએ ત્યારે એક પ્રકારની ‘સીલન’નો અનુભવ થયા કરે. સીલન ગુલઝારનો પ્રિય શબ્દ છે જેનો અર્થ થાય છે ભીનાશ. તરબોળ કરતી નહીં, જરા જરા ઝમતી રહેતી ઠંડી ભીનાશને સીલન કહે છે.
ફિલ્મસૃષ્ટિનું ગ્લૅમર ગુલઝારને હંમેશાં વીંટળાયેલું રહ્યું છે. સંવાદ, પટકથા, ગીતો કે દિગ્દર્શનના રૂપમાં તેમનામાં રહેલી સર્જકતાને ઓળખ મળી છે. ફિલ્મસૃષ્ટિએ તેમને બિરદાવવામાં બાકી નથી રાખ્યું અને તેમના ચાહકોની સંખ્યા પણ નાનીસૂની નથી, છતાં માધ્યમ તરીકે ફિલ્મોની જે એક મર્યાદા છે તે તેમની સર્જકતાને ક્યાંક નડી તો હશે. તેમણે કહ્યું પણ છે, ‘ફિલ્મ તો એક ઉપશાખા છે. એ સિવાય પણ મેં ઘણું લખ્યું છે અને ખરું જોતાં તેમાં હું વધારે મુક્ત હોઉં છું, વધારે વ્યક્ત થઈ શકું છું.’
ગૈરફિલ્મી ગુલઝારની હસ્તી ફિલ્મી ગુલઝાર કરતાં ઘણી મોટી છે. પાંચ કાવ્યસંગ્રહ, બે વાર્તાસંગ્રહ અને સોળ બાળપુસ્તકો તેમના નામે બોલે છે. ઉપરાંત પણ તેમની અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે. માત્ર વિગત નોંધીએ તો પણ લેખનું ફલક નાનું પડી જાય. એમની ‘મૌત તુ એક કવિતા હૈ’ રચના સાંભળીને કવિતા અને મૃત્યુ બંનેના પ્રેમમાં પડી જનારની સંખ્યા નાની નહીં હોય. ‘લખવામાં શું મળે?’ એ પિતાના યક્ષપ્રશ્નનો જવાબ આપી ન શકનાર સંપૂર્ણસિંહ કાલરા પ્રોગ્રેસીવ રાઇટર બનવાનાં છાનાં સપનાં જોતા ને ગુલઝાર બનતા પહેલા તેઓ આખેઆખા ટાગોર ગટગટાવી ગયા હતા. ‘ટાગોર’ કાવ્યમાં તેઓ લખે છે, ‘એક દેહાતી માથા પર ગોળનું ભીલું લઈને ચાલ્યો જાય છે. સૂરજ તપે છે, ગોળ પીગળે છે, ટપકે છે અને એ ચાટતો જાય છે. સુગંધથી ખેંચાઇ આવેલી એક છત્રી ભિનભિન કરતી સાથે ચાલે છે. છેલ્લી પંક્તિમાં ગુલઝાર સિક્સર મારે છે, ‘મૈં દેહાતી, મેરે સર પે યે ટૈગોર કી ભેલી કિસને રખ દી?’
ખેતરમાં બનતા ગોળનો સુંદર સંદર્ભ આ કાવ્યમાં પણ છે, ‘સુબહ સુબહ એક ખ્વાબ કી દસ્તક પર દરવાજે ખોલેં. સરહદ કે ઉસ પાર સે કુછ લોગ આયે થે. આંખો કે માનુસ થે, ચહેરે સુને-સુનાયે થે. હમને તંદૂર પે મક્કી કે કુછ મોટે મોટે રોટ પકાયે, પોટલી મેં મહેમાન મેરે પિછલે સાલોં કા ગુડ લાયે થે ..’ મધુર ચિત્ર પછી વેદનાભર્યો વળાંક આવે છે, ‘સરહદ પર કલ રાત સુના હૈ ચલી હૈ ગોલી, સરહદ પર કલ રાત સુના હૈ કુછ ખ્વાબોં કા ખૂન હુઆ હૈ’ વતન પરના પ્રેમે ગુલઝાર પાસે ‘એ મેરે પ્યારે વતન, એ મેરે બીછડે ચમન તુઝપે દિલ કુરબાન’ અને ‘યે ફાંસલે તેરી ગલિયોં કે હમસે તય ન હુએ, હઝાર બાર રુકે હમ હઝાર બાર ચલે, ન જાને કૌન સી મિટ્ટી વતન કી મિટ્ટી હૈ, નજર મેં ધૂલ જિગર મેં લિયે ગુબાર ચલે’ જેવી પંક્તિઓ લખાવી છે.
1963માં બિમલ રૉયની ‘બંદિની’ના ‘મોરા ગોરા રંગ લઇ લે’થી શરૂઆત કરનાર ગુલઝાર 50 વર્ષની કારકિર્દીમાં કવિ, લેખક, પટકથાકાર, સંવાદલેખક અને દિગ્દર્શક તરીકે અસંખ્ય ફિલ્મો સાથે સંકળાયેલા રહ્યા અને તમામને નિજી સ્પર્શ આપ્યો. 2004થી 2014ના દાયકામાં જ એમણે ‘જય હો’, ‘કજરારે’ ને ‘બીડી જલાઈ લે’ જેવા ઍવોર્ડવિનિંગ ટ્રેન્ડી આઇટેમ સોંગ્સ સહિત 30 જેટલી ફિલ્મોનાં ગીતો લખ્યાં હતાં. ગીતકાર તરીકે 11 અને સંવાદો માટે 4 ફિલ્મફેર ઍવોર્ડ મેળવનાર ગુલઝારે અનેક નેશનલ ઍવોર્ડ, એક અકાદમી, એક ગ્રામી, પદ્મભૂષણ, દાદાસાહેબ ફાળકે ને હવે જ્ઞાનપીઠ ઍવોર્ડ મેળવ્યા છે. 1999ની ‘હુતુતુ’ નિષ્ફળ ગઈ એ પછી ફિલ્મસર્જનમાંથી નિવૃત્તિ લઇ તેઓ પોતાનું બધું ધ્યાન સર્જનાત્મક લેખન અને દીકરી મેઘનાના પુત્ર સમય પર આપે છે.
એક કવિ ગુજારા માટે કે પછી જીવનની જુદી જુદી ક્ષિતિજોને સ્પર્શવા માટે કવિતા સિવાયનું બીજું ઘણું બધું કરતો હોય છે, છતાં તેને પોતાની કવિ તરીકેની ઓળખ સૌથી વધારે પસંદ હોય છે. આવું કેમ હશે? કદાચ એટલા માટે કે કવિતા માણસને જીવનના પ્રવાહમાં વહેવાની, તેને સહેવાની, વ્યક્ત થવાની અને બધું ખંખેરી મુક્ત થઈ જવાની તક આપે છે. ગુલઝારને કઈ રીતે ઓળખાવું ગમતું હશે? જવાબ એમની જ એક પંક્તિ આપે છે, ‘હાં, વહી વો અજીબ સા શાયર, રાત મેં ઊઠ કે કોહનિયોં કે બલ, ચાંદ કી ઠોડી કો ચૂમા કરતા હૈ …’
શું છુપાયું છે ગુલઝારના શબ્દોમાં? પ્રગાઢ માનવીય સંવેદના, જિંદગીનું વિશાળ ફલક, સંબંધોના જુદાજુદા ચહેરા, ઝાકળ જેવો નાજુકસુંદર રોમાન્સ, વિરહી હૃદયમાંથી ટપકતું લોહી, ખામોશી, સમજદારી. આમ તો આ દરેક સંવેદનશીલ આત્માની સંપત્તિ છે, પણ ગુલઝાર જેને સ્પર્શે તે બધું ખાસ થઈ જાય છે.
એમની વાર્તાઓ પણ ખાસ છે. એમાંની અમુક આપણે 1993થી 1995 સુધી પ્રગટ થતી ગુલઝાર દિગ્દર્શિત સિરિયલ ‘કિરદાર’માં જોઈ છે. તેનું શીર્ષકગીત જગજિતસિંહે ગાયું હતું. શબ્દો અલબત્ત, ગુલઝારના હતા: કિતાબોં સે કભી ગુઝરો તો યું કિરદાર મિલતે હૈં, ગયે વક્તોં કી ડ્યોઢી મેં ખડે કુછ યાર મિલતે હૈં; જિસે હમ દિલ કા વીરાના સમઝકર છોડ આયે થે, વહાં ઉજડે હુએ શહરોં કે કુછ આસાર મિલતે હૈં’ – ગુલઝારની વાર્તાઓમાં આ છે: ઉજ્જડ શહેરમાં જ નહીં, વેરાન લાગતા હૃદયમાં છુપાયેલી એક સૃષ્ટિ અને એ સૃષ્ટિના અવશેષોમાં પોતાને શોધતાં પાત્રો ઉર્ફે આપણે સહુ.
કેવાં કેવાં પાત્રોની બનેલી છે આ સૃષ્ટિ? ‘રાવી પાર’ વાર્તામાં ભાગલાસમયની ઊથલપાથલના આઘાતોથી બાવરો બનેલો દર્શનસિંહ રાવી નદી પાર કરી રહેલી ટ્રેનના છાપરા પરથી મરી ગએલા નવજાત બાળકને બદલે જીવતા બાળકને નદીમાં ફેંકી દે છે. ‘સનસેટ બુલિવાર્ડ’માં અત્યારે જેનો કોઈ ભાવ નથી પૂછતું એ જૂના જમાનાની જાજરમાન હીરોઈન ભવ્ય ભૂતકાળ સાથે નાતો તોડવા તૈયાર નથી. ‘હિસાબકિતાબ’માં માણસ અંગત સંબંધોમાં પણ કેવો ગણતરીબાજ હોઈ શકે તેનું ચિત્રણ છે. ‘હાથ પીલે કર દો’માં મુગ્ધ પ્રેમ અને કૌટુંબિક-સામાજિક મર્યાદાઓના પેઢી દર પેઢી ચાલ્યા આવતા સંઘર્ષનું માર્મિક આલેખન છે. ‘સીમા’માં અતિવ્યસ્ત પતિથી કંટાળી તેના એક મિત્ર સાથે રહેવા ચાલી ગયેલી પત્નીના હાથમાં આવે છે તોડવાથી ન તૂટતા સંબંધો અને પાછું ન ફરી શકવાની મજબૂરી. ‘અદ્ધા’માં એક અડધિયો એટલે કે ઠિંગુજી એક બજારુ જેવી સ્ત્રીના બાળકને અપનાવી નોર્મલ પુરુષ કરતાં ઊંચેરો પુરવાર થાય છે. ‘લેકિન’માં છે એક ભટકતા આત્માની કરુણ સ્થિતિ અને તેને ઉગારતો એક મ્યુઝિયમ ક્યૂરેટર. વાર્તાની શરૂઆત જે વાક્યથી થાય તે જ વાક્યથી તેનો અંત લાવી ગુલઝાર સંવેદનાનું વર્તુળ પૂરું કરતા હોય છે.
‘નઝ્મ ઉલઝી હુઈ હૈ સીને મેં, મિસરે અટકે હુએ હૈ હોઠો પર, ઊડતે ફિરતે હૈં તિતલિયોં કી તરહ, લબ્ઝ કાગઝ પે બૈઠતે હી નહીં’ કહેતા ગુલઝાર આમ પણ કહે, ‘ન સમંદર નિગલ સકા હૈ ઈસે, ન તવારીખ તોડ પાઇ હૈ, વક્ત કી મૌજ પે બહતા હૈ સદા, આદમી બુલબુલા હૈ પાની કા’ અસ્તુ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 મે 2025