યુનાઇટેડ કિંગ્ડમનું આ વલણ વેક્સિન ડિપ્લોમસીની એક ચાલ હતું જેમાં માત્ર ભારતને નહીં એવા તમામ રાષ્ટ્રોને ભોગવવાનું હતું જ્યાં કોવિશીલ્ડના ડોઝ મોકલાયા છે અને તેનો ઉપયોગ થયો છે
તાજેતરમાં જ યુનાઇટેડ કિંગ્ડમની જાહેરાતને પગલે હોબાળો થઇ ગયો. યુ.કે.એ પોતાના દેશમાં આવનારા બીજા રાષ્ટ્રના નાગરિકો માટે ગાઇડલાઇનની જાહેરાત કરી. યુ.કે. દ્વારા ટ્રાફિક લાઇટ એટલે કે લાલ, લીલી અને પીળી એમ ત્રણ કેટેગરીમાં કયા રાષ્ટ્રોને પ્રવેશ આપવો અને ન આપવોની નીતિ નક્કી કરાઇ હતી, અને ઑક્ટોબરમાં, આ નિયમોમાં ફેરફાર કરવાનું નક્કી થયું. આ નિયમો અનુસાર પીળી એટલે કે એમ્બર સિગ્નલ મળેલા દેશોની લિસ્ટને ગ્રીન સિગ્નલ મળેલા દેશોના લિસ્ટ સાથે ભેળવી દેવાની વાત હતી અને રેડ સિગ્નલ મળ્યું હોય તેવા દેશોને અલગ રાખવાના. આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવાના હેતુથી યુ.કે. સરકાર આ ગડમથલમાં હતી. નવા નિયમો અનુસાર રાષ્ટ્રોના વેક્સિનેશન સ્ટેટસને આધારે ત્યાંના નાગરિકોને વિઝા આપવો કે નહીં તે નક્કી કરવામાં આવશે તેમ અનુસરવાનું નક્કી થયું. પણ વેક્સિનને મામલે યુ.કે.એ જે જાહેરાત કરી તેનાથી હોબાળો થઇ ગયો અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર અણધાર્યું દબાણ આવી ગયું.
યુ.કે.એ જાહેરાત કરી કે જેમને ડબલ ડોઝ વેક્સિનના બન્ને શોટ્સ મળ્યા છે, જેમાં ઓક્સફોર્ડની એસ્ટ્રાઝેનેકા, ફાઇઝર બાયોટેક અથવા મોડર્નાનો સમાવેશ થાય છે અથવા તો જેસન વેક્સિનનો સિંગલ શોટ મળ્યો છે તેમને પૂરેપૂરા વેક્સિનેટેડ માનવામાં આવશે. ડિપાર્ચરના ૧૪ દિવસ પહેલાં પૂરું વેક્સિનેશન થયું હોવાની સાબિતી આપી શકે તેવા નાગરિકોને યુ.કે. જતાં પહેલાં કોવિડ-૧૯નો ટેસ્ટ નહીં કરાવવો પડે અને તેમને ક્વોરેન્ટિન પણ નહીં થવું પડે એવી જાહેરાત પણ થઇ. પરંતુ યુ.કે.એ જેને માન્યતા નથી આપી તેવા વેક્સિન લેનારા નાગરિકોએ મુસાફરીના ત્રણ દિવસ પહેલાં કોવિડ-૧૯ ટેસ્ટ લેવો પડશે અને અને મુસાફરી પછી ૧૦ દિવસ સુધી ક્વોરેન્ટિન પણ થવું પડશે અને તે દરમિયાન પણ અમુક દિવસના અંતરે કોવિડ-૧૯નો ટેસ્ટ લેવો પડશે. આ જાહેરાતમાં બ્રિટને ભારત સાથે ભેદભાવ કર્યા હોવાની ચર્ચા છેડાઇ કારણ કે બ્રિટનના આ નિયમો અનુસાર જેણે પણ કોવિશીલ્ડ વેક્સિન લીધી હોય તેને અન-વેક્સિનેટેડ ગણવામાં આવશે તેવી વાત કરાઇ.
કોવિશીલ્ડ વળી યુ.કે.ના ઑક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાનું જ ભારતીય વર્ઝન છે પણ છતાં ય આ ભેદભાવની નીતિને કારણે સરકારથી માંડીને આમ જનતામાં રોષ ભભૂકી ઊઠ્યો. ભારતના સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પૂણે પ્લાન્ટમાં એસ્ટ્રાઝેનેકાના ભારતીય વર્ઝનનું ઉત્પાદન થયું છે છતાં ય ભારતને યુ.કે.એ વેક્સિનનું બહાનું કરી માન્ય રાષ્ટ્રોની યાદીમાંથી બહાર રાખ્યો. આ વર્ષની શરૂઆતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તરફથી યુ.કે.ને મોકલવાના ૧૦ મિલિયન એસ્ટ્રાઝેનેકાના ડોઝમાંથી પાંચ મિલિયન તો મોકલવામાં પણ આવ્યા. (આ લખાઇ રહ્યું છે ત્યારે જાહેરાત બદલાઇ ચૂકી છે, તેની વાત આગળ ઉપર કરીએ, પણ મુદ્દો પહેલેથી સમજવો રહ્યો.)
યુ.કે.ના આ વલણથી છંછેડાયેલા ભારતે ‘રેસિપ્રોકલ મેઝર્સ’ એટલે કે પ્રત્યાઘાતી પગલાં લેવાની જાહેરાત કરી. સોશ્યલ મીડિયા પર અંગ્રેજોની ભેદભાવ ભરી નીતિને લઇને ભારે માછલાં ધોવાયાં. શશી થરૂર અને જયરામ રમેશ જેવા પૂર્વ યુનિયન મિનીસ્ટર્સે તો આમાં રંગભેદનો ખેલ હોવાનો આરોપ પણ મૂક્યો. એમાં પાછી એવી વાત આવી કે એસ્ટ્રાઝેનેકા અને કોવિશીલ્ડ સરખાં છે પણ એક બીજાની ખોટ પૂરે એટલે કે એક હોય તો તેની બદલે બીજું ચાલી જાય તેવા નથી કારણ કે તે બે અલગ સાઇટ પર બનાવવામાં આવ્યા છે. યુ.કે.ની મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી – એમ.એચ.આર.એ. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની જે વેક્સિન્સને માન્યતા આપી હતી, તેને યુરોપિયન મેડિસિન એજન્સી – ઇ.એમ.એ. શા માટે માન્યતા નથી આપીનો સવાલ પણ ખડો થયો. ડબલ્યુ.એચ.ઓ.એ પણ કોવિશીલ્ડને વૈશ્વિક માન્યતા આપેલી છે તો પછી યુ.કે.ના આવા વલણમાં વેક્સિન ડિપ્લોમસી, ભેદભાવ અને વારાતારા શા માટે? બીજા દેશો જ્યાં કોવિશીલ્ડ વેક્સિન અપાઇ છે. તેમની સાથે પણ આમ જ થવાનું હતું કે તેમને અન-વેક્સિનેટેડ ગણવામાં આવે. સિરમ ઇન્સ્ટિટ્યૂટના આદર પૂનાવાલાએ જુલાઇમાં કહ્યું હતું કે તેઓ ઇ.એમ.એ.ની માન્યતા મળે તેની રાહ જોઇ રહ્યા છે પણ તેની પર આજ સુધી કોઇ સ્પષ્ટતા કે સમાચાર નથી આવ્યા. યુ.કે.ના ડ્રગ ચોકીદાર ગણાતા ઇ એમ એ. તરફથી માન્યતા ન આવી એટલે કોવિશીલ્ડની સાથે ઓરમાયું વર્તન થયું.
ભારતના વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રુંગલાએ પણ મંગળવારે યુ.કે. સરકારના આ વલણની આકરી ટીકા કરી. ભારતના દબાણને વશ થઇને આખરે યુ.કે.એ ભારતીય વેક્સિન વિશેની પોતાની માર્ગદર્શિકા બદલી નાખી. બુધવારે સાંજ સુધીમાં તેમણે ચોખવટ કરી કે કોવિશીલ્ડ વેક્સિન લેનારાને પણ યુ.કે.માં પ્રવેશ મળશે, પણ તેમણે ત્યાં પહોંચીને ક્વોરેન્ટિન પિરિયડ પૂરો કરવો પડશે. આ બધાં પરિવર્તનો કર્યાં ખરા, પણ યુ.કે. સરકાર માટે તેનો જવાબ આપવો જરૂરી હતો કે તેમને આખરે વાંધો ક્યાં હતો. તેમણે કહ્યું કે તેમને વેક્સિન સામે નહીં પણ વેક્સિનના સર્ટિફિકેટ સામે વાંધો હતો (ના, સર્ટિફિકેટ પરના ફોટાવાળો જોક યાદ કરીને એને સાચું માની લેવાની ગફલત ન કરતાં). બ્રિટનને કો-વિન સામે વાંધો છે, કોવિશીલ્ડ સામે નહીં. તેઓ કો-વિનના સર્ટિફિકેશનને માન્યતા આપવાને મામલે ચોક્કસ નથી. આ અંગે બન્ને સરકારો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. વળી યુ.કે. દ્વારા આવા વાંધાવચકા પહેલીવાર ઊભા કરાયા છે એવું નથી. યુરોપિયન યુનિયન – ઇ.યુ.એ. આ વર્ષની શરૂઆતમાં પણ સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદીત કોવિશીલ્ડને ઑક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાના લાઇસન્સની અંડર જ રાખવામાં આવી હતી. માત્ર ચાર જ વેક્સિનને માન્યતા આપવાની જાહેર કરી યુ.કે. માટે સાપે છંછુદર ગળ્યા જેવી સ્થિતિ થઇ અને પછી તેમણે વિરોધને પગલે પોતાના નિયમોમાં ફેરફાર કર્યા.
સમયાંતરે ઑસ્ટ્રીયા, સ્લોવેનિયા, જર્મની, ગ્રીસ, આઇસલેન્ડ, આયરલેન્ડ, સ્પેઇન, ઇસ્ટોનિયા, સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જીયમ, ફ્રાંસ, હંગેરી, રોમાનિયા, સ્વીડન, ક્રોએશિયા, ફિનલેન્ડ , નેધરલેન્ડ્ઝ જેવા અઢાર યુરોપિયન દેશોએ કોવિશીલ્ડના વેક્સિનેશનને માન્યતા આપેલી છે.
બાય ધી વેઃ
યુ.કે.નું આ વલણ વેક્સિન ડિપ્લોમસીની એક ચાલ હતું, જેમાં માત્ર ભારતને નહીં એવા તમામ રાષ્ટ્રોને ભોગવવાનું હતું જ્યાં કોવિશીલ્ડના ડોઝ મોકલાયા છે અને તેનો ઉપયોગ થયો છે. યુ,કે,ની દાનત ભારતનું સ્થાન નબળું કરવાની હતી કે પછી હાંસિયામાં ધકેલીને આછકલાઇ ભર્યું શક્તિ પ્રદર્શન કરવાનો વિચાર હતો? આ સવાલનો જવાબ યુ.કે. સત્તાધીશોની દાનત માત્ર આપી શકે. કો-વિનના સર્ટિફિકેશનને માન્યતા આપવાને મામલે હજી અલકચલાણું ચાલે છે ત્યારે આ લેખ તમારા સુધી પહોંચે ત્યારે બાજીમાં શું ફેરફાર આવ્યા તે જોવું રહ્યું.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 સપ્ટેમ્બર 2021