Opinion Magazine
Number of visits: 9446992
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગિરીશ ફિનોમિના

મકરન્દ મહેતા|Samantar Gujarat - Samantar|4 November 2018

આજના ધોધમાર પાણીના પ્રવાહની જેમ ઊછળી રહેલા વૈશ્વિકીકરણ અને ખાનગીકરણના માહોલમાં, ‘સ્વરાજની બાકીની લડાઈ’ માટે સદ્‌ગત ગિરીશભાઈ ઉપરાંત તેમને ઘડનાર બૌદ્ધિક અને નૈતિક મૂલ્યોને, એટલે કે ‘ગિરીશ ફિનોમિના’ને શોધવો જરૂરી છે. ગિરીશભાઈ, અક્ષુભાઈ (એ.આર. દેસાઈ), મગનભાઈ દેસાઈ કે રાવજીભાઈ પટેલ (મોટા) અને ચંદ્રકાન્ત દરુ જેવા વિવિધ વિચારસરણીઓ ધરાવતા હોવા છતાં સમાનતા અને માનવતાવાદી ઉપરાંત વૈજ્ઞાનિક, સેક્યુલર અને રેશનલ અભિગમને વરેલા ‘ક્રાંતિકારી બંડખોરો’ હવે ક્યાં બહુ નજરે ચડે છે?! વળી, જ્યાં આજે ધર્મ અને અધ્યાત્મને કેન્દ્રમાં રાખીને પૈસો ઊછળી રહ્યો છે અને ભૂખ્યાંજનોને અવગણીને વિકાસ થઈ રહ્યો છે, તેનો સામનો કરીને ન્યાયી વ્યવસ્થા સ્થાપવા માટે તો એકલદોકલ ગિરીશભાઈ, મગનભાઈ અક્ષુભાઈ, મોટા કે દરુ જેવા નેતાઓની જ નહીં, પણ લાખો લોકોના બનેલા પ્રચંડ સંઘબળની જરૂર પડવાની છે. તેને માટે ગિરીશ ફિનોમિનાને પુનર્જીવિત કરવાની જરૂર છે, આપણે જ આપણને શોધવાની આ વાત છે.

આ સંદર્ભમાં ‘નિરીક્ષક’ના તા. ૧૬-૧૦-૨૦૧૮ના અંકમાં, પહેલા પાન પર, પ્રકાશ ન. શાહે  ‘આપણા સૌના ગિરીશભાઈ : સ્વરાજની બાકી લડાઈ’માં ગિરીશભાઈની કામગીરીના સંદર્ભમાં ખૂબ મહત્ત્વની વાત કરી છે. તેમણે લખ્યું છે : ‘ચૂંટણીઓ તો આવશે ને જશે. સરકારો રચાશે, વળી બદલાશે : કેટલાંક કાલચક્ર ફર્યાં કરશે. ગાંધીયુગમાં જે એક મેળ પડી શકતો હતો, તે રચનાત્મક રાજનીતિનો : એવું કંઈક જો નહીં બને, તો જનતાના વાસ્તવિક પ્રશ્નોથી આપણું રાજકારણ ઉત્તરોત્તર વધુ દૂર, વિમુખ થતું જશે.’ ત્યાર પછી પ્રસિદ્ધ થયેલો ગિરીશભાઈનો લેખ (જે તેમના જુલાઈ ૨૦૦૯ના વ્યાખ્યાન ઉપર આધારિત છે.) ‘વો સુબહ કભી તો આયેગી’ વાંચવા તેમ જ મનન કરવાલાયક છે. તેમાં ગિરીશભાઈએ એમનાં ‘બે અરસપરસ વિરોધી સ્વજનો’ની વાત કરી છે; એક સ્વજન ગાંધીજીની ગરીબો અને વંચિતોનાં આંસુ લૂછવાની ઝંખના અને બીજું સ્વજન કોકાકોલા, પેપ્સી અને બિસલેરીના પાણીને બદલે ગરીબો માટે ‘અનાજપાણી’, બાજરી કે જુવારનો રોટલો ખડું કરવાની તમન્ના. ગિરીશભાઈને એ વાતનું દુઃખ છે કે તેમને ભાગે સમાજના મૂઠીભર વર્ગ દ્વારા લાખો-કરોડો વંચિતોનું શોષણ જોવાનો વારો આવ્યો. પણ ‘હું સાથે-સાથે એ આશા સાથે જીવીશ કે નવા ભારત, સમાજ અને માનવી માટેનો સંઘર્ષ અને આગેકૂચ ઓર મજબૂત બને અને તે સંઘર્ષ અને આગેકૂચમાં હું હંમેશાં સાથે રહીશ. ગિરીશભાઈનો આવા આશાવાદ ‘વો સુબહ કભી તો આયેગી’ જેવા ઉદ્‌ગારો સાથે સંકળાયો છે. તેને માટે તેમણે સતત અને જલદ લોક-આંદોલનો ઉપાડવાની વાત કરી છે.’

તા. ૧૮મી ઑક્ટોબરના રોજ જ્યારે સેક્યુલર લોકશાહી આંદોલનના ઉપક્રમે, ગિરીશભાઈ સાથેનાં સ્મરણોની વાતો કરવા મિત્રો ભેગા થયા, તે સમયે મેં મારા અનુભવો કહ્યા હતા કે આજનાં માહોલમાં ગિરીશભાઈને સમજવામાં તેમને ઘડનારાં રાજકીય, બૌદ્ધિક, આર્થિક, સામાજિક અને નૈતિક પરિબળોને સમજવા અત્યંત જરૂરી છે. હું જ્યારે ૧૯૫૫માં સર એલ.એ. શાહ લૉ કૉલેજમાં આટ્‌ર્સ સેકશનમાં ઇતિહાસના લેકચરર તરીકે જોડાયો, ત્યારે હું તદ્દન નવો નિશાળિયો હતો અને લેકચર આપતાં – આપતાં ધ્રૂજી જતો હતો. તે વખતે ગિરીશ પટેલ, સત્યમ્‌ પટેલ, બિપિન  પરીખ, નિરંજના પરીખ અને મધુકર ધ્રુવ લૉ કૉલેજનાં વિદ્યાર્થીઓ હતાં અને હું લૉ કૉલેજની હૉસ્ટેલમાં રહેતો હોવાથી બધાને સહેલાઈથી મળી શકતો. જયેશ દેસાઈ, નિરંજન ભગત, જાફરહુસેન લાલીવાલા, એસ.આર. ભટ્ટ વગેરે તે સમયે આટ્‌ર્સ કૉલેજના અધ્યાપકો હતા. લૉ કૉલેજના પ્રિન્સિપાલ એમ.એમ. ઠાકોર હતા. એમ.એમ. પઠાણ વાઇસ પ્રિન્સિપાલ. ચંદ્રાકાન્ત દરુ, ઇન્દ્રવદન નાણાવટી જેવા લૉ કૉલેજના પ્રોફેસરોનો વટ પડી જતો. તે સમયે થતાં વ્યાખ્યાનોમાં (જેમ કે મોતીલાલ સેતલવાડનું અને આચાર્ય જે.બી. કૃપાલાનીનું) વિદ્યાર્થી ગિરીશ જરૂર હાજર હોય. તે સમયે રાષ્ટ્રીય સ્તર પર ભારતની આઝાદીની ચળવળ ઉપરાંત ગાંધીજી, જવાહરલાલ નેહરુ, રામમનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ, ડૉ. આંબેડકર ઉપરાંત કાર્લ માર્ક્સ અને ‘નેહરુવિયન સોશિયાલિઝમ’ની વાતો અને ચર્ચાઓ ઉગ્ર રીતે થતી. અમદાવાદ જેવા ધનિક નગરમાં જે ગંભીર રીતે ઉપયોગી વિષયો પર ચર્ચાઓ થતી, તેમાં મેં કેટલીક વખત સત્યમ્ ‌પટેલ, ગિરીશ પટેલ, લાલીવાલા, જેવા નવયુવાનોને એસ.આર. ભટ્ટ, ઇન્દ્રવદન નાણાવટી, યશવંત શુક્લ, પુરુષોત્તમ માવલંકર અને સી.ટી. દરુ જેવા પ્રોફેસરો સાથે ચર્ચામાં ભાગ લેતા પ્રશ્નો પૂછતા અને વ્યાખ્યાનો આપતા જોયા હતા. મુદ્દો એ છે કે ગિરીશભાઈએ ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓની પ્રગતિશીલ આબોહવા મળી હતી.

અમદાવાદની પોળમાં ૧૯૩૨માં જન્મેલા ગિરીશભાઈ તે સમયે બ્રાઇટ સ્ટુડન્ટ હોવા છતાં પ્રકૃતિથી શરમાળ જણાતા હતા. જો કે ફાફડા, જલેબી અને ભજિયાં ખાવામાં કોઈનાથી પણ પાછળ પડતા ન હતા. અમે ઘણા મિત્રો ‘બડાશ’ હાંકતા. ગિરીશભાઈ ફાફડા ખાતાં ખાતાં અને સત્યમ્‌ સાથે મરકમરક હસતા હતા. મિત્રો સાથે અટ્ટહાસ્ય કરતા મેં તેમને જોયા છે. શુષ્ક નહીં ઝિંદાદિલ હતા! ફિલ્મો અને ફિલ્મીસંગીતના રસિયા! સત્યમ્‌ પટેલ જો જીવતા હોત, તો તેઓ આ વાત ‘મસ્તી’થી કહી શકત. બંને વિદ્યાર્થીઓ નેહરુ ઉપરાંત જયપ્રકાશ અને અશોક મહેતાથી પ્રભાવિત હોવાથી તેમને વિશે વાતો કરતા. લૉ કૉલેજની હૉસ્ટેલમાં પણ થાય.

૧૯૬૩ના અંતમાં હું અમેરિકા ગયો અને ત્યારથી મારો ગિરીશભાઈ સાથેનો સંબંધ લુપ્ત થયો. ત્યાર પછી જાહેર મિટિંગો અને વ્યાખ્યાનોમાં મળવાનું થતું. તેઓ વંચિતો તરફની ફિલસૂફી અને તેની પ્રૅક્ટિસ દ્વારા લોકહૃદયમાં છવાતા જ ગયા. હું ઇતિહાસ લખતો રહ્યો અને ગિરીશભાઈ ઇતિહાસ રચતા રહ્યા, લડતો લડ્યા અને જનતાના હૃદયમાં વસી ગયા. ત્યાર પછી વર્ષો બાદ જ્યારે મેં અમદાવાદની પોળોનો ઇતિહાસ લખવો શરૂ કર્યો ત્યારે મારી મેમરીમાં ગિરીશભાઈ એકદમ સાજા થયા. મેં એમને ફોન કરતાં જ તેમણે તેમના ઘરનું ઍડ્રેસ આપ્યું. હું તેમને અને તેમનાં કુટુંબીજનોને તા. ૯ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ મળ્યો, અને મેં ગુજરાત સમાચારમાં ૨૧ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ લેખ છાપ્યો. ગિરીશભાઈએ વાત માંડતાં મને કહ્યું.

‘હું ૧૯૩૨માં જન્મથી ૧૯૬૪ સુધી બત્રીસ વર્ષ લાખિયાની પોળમાં રહ્યો. અમારી પોળમાં મધ્યમવર્ગના વિવિધ વ્યવસાયો ધરાવતા માણસો હોવાથી અમારી જ્ઞાતિઓ અલગ હોવા છતાં અમારામાં એકસૂત્રતા હતી. વળી, અમારું ખાડિયા એટલે તો રાજકીય દૃષ્ટિએ એકદમ ઉદ્દામવાદી પ્રવૃત્તિઓનો ગઢ! અંગ્રેજો સામેની લડતમાં ગુજરાતમાં ખાડિયાનું સ્થાન મોખરાનું હતું. મારા શરૂઆતના જીવનમાં માતાપિતા ઉપરાંત ખાડિયાનું મોટું પ્રદાન છે.’

ગિરીશભાઈ મારા કરતાં ઉંમરના દોઢ વર્ષ નાના હતા. મેં ગિરીશભાઈને પૂછ્યું : ‘આજના વિદ્યાર્થીઓ વિશે તમે શું માનો છો? તેમણે કહ્યું : ‘આપણા વખતમાં હતું એવું હવે નથી રહ્યું. આજનું કલ્ચર કમ્પ્યૂટરનું છે અને કમ્પ્યૂટર તથા મોબાઇલધારીઓ સાથે ખૂબ સમભાવ અને મિત્રાચારીભરી રીતે વાતો કરવાની જરૂર છે. જો કે અસંખ્ય ગરીબો તેમનાં બાળકોને પ્રાયમરી અને સેકન્ડરી ધોરણો સુધી માંડ ભણાવી શકે છે. તેમણે ઉમેર્યું : ‘મારા સમયમાં લાખિયાની પોળમાં ઇલેક્ટ્રિક લાઇટો ન હોવાથી ગોપાળકૃષ્ણ ગોખલેની જેમ હું કેરોસીનથી ચાલતાં ફાનસ તથા દિવેલનાં કોડિયાના પ્રકાશથી વાંચતો હતો. પણ મારી મહત્ત્વાકાંક્ષા અને ધગશ તીવ્ર હોવાથી હું ૧૯૪૯માં મેટ્રિકમાં અમદાવાદ સેન્ટરમાં પહેલે નંબરે, ત્યાર પછી એલ.એલ.બી. અને ૧૯૬૨માં હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી એલ.એલ.એમ. કર્યું. મારી પાસે પૈસા ક્યાંથી હોય? પણ યુનિવર્સિટીને સાદો કાગળ લખીને મારી લાયકાતો અને જીવનની ઇચ્છાઓ જણાવી. મને ફેલોશિપ મળી અને હું ભણવા ગયો. મારામાં હવે ગરીબો અને વંચિતોના શિક્ષણ અને તેમના અધિકારો માટે લડવાની શક્તિ આવી. પણ તેનો ખરો યશ તો ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં અમદાવાદ નગરમાં ખીલેલા ઉદ્દામવાદી વિચારો તેમ જ મેં કેળવેલા રેફરન્સગ્રુપને જાય છે. આજે આવું ક્યાં રહ્યું છે ? આવાં મૂલ્યો આજે આપણને શું દેખાય છે?’

મેં છેવટે ગિરીશભાઈને પ્રશ્ન પૂછ્યો : “આજનો માહોલ તમને કેવો લાગે છે?”

ગિરીશભાઈ : આજે અમદાવાદ અને ગુજરાતમાં શું નથી?! ગગનચુંબી ઇમારતો, મંદિરો, મિનારા અને ઝુમ્મરો, કમ્પ્યુટર્સ અને મોબાઇલ એમ બધું જ છે. અમારા સમયમાં તો રેડિયો પણ લક્‌ઝરી ગણાતો. આમ છતાં તે સમયના મધ્યમવર્ગ ઉપર ગાંધી, નેહરુ, પટેલ, મૌલાના, જયપ્રકાશ, લોહિયા અને રવિશંકર મહારાજથી માંડીને કાર્લ માર્ક્સ જેવા ક્રાંતિકારી વિચારકોનો પ્રભાવ હતો. કાર્લ માર્ક્સ અને ગાંધીજીની ફિલોસોફી વચ્ચે ઘણું બધું સામ્ય, પણ મને માર્ક્સની લોહિયાળ હિંસા ના ગમે, તેથી હું ડેમોક્રેટિક સોશિયાલિઝમમાં અનન્ય શ્રદ્ધા ધરાવતો થયો.

ગિરીશભાઈએ ઉમેર્યું : ‘મધ્યમવર્ગની એક ચોક્કસ જીવનશૈલી હતી, તેની ફિલોસૉફી હતી. સુખદુઃખમાં સહુ સાથે હતા, કૉમન શેરિંગ હતું. આજે વાઇબ્રન્ટ ગુજરાત ઝળાંહળાં થઈ રહ્યું છે અને મધ્યમવર્ગ ફૂલીફાલીને સમૃદ્ધ થયો છે. પણ હવે પહેલાંની જેમ મધ્યમવર્ગના બૌદ્ધિકો ગરીબોના ભણતર, તેમના રહેઠાણ અને આરોગ્યની ચર્ચા નથી કરતા. પહેલાંનો મધ્યમવર્ગ વંચિતો તરફ હતો અને તેને માટે સંગઠિત સ્વરૂપમાં લોકલડતો પણ થતી હતી. જરા વિચારી જુઓ. આજે મધ્યમવર્ગ (જેને માર્ક્સે ક્રાંતિનો ઉત્પાદક કહ્યો છે.)’ ક્યાં ઊભો છે ? આજે શું છે ?

આટલું કહ્યા પછી ગિરીશભાઈએ અંગ્રેજીમાં મને એક પ્રશ્ન પૂછ્યો. તે રજૂ કરીને આ લેખ સમાપ્ત કરીશું. ગિરીશભાઈનો પ્રશ્ન વિચારવા જેવો છે : “We have certainly grown richer today But are we really happier than we were yesterday during the Gandhian and the Nehruvian era? There were noble values to live upon yesterday. Where are they now?”

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 13-14

Loading

4 November 2018 admin
← ગિરીશભાઈ પટેલ – સામાજિક લડતના વકીલ
જો આવડત હોય તો રાજકાજના ટકોરાબંધ માપદંડ દ્વારા રાજ કરી બતાવો →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved