Opinion Magazine
Number of visits: 9448795
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી પ્રજાનાં મૂળ, તેમનામાં આવેલ પરિવર્તન અને તેનો બ્રિટન પર પ્રભાવ

આશા બૂચ|Opinion - Opinion|30 September 2021

એપ્રિલથી ઓગસ્ટ 2021 દરમ્યાન લતાબહેન દેસાઈ અને રોલ્ફ કિલસ (Rolf Killus) દ્વારા આયોજિત અને સુંદર રીતે અમલમાં મુકાયેલ એક પ્રકલ્પ વિષે જાણવાની અને તેમાં નાનો શો ફાળો આપવાની તક મળી. સબરંગ આર્ટસ અને બ્રેન્ટ મ્યુઝિયમ તથા આર્કાઇવ્સની ભાગીદારીમાં યુનાઇટેડ કિંગ્ડમમાં અને ખાસ કરીને લંડનના બ્રેન્ટ વિસ્તારમાં રહેતાં ગુજરાતી લોકોનાં મૂળ, પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં તેમનો વસવાટ અને ત્યાંથી આ દેશમાં સ્થળાંતરિત થઈને સ્થાઈ થવાને પરિણામે તેમનામાં આવેલ બદલાવ અને બ્રિટન પર પડેલ પ્રભાવની કહાણી પારંપરિક કળા કારીગરી, વેપાર-વણજની માહિતીઓ અને સંગીત, નૃત્ય, ખોરાક અને આધ્યાત્મિક જીવન જેવાં સાંસ્કૃતિક પાસાંઓની રજૂઆત દ્વારા અદ્દભુત રીતે કહી. નોંધ લેવા જેવી બાબત એ છે કે જેઓએ લંડનના સામાજિક અને સાંસ્કૃતિક જીવન પર પ્રભાવ પાડ્યો છે, તેઓ લંડનમાં રહેતા કેટલાક એવા લોકો છે, કે જેમનાં મૂળ ગુજરાત-ભારતમાં છે, જેઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં જાણકાર હોવા ઉપરાંત વ્યવસાયોમાં સફળ રહ્યાં છે. આ પ્રદર્શનમાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોથી કેટલાંક લોકોની મુલાકાતો પ્રસારિત થઇ જેથી મૌખિક ઇતિહાસ જાણવા મળ્યો, અને તેમને મન મહત્ત્વની લાગતી વસ્તુઓ વિશેની વાતોથી બ્રિટનના લોકો પર પડેલી તેની છાપની અદ્દભુત કહાણી જાણવા મળી.

ગુજરાતી કલાના નમૂના :

લંડનના દક્ષિણ વિસ્તાર અને નીસડન મંદિરમાં આયોજિત કાર્યશિબિરોમાં મહિલાઓએ ગુજરાતની ભરતકામની ધીંગી પરંપરા અને ભીંત કલા – કે જે ‘લીંપણ કલા’ તરીકે ઓળખાય છે, તેને આધારિત કલાના નમૂનાઓ બનાવ્યા.

ભરતકામ માટે મહિલાઓએ શૃંગારિક કલા, સ્થાપત્ય, માનવાકૃતિવાળી ભાતમાંથી પ્રેરણા લીધી, સાથે સાથે પર્શિયન અને મોગલ કલાને પણ સાંકળી લીધી. ભભકાદાર રંગો, આભલા, ફૂલ-પાનવાળી ભાત, પક્ષીઓ – ખાસ કરીને મોર અને પોપટ, હાથી અને નર્તકો એ બધાનો ગુજરાતની ભરતકામની સમૃદ્ધ પરંપરામાં સમાવેશ કર્યો છે.

 

 

કચ્છની વિશિષ્ટ ગૃહ રચના ભૂંગા નામે ઓળખાય છે, તેની દીવાલો પર લીંપણ કલાનું સુશોભન કરવાની પરંપરા રહી છે. આ ઝગારા મારતાં ભીંત-સુશોભન કચ્છની રેતાળ અને સૂકી ધરતી ઉપર રહીને ગુજારો કરતા લોકનાં જીવનમાં આનંદ અને સુંદરતાનો ઉમેરો કરતું હોય છે. માટી અને કાચની આ અટપટી છતાં સૌંદર્યની દૃષ્ટિએ ઉત્તમ એવી ભાત આધુનિક કલા જગતનું ધ્યાન આકર્ષી રહી છે. આથી જ તો શહેરોમાં વસતાં લોકોના ઘરોમાં અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં દીવાલ પર આ સુશોભનો ઘણી માત્રામાં દેખાય છે.

મોતીના ભરતકામ, અજરખ પ્રિન્ટના પણ તાલીમ વર્ગો આ સમયગાળામાં ગોઠવાયેલા.

ગુજરાતી કલાના આ મહોત્સવમાં એક દસ્તાવેજી ટૂંકી ફિલ્મ પણ દર્શાવાઈ, જેનું શીર્ષક હતું, A Delicate Weave and Do Din Ka Mela. મુંબઈના ફિલ્મ નિર્માતા અંજલિ મોન્ટેરો એન્ડ કે.પી. જયશંકરે કચ્છનું વર્ણન આ શબ્દોમાં કરેલું, “અસહિષ્ણુતાના દરિયામાં શાંતિનો ટાપુ” કચ્છના સુક્કા પરદેશમાં આ ફિલ્મનું નિર્માણ થયું. ‘દો દિન કા મેલા’ શીર્ષક આ દુનિયામાં કશું કાયમ ટકવાનું નથી એ સંદેશ આપે છે. મુરા લાલા ફફલ નામના ગાયકના કંઠે સંત કબીર અને અબ્દુલ લતીફ ભીતાલના સૂફિયાના ભજન ગવાયાં છે. કાનજી રાણા સંજોતે જોડિયા પાવા પર સંગત કરેલી. આ કલાકારો મેઘવાળ જાતિના છે, જેઓ પશુપાલનનો ધંધો કરે અને કચ્છના મોટા રણના છેવાડાના વિસ્તારમાં રહે છે. આ ફિલ્મ ખરેખર દર્શનીય છે. 

આ સારાયે કાર્યક્રમમાં વધુ રસ ધરાવનારાઓ નીચેની લિંક પર વધુ માહિતી મેળવી શકશે.

https://www.rootsandchangesgujaratiinfluences.com/

આ ઉપરાંત ‘સમાજ અને સંસ્કૃતિને જોડતા ગુજરાતના સૂતરના તાણા-વાણા’ એ શીર્ષક હેઠળ અમદાવાદ સ્થિત ‘મોરલ ફાઇબર’ના સ્થાપક અને કર્મશીલ શૈલિનીબહેન શેઠ અમીને વીડિયો દ્વારા ત્રણ વિભાગમાં આપેલ ગુજરાતના કાપડ ઉત્પાદનનો ઇતિહાસ મોકલ્યો તેનું પ્રસારણ કર્યું. આ વાર્તાલાપમાં ગુજરાતનો કાપડ ઉદ્યોગ, તેની વિશ્વના અન્ય દેશોમાં ખપત, ગાંધીજીએ આપેલ ખાદી-ગ્રામોદ્યોગના વિચારો, સ્વાતંત્ર્યની ચળવળમાં તેની મહત્તા અને સજીવ ખેતીથી પેદા થયેલ કાપડથી ટકાઉ ઉદ્યોગ લોકો અને પૃથ્વીને કઈ રીતે મદદ કરતા થઇ શકે તેની વિગતે ચર્ચા થઇ છે.  

ઉપરોક્ત માહિતીના અનુસંધાને તકલી અને ચરખા કાંતણ અને વણાટના કાર્ય શિબિરનું આયોજન થયેલ જેની માંડીને વાત કરવી છે.

મૂળે ડચ, જપાનમાં તાલીમ પામેલી Erna Janine, કે જે લંડનના ક્રાફ્ટ સેન્ટ્રલમાં Saori વણાટના સ્ટુડિયો મારફત લોકોને ઘેર બેઠાં વણાટ કરતાં શીખવે છે, તેણે વણાટકામનું નિદર્શન કર્યું. જેનિન અવારનવાર ભારતના જુદા જુદા પ્રાંતની મુલાકાત લઈને ત્યાંના વણાટનો ઇતિહાસ અને ટેક્નિકનો અભ્યાસ કરે છે. બે વર્ષ પહેલાં તેણે જયપુર ખાતે ભરાયેલ ગ્લોબલાઇઝેશન ઓફ ખાદી – કોન્ફરન્સમાં ભાગ લીધેલો.

ટિયા  ડાહ્યાભાઈએ તકલી પર સૂતરના તાર કાઢવાનું નિદર્શન કરેલું. એ સૂતરનો ઉપયોગ વણાટમાં, ગૂંથણમાં કે હાથ માટેના કંકણ બનાવવા માટે થઇ શકે.

ગાંધીજીએ અત્યંત સાદો અને સરળ એવો ચરખો ભારતની પ્રજામાં ફરી રમતો મુક્યો જેથી ઘર ઘરમાં કાપડ પેદા થઇ શકે અને વિદેશી કાપડ વાપરવાની ગુલામીમાંથી મુક્તિ મળે. આશાબહેન બૂચે ચરખા પર કાંતણનું નિદર્શન અને ઇચ્છુક બહેનોને શીખવવાની જહેમત ઉઠાવી. તેમણે પણ જયપુર ખાતે ભરાયેલ ગ્લોબલાઇઝેશન ઓફ ખાદી – કોન્ફરન્સમાં ભાગ લઈને ખાદીની આજના યુગમાં પ્રસ્તુતતા વિષે વક્તવ્ય આપેલું.

સમાજ અને સંસ્કૃતિને જોડતા ગુજરાતના સૂતરના તાણા-વાણા

ગુજરાતી પ્રજાના લંડન અને આમ જુઓ તો સારાયે બ્રિટન ઉપરના પ્રભાવ વિશેના આ ઉત્સવ અંતર્ગત શૈલિનીબહેન શેઠ અમીને ‘સમાજ અને સંસ્કૃતિને જોડતા ગુજરાતના સૂતરના તાણા-વાણા’ની વાત વીડિયો લિંક દ્વારા કરી જેનો સાર નીચે પ્રસ્તુત છે.

પહેલાં શૈલિનીબહેન શેઠ અમીન અને તેમના પરિવાર તથા તેમનાં કાર્ય વિષે જાણીએ. શૈલિનીબહેનનાં માતુશ્રીને તેમણે નવ વર્ષની વયે કેન્સરની બીમારીમાં ગુમાવ્યાં. ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠ તેમના દૂરના માસી થાય, જેમણે શૈલિનીબહેનને પોતાની પુત્રીની માફક ઉછેર્યાં અને જીવનભર તેમના માર્ગદર્શક બની રહ્યાં.  ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠને ગુજરાતની પ્રજા સારી પેઠે જાણે. 1906માં ધનિક પરિવારમાં તેમનો જન્મ. મોતી અને કાપડનો વેપાર દક્ષિણ પૂર્વના દેશો સુધી ફેલાયેલો. કેલિકો મિલના માલિક અને મોટા ગજાના ઉદ્યોગપતિની નામના મેળવનાર અંબાલાલ સારાભાઈ તેમના પિતરાઈ ભાઈ થાય. એવા પરિવારો પર અંગ્રેજ આચાર-વિચારનું પ્રભુત્વ વધુ. એ લોકોએ એક કરતાં વધુ વખત ઇંગ્લેન્ડનો પ્રવાસ કરેલો અને ત્યાંના શિષ્ટાચાર અને સંસ્કૃતિ અપનાવેલા. સારાભાઈ પરિવારનો કાપડ ઉદ્યોગ ધમધમતો ચાલ્યો, જેમાં ખૂબ પ્રતિષ્ઠા મેળવી, આમ છતાં એ પરિવારે જ સહુ પ્રથમ ગાંધીના વિચારો અપનાવ્યા. મૂળે ખુલ્લા અને આગળ પડતા વિચારો ધરાવતા હોવાને કારણે ગાંધીના નવા વિચારો તરફ પણ આકર્ષાયાં.

ઇન્દુમતીબહેન મેટ્રિકમાં ઉચ્ચ કક્ષામાં ઉત્તીર્ણ થયાં બાદ ગૂજરાત વિદ્યાપીઠમાં ભરતી થયાં. 1927ની સ્વદેશીની ચળવળમાં આગળ પડતો ભાગ લીધો. લોકોને ખાદીવસ્ત્ર સ્વીકારવા અને વિદેશી કાપડની હોળી કરવા સમજાવવામાં સક્રિય રહ્યાં. તેમણે અમદાવાદમાં સહુથી પહેલો ખાદી ભંડાર ખોલ્યો. શિક્ષણ, ખાદીનો પ્રચાર અને સ્ત્રી સશક્તિકરણ જેવાં કાર્યો હાથ ધર્યાં. ઇન્દુમતીબહેનની નિશ્રામાં ઉછેર થયો હોવાને કારણે ખાદી અને સ્ત્રી સશક્તિકરણના સંસ્કાર શૈલિની બહેનનાં ડી.એન.એ.માં છે.

પૂર્વ આફ્રિકામાં જન્મેલા અને રોયલ એરફોર્સમાં કામ કરી ચૂકેલાં શૈલિનીબહેનના પતિ ઇંગ્લેન્ડ આવીને વસ્યા. અહીં શૈલિનીબહેનને કાપડ બનાવનારા અને વેપારીઓ તથા ગ્રાહકો એવી ત્રિવિધ દૃષ્ટિથી કાપડ ઉદ્યોગને સમજવાની તક મળી. તેમણે તાલીમ લીધેલી સ્થપતિ તરીકેની. ઉર્જાનો અસરકારક ઉપયોગ, તેમાં થતો વ્યયનો અટકાવ કરીને ટકાઉ વિકાસ માટે કુદરતી સંસાધનોનો બચાવ કરવો અને લોકો, ઇમારતો તેમ જ જાહેર સ્થળોના સંરક્ષણ માટેના તેઓ વિશેષજ્ઞ બન્યાં. 

આ વાર્તાલાપને ત્રણ વિભાગમાં રજૂ કરવામાં આવ્યો છે :

1. ભારત – કપાસનું ઉદ્દગમ સ્થાન, કાપડ ઉત્પાદનની પરંપરા અને ગુજરાતનું અનેરું કલા કૌશલ્ય.

2. ગુજરાતની કાપડ મીલો

3. ગાંધી અને ખાદી. 

ભાગ 1. ભારત – કપાસનું ઉદ્દગમ સ્થાન, કાપડ ઉત્પાદનની પરંપરા અને ગુજરાતનું અનેરું કલા કૌશલ્ય:

ગુજરાતમાં કપાસ સહેલાઈથી પેદા થતો હોવાને કારણે ત્યાંની પ્રજામાં કાપડ બનાવવાનું કૌશલ્ય વિકસ્યું, જેને કારણે એ વ્યવસાય, વ્યાપાર અને તેને સંલગ્ન કલા-કારીગરી વિકસ્યાં. ખેતી અને પશુપાલન બાદ કાંતણ, વણાટ, રંગકામ અને છાપકામ એ સહુથી મોટા ઉદ્યોગો હતા. દેશી કપાસની ખેતીમાં પાણીનો મર્યાદિત ઉપયોગ કરવો પડે અને કૃત્રિમ રસાયણો વાપરતા ન હોવાને કારણે પર્યાવરણને હાનિકર્તા નહોતું. પેઢી દર પેઢીથી ઉતરી આવેલ આ કલા-કૌશલ્યની પેદાશો ગુજરાતથી દેશ આખામાં અને દેશાવર પણ નિર્યાત થતી. ગુજરાત લાંબામાં લાંબો દરિયા કિનારો ધરાવતો પ્રાંત, જ્યાં 84 જેટલા બંદરો હતા. આ માહિતીનો ઉલ્લેખ ગ્રીસ અને રોમના ઘણા પુરાતત્વવિદોએ પુરાવા એકઠા કરીને રચેલ ગ્રંથોમાં મળી આવે છે. ઈસ્વી સન બીજી અને ત્રીજી સદીના કાળમાં ભારતના આફ્રિકા, દક્ષિણ યુરોપ અને ખાસ કરીને ઇજિપ્ત સાથેના કાપડના વેપારના દસ્તાવેજો મળી આવ્યા છે. જાવા-સુમાત્રા, ચાઈના, રોમ, બ્રહ્મદેશ, આફ્રિકા, યુરોપિયન દેશો, મિડલ ઇસ્ટના દેશો, દૂર પૂર્વના દેશો, સુમેર, ટ્યુનિશિયા, ઇજિપ્ત, અરેબિયા, લંકા, મલાયા વગેરે દેશો સાથેના વેપારના દસ્તાવેજોમાં માંડવી – કચ્છ અને ભરૂચ બંદરોનો નામોલ્લેખ મળે છે. 

17મી અને 18મી  સદીમાં આફ્રિકામાં કાપડ ચલણ તરીકે વપરાતું. ત્યાર પછીના ગાળામાં બીજા દેશો સાથેના વેપાર કરવાને વાસ્તે ગુજરાતીઓ વિદેશ જવા લાગ્યા જેની સાબિતી રૂપે સંસ્કૃત ભાષાના શબ્દો એ દેશોની ભાષામાં મળી આવે છે. આ રીતે ભારતની, ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ અને કલાનો પ્રસાર થયો. જેમ ગુજરાતમાં ભારતના અન્ય પ્રાંતના અને અન્ય દેશોના લોકો જોવા મળે છે તેમ દુનિયાના તમામ દેશોમાં ગુજરાતીઓ વસતા જોવા મળે.

હવે ગુજરાતમાં કાપડની વિશિષ્ટતાઓ વિષે જાણીએ. પાટણનાં પટોળાં, સુરતનું ઝરીકામ, જામનગરની બાંધણી અને કચ્છની અજરખ ખૂબ વખણાય. કચ્છ-સૌરાષ્ટ્રના ખત્રી સમાજે બાંધણી કામ શરૂ કરેલું. આ માહિતીનો ઉલ્લેખ સિંધુ ખીણની સભ્યતાના દસ્તાવેજોમાં મળી આવે છે. 6ઠ્ઠી સદીમાં બંધાયેલ અજંતાની ગુફાઓના શિલ્પોમાં ય તેની પ્રતીતિ થાય છે. સુરતમાં ઝરીકામ ક્યારે શરૂ થયું તેની ચોક્કસ માહિતી નથી, પણ રામાયણ, મહાભારત અને તેથી ય વધુ પુરાતન કાળમાં ડોકિયું કરીએ તો ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. મેગેસ્થનીઝે સોનાના ઝરીકામનાં કાપડની વાત નોંધેલી. બનારસી અને કાંજીવરમ્‌ની પ્રખ્યાત સાડીઓમાં આ કલાનો ઉપયોગ થાય છે. જો કે હવે બનાવટી ઝરીથી ભરતકામ થાય છે. ઘરચોળું બનાવવા ખંભાત જાણીતું હતું, એ કોમ હવે અદૃશ્ય થતી હોવાને કારણે આંધ્ર અને કર્ણાટકમાં ઘરચોળા બનવા લાગ્યા, જેના પર બાંધણી કામ કરવા સૌરાષ્ટ્રમાં લાવે. આ છે આપણા પ્રાંત પ્રાંત વચ્ચેનું કલા-સંસ્કૃતિનું આદાન પ્રદાન.

વળી આ દરેક પ્રકારના કાપડને તેની એક આગવી વિશેષતા છે. પટોળાં તેના ભભકદાર રંગો અને ભૌમિતિક ડિઝાઇન માટે જાણીતાં બન્યાં. ખાસ કરીને રાજાઓ અને અમીર ઉમરાવો માટે એ બનતાં. મહિનાઓના સખ્ત પરિશ્રમનું પરિણામ કલાના અદ્દભુત નમૂનામાં જોવા મળે. તેની કથા કઇંક આવી છે : સોલંકી ફૂળના રાજ્યનું પાટનગર તે પાટણ. 900 વર્ષ પહેલાં કુમારપાળે મહારાષ્ટ્રના જાલનાની સાલવી કોમના 700 જેટલા કારીગરોને પટોળાં વણવા પોતાના રાજ્યમાં બોલાવી મગાવ્યા. આ દુનિયાનું એક માત્ર અનોખું રેશમ છે. પટોળામાં તેના તાર ઉપર જ છેલ્લા રંગની ભાત કરવામાં આવે છે. તાણા-વાણા બંને પર રંગ ચડાવે. પટોળાની ભાત એકદમ માપસર થાય એ માટે ગાણિતિક ચોક્કસાઈ રખાય છે. આ કલાનું બીજે ક્યાં ય અનુસરણ નથી થયું. રેશમનાં કાપડને મજબૂત બનાવવા તેને વળ અપાય, ભાત પાડવા સૂતરને દોરાથી બાંધે, એટલે રંગ એટલા ભાગમાં ચડે નહીં. શાકના રસના અર્ક અને અનેક જાતનાં ફૂલો, મૂળિયાં અને છાલમાંથી બનેલ બીજા કુદરતી રંગોનો ઉપયોગ તેમાં થાય છે. આવી અટપટી ભાત કરવા ગણિત વિજ્ઞાનનું જ્ઞાન ધરાવનાર કુશળ કારીગરો ઘણી મુશ્કેલી વેઠીને કામ કરે છે. રસ પડે એવી બીજી માહિતી એ છે કે પટોળાંની હાથશાળ રોઝ વૂડની બનેલ હોય અને એક બાજુ નમેલી હોય. એવી અનોખી શાળ પર બે કારીગરો એક સાથે કામ કરે. પ્રાણી, પક્ષી અને ગુજરાતના સ્થાપત્યવાળી ભાત કાપડ પર ઉતારવા વણકરો દિવસ રાત કામ કરીને માસ્ટર પીસ  તૈયાર કરે.

હવે બાંધણીની વાત કરીએ. તૈયાર કાપડને બાંધીને રંગો ચડાવવામાં આવે છે. ઇરાક અને બીજા આરબ દેશોમાં આ ટેકનીક પ્રચલિત હતી, તે એમની સાથેના વેપારને કારણે ગુજરાતમાં આવી.

અજરખ, કે જેને બ્લોક પ્રિન્ટ પણ કહે છે તે કલા પાકિસ્તાન અને કચ્છમાં જળવાઈ છે. ખાસ પ્રકારના લાકડાના નાના મોટા ટુકડાઓ પર જાતજાતની ભાત કોતરી, તેને વિશિષ્ટ પ્રકારના રંગના રસાયણમાં બોળીને કાપડ ઉપર ઉપસાવવામાં આવે છે. ઓછાડ, ઓઢવાની ચાદર, સલવાર-કમીઝ, શાલ-દુપટ્ટામાં અજરખ વધુ વપરાય.

ભરતકામની કલાનો ઉલ્લેખ કર્યા વિના ગુજરાતના કાપડ ઉદ્યોગની કથા અધૂરી રહે. પશુપાલન કરતાં અને રખડતું જીવન જીવતાં આહીર અને રબારી કોમની મહિલાઓ કાપડ ઉપર કાચ અને દોરાથી સુંદર ભરતકામ કરે. કચ્છના મોચી અને જાટ લોકો પણ વિવિધ પ્રકારનું ભરત કરે. બન્ની પ્રદેશના લુહાણા વળી એક અનોખી શૈલીથી ભરત કરે. દરજી કોમ પેચવર્ક, સિદ્ધપુરના વોરા લોક લેઇસનું કામ કરે. આ બધી કલા પેઢી દર પેઢી ઉતરી આવે. દીકરી પોતાનું આણું પોતે ભરત ભરેલાં કપડાંથી તૈયાર કરે એ પરંપરા છે.

હસ્ત ઉદ્યોગની વાત કર્યા બાદ હવે મીલમાં ઉપજતાં કાપડની કથા જોઈએ. અમદાવાદની કાપડની મિલો 19મી સદીમાં શરૂ થઇ. બ્રિટિશ રાજમાં રાયબહાદુર રણછોડલાલ છોટાલાલે 1861માં એક મિલ શરૂ કરી. સારાભાઈ પરિવારે 1888માં કેલિકો મિલ શરૂ કરી જે 1982 સુધી ઉત્પાદન કરતી રહી. એ એક માત્ર એવી મિલ હતી જે કુદરતી ગેસથી ચાલતી, ધુમાડો ન થતો, તેમાંથી નીકળતો કચરો અને કેમિકલયુક્ત પાણી સીધું ગટરમાં ન જાય તેની તકેદારી રખાતી અને એ રીતે પર્યાવરણ અને મીલમાં કામ કરનારના હિતની જાળવણી થતી. અમદાવાદની સંપત્તિનો મદાર તેની 62 મિલો પર હતો જે લગભગ 30 મિલિયન કારીગરોને, એટલે કે શહેરની 1/10 ભાગની પ્રજાને રોજગારી આપતી, ગુજરાતના બધા પ્રદેશ અને બીજા પ્રાંતોમાંથી પણ કારીગરો અને કામદારો તેમાં કામ કરવા આવતા. કેલિકો મીલનું કાપડ ભારતભરમાં અને વિદેશોમાં વેંચાતું. આને કારણે અમદાવાદ શહેરને અનોખી પ્રતિષ્ઠા મળી. સારાભાઈ પરિવારના બે સભ્યોએ 1949માં કેલિકો મિલ્સ ટેક્સટાઇલ્સ મ્યુઝિયમ બનાવ્યું જેમાં દુનિયા આખીનાં કાપડના ઉત્તમ અને વિવિધ નમૂનાઓ સંગ્રહિત છે. ડિઝાઇન, માહિતી, સંશોધન અને કાપડ ઉદ્યોગ વિશેનાં પુસ્તકોના પ્રકાશનનું એ કેન્દ્ર બની રહ્યું. દેશ વિદેશના ડિઝાઇનર્સ અને સંશોધન કરનારાઓ આ મ્યુઝિમનો લાભ લે છે એ ગૌરવ લેવા જેવી બાબત છે.

કાપડ ઉદ્યોગમાં બીજું મોટું નામ લાલભાઈ ગ્રુપની 1896માં શરૂ થયેલ અરવિંદ લિમિટેડનું. ભારતમાં પ્રથમ ડેનિમ કાપડની પોતાની બ્રાન્ડ ત્યાં શરૂ થઇ અને તેની ખ્યાતિ દુનિયા આખીમાં ફેલાઈ.

કાપડ ઉદ્યોગનું બીજું મોટું થાણું તે સુરત, જે વણાટ, છાપકામ અને ઝરી ભરત માટે પ્રખ્યાત બન્યું. રોજ 25થી 30 મિલિયન મીટર જેટલું કાપડ બને છે. ભારત અને વિદેશોમાં તેના વેચાણ અને વિતરણનું જાળું બીછાયેલ છે. ભારતમાં વપરાતા પોલિયેસ્ટરના 90% આ સ્થળે પેદા થાય છે. અહીના કારીગરો છેલ્લામાં છેલ્લી ફેશનને અપનાવીને નવો માલ પેદા કરે એટલે સફળતા તેમને વરે. કમ્પ્યુટરાઇઝડ ભરતવાળી સાડીઓ સસ્તામાં મળવા લાગી એટલે હવે આ ઉદ્યોગ બદલાયો. સહેલાઈથી ધોઈ શકાય, આકર્ષક લાગે, સસ્તા ભાવે મળે એવા ફાસ્ટ ફેશનનાં કાપડનું ઉત્પાદન સુરતમાં થાય છે. આ બદલાવથી વાતાવરણ પ્રદૂષિત થાય છે અને આ કાપડ લોકોના સ્વાસ્થ્ય માટે સારું નથી એ જાણતા હોવા છતાં એ ઉદ્યોગ કૂદકે અને ભૂસકે આગળ વધતો જાય છે. સમય બદલાતા કલાનો હેતુ વ્યક્તિગત કલા કૌશલ્યને જાળવી રાખવાને બદલે વધુ ધંધાદારી બન્યો. અલબત્ત તેનાથી આ કલા ભુલાઈ જઈને નાશ ન પામે એ ફાયદો થયો. છતાં એ કલા કૌશલ્યને ટકાવી રાખવા ચૂકવવું પડતું મૂલ્ય વ્યાજબી છે કે નહીં તે વિચારવાનો સમય આવી ગયો છે.

વધુ રસ ધરાવનારા માટે વીડિયો લિંક :

https://youtu.be/UCTLh9FL62s

ભાગ 2. ગુજરાતની કાપડ મિલો: સહિયારા સૂતરના તાંતણા – આફ્રિકા માટેનું કાપડનું ભારતમાં ઉત્પાદન. 

જેતપુરમાં સુતરાઉ સાડીઓ વર્ષોથી બનતી આવી છે અને હજુ એ ઉદ્યોગ ચાલે છે. 1985 પછી મુંબઈની નિકાસ કરતી વેપારી પેઢીએ જેતપુરમાં આફ્રિકામાં ખપત હોય તેવાં કાપડનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. કાંગાથી શરૂઆત થઇ. મોટે ભાગે પૂર્વ આફ્રિકાની સ્ત્રીઓ કાંગા પહેરે. આ શબ્દ ગીની ફાઉલ નામના પક્ષી ઉપરથી ઉતરી આવ્યો મનાય છે. એ પક્ષીનાં ટપકાંવાળાં પીંછાંવાળી ભાત તે કાંગા, જે પ્રથા 1870માં ઉદ્ભવી હોવાની શક્યતા છે. તેમાં આફ્રિકા, ભારત, મિડલ ઇસ્ટ અને યુરોપિયન કળાની અસર જોવા મળે. પેરુના આકારનાં ટીપાંમાં બાંધણી પ્રકારની ભાત અને ચોરસ આકારમાં ઝીણાં ટપકાં સાથે કરે એ તેનો નમૂનો છે. Paisely મૂળે તો પર્શિયન કલા છે, જે કશ્મીરી શાલ બનાવવામાં વપરાવા લાગી અને 18મી સદીમાં લોકપ્રિય બની. ત્યાર બાદ સ્કોટલેન્ડના પેઇઝલી ગામમાં તેનું જથ્થાબંદ ઉત્પાદન થવા લાગ્યું. 19મી સદીના અંતમાં અને ત્યાર બાદ પૂર્વ આફ્રિકા ગયેલી ગુજરાતી સ્ત્રીઓ પોતાની સાડીઓ, ચાદર અને દુપટ્ટા સાથે લઇ ગયાં. શરૂઆતમાં કાંગાના સૂત્રો અરેબિકમાં લખાતા, પછી સ્વાહીલીમાં લખાવા લાગ્યા, જેમાં સંદેશાઓની વિવિધતા વધુ જોવા મળે. એમાં મજાક ભરી રમૂજ અને વક્રોક્તિ પણ લખાય. 1.6 કે 1.7 મીટરનાં કાપડ પર ચારે બાજુ કિનાર, અને વચ્ચે સ્વાહિલીમાં સૂત્રો હોય. માડાગાસ્કરમાં સ્થાનિક ભાષામાં લખાય. ત્યાંના લોકોને એ સૂત્રોનું ઘણું મહત્ત્વ. પૂર્વ આફ્રિકાની સ્ત્રીઓ માટે તો પરસ્પર સંપર્ક કરવાનું એ સાધન. રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંદેશ તેના દ્વારા વહેતા મુકાય. પ્રેમ અને નફરતનો સંદેશ પણ એમ જ અપાય. તેની ઝોળી બનાવીને તેમાં બાળકને પીઠ પર રાખવા માટે પણ વપરાય. ઉપરાંત માથાબાંધણું, સ્કર્ટ, ઓછાડ, દીવાલ શણગારવા માટે પણ વપરાય. રાજકીય પ્રસંગે અધિકારીઓને સંદેશો આપવા હજારોની સંખ્યામાં સ્ત્રીઓ પહેરે. આવા કાંગાથી મહિલાઓમાં ખૂબ શક્તિનો સંચાર થાય.

એવો જ બીજો કાપડનો પ્રકાર તે કિટેન્ગે. 12 વારનું ડ્રેસ બનાવવા માટેનું આ કાપડ સ્ત્રી-પુરુષ બંને પહેરે. તેના પડદા અને ઓછાડ પણ બને. વિવિધ પ્રતીકો અને રંગોની પસંદગીથી તેને શણગારાય છે. કેટલાક મહત્ત્વના તહેવારો અને પ્રસંગોની યાદમાં ખાસ ડિઝાઇન બનાવાય છે. ધાર્મિક અને રાજકીય સૂત્રો અને છાપ લોકો કયા જૂથના સભ્યો છે તેની જાણ કરે છે. જાવામાં ઇન્ડોનેશિયામાં થતા બારીક કામથી પ્રેરિત છાપકામ થાય છે. Kente નામની છાપમાં ભૌમિતિક છાપ વપરાય છે જે પશ્ચિમ આફ્રિકાની કલા છે. એડીસ અબાબાની વસ્તુઓમાં વચ્ચે એક ખાસ રચના હોય છે, જે સ્કર્ટ અને ઉપલું વસ્ત્ર બનાવવા માટે વપરાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી જેતપુરમાં પણ કફ્તાન બનવા લાગ્યા છે, જે પૂર્વ આફ્રિકાની બજારોમાં વેંચાય છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં Kente, Kikoy, અને Masai Sukha જેવાં કાપડ ભારતના બીજા પ્રદેશોમાં પ્રચલિત થવા લાગ્યા છે.

હવે ગુજરાતના કાપડ ઉદ્યોગનો ઇતિહાસ જોઈએ. કપાસ પેદા કરનાર દેશ તરીકે ભારત ઈ.સ. પૂર્વે 400થી જાણીતું છે. પ્રવાસી અને ઇતિહાસવેત્તા હીરોટોડસે નોંધેલું, ‘ભારતમાં જંગલી વૃક્ષો ઊગે છે, જેનાં ફળ ઘેટાનાં ઊન કરતાં વધુ સુંદર અને મુલાયમ હોય છે. ભારતના લોકો આ છોડનાં ફળમાંથી કાપડ બનાવી પહેરે છે.’ ગુજરાતના ખેતરોમાં ઊગતા કપાસથી આ કહાની શરૂ થઇ. ચાઈના બાદ ભારતમાં જ સહુથી વધુ કપાસની પેદાશ થાય છે. અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખવાવવામાં આવતું. સૌરાષ્ટ્રમાં મબલક પ્રમાણમાં કપાસ પેદા થાય કેમ કે ત્યાંની જમીન અને આબોહવા કપાસને ખૂબ માફક આવે છે. ઉત્તમ કોટિનું કપાસ ઊગાડવાનો લાંબો ઇતિહાસ ગુજરાત સાથે જોડાયેલો છે.

કપાસમાંથી રૂ કાઢી તેને જિનિંગ-પ્રેસિંગ માટે મોકલાવાય, આસપાસની મિલોમાં કાપસિયા કાઢી રૂના રેસા અલગ કરી, પુણીની મોટી ગાંસડી બને, જેમાંથી કંતાઈને તાર બને. એ સૂતરને વણીને કાપડ બનાવવામાં આવે. બીજી ફેકરીઓમાં રંગાઈ અને છપાઈ કામ થાય. કાંગા અને કિટેન્ગે બનાવવા ખાસ પ્રકારના સ્ક્રીનનો ઉપયોગ થાય. પહેલા આ બધું હાથથી થતું, હવે એ કામ મશીનો દ્વારા થાય. એ કામ ઘણી કુશળતા માંગી લે છે. તૈયાર થયેલ માલ આફ્રિકાના જુદા જુદા પ્રદેશોમાં મોકલાય છે. આફ્રિકાની બજારોમાં ભારત અને ચીનમાં બનેલ માલ વેંચાય છે. ભારતમાં બનેલ કાપડ આફ્રિકામાં વેંચાય તેની સફળતા પાછળ એ કાપડ બનાવારાઓના કુટુંબમાં પરંપરાથી ઊતરી આવતી કુશળ કારીગરી અને આફ્રિકા જઈ વસેલા લોકો સાથેના નેટવર્ક કણભૂત છે. આફ્રિકાના ગ્રાહકો પોતાનો અભિપ્રાય જેતપુરના કાપડ બનાવનારને આપે જેથી ત્યાંની બજાર અને ગ્રાહકોની માગ અને જરૂરિયાત સાથે તાલ મેળવી શકે.

વધુ રસ ધરાવનારા માટે વીડિયો લિંક :

https://youtu.be/hMs3p4tEHr0

ભાગ 3 – ગાંધી અને ખાદી : 

ગાંધી યુગના મંડાણથી ખાદીનું પુનર્જીવન થયું. સ્વતંત્રતાની ચળવળમાં એ કેન્દ્ર સ્થાને આવી. સંપોષિત વિકાસ અને નૈતિક મૂલ્ય સાથે જોડાયેલ હોવાથી ખાદી ઉદ્યોગને વેગ મળતો જાય છે.

બ્રિટિશ સરકારની ભારતના કપાસ અને કાપડ ઉત્પાદન ઉપરના ભારે કરવેરાની નીતિની વિરુદ્ધમાં ખાદી અને અન્ય સ્થાનિક હસ્તોદ્યોગની ચળવળ શરૂ થઇ. હજારો લોકોએ ખાદી અપનાવીને દેશી અને વિદેશી મિલના ભારે ઉદ્યોગો સામે બાથ ભીડી. ખાદી સ્વાવલંબન અને ગ્રામોદ્ધારનું પ્રતીક બની. સ્વાભિમાન અને સમાનતાની સાથે જ ભારત માત્ર જ નહીં પરંતુ દુનિયા આખીના લોકોને વસ્ત્ર સાથે નૈતિક રીતે ઉત્પાદન કરતા માલની વાતને જોડી આપનારી કડી બની. ‘ફેર ટ્રેડ’ જેવો શબ્દ જે વખતે પ્રચલિત નહોતો ત્યારે આ ખ્યાલ લોકો સામે મુકાયો. હાથ બનાવટ કાપડનો મિલની બનાવટના કાપડ પર વિજય ગણાય.

ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં વિતાવેલાં વર્ષો દરમ્યાન ગાંધીજીના વિચારો, નૈતિક સિદ્ધાંતો અને કાર્યો મૂળભૂત રીતે બદલાયા અને ઘડાયા. ખાદી અને ગાંધીની પણ ગુજરાતથી શરૂ થયેલ કાપડ ઉદ્યોગની જ એક કથા છે, જે વૈશ્વિક બની. આજના ઉપભોક્તાવાદી સમાજમાં નૈતિક મૂલ્યો આધારિત ઉત્પાદક ઉદ્યોગ અને વ્યાપારનો નવો દ્રષ્ટિકોણ આ ચળવળથી ઉમેરાયો. હાલનો કાપડ ઉદ્યોગ આપણું વર્તન વિકૃત કરે છે, આત્માના અવાજનો નાશ કરે છે. જ્યારે ખાદી ઉદ્યોગ કાપડ બનાવનાર અને વાપરનારને જાગૃતપણે સમજી વિચારીને નિર્ણય લેવા પ્રેરે છે જેથી પૃથીના વાતાવરણને પણ બચાવી શકાય. ભારત કાપડ ઉત્પાદન અને નિકાસ કરવામાં બીજે નંબરે આવતો દેશ છે; આથી જ તો આપણા સિદ્ધાંતો, તે મુજબના આચરણ અને કર્મશીલતાની ઘણી મહત્તા છે.

અહીં શૈલિનીબહેન શેઠ અમીને સ્થાપેલ ‘મોરલ ફાઇબર’ની વાત કરવી પ્રસ્તુત થશે.

ખાદી અને બીજા હસ્તઉદ્યોગોને પુનઃજીવિત કરવાના હેતુથી અમદાવાદમાં ‘મોરલ ફાઈબર’ નામનું સોશ્યલ એન્ટરપ્રાઇઝ 2012માં શરૂ કર્યું. શૈલિનીબહેનને ખ્યાલ આવ્યો કે આ પ્રદેશમાં એટલા બધા કુશળ કારીગરો છે, જે પોતપોતાની કલાકારીગરીમાં માહેર છે, તેમને ફેક્ટરીમાં નોકરી આપીને કઇં નવું શીખવવાનું નથી. માત્ર જરૂર છે તેમની પારંપરિક કલાની જાળવણી કરવાની, તેમની ગરીબી દૂર કરવાની અને સાથે સાથે પર્યાવરણ બચાવવાની. બધો માલ એક પણ મશીનના ઉપયોગ વિના હાથથી બનેલ હોવાથી કાર્બન ન્યુટ્રલ હોવાની ખાતરી કરાય છે. મોરલ ફાઈબર અમદાવાદના 250 કિ.મી.ના ફરતા વિસ્તારમાં પેદા થતા માલને સહકારી મંડળીઓ દ્વારા ભારતમાં અને વિદેશ મોકલે છે. આજે 18 દેશોમાં તેમનાં કામનો વ્યાપ ફેલાયો છે. વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના ભાગ રૂપ ફેર ટ્રેડ ફોરમના તેઓ સભ્ય છે. લગભ 2,500થી વધુ કારીગરોને આજીવિકા પૂરી પાડવાનું કામ થયું છે અને હજુ વિકાસ થતો રહે છે.

વાતાવરણમાં વધતું તાપમાન, પર્યાવરણમાં આવતી કટોકટી અને કારીગરોના સ્વાભિમાનની જાળવણી કરવા આજે ‘મોરલ ફાઈબર’ જેવા સંગઠને હાનિ રહિત ઉર્જા સ્રોતો અને ટકાઉ વિકાસ માટેનાં પગલાં તરફ ડગ માંડ્યાં છે. તેમના આ સાહસમાં સાથ આપવા કચ્છના ‘ખમીર’ સંગઠન, કે જેઓ કચ્છની કલાનો વારસો અને  સાંસ્કૃતિક ધરોહરને જાળવવાનું કામ કરે છે, તેઓ પણ જોડાયા છે. 2001ના મહા વિનાશક ભૂકંપ બાદ કચ્છની કારીગર કોમના આંતરિક ગૌરવને અખંડ રાખવા, તેમનું સશક્તિકરણનું કામ ‘ખમીર’ કરે છે. એક છત નીચે જુદી જુદી કલાના કારીગરો એકબીજા સાથે વિચારો અને કુશળતાની આપ લે કરે અને સાથે કામ કરે જેથી કલા અને કારીગરોનું મૂલ્ય જળવાય તેમ જ ગ્રાહકોની દૃષ્ટિ બદલે એ હેતુ છે.

કચ્છમાં પેદા થતું કાલા કોટન ભારતમાં પેદા થતા કપાસની સહુથી જૂની જાત છે. પ્રાકૃતિક સ્થિતિ સાથે તાલમેળ સાધીને સંપોષિત રીતે કાપડ પેદા કરવામાં તેનો ઉપયોગ થતો. નજીકના વિસ્તારોમાં વિદેશી કપાસના વધતા જતા પાકને કારણે સ્થાનિક ખેડૂતો હાંસિયામાં ધકેલાઈ ગયા. એ લોકોને આજીવિકા મળી રહે તે માટે ખમીર સક્રિય છે. ‘ખમીર’ અને ‘સાત્ત્વિક’ બંનેએ સાથે મળીને કાલા કોટન ઊગાડનાર ખેડૂત, કાંતનારા અને વણનારાની એક સાંકળ ઊભી કરી છે. ગૂજરાત વિદ્યાપીઠના સંશોધન વિભાગના વિદ્યાર્થી નિલેશ પ્રિયદર્શી કારીગરો માટેનું ભારતનું પહેલું કારીગર ક્લિનિક અહીં લાવ્યા. એ કારીગરોને નવું સાહસ શરૂ કરવા માર્ગદર્શન અને માહિતી પૂરા પાડે છે અને સાથે સાથે દરેક કારીગરના નમૂનાને એક બ્રાન્ડ આપીને તેમના કામને સ્વીકૃતિ અને ખ્યાતિ મળે તેવો પ્રયાસ પણ થાય છે. પાબીબહેન, લક્ષ્મી રબારી અને જબ્બર ખત્રી જેવાને વધુ સફળતા સાંપડી.

આમ જુઓ તો હોમોસેપિયન્સ પૃથ્વી પર ફરતા થયા, ત્યારથી તેણે હાથ અને બુદ્ધિના ઉપયોગ વડે જાત જાતની વસ્તુઓ બનાવવાની કુશળતા કેળવી, જેનાથી એ બીજી જીવસૃષ્ટિથી અલગ પડ્યો. કોરોનાની મહામારી માનવ જાતે પસંદ કરેલી જીવન પદ્ધતિનું દુષ્પરિણામ છે. હવે આપણે સ્વાસ્થ્યને સારું રાખવા ચોખ્ખી હવા કેમ મેળવવી અને નિરોગી જીવન કેમ જીવવું અને આખર જિંદગીમાં શાનું મૂલ્ય વધુ છે એ વિચારવા તરફ વળ્યાં છીએ. મહામારીને વિદાય કર્યા પછીના જગતમાં વધુ પડતા ઉત્પાદન, જીવનના દરેક ક્ષેત્રમાં રાજકીય દખલગીરી, મોટા ઉદ્યોગોની વધતી સંખ્યા, કોર્પોરેટ વેપારી પેઢીઓ, કે જેનાથી કુદરતી સંસાધનો ઝડપથી નાશ પામતા જાય છે એ પરિસ્થિતિ જ યથાવત રાખવી છે કે ઓછી ઉર્જાથી જરૂર પૂરતો જ માલ પેદા કરવો અને જરૂરિયાતો અને ખાસ કરીને ઇચ્છાઓ મર્યાદિત કરવી એવો માનવીય અભિગમ કેળવવો છે? 2015માં યુ.એન.ના બધા સભ્ય દેશોએ માનવજાત અને બીજી જીવ સૃષ્ટિ તેમ જ પર્યાવરણની સુરક્ષા કરવાની જરૂર છે, એ સ્વીકારીને Sustainable Development Goals પર સહી સિક્કા કર્યા. તેમાં વિશ્વ આખામાં ગરીબીનો અંત લાવવો અને તમામ પ્રજા પૂરતાં સાધનો મેળવી શાંતિથી જીવે તેવું 2030 સુધીમાં હાંસલ કરવાનું લક્ષ્ય છે. કોઈ માનવી આવા મૂળભૂત માનવ અધિકારને ભોગવવામાં પાછળ રહી ન જાય તેવું વચન તેમાં અપાયેલું છે. SDG પાંચ પાયા રૂપ સિદ્ધાંતો પર રચાયું : પ્રજા, આપણી પૃથ્વી, પર્યાવરણ, વ્યક્તિગત માલિકી, અને સંપત્તિના વિતરણમાં સમાન ભાગીદારી. સામાજિક, આર્થિક અને પર્યાવરણમાં ઊભી થયેલ કટોકટીને રોકવા અને નિવારવા હવે આપણી પાસે સમય બચ્યો નથી.

ઉપર ઉલ્લેખ કર્યો એ સમસ્યાઓને ધ્યાનમાં લેતાં કારીગરોએ હાથે બનાવેલ માલના ઉત્પાદનને બઢાવો આપવો એ જ તેનો ખરો ઉકેલ છે તેમ લાગે છે. ક્રિએટિવ ડિગ્નિટી નામે એક ચળવળ શરૂ થઇ, જેણે 500 જેટલા વિવિધ ઉત્પાદકો, નાના ઉદ્યોગના સાહસિકો, નાના મોટા સંગઠનો અને નિષ્ણાતોને એકઠા કર્યા અને કોવિદ 19ના સંકટ સમયે કારીગરોને પ્રાકૃતિક વાતાવરણને જાળવીને કામ કરવા પ્રોત્સાહિત કર્યા. સહુ પહેલા નુકસાન વેઠી ચૂકેલા કારીગરોને રાહત પહોંચાડી, પછી તેમનો પુનર્વસવાટ કરી તેમના કલા કૌશલ્યને ઉજાગર કરી તેઓ કાયમી ધોરણે સમૃદ્ધિ વધારતા રહે એ ધ્યેય હાંસલ કરવા તેમને પ્રેર્યા. લોકડાઉનને કારણે લાખો લોકો ભૂખમરો વેઠવાની સ્થિતિમાં આવી ગયા. આ મહામારીને કારણે પરસ્પરના સહકારથી કામ કરીને એક સ્વૈચ્છિક સંગઠન રચવાની તક મળી. પહેલા થોડા મહિનાઓમાં કારીગરોને વધુ તાલીમ આપી, ઈ.કોમર્સથી બજાર સાથે જોડી આપ્યા જેથી તેમના માલને વ્યાજબી દામ મળે. ઘણા લોકો પોતાના ઉત્પાદન કરેલ માલથી સારો એવો નફો કરવા લાગ્યા.

અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના સ્નાતક નીલમ જેબર અને જેકબ મેથ્યુએ ક્રિએટિવ મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું. ડિજિટલ જગતમાં કલા કારીગરીને વિકસાવવાનો પૂરો અવકાશ છે. પહેલાં કારીગરો નજીકના વિસ્તારોમાં જ વેચાણ કરી શકતા, તેને હવે વિશાળ બજાર મળ્યું. ઓછા શિક્ષિત છતાં કુશળ કારીગરો પોતાના અવાજને રેકોર્ડ કરીને અને બનાવેલ વસ્તુઓના ફોટા દ્વારા વેચાણ વધારી શકે. 5,000 વર્ષ પુરાણી કલા કારીગરી લગભગ 40 મિલિયન લોકોના હાથમાં જળવાઈ છે, તેને હવે કેન્દ્રમાં લાવી વિકસાવી શકાય. છેલ્લાં સાત વર્ષમાં મેઇક ઇન ઇન્ડિયા, સ્કેલ અપ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવા સૂત્રો આધારિત પ્રકલ્પો ટેક્નોલોજી ઉપર વધુ આધાર રાખનારા નીવડ્યા. હેન્ડલૂમ અને કાપડ ઉદ્યોગને તેનાથી ફાયદો નથી થયો.

મૂડીવાદ આવ્યો, તે હવે કાયમ રહેવાનો છે. ટેક્નોલોજીની મદદથી મૂડીવાદને ઓછો શોષક અને સહ્ય  બનાવવાનો પ્રયાસ કરીએ. નાના કેન્દ્રોમાં અને હાથથી પેદા થતો માલ પણ લોકોને રોજગાર પૂરો પાડે એ સ્વીકારીને તેને બજાર સાથે યોગ્ય રીતે જોડવામાં આવે તે જોવું રહ્યું. આમ કરવામાં ઓછી મૂડીના રોકાણથી કામ થાય અને પર્યાવરણને ઓછી હાનિ પહોંચે તે નફામાં. જો કે આવા નાના ઉદ્યોગો કારીગરોનું ધ્યાન અને શક્તિ પોતાના કૌશલ્ય પર કેન્દ્રિત રહે તો જ ટકી રહે. હાથ અને આંખના નૃત્યથી પેદા થતો માલ રોબોટથી ન થઈ શકે. આવા માલની પેદાશથી કારીગરોનું મૂલ્ય વધે અને તેમનું સ્વાભિમાન જળવાય. હજારો વર્ષથી જે કાપડ ઉદ્યોગ અને બીજા કલા કૌશલ્ય યુક્ત વ્યવસાયોએ સમાજને એક સૂત્રે બાંધી રાખ્યો, નભાવ્યો અને  વિકસાવ્યો એ તરફ આપણે પાછા જઈ રહ્યા છીએ.

e.mail : 71abuch@gmail.com

Loading

30 September 2021 admin
← મનહરલાલ ચોકસી એટલે મનહર અંતરજ્યોત
કાયદાનું પાલન કરાવવાને નામે પણ લૂંટ જ ચાલે છે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved