અત્યારે રાજનીતિમાં તો મુખ્યત્વે બધે સત્તાકાંક્ષી, મહત્ત્વાકાંક્ષી અને મૂલ્યાકાંક્ષીઓ વચ્ચે સંઘર્ષ જોવા મળે છે. પહેલા આ સંઘર્ષ સામસામો બે વચ્ચે હતો, સત્તાકાંક્ષી અને મૂલ્યકાંક્ષી વચ્ચે. પણ સાંપ્રત સત્તા – પ્રતિષ્ઠાનોએ પોતે સીધાં જ્યાં લોકતાંત્રિક રીતે સત્તા નથી હાંસલ કરી શકતાં ત્યાં વચ્ચે એક નવો સમૂહ ઊભો કર્યો છે; જે મહત્ત્વાકાંક્ષીઓનો છે.
શું ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સ્વાયત્ત લોકતાંત્રિક સંસ્થામાં આ કૂટનીતિ ચાલે ખરી? પરિષદપ્રમુખની ગત બે ચૂંટણીમાં અકાદમી કબજે કરી ચૂકેલાં સત્તાકાંક્ષી પરિબળો અને પરિષદનાં મૂલ્યકાંક્ષી પરિબળો વચ્ચે પરિષદની સ્વાયત્તતા જાળવવા અને અકાદમીની છિનવાયેલી સ્વાયત્તતા પાછી મેળવવા સીધો મુકાબલો જોવા મળ્યો. પરિષદના મતદારોનો રુખ અને એના આધારે આવેલાં પરિણામો જોઈએ તો સ્પષ્ટ દેખાશે કે પરિષદપ્રમુખની ચૂંટણીમાં આ સત્તાકાંક્ષી ધડો રાજસત્તાનું પીઠબળ, સરકારે હસ્તગત કરેલી અકાદમી દ્વારા થતી પ્રલોભનોની લહાણી પછી પણ પરિષદપ્રમુખની ચૂંટણીમાં મતદારોની પહેલી પસંદ ન બન્યો. આ પરિણામ પરિષદના પાયામાં પડેલી મૂલ્યપ્રીતિ સૂચવે છે જેનું સંવર્ધન ગોવર્ધનરામ, ગાંધીજી, ઉમાશંકર, દર્શક, રઘુવીર ચૌધરી, નિરંજન ભગતથી લઈ ધીરુ પરીખ, ચંદ્રકાંત ટોપીવાળા અને હાલના પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્ર સુધીનાઓએ કર્યું છે. આ પરિણામનો ધણી જો કોઈ પરમેશ્વર હોય તો એ છે પરિષદનો મતદારવર્ગ જે એની શતાયુ પરંપરાનો વાહક પણ છે.
વીતેલાં વર્ષોમાંથી સત્તાકાંક્ષી અને મૂલ્યકાંક્ષીઓની લોકતાંત્રિક મૂઠભેડમાંથી સત્તાકાંક્ષી જૂથે જે ધડો લીધો તે એ છે કે સીધી લોકતાંત્રિક લડતમાં આપણે નહીં ફાવીએ. જો મૂલ્યકાંક્ષી સમૂહને સહેજ પીછેહઠ કરાવવી હોય તો એક નવું પરિબળ વિકસાવવું એમને જરૂરી લાગ્યું; જે એમનાથી સહેજ છેટે અને એમના ટેકે હોય. એટલે મૂલ્ય આધારિત સ્વાયત્ત સંસ્થાઓ કબજે કરવા એમણે જે તે સંસ્થાઓમાં મહત્ત્વાકાંક્ષી-મિત્રોનું એક નવું પરિબળ ઊભું કર્યું. જે આમ મૂલ્યકાંક્ષી વચ્ચે હોય, પણ થોડું છેટે, અને સત્તાકાંક્ષીઓના ટેકે.
સાંપ્રત સત્તાસંસ્થાનની વ્યૂહરચના એવી છે કે જ્યાં પોતાની બહુમતી સિદ્ધ કરવી શક્ય હોય ત્યાં લોકતાંત્રિક છબી આગળ કરવી, અને જ્યાં લોકતાંત્રિક રીતે પાછા પડવાની સ્થિતિ હોય, ત્યાં પ્રતિપક્ષમાંથી મહત્ત્વાકાંક્ષી લોકોને આગળ કરી સત્તા હાથ કરવી. આવી રહેલી પરિષદ પ્રમુખની ચૂંટણીમાં સત્તાકાંક્ષી સરકારી પરિબળો આ પ્રયુક્તિનું ટેસ્ટિંગ કરશે. ગુજરાત સાહિત્ય અકાદમી તો અલોકતાંત્રિક,ગેરબંધારણીય માર્ગે તેઓ હાંસલ કરી ચૂક્યા છે, જેને ફરી સ્વાયત્ત અને લોકતાંત્રિક બનાવવા મૂલ્યાકાંક્ષી સાહિત્યકારો અને પરિષદના મતદારો સંઘર્ષ કરતા રહ્યા છે.
અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આપણે ઘણું બધું જતું કરીને પણ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાના મુદ્દે સમાધાન સાધવા તૈયાર નથી અને બીજી તરફ અકાદમીના સત્તાકાંક્ષી સ્વામીઓ ઘણું-ઘણું આપીને કોઈ પણ ભોગે ગુજરાતી સાહિત્ય પરિષદને પણ ગુજરાત સાહિત્ય અકાદમી જેવી સરકાર કે એક પક્ષને સમર્પિત અને કહ્યાગરી બનાવવા માગે છે. આ બાબતે તેઓ એવા તજ્જ્ઞોની સેવા પણ લઈ રહ્યા છે, જેમને પરિષદ અને અકાદમી એમ બંને ત્રાજવામાં પગ રાખી લક્ષ્યવેધ કરતાં આવડતું હોય. આ છે સત્તાકાંક્ષી સરકારી લોકોએ ઊભો કરેલો ત્રીજો મહત્ત્વાકાંક્ષી ધડો.
આ વખતે પ્રમુખપદ માટે મૂલ્યકાંક્ષી અને સત્તાકાંક્ષી વચ્ચે સીધો કોઈ મુકાબલો દેખાતો નથી, પણ એક મહત્ત્વાકાંક્ષી પરિબળ ચોક્કસ રણનીતિના આધારે આગળ કરાઈ રહ્યું છે. અકાદમીના સત્તાકાંક્ષીઓથી થોડું છેટે, પણ એમના ટેકે …. એટલે જ તો આ મહત્ત્વાકાંક્ષી મિત્રો અકાદમીની સ્વાયત્તતાના મુદ્દે ચુપકીદી સેવી રહ્યા છે, જેને માટે સંઘર્ષ કરવાનો ઠરાવ નારાયણ દેસાઈના વારાથી ચાલ્યો આવે છે અને પાલનપુર જ્ઞાનસત્રમાં એ ફરી પસાર કરાયો નવા નિર્ધાર સાથે. શતાયુ સ્વાયત્ત પરિષદે, પરિષદ બની રહેવા દૃઢ રહેવું પડશે અને મતપત્રકથી એ કહેવું પડશે કે અમે પરિષદને અકાદમી નહીં બનવા દઈએ.
૦૨-૦૮-૨૦૨૦
ભોપાલ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2020; પૃ. 13