Opinion Magazine
Number of visits: 9449411
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (8)

Opinion - Opinion|14 July 2024

૮ 

સ્થાપના પછીના છ એક મહિનામાં જ ‘ગુજરાતી સભા’એ બે મોટી આફતોનો સામનો કરવો પડ્યો. અમેરિકામાં ચાલતા આંતર વિગ્રહને કારણે ત્યાંથી મળતો કપાસ બંધ થયો એટલે બ્રિટનની મિલો હિન્દુસ્તાનથી મોટે પાયે કપાસ મગાવવા લાગી હતી. પરિણામે આ દેશમાં કપાસના ભાવ અસાધારણ રીતે ઊંચા ગયા, નિકાસમાં પુષ્કળ વધારો થયો. શેર બજારમાં અભૂતપૂર્વ તેજી આવી. નિકાસકારોની અને શેર બજારના સટોડિયાઓની જરૂરિયાતને પહોંચી વળવા અનેક નવી બેન્કો રાતોરાત ફૂટી નીકળી. પણ પછી અમેરિકન આંતર વિગ્રહનો પ્રમાણમાં અણધાર્યો અંત આવ્યો. કપાસની નિકાસ અટકી ગઈ. કપાસના ભાવ બેસી ગયા. શેર બજાર તળિયે જઈ બેઠું. કેટલીયે બેન્કો રાતોરાત ફડચામાં ગઈ. દેશમાં, અને ખાસ કરીને પશ્ચિમ ભારતમાં આર્થિક મંદી ફરી વળી. અગાઉ જ્યારે બજારમાં તેજી હતી ત્યારે વેપારીઓએ અને ઉદ્યોગપતિઓએ ‘ગુજરાતી સભા’ને કુલ ૩૭,૫૦૦ રૂપિયાનાં દાન આપવાનાં વચન આપ્યાં હતાં. પણ મંદીનું મોજું ફરી વળ્યું તે પછી તેમાંથી માત્ર પાંચ સો રૂપિયા ખરેખર ભરાયા હતા. વચન પ્રમાણે ૫૦૦ રૂપિયા આપનાર એક માત્ર વ્યક્તિ હતી ગોકુળદાસ તેજપાલ. દેશી રાજ્યોએ પણ બધું મળીને ૨૮,૨૦૦ રૂપિયા આપવાનાં વચનો આપ્યાં હતાં. તેને બદલે કુલ ૨૬,૨૫૦ રૂપિયા તેમની પાસેથી મળ્યા હતા. પરિણામે આરંભથી જ સભાને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

શેર મેનીઆનો બીજો ભોગ બન્યા દલપતરામ. ફાર્બસ મુંબઈ આવ્યા ત્યારે દલપતરામને પોતાની સાથે મુંબઈ ન લાવ્યા, પણ અમદાવાદ રહી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ માટે કામ કરવા તેમણે દલપતરામને સમજાવ્યા હતા. થોડો વખત દલપતરામે એ કામ કર્યું પણ ખરું. પણ પછી શેર બજારની તેજીમાં રાતોરાત તવંગર થઇ જવાની લાલચ જાગી. તેઓ એક વખત ફાર્બસને મળવા મુંબઈ આવ્યા ત્યારે આ અંગે ફાર્બસે તેમને ચેતવ્યા પણ હતા. પણ બીજાઓની તો ઠીક, ખુદ ફાર્બસની સલાહની અવગણના કરીને દલપતરામે સોસાયટીની નોકરી છોડી દીધી અને શેર બજારમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં ૧,૧૦૦ રૂપિયા કમાયા એટલે અમદાવાદમાં બંગલો બંધાવવાનું શરૂ કર્યું. પણ પછી થોડા વખતમાં શેર બજાર ભાંગ્યું ત્યારે દલપતરામે પોતાની બધી મૂડી ગુમાવી દીધી. બેન્કમાંથી લીધેલી લોનના હપ્તા ન ચૂકવી શક્યા એટલે સેન્ટ્રલ બેન્કે તેમના બંગલા પર ટાંચ મારી. આવકનું બીજું કોઈ સાધન તો હતું નહિ. હવે દલપતરામ માટે એક માત્ર આશાનું કિરણ હતું ફાર્બસ. એટલે દલપતરામ મુંબઈ આવ્યા. પણ તે વખતે ફાર્બસ માંદગીને બિછાને પડ્યા હતા. ડોક્ટરોએ તેમને સંપૂર્ણ આરામ લેવા કહ્યું હતું. છતાં તેઓ દલપતરામને મળ્યા. દલપતરામે કહ્યું કે મને અત્યારે ઓછામાં ઓછા ત્રણ હજાર રૂપિયાની તાતી જરૂર છે. તો જ મારો બંગલો બચી શકે તેમ છે. ફાર્બસે પોતે તે જ વખતે એક હજાર રૂપિયા રોકડા આપ્યા. પણ દલપતરામ કહે કે બાકીના બે હજાર રૂપિયા ઊભા કરવાની મારામાં ત્રેવડ નથી. ત્યારે ફાર્બસે કહ્યું કે આવતી કાલે મને ફરી મળવા આવજો. તેમના ગયા પછી ફાર્બસે કેટલાક સખી દાતાઓનો સંપર્ક કર્યો. પ્રેમચંદ રાયચંદે ૬૦૦ રૂપિયા આપ્યા, મંગળદાસ નથુભાઈએ ૪૦૦ આપ્યા, વિનાયક જગન્નાથે ૧૫૦ આપ્યા, કરસનદાસ માધવદાસે ૧૦૦ આપ્યા, ઠક્કર કરસનજી નારણજી અને રતનજી શામજી અંજારવાળાએ ૧૫૦ આપ્યા, અને વિનાયક વાસુદેવે ૧૦૦ રૂપિયા આપ્યા. આમ કુલ ૧૫૦૦ રૂપિયા એકઠા થયા. બાકીના ૫૦૦ ક્યાંથી ઊભા કરવા? સ્થાનિક રીત રિવાજોથી ફાર્બસ સારી પેઠે માહિતગાર હતા, એટલે તેમણે ઠક્કર હંસરાજ કરમશી સાથે વાત કરી. દલપતરામ એક સો કવિતા લખીને તમને અર્પણ કરશે, પણ તેના મહેનતાણાના ૫૦૦ રૂપિયા અત્યારે જ આગોતરા આપી દો. તેમણે પૈસા આપ્યા. પછીથી ‘હંસકાવ્ય શતક’ નામનો સંગ્રહ દલપતરામે હંસરાજ શેઠને અર્પણ કર્યો. બીજે દિવસે દલપતરામ મળવા આવ્યા ત્યારે ફાર્બસે તેમના હાથમાં ૨૦૦૦ રૂપિયા મૂક્યા. આ ઉપરાંત સેન્ટ્રલ બેન્કના ડિરેક્ટર ખરશેદજી નસરવાનજી કામાજી સાથે પણ ફાર્બસે વાત કરી હતી અને ત્રણ હજાર રૂપિયાની ચૂકવણી સામે દલપતરામને તેમનો બંગલો પાછો આપવા સમજાવ્યા હતા. દલપતરામે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’માંથી રાજીનામું આપ્યું તે પછી તેમની જગ્યાએ વ્રજલાલ શાસ્ત્રીની નિમણૂક થઇ હતી. દલપતરામે કહ્યું નહોતું, પણ ફાર્બસે સામે ચાલીને સોસાયટીના સેક્રેટરી કર્ટિસને પત્ર લખીને દલપતરામને નોકરીમાં પાછા લેવા વિનંતી કરી. અલબત્ત, તેમણે એમ પણ લખ્યું હતું કે વ્રજલાલ શાસ્ત્રીની નોકરીને આથી આંચ ન આવવી જોઈએ. બંને સાથે મળીને સોસાયટીનાં ઘણાં કામ પાર પાડી શકશે એમ પણ ફાર્બસે લખ્યું. પછી છેલ્લે ઉમેર્યું કે જો સોસાયટીને આ રીતે બે જણનો પગાર પોસાય તેમ ન હોય તો દલપતરામનો પગાર દર મહિને હું આપીશ. દલપતરામની મદદથી ફાર્બસે ઘણી હસ્તપ્રતો ભેગી કરી હતી. છેલ્લી મુલાકાતને દિવસે આ બધી હસ્તપ્રતો ફાર્બસે તેમને આપી દીધી અને કહ્યું કે બને તો આમાંની થોડી તો છપાવીને પ્રગટ કરજો. ૧૮૬૫ના ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં દલપતરામ મુંબઈથી અમદાવાદ આવ્યા. તેમને ખબર નહોતી કે ફાર્બસ સાથેની આ તેમની છેલ્લી મુલાકાત હતી.

ફાર્બસની મદદથી દલપતરામ આર્થિક મુશ્કેલીમાંથી તો બહાર આવ્યા, પણ તે પછીનો આઘાત જીરવવાનું એમને માટે ઘણું મુશ્કેલ બન્યું. ૧૮૬૪ના ઉનાળામાં બોમ્બે હાઈ કોર્ટના સાથી ન્યાયાધીશોએ ફાર્બસને કહ્યું હતું કે તમારી તબિયતમાં કશીક ગરબડ હોય તેમ લાગે છે. થોડા વખત પછી તેમને મગજનો રોગ હોવાનું નિદાન તબીબોએ કર્યું. છેલ્લાં વીસેક વર્ષથી ફાર્બસ સતત કામ કરતા આવ્યા હતા – આ દેશના ટાઢ-તડકાની પરવા કર્યા વિના, તેનું આ પરિણામ હતું એમ કહેવાય છે. તેમની બીમારી વધી જતાં ડોક્ટરોએ તેમને હવાફેર માટે પૂના જવાની સલાહ આપી. પણ ત્યાં ગયા પછી તો તેમની તબિયત વધુ ઝડપથી બગડી અને ૧૮૬૫ના ઓગસ્ટની ૩૧મી તારીખે માત્ર ૪૩ વર્ષની ઉંમરે ફાર્બસનું પૂનામાં અવસાન થયું.

એ વખતે કેપ્ટન કર્ટિસ પૂનામાં હતા. તેઓ ફાર્બસ અને દલપતરામ વચ્ચેના ઘનિષ્ટ સંબંધથી પૂરા વાકેફ હતા. એટલે તેમણે એક પત્ર લખી દલપતરામને ફાર્બસના અવસાનના સમાચાર પૂનાથી અમદાવાદ જણાવ્યા. પત્રમાં તેમણે લખ્યું હતું :

“ખૂબ જ ખેદ સાથે તમને જણાવવાનું કે જસ્ટિસ ફાર્બસનું પૂનામાં ૩૧મી ઓગસ્ટે અવસાન થયું છે. તેમને પહેલી સપ્ટેમ્બરે દફનાવવામાં આવ્યા હતા. ગવર્નર સર બાર્ટલ ફ્રેરે, બોમ્બે પ્રેસિડેન્સીના કમાન્ડર ઇન ચીફ તથા બીજા ઘણા તેમની અંતિમ ક્રિયા વખતે હાજર હતા.”૧૧

પૂનામાં આવેલું ૧૯મી સદીમાં વપરાતું બ્રિટીશ કબ્રસ્તાન

મકરંદ મહેતાએ તેમના ‘દલપતરામ અને એલેક્ઝાન્ડર ફાર્બસ : ૧૯મા સૈકાની વિરલ મૈત્રી પર દૃષ્ટિપાત’ નામના તેમના લેખમાં આ અંગે લખ્યું છે : “પછી તો કવિ ખૂબ રોયા, કકળ્યા. એમના મિત્રના અવસાનથી જે વિલાપ કર્યો છે તે તો ભલભલા કઠણ હૈયાને પણ પીગળાવી નાખે તેવો છે. કવિ ફાર્બસની અંતિમ ક્રિયામાં જોડાવા, પોતાના મિત્રનો મૃત દેહ જોવા મુંબઈ ગયા અને ત્યાં તે સમયના ગવર્નર સર બાર્ટલ ફ્રિઅર વગેરે સાથે સ્મશાનયાત્રામાં જોડાયા.” (ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત, પા. ૯૧, ૨૦૦૮) અગાઉ આ લેખ ફાર્બસે જ સ્થાપેલી ‘ફાર્બસ ગુજરાતી સભા’ના “ત્રિમાસિક”ના ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૬૮ના અંકમાં છપાયો હતો. ત્યારે તેમાં લેખક તરીકે મકરંદ મહેતા ઉપરાંત શિરીન મહેતાનું નામ પણ છાપ્યું હતું. હવે પહેલી વાત એ કે ફાર્બસનું અવસાન મુંબઈમાં નહિ, પૂનામાં થયું હતું અને અને બીજે જ દિવસે અંતિમ સંસ્કાર પણ પૂનામાં થયા હતા. કર્ટિસનો દલપતરામ પરનો કાગળ ફાર્બસના અંતિમ સંસ્કાર થઇ ગયા પછી લખાયો છે. તો પછી તે મળ્યા પછી  દલપતરામ ફાર્બસના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે કઈ રીતે હાજર રહી શકે? પોતાની વાતના સમર્થનમાં લેખકોએ દલપતરામની ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલી લેખમાળાનો હવાલો આપ્યો છે. પણ ત્યાં જે વાત છે તે કર્ટિસે પોતાના પત્રમાં દલપતરામને જે લખેલું તેનો કામચલાઉ અનુવાદ છે. એ વાત દલપતરામે અવતરણ ચિહ્નો વગર મૂકી છે એટલે કદાચ ગેરસમજ થઇ છે કે દલપતરામ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. દલપતરામે આ લેખમાળામાં ફાર્બસના અવસાન અંગે જે લખ્યું છે તે જરા વિગતથી જોઈએ. “પૂનાથી મેહેરબાન કર્ટિસસાહેબનો પત્ર મારા ઉપર આવ્યો, તેના બીડાની કોરો કાળી હતી. તે જોતાં જ મારા અંતઃકરણમાં ધાશકો પડ્યો અને નકી જાણ્યું કે એવા જ સમાચાર હશે. પછી તે બીડો ફોડીને મેં પત્ર વાંચ્યો, તો સાહેબે ઘણી દીલગીરી જણાવીને એવી મતલબ લખી હતી કે તા. ૩૧ અગષ્ટ સન ૧૮૬૫ને રોજ આનરએબલ એ.કે. ફારબસસાહેબે દેહ મુક્યો. અને તા. ૧ સપટેંબરને રોજ તેના કલેવરને ભૂમિ પ્રવેશિત કર્યું છે. તે ક્રિયા સમે મુંબઈના મેહેરબાન ગવરનર સર બારટલ ફ્રિયર સાહેબ તથા કમાન્ડર ઇન ચીફ સાહેબ વગેરે સઉ સાહેબલોકો તે જગ્યાએ પધાર્યા હતા, અને હું પણ ત્યાં ગયો હતો.” (મધુસૂદન પારેખ સંપાદિત દલપત ગ્રંથાવલી, ભાગ ૫, પા. ૫૦૯.) અહીં ‘હું પણ ત્યાં ગયો હતો’ એમ લખ્યું છે તે ‘હું’ તે કર્ટિસ, દલપતરામ નહિ. આગળ જતાં દલપતરામ લખે છે : “ફારબસ સાહેબના મિત્ર મેહેરબાન ન્યુટનસાહેબ થાણામાં હતા, ત્યાં છોકરાંછૈયાંને લઈને મઢમસાહેબ ગયાં. પછી મેં મઢમસાહેબને એક પત્ર મોકલ્યો … એવા સંકટમાં મઢમસાહેબ પત્રનો ઉત્તર લખે, એવી મને આશા નહોતી, તેથી મેં ઉત્તર માગ્યો નહોતો. તથાપિ તેઓ એવી વખતમાં પણ મારા પત્રનો ઉત્તર મોકલ્યા વિના રહ્યા નહિ.” દલપતરામ ફાર્બસના અંતિમ સંસ્કારમાં ગયા હોય તો ત્યારે તેમનાં પત્નીને મળ્યા જ હોય, અને તો પછી દલપતરામ તેમને પત્ર શા માટે લખે? કવિ નાનાલાલ પણ આટલું જ લખે છે : “સોસાયટીની ઓફિસમાંથી ઘેર જઈને કવીશ્વરે પોતાના પરમ મિત્રનું, જેમ કોઈ સ્વગૌત્રી સગો ગુજરી જાય તેમ, સ્નાન કર્યું ને બાર માસ શોક પાળ્યો.” (‘કવીશ્વર દલપતરામ’, ભાગ ૨, ઉત્તરાર્ધ) દલપતરામ ફાર્બસના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા એવું નાનાલાલ જણાવતા નથી.

ફાર્બસના વસિયતનામા અંગેની નોંધ

ફાર્બસના અવસાન પછી તેમનું વસિયતનામું લંડનની રજિસ્ટ્રીમાં પત્ની અને પુત્રોએ ૧૮૬૯ના જુલાઈની ૨૪મી તારીખે રજીસ્ટર કરાવ્યું હતું. આ અંગેની નોંધમાં વસિયતનામામાંની કુલ મિલકત એક સો પાઉન્ડ કરતાં ઓછી હોવાનું જણાવ્યું છે. એ જમાનામાં પણ આ રકમ ઘણી નાની ગણાય.

e.mail : deepakbmehta@hotmail.com

Loading

14 July 2024 Vipool Kalyani
← આ દેશમાં દર ત્રીજો નહીં તો ચોથો માણસ મૂરખ છે
રાજકીય પક્ષો પોતાના રોટલા શેકે છે એમાં સામાન્ય માણસોના રોટલા શેકાતા નથી …  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved