
રવીન્દ્ર પારેખ
વિધાનસભામાં શિક્ષણ મંત્રી ડિંડોરે, આચાર્યની ભરતી સંદર્ભે પુછાયેલા પ્રશ્નના જવાબમાં, ભરતી પ્રક્રિયાની પારદર્શકતા દર્શાવવા, પહેલાં ‘સેટિંગ’ ચાલતું હતું, પણ હવે નથી ચાલતું, એવું કહ્યું, ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે સંભળાવતાં કહ્યું કે ‘ખેલે ગુજરાત’ની વાત કરો છો, તો રમતગમતના શિક્ષકો નથી, તેનું કૈં કરોને ! ટૂંકમાં પારદર્શકતા એટલે છે કે ભરતી થતી નથી. હવે તો દુનિયા જાણે છે કે સરકાર શિક્ષકો વગર સ્કૂલો ચલાવવાનો પુરુષાર્થ કરી રહી છે. હજારો શિક્ષકોની ભરતી કરવાને બદલે કામચલાઉ શિક્ષકોથી કામ કાઢવામાં સરકાર એટલી વ્યસ્ત છે કે 2017થી કાયમી શિક્ષકોની ભરતીમાં તે અખાડા જ કરી રહી છે. વિધાનસભામાં સરકાર જ કહે છે કે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં 2,317 શિક્ષકોની ખાલી પડેલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા ચાલે છે. અમદાવાદની જ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં વય નિવૃત્તિને લીધે 278 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. 2023-’24માં કહેવાતી ભરતી છતાં આચાર્યોની 900 જગ્યાઓ ખાલી છે. એમાં પણ ભરતી પ્રક્રિયા ચાલે છે. ભરતી પ્રક્રિયા ચાલે છે ને ચમત્કાર એ છે કે ભરતીને બદલે ઓટ જ દેખાય છે.
ગુજરાતમાં વિવિધ વિભાગોમાં જગ્યાઓ ખાલી પડી છે, પણ સરકાર કાયમીને બદલે, કોન્ટ્રાક્ટ પર, ઓછા પગારે કર્મચારીઓની ભરતી કરે છે ને એ રીતે શિક્ષિત યુવાઓનું ભરપટ્ટે શોષણ કરે છે. ટી.આર.બી. જવાનો, જ્ઞાનસહાયકો, કારકૂનો વગેરેને એક જ લાકડીએ હાંકીને સરકાર 8થી 15 હજારનો પગાર ચૂકવી કોન્ટ્રાક્ટ પર નોકરીએ રાખે છે. કોન્ટ્રાક્ટ પર રાખવા કોન્ટ્રાકટરો રખાય છે ને તેમને કરોડો રૂપિયા ચૂકવાય છે. એ ચૂકવાય છે, પણ શિક્ષકોને ચૂકવતાં ચૂંક ઊપડે છે. સરકાર કામચલાઉ નથી, તો શિક્ષકો કામચલાઉ કઈ રીતે હોય? સરકાર પોતાનો પગાર ને ભથ્થાં મનમરજી વસૂલે છે ને ફિક્સ પગારદારો પગાર વધારવા 5,228 અરજીઓ કરે છે, પણ રૂપિયાનો ય વધારો થતો નથી. સરકાર અંગત લાભો મેળવવામાં અમીર છે ને કર્મચારીઓ, શિક્ષકોને લાભ આપવામાં ગરીબ છે.
એ ગરીબી વખતોવખત જાહેર માધ્યમોએ ગાઈ-બજાવીને બતાવી છે. શિક્ષકોની ભરતીમાં તો દારિદ્રય છે જ, પણ સ્કૂલોનું, વર્ગોનું દળદર પણ દૂર થતું નથી. કેટલી ય સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે, તો કેટલી ય સ્કૂલો એક જ વર્ગમાં ચાલે છે. સરકાર ગમે તેવી હશે, પણ તે પ્રમાણિક છે તે ખરું. શિક્ષણ વિભાગ જ વિધાનસભા ગૃહમાં જાહેર કરે છે કે રાજ્યમાં 327 સરકારી પ્રાથમિક શાળામાં એક જ ઓરડો છે. બડાશ એવી હાંકવામાં આવે છે કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, પણ એનું સાદું ગુજરાતી એવું થાય કે ગુજરાત હરણફાળ નહીં, પણ મરણફાળ ભરી રહ્યું છે.
327 પ્રાથમિક શાળાઓ એવી હોય જ્યાં એક જ ઓરડામાં સ્કૂલને બેસવાની શિક્ષણ વિભાગ ફરજ પાડે, તો તેને જુદી જુદી એ.સી. કેબિનોમાં બેસવાનો અધિકાર કેટલો તે વિચારવાનું રહે. આ સ્થિતિ સ્વીકારવાને બદલે વિભાગ એવો બચાવ કરે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પૂરતા નથી. તો, સવાલ એ થાય કે પૂરતા શિક્ષકો કોને લીધે નથી? વિદ્યાર્થીઓ નથી, તો પ્રવેશોત્સવ ઊજવીને, મંત્રીઓ ને ધારાસભ્યો ને સરકારી અધિકારીઓ ગામડે ગામડે ફરીને પ્રવેશ કોને અપાવે છે? ને કોઈ પણ સ્કૂલ એક જ ઓરડામાં સમાઈ જાય એટલી નાની કે સાંકડી કઈ રીતે હોય? એક બાજુ સ્માર્ટ ક્લાસની વાતો થતી હોય ને બીજી બાજુ સ્કૂલને બેસવા એક જ ઓરડો હોય એનો કોઈને સંકોચ જ ન હોય એ કેવું?
ઉપરથી સરકાર ઉમેરે છે કે ઓરડા માટે હજી વાટ જોવી પડશે. આગામી વર્ષોમાં તબક્કાવાર ઓરડા બનાવવામાં આવશે. સરસ, પણ ત્યાં સુધી શું? તેનો જવાબ નથી. ખરેખર તો યુદ્ધને ધોરણે વર્ગો તૈયાર કરાવવા જોઈએ, તેને બદલે સરકાર પૂરી ખંધાઈથી કહે છે કે આગામી વર્ષ, નહીં, વર્ષોમાં ઓરડા તબક્કાવાર બનાવાશે. આ તો શૈક્ષણિક અછતની, કેળવેલા દુકાળની વાતો થઈ, પણ જે શિક્ષકો સ્કૂલોમાં રખાય છે, એનો કેવોક ઉપયોગ થાય છે તે જોવા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ઉદાહરણ જ પૂરતું થઈ પડશે.
દેખીતું છે કે રાજ્યમાં જ શિક્ષકોની ઘટ હોય, તો સુરતની શિક્ષણ સમિતિમાં ન હોય એવું તો ન બને. આ ઘટ વચ્ચે શિક્ષકો બિનશૈક્ષણિક કામગીરીનો બોજ વેંઢારે તે ખાતર પર દિવેલ જ ને ! હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલે છે, એવામાં 700થી વધુ શિક્ષકોને પરીક્ષાની કામગીરી સોંપવામાં આવી છે. સમગ્ર શિક્ષામાં પણ 250થી 300 શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે. રમતોત્સવમાં 100 જેટલા શિક્ષકો રોકાયેલા છે. એ ઉપરાંત લગભગ દરેક શાળામાંથી ચાર-પાંચ શિક્ષકો વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે લાવવા લઈ જવાની કામગીરી કરે છે. આટલું ઓછું હોય તેમ RTEની કામગીરી માટે 65 શિક્ષકોની માંગ કરવામાં આવી છે. આ ત્રાસથી ગળે આવી જતાં યુનિયને ઉચિત રીતે જ તેનો વિરોધ નોંધાવ્યો. RTEની કામગીરીમાંથી શિક્ષકોને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં નહીં આવે તો તેવી કામગીરીના બહિષ્કારની ચીમકી યુનિયને આપી છે. એક તરફ ટેટ-ટાટ પાસ ઉમેદવારો નોકરીની આશામાં સુકાઈ રહ્યા છે ને બીજી તરફ શિક્ષકોની ઘટ છતાં, છે તે શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાં જોતરીને, વિદ્યાર્થીઓને ભણતરથી વંચિત કરવામાં આવી રહ્યા છે. આ આખા વેપલામાં વિદ્યાર્થીઓનો ક્યાં ય વિચાર પણ થતો નથી તે દુ:ખદ અને શરમજનક છે.
RTEની કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે એટલે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગરે શાસનાધિકારીને પત્ર લખ્યો છે. પત્રમાં એ ઉલ્લેખ પણ છે કે આ શિક્ષકોને ગયે વર્ષે પણ RTEની કામગીરી સોંપવામાં આવી હતી. RTEની કામગીરી લાંબો સમય ચાલનારી પ્રવૃત્તિ છે ને જ્યારે પરીક્ષાઓ નજીક હોય ત્યારે અભ્યાસક્રમ પૂરો કરવાનું વધારે જરૂરી છે. આ વાત શિક્ષણ સમિતિની ધ્યાન બહાર ન જ હોય, છતાં RTEની કામગીરી સોંપીને, સમિતિ, વિદ્યાર્થીઓનાં ભણતરને ભોગે શિક્ષકોને આવી પ્રવૃત્તિમાં જોતરે એ અક્ષમ્ય છે. શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં શિક્ષકોને જોતરવાની શિક્ષણ સમિતિને નવાઈ નથી. આ બધી કામગીરી શિક્ષિત બેકારોને સોંપવામાં આવે તો તેમને આવક થાય, પણ તેવું ન કરતાં શિક્ષકોને આવાં કામોમાં રોકીને, સમિતિ, પોતાને ‘શિક્ષણ સમિતિ’ તરીકે ઓળખાવે તેનું આશ્ચર્ય છે. ખરેખર તો સરકારે, સરકારી કામો માટેના શિક્ષકો અને શિક્ષણ માટેના શિક્ષકો એવી અલગ કેટેગરી ઊભી કરવાની જરૂર છે, જેથી વર્ગમાં ભણાવે તે પણ શિક્ષક હોય તેનો ખ્યાલ રહે. મહાસંઘે ઈતર પ્રવૃત્તિમાં શિક્ષકોને જોતરવા સંબંધી બહિષ્કારની ચીમકી આપી છે તે યોગ્ય જ છે. એ બહાને મહાસંઘને પણ બહાર આવવાનું થયું તે ય ઓછું નથી.
– તો, આ હાલત છે પ્રાથમિક શિક્ષણની ! શિક્ષણ વિભાગને શિક્ષણ કઈ રીતે હરણફાળ ભરતું લાગે છે તે એ જાણે, પણ ભાગ્યે જ કોઈ રાજ્યમાં શિક્ષણ આટલું કથળેલું હશે. શિક્ષણ વિભાગ ઘોરતો હોય એવું તો નથી, કારણ પોતાની પરિસ્થિતિનો ગૃહમાં ચિતાર તો શિક્ષણ વિભાગ જ આપે છે. એક જ શિક્ષકથી સ્કૂલો ચાલે છે કે એક જ ઓરડામાં સ્કૂલ ચાલે છે એવા અહેવાલો વિભાગ જ આપે છે. શિક્ષકો ખાઈબદેલા કે ખુશામતખોરો હશે, પગાર ઉપરાંતનો કારભાર પણ કરતા હશે, પણ મોટે ભાગના ભણાવવા માંગે છે ને તેમણે પરિપત્રો ને ડેટામાં ખોવાઈ જવું પડે છે તે બરાબર નથી. શિક્ષકે રસી પાવા જવું પડે છે, વસ્તી ગણતરી કરવા જવું પડે છે, મતદાનમાં બૂથ સાચવવું પડે છે, આદેશ થતાંમાં કોઈ સભામાં સ્કૂલને લઈને હાજર થવું પડે છે … આવું આવું તો ઘણું કરવું પડે છે. આ કામ શિક્ષકોએ કરવાનાં છે ને તે પણ બાળકોનું શિક્ષણ જોખમાય એ રીતે? આ યોગ્ય છે? અભણ માણસ પણ એને યોગ્ય નહીં ઠેરવે, તો શિક્ષિતોના રાજમા એ યોગ્ય કઈ રીતે હોય? ને છતાં એને સુધારવાનું નથી વિચારાતું. વિચારાતું હોત તો છતે શિક્ષકે ભરતી પૂરતી સંખ્યામાં થઈ હોત ! એક વિધાનસભ્યની સીટ ખાલી પડે તો તેની અલગ ચૂંટણી થાય છે, તો વર્ષોથી કાયમી શિક્ષકોની ભરતી ન થતી હોય તો કૈં નહીં કરવાનું? શિક્ષકો હોય ને તે વર્ગમાં ભણાવવા ન પામે તો તે છે શેને માટે?
શિક્ષણ પ્રદૂષણ તો ન હોયને ! હોય તો એ અટકવું જોઈએ ને કોઈ પણ ભોગે અટકવું જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 માર્ચ 2025