
રવીન્દ્ર પારેખ
આમ તો 2022ની વિધાનસભાની ચૂંટણી આવતી જ હતી, પણ સપ્ટેમ્બર, 2021માં મુખ્ય મંત્રી વિજય રૂપાણીને અને તેમની સરકારને બદલી કઢાયાં હતાં ને જે નવું મંત્રીમંડળ આવ્યું હતું, એમાં અગાઉના કોઈ મંત્રી રિપીટ થયા ન હતા. રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા ને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું સ્થાન જીતુ વાઘાણીએ લીધું હતું. એ પછી 56ની છાતી 2022ની ચૂંટણી બાદ 156ની થઈ. મુખ્ય મંત્રી તો ભૂપેન્દ્ર પટેલ જ રહ્યા, પણ શિક્ષણ મંત્રી વળી બદલાયા ને હાલમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા છે. ડિંડોર સાહેબે એટલું તો કર્યું કે ગુજરાતી વિષય 1થી 8માં ફરજિયાત થયો, પણ હજી ઘણું કરવાનું રહે છે. શિક્ષણ હાલ ખાનગીકરણ તરફ ધસી રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં 359 ખાનગી પ્રાથમિક શાળા અને 135 માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ છે. એમાં ગ્રાન્ટેડનું કોઈ સ્થાન નથી. એને કારણે નાનાં ગામડાઓમાં ચાલતી શાળાઓ બંધ પડી છે ને સ્થિતિ એવી છે કે એક લાખથી વધુ બાળકો તો શાળા સુધી જ પહોંચી શકયાં નથી.
વારુ, જ્યાં શિક્ષણ ચાલે છે ત્યાં અધિકારીઓ વાઇસરોયની ભૂમિકામાં છે ને કામ તઘલખી તુક્કાઓ પર ચાલે છે. સુરતની વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપશાસનાધિકારીએ 13/03/23ને રોજ તમામ શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓને ‘શાળાનાં સાંસ્કૃતિક / અભ્યાસિક / સહઅભ્યાસિક કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓને આમંત્રણ આપવા બાબત’ આવો પરિપત્ર મોકલ્યો : ‘જત ઉપરોક્ત વિષયનાં અનુસંધાનમાં જણાવવાનું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ઉજવવામાં આવતા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે અભ્યાસિક / સહઅભ્યાસિક કાર્યક્રમોમાં અત્રેની કચેરીનાં અધ્યક્ષ / ઉપાધ્યક્ષ / સભ્યશ્રી / તેમ જ જે-તે ઝોનનાં સભ્યશ્રી / અન્ય સભ્યશ્રી, સ્થાનિક પદાધિકારી / કોર્પોરેટરશ્રી / કાર્યકર્તાઓને શાળા કક્ષાએથી ફરજજિયાત આમંત્રણ પત્રિકા આપવી અને ટેલિફોનિક આમંત્રણ આપવાનું રહેશે. અને કાર્યક્રમમાં પ્રોટોકોલ જાળવવાનો રહેશે.’
આવો પરિપત્ર મુખ્ય શિક્ષકોને ઉદ્દેશીને કરાયો હોય એટલે વિવેકની અપેક્ષા તો કેમ રખાય ને આચાર્યો પણ છે તો ચિઠ્ઠીના ચાકર જ ! માણસને સ્વમાન પણ હોય એવું આચાર્યને ને એમના શિક્ષકોને ઓછું જ યાદ આવતું હોય છે એટલે મોટે ભાગે તો પરિપત્રોના જવાબ આપવામાં, વસતિ ગણતરી, ચૂંટણી, રસીકરણ જેવાં શિક્ષણેતર કામો કરવામાં, આંકડાઓ ભરીને પત્રકો મોકલવામાં જ નોકરી પૂરી થતી હોય છે. એવું નથી કે ભણાવાતું નથી, કોઈ કોઈ વાર ભણાવાય પણ છે. વળી કોઈ કાર્યક્રમ કરવો હોય તો સંસ્થાના હેડ તરીકે એક જમાનામાં આચાર્ય કોઈ નિષ્ણાત કે જાણકારને બોલાવીને માર્ગદર્શનનો કાર્યક્રમ પણ પાર પાડતા, ક્યારેક સમિતિના હોદ્દેદારો પણ બોલાવાતા ને એમની હાજરીમાં પણ વાર્ષિક કાર્યક્રમ કે ઈનામ વિતરણ જેવું થતું. રાજકારણીઓની પણ કોઈને બહુ છોછ ન હતી, કારણ ત્યારે એમની બહુ દખલ પણ ન હતી. હવે દખલ અસહ્ય રીતે વધી છે. બાકી હતું તે હવે આવો ફતવો બહાર પાડીને સામેથી આમંત્રણો ઉઘરાવવાનું ચાલુ થયું છે. તે પણ ફરજિયાત રીતે ! પોતાની સ્કૂલમાં કોને કોને બોલાવવા તે હવે આચાર્યનાં હાથમાં રહ્યું નથી, તે શિક્ષણ સમિતિ નક્કી કરે છે ને ઉપશાસનાધિકારી તેની યાદીનો પરિપત્ર મોકલે છે ને ફરજ પાડે છે કે આટલાને તો ઉજવણામાં બોલાવવા જ !
આપણે શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ કર્યો. એમાં રાજકારણીઓ એવા પ્રવેશ્યા કે જેમને માટે આ ઉત્સવ શરૂ થયો એ બાળકો બાજુએ રહી ગયાં. એમનો ઉપયોગ પધારેલા મહાનુભાવોની સરભરા પૂરતો જ રહી ગયો. હવે કોઈ પણ સૂચવાયેલા કાર્યક્રમોમાં સૂચવાયેલા અતિથિઓને મંચ આપવાનું, તેમની સરભરા કરવાનું ઉમેરાયું છે, એમાં બાળકો ને શિક્ષકો કે આચાર્યોનો રાજકીય પ્રચાર સિવાય બીજો કોઈ ઉપયોગ હોય એવું ઓછું જ છે. આ રીતે ધારો કે બધા જ મહાનુભાવોને બોલાવાય, આચાર્ય પટાવાળાની જેમ આમંત્રણ આપવા જાતે જાય, ફોન કરે, તો પણ ઘણા સજ્જનો એટલા નવરા હોય છે કે આવતા નથી. એવે વખતે વ્યવસ્થાના જે પ્રશ્નો થાય એનો તાગ શિક્ષણ સમિતિએ મેળવવા જેવો છે.
ઘણીવાર મહાનુભાવોનું આખું ધાડું સ્કૂલમાં ઊતરી પડતું હોય ને એમની વ્યવસ્થા કરવામાં જ સ્કૂલને પરસેવો વળી જતો હોય ને મહાનુભાવોનું સન્માન થાય કે તરતમાં જ એ હારતોરા કે શાલદુશાલા મંચ પરથી એવા ઊતરી જાય કે શોધ્યા ના જડે. કામ હોય કે ન હોય બધાં જ ચાલુ કાર્યક્રમે અલોપ થઈ જાય છે. એમને ખરેખર તો સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા અને બાળકોને પ્રોત્સાહિત કરવા આમંત્રણ અપાયું હોય છે, પણ લગભગ મંચ ખાલી થઈ જાય છે ને કાર્યક્રમ બતાવવા ઉત્સુક બાળકો મોં વકાસીને એકબીજાને જોતાં રહી જાય છે. આવાં પરિપત્ર બહાર પાડનાર સાહેબને એ સવાલ પણ નથી થતો કે આ યાદી પ્રમાણેનું ટોળું એકઠું કરવાની શાળાની ને આચાર્યની ક્ષમતા છે કે કેમ?
કોણ જાણે કેમ પણ આચાર્યોને આ ‘ફરજિયાત’ પરિપત્રની એલર્જી થઈ. એમણે અંદરોઅંદર એવું પણ નક્કી કર્યું કે આવાં ફરજિયાત તેડાં જ કરવાનાં હોય તો કાર્યક્રમો જ ન કરવા કે એકાદ કાર્યક્રમ કરીને બેસી રહેવું. પગાર તો ચાલુ રહેવાનો જ છે ! આ મિત્રો પગારનો પ્રશ્ન ન હોય તો યુનિયન જેવું બહુ કળાવા દેતા નથી. એમને પગાર નિમિત્તે જેટલા વિરોધ ઊઠે છે એટલા શિક્ષણનાં ધોરણ સંદર્ભે ઊઠતા નથી. એ રીતે આ બધા નિરુપદ્રવી છે. આચાર્યોમાં થોડી ચણભણ થઈ કે કેમ, પણ ઉપશાસનાધિકારીશ્રીએ એ જ તારીખમાં બીજો પરિપત્ર બહાર પાડ્યો જેમાં મૂળમાં ત્રણ ફેરફાર થયા. 1. ‘ફરજિયાત’ શબ્દ દૂર કરાયો. 2. ‘કાર્યકર્તાઓ’ શબ્દ રદ્દ થયો અને 3. મૂળમાં ‘કોર્પોરેટરશ્રી’ હતું, તેનું બહુવચન ‘કોર્પોરેટરશ્રીઓ’ એમ થયું. ‘ફરજિયાત‘ શબ્દ દૂર થયો, પણ આદેશ તો જેમનો તેમ જ છે તે ‘જાણ કરવાની રહેશે’, તેમ જ ‘પ્રોટોકોલ જાળવવાનો રહેશે’ પરથી સમજી શકાય એમ છે. સુધારેલા પરિપત્રમાં પણ આમંત્રણ માંગવાની ભૂખ તો ‘કાર્યકર્તાઓ’ પૂરતી જ ઓછી થઈ છે.
સાધારણ રીતે તો આચાર્ય કોઈ કાર્યક્રમ શાળામાં યોજે ત્યારે સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને અન્ય અધિકારીઓને, કૈં નહીં તો લોકલાજે પણ બોલાવતા હોય છે, પછી પણ શાળાના કાર્યક્રમમાં હાજર રહેવાની આટલી ઉત્કંઠા કેમ રહેતી હશે તે નથી સમજાતું. શિક્ષણ સમિતિના અધ્યક્ષને ‘ફરજિયાત’ (પરિપત્ર) સંદર્ભે એક ચેનલે પૂછ્યું તો સાહેબે રીઢા જવાબો આપ્યા ને પરિપત્ર બતાવાયો છતાં તે જોયા વગર જ ‘ફરજિયાત‘ જેવું કશું હોય જ નહીં એવો રાગ આલાપ્યા કર્યો. ખરેખર તો સમિતિએ પરિપત્રો અને ડેટાની જટાજાળમાંથી આચાર્યોને બહાર કાઢવાની જરૂર છે. કેટલી ય સ્કૂલોમાં ગણવેશ, પાઠ્યપુસ્તકો, ભોજન વગેરેના પ્રશ્નો મહિનાઓ સુધી ઉકલતા નથી. એ ઉકેલ જડશે, જો પરિપત્રો ઓછા થશે તો ! સમિતિ અને આચાર્યો એમાંથી બહાર નીકળશે તો બંને પક્ષે કારકૂની પણ ઘટશે. જો કે, સાહેબોને મોકળાશ રહેતી હશે, નહિતર એક જ તારીખમાં બબ્બે પરિપત્રો કાઢવાનું મુશ્કેલ છે.
આમ તો આખી સરકાર, બદલાતી સરકારની જેમ જ નિર્ણયો બદલતી રહે છે. તે એટલે કે નાની નાની બાબતોમાં સરકાર દખલ બહુ કરે છે. અંબાજીના મંદિરમાં મોહનથાળનું ચીકીકરણ કરવાની સરકારને એવી ચાનક ચડી કે પછી મોહનથાળને લાવ્યા વગર છૂટકો ન થયો. એક તરફ ચીકીનો ફતવો બહાર પાડ્યો ને બીજે જ દિવસે મોહનથાળ મંજૂર રાખવો પડ્યો. સરકારની આવી દખલ ઘટે તો બીજા થોડાં કામ થશે, નહિતર કામ બધાં, મીડિયામાં જાત જાહેરાતો પૂરતાં જ સીમિત થઈ રહેશે. પ્રજાને જાણીને આનંદ થશે કે સરકારશ્રીનો મીડિયામાં મોઢાં બતાવવાનો ખર્ચ સોળ મહિનાનો 988.58 લાખ રૂપિયા થયો છે. બીજું કૈં કામ થાય કે ન થાય, પણ સરકાર પોતાને મીડિયામાં બતાવવા પાછળ આટલો ખર્ચ કરે છે, એ પણ વિકાસનો જ ભાગ છે.
કમાલ એ છે કે શિક્ષણનું નાહી નાખવા જેવું થયું છે, પણ વિકાસ અટકતો નથી.
એ સારું થયું કે ગુજરાતી કાગળ પર ફરજિયાત તો થયું, પણ વાસ્તવિકતા શરમાવનારી છે. વરસે દસેક લાખ વિદ્યાર્થીઓ 10માંની પરીક્ષા આપતા હોય છે, તેમાંથી દોઢ બે લાખ જેટલા તો ગુજરાતીમાં જ નાપાસ થાય છે. ગુજરાતમાં માતૃભાષા ગુજરાતી છે, ત્યાં આ આંકડાની આપણને નાનમ લાગતી નથી. આ તો વિદ્યાર્થીઓની વાત થઈ, પણ શિક્ષણ વિભાગની સ્થિતિ કેવી છે? આ વખતે ગુજરાતી માધ્યમની ગુજરાતી વિષયની પરીક્ષા 14 માર્ચે હતી, જેમાં પેપર સેટરે ભાંગરો વાટ્યો. બરકત વિરાણી ’બેફામ’ની પંક્તિઓ ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી’ અન્ય કવિને નામે ચડાવીને એમ પુછાયું કે એમાં રઈશ મણિયાર શું કહેવા માંગે છે? આવા (અ)ખતરામાં જેની કવિતા છે તેની ઉપેક્ષા તો થાય જ છે, પણ જેની નથી તેને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકવા જેવું પણ થાય છે. એ સાથે જ જે વિદ્યાર્થી જાણતો હોય કે આ પંક્તિઓ ‘બેફામ’ની છે, તે રઈશ મણિયારનું નામ, એ પંક્તિને લાગેલું જોતાં, એ વાતે મૂંઝાય છે કે પોતાને છે એટલી ખબર પણ પેપર સેટરને કેમ નથી? ખરેખર તો આ પંક્તિ ‘બેફામ’ની ગઝલની પંક્તિઓ છે. એ મુક્તક પણ નથી ને ‘મુક્તક’ એટલે શું? એ સવાલની સાથે જોડીને આ પ્રશ્ન પુછાયો છે.
આ ઉપરાંત એ જ પ્રશ્નપત્રના 26માં પ્રશ્નમાં જોડકું જોડો(કે બનાવો?)-માં કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર પૂછવાને બદલે, પુસ્તકનાં નામ મૂકી દેતાં વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી, કારણ એ પરિરૂપની બહારનો પ્રશ્ન હતો. આ ઉપરાંત ’દુકાનદાર’ને બદલે ‘દુકાન દાર’, ‘આપદા ની પડવી’, ને બદલે ‘આપદાની પડવી’, ‘વર્ષાઋતુ’ને બદલે ‘વર્ષાઋુતુ’, ‘પ્રતીક’ને બદલે ‘પ્રતિક’, ‘કૃષ્ણ વિરહને’ બદલે ‘કૃષ્ણ વિરહ ને’ ‘પ્રવૃત્તિ’ ને બદલે ‘પ્રવૃતિ’, ‘હાનિકારક’ને બદલે ‘હાનીકારક’ જેવી જોડણીની ભૂલો રહી જવા પામી છે. વિદ્યાર્થીઓને સાચી જોડણીના પ્રશ્નો પુછાતા હોય ને તે ન આવડે તો માર્ક કપાતા હોય છે તો ગુજરાતીના પ્રશ્નપત્રમાં આટલી બેદરકારી કઇ રીતે ક્ષમ્ય છે? એને માટે સૌથી વધુ જવાબદાર ગુજરાતનો શિક્ષણ વિભાગ છે. ભાષા બાબતે તો શિક્ષણ વિભાગ જવાબદાર છે જ, વહીવટ બાબતે પણ તેની ગુનાહિત ઉદાસીનતા માફીને પાત્ર ન હોય ત્યારે થાય કે ગુજરાતની આખી સરકાર બદલી કઢાતી હોય તો આ શિક્ષણ વિભાગને કેમ કોઈ આંગળી અડાડી શકતું નથી?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 માર્ચ 2023